બોન્સાઈ ~ દીર્ઘ નવલિકા ~ ભાગ:3 (7માંથી) ~ લે: વર્ષા અડાલજા

બોન્સાઈ-ભાગ 3

એ.સી. રૂમમાં અંદર બેસીશું કે બહાર લોન પર?’

અવંતિએ આટલા સમયમાં ખાસ કશી વાત કરી ન હતી, `બહાર જ બેસીએ?’

સૂરજે વિદાય લીધી હતી પણ હજી ક્યારેક એનાં છેલ્લાં કિરણો થોડાં આસપાસ વેરાયેલાં હતાં. એના આછા ઉજાસમાં બત્તીઓ ઝગમગી ઊઠી હતી. અવંતિએ ઉમા માટે ખુરશી ખસેડી બન્ને ટેબલ પર સામસામે બેઠા. ઉમાને થયું, એના જેટલો જ સંકોચ અવંતિને પણ હતો. ખુલ્લા આકાશ નીચે ઝળહળતા પ્રકાશમાં હવે બન્ને એકલા જ હતા, જેના વિષે બહુ સાંભળ્યું હતું એવા પ્રશ્નો હવે અવંતિ પૂછશે! એ શું પૂછે? એણે શું પૂછવું જોઈએ? વિષ્ણુકાકાએ અવંતિ વિષે પપ્પાને વાત કરી હતી, અને એના વિષે શંભુપ્રસાદજીને.

વર્ષો પહેલાં દાદીએ કહેલી વાત યાદ આવી, એણે પૂછેલું, તમે અને દાદા કેવી રીતે પરણેલાં? એમણે કહેલું, અમે એકમેકને ક્યાં ભાળ્યાં’તાં? મારી સાસુ બૈરાંઓનું ધાડું લઈને મને જોવા આવેલી. સીધી રસોડામાં લઈ ગયાં પછી કહે, સગડી કર, શીરો કર. પાપડ શેકી દેખાડ. રોટલામાં ઘડતી આંગળીઓની ઓકળી પાડી દેખાડ…

`તમને સંગીત ગમે છે એમ ભાભીએ કહ્યું?’

એ ચમકી ગઈ.

`હા, હું ક્લાસમાં જાઉં છું પણ હજી બે વરસ બાકી છે.’

અવંતિએ હજી સીધી નજર નહોતી માંડી, સહેજ બાજુ પર જોતાં એણે કહ્યું, `એ તો સારી વાત છે.’

વાત અટકી ગઈ. કયા બિંદુથી આરંભ કરવો કે પછી અંત!

આજુબાજુનાં ટેબલ પર લોકો આવવા લાગ્યા હતા. તૂટક વાતચીતના અને બાળકોની દોડાદોડના અવાજોની વચ્ચે બન્ને ચૂપચાપ બેઠા હતા.

કશુંક પૂછવું જોઈએ, `તમને શેનો શોખ છે?’

અવંતિને માટે આ કોઈ અણધાર્યો પ્રશ્ન હોય એમ એ નવાઈથી ઉમાને જોઈ રહ્યો.

`મને સંગીત, ફિલ્મોનો શોખ છે, વાંચવું પણ ગમે. તમને પણ શોખ તો હશેને?’

`હં… મને ટૅનિસ રમવું ગમતું હતું…’

`અહીં આવતા હતા? ટૅનિસકૉર્ટ દેખાય છે અહીંયાં. પછી શું થયું?’

`બીઝી.. ઑફિસનું કામ…’

પછી અચાનક કશી પ્રસ્તાવના વિના અવંતિએ પૂછ્યું, `આવતાં મહિને આપણાં લગ્ન છે. તમને વાંધો નથી ને?’

ઉમાએ નવાઈથી પૂછ્યું, `તમે લગ્નની વાત કરો છો?’

`તો? આપણે શેને માટે મળ્યા છીએ?’

`હા… પણ… આપણે એકમેકને સહજ મળ્યાં, ઓળખતાં પણ નથી.’

બેરર આવીને ઊભો રહ્યો. એ ઉતાવળમાં હતો, ટેબલો ભરાઈ ગયા હતા.

`યસ, સર.’

`તમે શું લેશો?’

`મને અહીંની કશી ખબર નથી, તમે જે કહો તે, ભૂખ નથી, જ્યુસ પણ ચાલશે.’

`ઓ.કે. દો કૉકટેલ.’

એ ગયો. ઉમાએ હવે અવંતિ સામે સીધી નજરે જોયું. શંભુપ્રસાદ જેવી પ્રતાપી શેહ પમાડતી વ્યક્તિનો આ ભાઈ હતો! એની પાછળ કોઈ આભા વર્તુળ નહોતું.

`શું વિચારો છો? અમે બન્ને ખરેખર ભાઈઓ છીએ.’

એ શરમાઈ ગઈ. પુસ્તકનાં પાનાંની જેમ એણે વિચારો વાંચી લીધા!

`હું તો એમ જ… સહજ…’

જ્યુસની ટ્રે આવી. અવંતિએ મેમ્બરશીપ નંબર લખી બિલ પર સહી કરી.

`હા ઉમા. ઘણીવાર અમને બન્નેને સાથે જોઈ કોઈ વિચારે છે, અમે બન્ને સગા ભાઈઓ છીએ! મોટાભાઈનું સોશિયલ, પૉલિટિકલ સ્ટૅટસ, બિઝનેસની કુનેહ.. હું તો જાણે ભરતી પછીની ઓટ.’

`ના, ના. એવું નથી.’

બીજું શું કહેવું ઉમાને સૂઝ્યું નહીં. અવંતિ પણ મૌન હતો. દૂરનાં ઊંચાં ઝગમગતાં બિલ્ડિંગ પર નજર માંડી હતી જાણે ભૂતકાળનાં પડળ ઉખેળતો હોય.

`મોટાભાઈ મારાથી ચૌદ વર્ષ મોટા, એમને તેંતાલીસ, મને અઠ્યાવીસ થશે. હું દસ વર્ષનો અને ગામની શાળામાં ભણતો હતો. મા-બાપુ એસ.ટી. બસ ઍક્સિડન્ટમાં સાથે જ ગયાં. નાનું ખેતર, ઘર વેચી ભાઈ મુંબઈ આવ્યા અને… જવા દો એ વાત. તમે નજરે જોઈને ભાઈએ કમાયેલી દોમદોમ સાહ્યબી?’

અવંતિએ નજર પાછી વાળી, થોડો જ્યુસ પીધો.

ઉમા રસપૂર્વક સાંભળી રહી હતી. કદાચ અવંતિ પોતાની સાથે વાત કરી રહ્યો હતો. ઉમાએ ધીમેથી કહ્યું, `તમારા મોટાભાઈએ ખૂબ પરિશ્રમ કર્યો હશે, નહીં?’

`હા, મોટાભાઈ મારું ભલું જ ઇચ્છે એટલે એમણે તમને મારે માટે પસંદ કર્યા હોય અને લગ્ન નક્કી કર્યા હોય એમાં મારી હા જ હોય. મારે તમને કશું પૂછવું નથી.’

`પણ આપણી વચ્ચે સ્ટેટસ ગેપ કેટલો છે એનો વિચાર કર્યો? તમારો અને મારો ઉછેર કેટલા જુદા માહોલમાં થયો છે!’

`સ્ટેટસનો વિચાર મોટાભાઈએ કર્યો જ હોય અને મને જો પૂછો તો…’

`તો?’

`મને કશો ફેર પડતો નથી.’

`પણ તમારા બિઝનેસનાં, મિત્રોનાં વર્તુળથી હું બિલકુલ જુદી જ પડી જાઉં. મને હાઇ-સોસાયટીની રીતભાત નથી આવડતી અવંતિ.’

`તમે જેવા સીધાસાદા છો એવા જ મને ગમો છો.’

ઉમાના હાથને સહજ સ્પર્શ કરી અવંતિએ હાથને પાછો ખેંચી લીધો.

`સૉરી. તમને વાંધો ન હોય તો આપણે ડ્રાઇવ પર જઈશું? તમારે ઘરે ફોન કરી કહેવું હોય.. પૂછવું હોય તો.. હું ઘરે મૂકી જાઉં.’

`ના. આપણે ડ્રાઇવ પર જઈએ.’

એણે મોબાઇલમાં જોયું, પપ્પા-મમ્મીનો કોઈ મેસેજ ન હતો. આમ પણ એમણે ક્યારે એની પર રોકટોક લગાવી હતી!

મોડી સાંજની ઉભરાતી ગિરદીમાંથી કાર રસ્તો કરતી જઈ રહી હતી. અવંતિ મૌન હતો, કદાચ એણે કહેવાનું કહી દઈ પોતાનો નિર્ણય એને કહ્યો હતો. એને મળ્યાં પહેલાંથી પણ એણે ભાઈનો નિર્ણય સ્વીકારી લીધો હતો. બારી પર માથું ઢાળી પવનને મોઢા પર ઝીલતી ઉમાને થયું, એનો નિર્ણય પણ પપ્પા-મમ્મીએ લઈ જ લીધો હતો ને!

અવંતિની પ્રોફાઈલ આકર્ષક હતી. એ શાંત હતો. પહેલી જ વાર મળતાં એ નિખાલસ લાગ્યો હતો. એના વૈભવનો બિલ્લો છાતી પર લટકાવેલો ન હતો. આ જે સરળ દેખાતો ચહેરો, એનો ચહેરો હશે કે મહોરું!

કાર ઊભી રહી. રમતગમતના વિશાળ મેદાનને છેવાડે હજી થોડા કિશોરો રમી રહ્યા હતા.

‘અહીં બેસીએ?’ કહેતાં અવંતિ એનાથી સહેજ અંતર જાળવીને પાળ પર બેઠો. પાળ થોડી ઊંચી હતી, એણે હાથ લંબાવ્યો, હાથ પકડી ઉમા પણ પાળ પર બેસી પડી. ત્યાં એક નાની છોકરી આવી અને મોગરાના ગજરાઓનો ઝુમખો આગળ કર્યો, `સા’બ આજ કુછ બેચને કા નહીં હુઆ, લેલોના મૅમ.’

અવંતિએ સો ની નોટ આપી, ગજરાઓ લઈ લીધા. થેંકુ સા’બ બોલતી હસતી હસતી એ દોડી ગઈ. અવંતિએ ઉમા પાસે ગજરાનો ઢગલો મૂક્યો. અવંતિએ આછું સ્મિત કર્યું. મોગરાનાં ફૂલોની સુગંધની લહેર એને વીંટળાઈ વળી. અહીં એકાંત હતું પણ એણે આજ સુધી સાંભળેલી રોમાન્સની વાતો જેવું કશું અવંતિએ ન કર્યું. એ દૂર રમતાં કિશોરોને જોઈ રહ્યો હતો.

`આ તમારી ગમતી જગ્યા છે?’

`કોઈ વાર આવું છું અહીં, ભીડવાળી જગ્યાઓથી અકળામણ થઈ આવે છે. મને જોતાં નીના દોડી આવે છે.’

`નીના?’

`સાંજે થિયેટર પર અને માર્કેટમાં ફરતી એ ગજરા વેચે છે.’

ઉમાએ એક ગજરો એના વાળમાં ભરાવ્યો. મોગરાની છાલકથી એ સુગંધિત થઈ ગઈ. અવંતિ પાળ પરથી ઊતરી ગયો,

`થોડું ચાલીશું તમને વાંધો ન હોય તો?’

એ કૂદકો મારી ઊતરી પડી. મોગરાના ગજરાઓ એણે પાલવમાં લઈ લીધા.

`રવિવારની સવારે હું અને પપ્પા મૉર્નિંગ વૉકમાં પછી ગરમ ઈડલી ઢોસા ઝાપટીએ. પેલું શિવમંદિર છેને સી.એન.રોડની પાછળ ત્યાં એક ઢોસાવાળો છે, શું મસ્ત બનાવે છે ઈડલી ઢોસા! તમે ત્યાં ખાધું છે?’

`ના. રસ્તા પર ઊભા રહીને ખાવાનું… હેલ્ધી ન હોય ને!’

છોભીલી પડી ગઈ હોય એમ ઉમા ચાલતી રહી. અચાનક અવંતિ અટકી ગયો.

`સૉરી તમને દુભવવાનો ઈરાદો નહોતો પણ એમ રસ્તા પર ખાવાની નાનપણથી જ ટેવ નહીં એટલે… ચાલો જઈશું? તમારા પેરન્ટ્સ ચિંતા કરતા હશે.’

હવે રસ્તાઓ ખૂલી ગયા હતા અને કાર ઝડપથી જઈ રહી હતી. ખાસ કશી વાતો થઈ નહીં. જાણે જલદી ઘર આવી ગયું. કાર ઊભી રહી, એ ઊતરવા જતી હતી કે અવંતિએ કહ્યું, `તમે બોર થયા હશો. મને વાતો કરવાની આદત નથી.’

`ના. થૅન્ક્સ ગજરા માટે.’

એણે બારણું બંધ કર્યું અને બારીમાંથી જરા ઝૂકીને કહ્યું, `થેન્ક્સ ડ્રાઇવ માટે અવંતિ.’

`ભાભીએ તમારા મમ્મી પાસેથી તમારો નંબર લઈ મને વૉટ્સએપ કર્યો છે. તમને વાંધો ન હોય તો કાલે ફોન કરું.. તમે કહેશો ત્યાં જઈશું.’

થોડી મૌન ક્ષણો ખોડંગાતી બે વચ્ચેના અવકાશમાં પસાર થઈ ગઈ. અવંતિએ ઉતાવળે કહ્યું, `એટલે તમારો જવાબ હામાં છે એમ સમજીને કહું છું… કદાચ તમારી ઇચ્છા ન પણ હોય, પણ તમે મને ગમો છો. ગુડ નાઇટ.’

અને કાર ચાલી ગઈ. એ બિલ્ડિંગને દરવાજે ઊભી રહી ગઈ. અચાનક જ જીવન બદલાઈ જાય એ શું શક્ય છે?

એ ઘરે આવી ત્યારે મમ્મી-પપ્પા એની જ પ્રતીક્ષા કરતાં હતાં. સ્વાતિ એકદમ ઉત્સુકતાથી બોલી પડી, `આવી ગઈ બેટા?’

`તારી સામે તો ઊભી છું.’

એ જલદી અંદર જવા ગઈ, જાણતી હતી મમ્મી, અને કદાચ પપ્પા પણ એવા પ્રશ્નો પૂછશે જેના જવાબ એની પાસે નથી.

`બેસને બેટા.’

`મમ્મી, કાલે વહેલી સવારે કૉલેજ છે.’

`ઘડીકમાં શું ખાટુંમોળું થઈ જવાનું છે! આવ.’

`સ્વાતિ, એવડી શી ઉતાવળ છે, હમણાં ને હમણાં! કાલે સાંજે નિરાંતે…’

`લે, નિરાંત કેવી! જો ઉમા, એમને પક્ષે તો બધું નક્કી જ છે, તેં જ સાંભળ્યુંને કે શંભુપ્રસાદજી તો કાલે મુહૂર્ત કઢાવી લેશે.’

`અરે પણ મમ્મી! એમ કેમ જાણે નક્કી જ હોય!’

ઉમા અકળાઈ ગઈ.

`તું પહેલાં કહે, એ અવંતીકુમાર સાથે શી વાતો થઈ?’

`પ્લીઝ, હજી એ અવંતિ છે કુમાર-બુમાર નહીં લગાડ. હજી એ તારો જમાઈ નથી થયો.’

`તે એમાં શી વાર છે? કાલે સવારે અગિયાર વાગ્યે અરુણાબેન લગ્નની તારીખ આપી દેવાના છે. અવંતિ તો હા-ના નહીં કરે, એની મને ચિંતા હતી.’

કાલે લગ્નની તારીખ? એના લગ્નની? એ બેસી પડી, `પપ્પા તમે તો કંઈ બોલો! બધું જેટ સ્પીડે નથી બની રહ્યું! અવંતિએ તો લગ્નની હા જ પાડી છે.’

સ્વાતિ મલકી, `જોયું! મેં માનતા માની છે તે અત્યારથી ફળવા લાગી છે. અવંતિ રાજી છે.’

`મમ્મી પ્લીઝ, તેં માનતા માની છે એ વળી શું? પપ્પા તમે કંઈ કહેતા નથી? બધાંની મરજી છે, મારી મરજીનું શું?’

`જો ઉમા, પહેલી વાત તો એ કે અમે તારું ભલું જ ઇચ્છીએ એ તો તું કબૂલ કરે છેને? કુટુંબ કેટલું ખાનદાન અને સંસ્કારી! મેંય તપાસ કરી હોં ઉમા!’

`તું તો મહાલયની રાણી બનશે. લગ્ન પછી જોડે રહેતાં રહેતાં પછી લાગણી તો થઈ જાય. હું ને પ્રથમેશ લગ્ન પહેલાં એક જ વાર મળેલાં. ગામ જુદાં જુદાં, ઘરમાં વડીલો. એમ ઝટ દોડીને મળાય થોડું?’

ઉમા ઊભી થઈ ગઈ.

`મમ્મી તારી લગ્નકથા તેં મને દસ વાર સંભળાવી છે.’

એણે રૂમમાં જઈ બારણું બંધ કર્યું. કપડાં બદલ્યાં. મોગરાના ગજરાનો ઓશીકા પાસે ઢગલો કર્યો. ફૂલોની મીઠી સુગંધ ધીમે ધીમે એને વીંટળાઈ વળી. અવંતિનું નામ ફૂલની જેમ મનમાં મહેકી ઊઠ્યું, અવંતિને એ ગમે છે એ વિચારતાં અવંતિનો શાંત ચહેરો તાદૃશ્ય થઈ ગયો, આ મોગરાના ઢગલાની જેમ એ સામે બેસી, પૂછી રહ્યો છે, તમે મારી સાથે લગ્ન કરશો? કરશોને? સાથે જ માતાપિતાના શબ્દો ફરી ફરી યાદ આવ્યા, અમે તારું ભલું જ ઇચ્છીએને, મમ્મીએ તો કાલે મારી કુંડળીયે જોવડાવી લીધી. એનો લગ્નનો શુભકાળ ચાલે છે અને બાધા પણ રાખી છે. એનો કેટલો દૃઢ વિશ્વાસ હશે કે આ વ્યક્તિ સાથેનું લગ્ન યોગ્ય જ છે! પછીથી શોધવા જઈશું તો આવા ઘર-વર આપણી તો પહોંચની બહાર, પપ્પાએ વહાલથી કહ્યું હતું. બેટા ઉમા, તારો અભ્યાસ, સંગીત બધું કરી શકીશ એ તો શંભુપ્રસાદજીના પોતાના શબ્દો પછી શું?

એના શ્વાસમાં મોગરાની મહેક ભળી ગઈ. આંખોમાં ધીમે ધીમે નિંદર ચોરપગલે આવતી હતી. સાથે પોઠ ભરીને સપનાંઓ. અવંતિએ સહજ જ કરેલો સ્પર્શ, નીરવ શાંતિના એકાંતમાં મેદાનની પાળ પર બાજુમાં બેઠેલો અવંતિ; એક પુરુષનો, એના શરીરનો જીવનમાં પ્રથમવાર જ થયેલો તીવ્ર અહેસાસ.

એ ઝબકીને ઊઠી ગઈ, એ પોતે જાગી ગઈ હતી કે એની કાયા?

હવે ઊંઘ આવે એમ નહોતી. વહેલી સવાર હતી. ચા બનાવી પ્રોજેક્ટ કરું વિચારતી રસોડામાં ગઈ. પ્રથમેશભાઈ દૂધ ગરમ કરી રહ્યા હતા.

`પપ્પા તમે?’

`કાલે રાત્રે તારી મમ્મી એક્સાઇટમેન્ટમાં મોડેથી સૂતી છે, હું વૉક માટે ઊઠી ગયો. મને થયું લાવ દૂધ ગરમ કરી લઉં, એ ભલે નિરાંતે સૂતી, અને આ આપણા બન્નેની ચા. તારા રૂમમાં લાઇટ જોઈ આ મૂકી દીધી.’

એ વહાલથી પિતાને વળગી પડી, `પપ્પા, તમે બધાનો વિચાર કરો છો. આઇ લવ યુ.’

`ભલે ભઈ ભલે, લે તારી ટ્રે અને વાંચવા બેસ. પછી એટલો ટાઇમ નહીં મળે.’

`એટલે તમે માનો છો કે હું…’

`…લગ્ન માટે તૈયાર છે. તારો ચહેરો કહે છે ઉમા.’

એ ચાનો કપ લઈ એના રૂમની બાલ્કનીમાં આવી. નાની સરખી બાલ્કની એની પ્રિય જગ્યા. એના એક ખૂણામાં અનાજના એક બે ડબ્બા અને ઘરનો થોડો સામાન પણ રહેતો.

પણ આ જ બાલ્કનીમાંથી પ્રભાતનો સૂર્ય સોનેરી કિરણોની છાબ ભરી એના ખંડમાં પ્રવેશતો. ધીમે ધીમે સૂરજે કોર કાઢી અને ધુમ્મસ વિખેરાઈ એના મનમાં ઉજાસ પથરાયો.

ચાનો કપ રસોડામાં મૂકી એ રૂમમાં આવી અને પુસ્તકો નોંધો વગેરે ટેબલ પર ગોઠવી એ વાંચવામાં પરોવાઈ પણ ક્યારેક મોબાઇલ પર સહજ નજર જતી, અવંતિએ કહેલું એ મેસેજ કરશે. કરશે?

કૉલેજ જવા તૈયાર થતી હતી કે સ્વાતિ આવી, `તારાં લૅક્ચરર્સ કેટલા વાગ્યા સુધી છે? અરુણાબેન કૉલેજ પર કાર મોકલશે. શૉપિંગ પર જવાનું છે.’

`બપોરે સાડા ત્રણે છેલ્લું લૅક્ચર છે.’

એણે કબાટ ખોલ્યું, એ કૉલેજે તો ડ્રેસ જ પહેરતી હતીને! હલકા બદામી રંગનું ચૂડીદાર કુરતું પસંદ કર્યું. હવાની જેમ અદૃશ્ય મોગરાની સુગંધ એને વીંટળાઈ વળી. એના શ્વાસથી એને આંતરબાહ્ય સુગંધિત કરતી હતી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ખૂબ જ રસપ્રદ પ્રકરણ. જિંદગીના બદલાવ ને બાખૂબી સજાવ્યો.