માતૃવંદના શ્રેણી ~ હાથ છૂટ્યાની વેળા (એક સ્મરણકથા) ~ આશા વીરેન્દ્ર
આ જગમાં આવીને આંખો ખોલી ત્યારે એ નાનકડી કીકીઓમાં જેની આક્રૃતિ ઝિલાઈ હતી એવી મા હવે આ જગમાં નથી એ સ્વીકારવું કેટલું કપરું હોય છે એ તો એ જ સમજી શકે, જેણે એ વિખૂટાં પડવાની, મૂળસોતાં ઊખડવાની પીડા વેઠી હોય.
‘બા ગયાં,હંમેશ માટે ગયાં’ આ વાક્ય કાને પડતાંની સાથે એક ખાલીપો મને ચોતરફથી વીંટળાવા લાગ્યો હતો. ધીમે ધીમે એ મારી નજીક, વધુ નજીક આવતો ગયો અને એની ભીંસ એવી તો વધતી ગઈ કે, ત્યારે તો એમ લાગ્યું કે, એના ભારથી દબાઈ જવાશે, હમણાં હૈયું ધબકતું બંધ થઈ જશે પણ ના, એવું કશું ન થયું.
જેમના વિના હું એક પળ પણ નહીં જીવી શકું એમ માનતી હતી, એમના ગયા પછી આટલાં વર્ષેય જીવું છું. બહારથી તો અકબંધ છું, માત્ર જીવનનો એક હર્યોભર્યો, મેઘધનુષી સમયખંડ એમની કાયાની સાથોસાથ ભસ્મીભૂત થઈ ગયો.
મારી ત્યારની સાડાત્રણ દાયકાની જિંદગીમાં બીજી વખત બાને વિદાય આપવાની, એમને વળગી રહેલાં મારાં અસ્તિત્વને ઉતરડી નાખવાની ઘડી આવી પહોંચી હતી. પહેલી વિદાય આપવાની ક્ષણ આવી હતી પંદર વર્ષ પહેલાં, જ્યારે તેઓએ સંસાર ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરી હતી.
ભાઈ (પિતાજી)નાં અવસાન પછી બાનું મન સંસાર પ્રત્યે ધીમે ધીમે વિરક્ત થવા લાગ્યું હતું. મારા સિવાય બીજાં ભાઈ-બહેનોનાં લગ્ન થઈ ગયાં હતાં તેથી અને હું સૌથી નાની અને લાડકી હોવાને લીધે હજી બાનો જીવ મારામાં પરોવાયેલો હતો. એક તરફ દીક્ષા લઈને સંયમ પંથે જવા એ ઉતાવળા થતાં હતાં તો બીજી તરફ ‘મારા વિના આ છોકરી નહીં રહી શકે’ એવી ચિંતા પણ એમને સતાવતી હતી.

છેવટે એમણે નિર્ણય લીધો કે મારા લગ્ન પછી ત બા રત જ દીક્ષા લેવી. મારું વેવિશાળ તો થઈ જ ગયું હતું એટલે લગ્નનાં મુહૂરતની સાથે જ દીક્ષાનો દિવસ પણ જોવડાવાયો, જે બરાબર મારાં લગ્ન બાદ એક મહિને આવ્યો.
લગ્ન અને દીક્ષાની-મારા સંસાર પ્રવેશની અને બાના સંસાર ત્યાગની તૈયારીઓ એકસાથે ચાલી. મારે માટે પાનેતર લેવાય તો બા માટે શ્વેત વસ્ત્રો ખરીદાય, મારે માટે અલંકારો પસંદ થાય ત્યારે એમને માટે ભિક્ષાપાત્ર (પાતરા) લેવાય.
આ બધું અસહ્ય અને આકળાવનારું હતુ પણ બીજો કોઈ ઉપાય નહોતો. અમારા બંને માટે તદ્દન વિરુધ્ધ દિશાના બે રસ્તા નિર્માયા હતા. મારો રાગનો, એમનો વૈરાગનો- મારો ભોગનો એમનો ત્યાગનો.
બંને માર્ગ એવા તો ફંટાઈ જવાના હતા કે જે આગળ જઈને ક્યાંય, ક્યારેય મળવાના નહોતા. મારે હૈયે ગ્રૃહસ્થાશ્રમ માણવાની કોઈ હોંશ નહોતી. હતો તો માત્ર એક અજંપો, જે દિવસ રાત મને રિબાવી રહ્યો હતો. મારે માટે ખરીદાયેલી સાડીઓની સાથે એક આછા ભૂરા રંગનું સેલું પણ હતું.
‘આ તો મેં નહોતું લીધું તો પછી આ કોને માટે?’ એવા મારા સવાલનો જવાબ મળ્યો- ‘બાને વરઘોડામાં પહેરવા માટે,’ આ સાંભળીને હું નખશિખ કંપી ઊઠી.
દીક્ષા લેનાર મુમુક્ષુ સંસાર છોડતાં પહેલા બધાં સુખ-વૈભવ ભોગવી લે, માણી લે અને આટઆટલું હોવા છતાં કેટલી સહજતાથી, નિર્મમતાથી સુખ-સાહ્યબીનો, ઐશ્વર્યનો ત્યાગ કરી શકે છે એ પ્રસ્થાપિત કરવા દીક્ષા પહેલાં દીક્ષાર્થીનો વરઘોડો નીકળે.
મારી સાંભરણમાં મેં બાને કદી રંગીન સાડલામાં જોયાં નહોતાં. મારા જન્મ પહેલાં મારા એક ભાઈનું અવસાન થયેલું ત્યારથી બા સફેદ વસ્ત્રો જ પહેરતાં.
વર્ષીદાનના વરઘોડામાં એમણે ઉમંગભેર પેલું સેલું પહેર્યું. ગળામાં મોટા હીરાનાં પેંડંટ વાળી મોતીની માળા, કાનમાં ઝગમગાટ કરતા હીરાનાં લવંગિયા-આવા ઠઠારા સાથે એમને જોયા ત્યારે મને ખૂબ અડવું અને વરવું લાગેલું. એમનું આ નવતર સ્વરૂપ હું સ્વીકારી નહોતી શકતી.
ના, આ મારી ચિરપરિચિત મા નહીં, કોઈ અજાણી સ્ત્રી છે, જે મારાથી જોજનો દૂર છે. હું હાથ લંબાવું ને એનો પાલવ હાથમાં આવે એ નજદીકી હવે જાણે માઈલોનાં અંતરમાં ફેરવાઈ ગઈ છે.
એક ચિત્કાર, એક પીડાદાયક સણકો માનમાં ઊઠ્યો પણ વરઘોડાનાં આનંદ-ઉલ્લાસસભર વાતાવરણમાં મારા દર્દનો પડઘો ક્યાંય પડે એમ નહોતો.
સર્વત્ર પડઘાઈ રહ્યા હતા ‘જય જય નંદા, જય જય ભદ્દા’ના જયઘોષ, ‘દીક્ષાર્થી અમર રહો’ના નારા અને જિનશાસનનો જયજયકાર. મારી વેદનાને સંકોરીને મારે હૈયામાં જ ધરબી દેવી પડી હતી.
વરઘોડાને બીજે દિવસે વિશાળ જનસમુદાય અને કેટલાય સાધુ-સાધ્વીની હાજરીમાં બાની દીક્ષા સંપન્ન થઈ.
એમનું મુંડન કરેલું માથું અને દીક્ષાર્થીનો વેશ મારાથી સહન જ નહોતો થતો. હું તો એમની સામે નજર જ ન માંડી શકું અને એમનાથી દૂર દૂર ભાગું. તો એમનેય ક્યાં ચેન પડે એમ હતું? ભલે તમામ સાંસારિક બંધનોનો ત્યાગ કરીને એ સંયમ માર્ગે ડગ માંડી રહ્યાં હોય પણ મારી ફિકર એમને હૈયે વળગેલી હતી જ. મને શોધવા એ ચારેબાજુ, ચકળવકળ નજર ફેરવ્યા કરે અને એમનાં ગુરુજી વગેરે સૌ આઘાપાછાં હોય ત્યારે ઘરના કોઈ સભ્યને પૂછે,’આશા કેમ દેખાતી નથી? હજી રડ્યા કરે છે? એણે કંઈ ખાધું કે ભૂખી જ છે? એને મારી પાસે લઈ આવોને!’
આમ ને આમ રાત પડી. ઘરના સૌએ મને ખૂબ સમજાવી. એમને ખાતર પણ મારે મક્કમતા રાખવી જોઈએ એમ કહી મને એમની પાસે મોકલી.
જૈન સાધુ-સાધ્વીઓ વીજળીનો ઉપયોગ ન કરી શકે એટલે એમની પાસે ગઈ ત્યારે ઓરડામાં મારાં હૈયાંની જેમ અંધકાર ફેલાયેલો હતો. અંધારામાં અવાજને આધારે એમની પાસે જઈને બેઠી પણ એકે અક્ષર મોંમાંથી નીકળે નહીં.
હવે એમને ‘બા’ નહીં કહેવાય. બોલતાં શીખી ત્યારે જે શબ્દ સૌથી પહેલો જીભે ચઢ્યો એ જ શબ્દ આજથી નહીં બોલવાનો? આ તે કેવી સજા? હવે એમને શું કહીને સંબોધવાનાં?
મનમાં વિચારોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આંખો એક ક્ષણ માટે પણ કોરી રહેતી નહોતી. આ બધું એમને એ ઘેરા તમસમાંય સ્પષ્ટ દેખાઈ ગયું. વિનંતી કરતાં હોય એવા સૂરે એમણે પોતાનાં ગુરુમહારાજને પૂછ્યું, ’આશા એટલે કે, એ લોકો બધાં મને ‘બા મહારાજ ‘ કહીને બોલાવી શકે?’
ગુરુજીએ તરત જ હા પાડી. એમની આ સંમતિથી બાની હિંમત વધી હોય એમ એમણે અચકાતાં અચકાતાં બીજી અરજ કરી, ‘આજે-આજે એને મારા ખોળામાં સૂવાની રજા આપશો? એને મારા ખોળામાં સૂવાનું બહુ વેન છે. આજે છેલ્લી વાર સૂઈ લેશે પછી શાંત થઈ જશે. એ બહુ રડ્યા કરે છે ને માટે પૂછું છું…’
એકવાર દીક્ષા લઈ લીધા પછી આવી માગણી થાય કે નહીં એ બાબતનો સંક્ષોભ ભારોભાર હોવા છતાં મારે ખાતર એમણે પૂછી જ લીધું. ગુરુમહારાજ પણ માયાળુ હતાં. મારો હાથ હાથમાં લઈ ઉષ્માપૂર્વક દબાવતાં હસીને બોલ્યાં, ‘સૂઈ જા બસ?’
હજી એમનું વાક્ય પૂરું થાય ન થાય ત્યાં બાના ખોળામાં માથું નાખતાંક ને હું ડૂસકે ચઢી. એમનાં શ્વેત, નવાનક્કોર કપડાંમાં હું મારી સદાની પરિચિત જૂના સાડલાની અને એમાંથી આવતી રસોડાના તેલ-મસાલાની વાસનો અણસાર શોધવા વ્યર્થ પ્રયત્ન કરવા લાગી.
મારી આંખોમાંથી નીકળતાં આંસુઓ એમનાં કપડાંને અને અત્યાર સુધી પરાણે મજબૂત રાખેલાં એમનાં મનને પણ ભીંજવતા હતાં.
વર્ષો જૂની ટેવવશ યંત્રવત એ હળવે હળવે મારે માથે હાથ ફેરવતાં હતાં પણ અમારી વચ્ચે હતું ભારેખમ મૌન. ટપ્પ કરતું મારા માથે ગરમ આંસુનું બુંદ પડ્યું. હું ચોંકી ઊઠી. આ શું?
‘હવે મને તમારા કોઈ માટે મોહમાયા નથી’ એમ કહેનારાં બા રડે છે કે પછી નવદીક્ષિત સાધ્વી શ્રી શુચિમનાશ્રીજી?

મેં માથું ઊંચું કરીને જોવા પ્રયત્ન કર્યો પણ એમણે જરા દબાણપૂર્વક પોતાના ખોળાસરસું જ મારું માથું દાબી રાખ્યું. એમની નબળાઈ મારી આગળ છતી થઈ જાય એ એમને મંજૂર નહોતું. પછી તો હું એમના ખોળામાં અને એ મારાં મસ્તક પર અશ્રુનો અભિષેક કરતાં જ રહ્યાં.
મારા સઘળા પરિતાપને, સંતાપને પોતાના સ્પર્શથી શોષી લેવા માગતા હોય એમ એમનો વ્હાલસોયો હાથ અત્યંત મ્રૃદુતાપૂર્વક મારે માથે, ગાલે, પીઠ પર ફરતો રહ્યો. અડધી રાત વીત્યે, રડીરડીને થાક્યા પછી બન્ને ક્યારે જમીન પર જ સૂઈ ગયાં હોઈશું, શી ખબર?
ત્યારબાદ તો આટલી મોટી વયે દીક્ષાર્થી જીવન મુશ્કેલ લાગવાથી લગભગ બે-અઢી વર્ષ પછી એમને સંસારમાં પાછાં ફરવું પડ્યું. એ પછીનો શેષ જીવનકાળ અત્યંત ધર્મપરાયણ રહીને વિતાવ્યો. અન્નનળીનાં કેંસરની અસહ્ય યાતના ખૂબ શાંતિ અને સમતાપૂર્વક ભોગવી.
અંતિમ સમયે અમે સૌ-એમનો બહોળો પરિવાર-એમની પાસે જ હતાં. મને જ્યારે ભાન થયું કે, હવે બાનાં ખોળિયામાં પ્રાણ નથી ત્યારે એમનો લબડી પડેલો નિર્જીવ હાથ ઉપાડીને ધીમેધીમે મારાં માથા પર ફેરવ્યો-છેલ્લીવાર.
નાનપણથી મને બાનો હાથ માથે ફેરવવો બહુ ગમતો. આટલી મોટી થઈ પછી પણ ગમે તેટલું માથું દુ:ખતું હોય, બાના ખોળામાં માથું મૂકીને સૂઈ જાઉં, બા હળવે હાથે માથું દાબી દે અને વાળમાં એમના વાત્સલ્ય ઝરતાં આંગળાના ટેરવાં અમીસિંચન કરે એટલે દુ:ખાવો ગાયબ.
આજે બાનો હાથ હાથમાં લઈને વિચારી રહી હતી, કદાચ થોડા કલાકો એ પાર્થિવ દેહ અહીં રહેશે, આ હાથ પણ હજી થોડીવાર માટે અહીં જ રહેશે પણ એમાં ધબાકતી ચેતના, ઉષ્મા પછી ક્યાં? હમણાં થોડીવારમાં આ દેહ ટાઢોબોળ થઈ જશે.
આવા જ વિચારોમાં ડૂબેલી મને કોઈએ ઊભી કરી ત્યાં સુધી બાનો હાથ હાથમાં લઈને બેસી રહી. કોઈ મને ત્યાંથી દૂર લઈ ગયું ને મારા હાથમાંથી એ હાથ છૂટ્યો તે છૂટ્યો જ. હવે ફરીથી એ હાથ તો હાથમાં આવવાનો નથી, માત્ર હૈયામાં સંઘરીને બેઠી છું એ હાથ છૂટ્યાની વેળા.
~ આશા વીરેન્દ્ર (વલસાડ)
avs_50@yahoo.com
મા તે મા.
મા સાથે અન્ય વ્યક્તિઓ કરતા નવ મહિનાનો વિશેષ સંબંધ હોય છે.
તેમની બે વખતની વિદાયની આપે ખૂબ સુંદર લાગણીભીની રજૂઆત કરી.
🙏
Well expressed feelings. Mothers love is so selfless & pure. No other relationship can replace it.
માતાથી અલગ હોવાની વેદના એટલે જાણે અસ્તિત્વની ઓળખ ભૂલવાની વેદના.
ખૂબ જ સંવેદનશીલ આલેખન. અભિનંદન આશાબહેન
માતાથી છૂટા પડવાની હ્રદયવિદારક ઘટનાનું લાગણીભીનું કથન