“માડીના વહાલનો વિસ્તાર” ~ ગઝલ ~ શોભિત દેસાઈ
ગઝલ
વધ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
ખૂટ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
નવું પધારે કોઈ ગેબથી તો એ દેખી-
હસ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
ઓવારણા હો…નજર… કે કપાળનું ટપકું…
રમ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
ફગાવી વ્યાકરણો, કાલી ભાષામાં વાતો-
કર્યે જ જાય છે માડી ના વહાલનો વિસ્તાર
અમસ્તુ ખાઉં હું અડબડિયું તો ય મોટેથી
પુછ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
શરીર રુપે હો હાજર કે હોય ફોટામાં
વહ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
પૂજામાં બેસી અમારી ભલામણો કરતાં
નમ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
ગઈ છે મા છતાં ટેવાયો ક્યાં હજી શોભિત?
કહ્યે જ જાય છે માડીના વહાલનો વિસ્તાર
~ શોભિત દેસાઈ
સરસ માડી ના વહાલનો વિસ્તાર ન માપી શકાય
વંદન
બહુ સરસ, માતૃ વંદના🙏
મા તો એક અને અજોડ
જેના વિના જિંદગી બેડોળ.
માડીના વહાલનો વિસ્તાર – આ ગઝલ ગમી ગઈ..હ્રદયસ્પર્શી શેર થયા છે
ખૂબ સુંદર ઉપક્રમ, આપને ખૂબ ખૂબ અભિનંદન