પ્રકરણ:11 ~ બોર્ડિંગની દુનિયા ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
પ્રકરણ:11
કૉલેજમાં જવાથી એક ફાયદો થયો: હું બહેનના ઘરેથી બહાર નીકળી શક્યો. રતિભાઈએ મને બોર્ડિંગમાં દાખલ કરાવ્યો.
એ જમાનામાં સૌરાષ્ટ્રમાં એકાદ બે કોલેજ હતી. સાવરકુંડલા, મહુવા, શિહોર, રાજુલા જેવાં નાનાં નાનાં ગામોમાંથી જો છોકરાઓને કૉલેજમાં જવું હોય તો એમને મુંબઈ આવવું પડે. પણ મુંબઈમાં રહેવું ક્યાં?
આ છોકરાઓ મુંબઈ કૉલેજમાં જાય ત્યારે તેમના રહેવાની સગવડ થાય તે માટે કપોળ નાતિના આગેવાન શેઠિયાઓએ ઠેઠ 1896માં નાતની એક બોર્ડિંગ શરૂ કરી હતી. એ શરૂ થઈ ત્યારે તો માત્ર દસેક જેટલા વિદ્યાર્થીઓ હતા. આજે સોએક જેટલા વિદ્યાર્થીઓ ત્યાં રહીને મુંબઈની વિધવિધ કૉલેજોમાં મેડિસીન, એન્જીનિયરીંગ, કોમર્સ, આર્ટ્સ, લૉ, એવું જુદું જુદું ભણે છે. રતિભાઈ પોતે જ આ બોર્ડિંગમાં રહીને ભણ્યા હતા.
બોર્ડિંગની બાજુમાં જ પોદ્દાર કૉમર્સ કૉલેજ હતી, પણ એમણે મને ઠેઠ ચર્ચગેટ સ્ટેશન પાસે આવેલી સિડનહામ કૉલેજમાં દાખલ કર્યો કારણ કે એ પોતે ત્યાં ગયા હતા. મુંબઈમાં સિડનહામનું નામ પણ મોટું.

માટુંગાના ફાઈવ ગાર્ડન્સના ત્યારના શાંત અને રળિયામણા એરિયામાં આવેલી આ બોર્ડિંગ મારા માટે આશીર્વાદ સમી હતી. હું પહેલી જ વાર ઘરનું વાતાવરણ છોડીને બહાર રહેવા ગયો.
બોર્ડિંગમાં રહેનારા બધાં જ કૉલેજિયનો અને લગભગ સમવયસ્ક. રૂમની સાઈઝ મુજબ એક, બેથી માંડીને ચાર જેટલા પાર્ટનર હોય. વરસે વરસે તમારા પાર્ટનર બદલાય. આમ સાવ અજાણ્યા લોકો સાથે રહેવાનું મને મળ્યું.
પહેલે જ વરસે અનિલ દોશી મારા રૂમ પાર્ટનર હતા. એ માટુંગાના જ હતા. એમની દ્વારા મને એમના ભાઈ કનુભાઈ દોશી સાથે ઓળખાણ થઈ જે જીવનભરની મૈત્રીમાં પરિણમી.
હું જ્યારે અમેરિકા આવવા તૈયાર થયો ત્યારે પાસપોર્ટ મેળવવા જે ગેરેન્ટીની જરૂર પડે તે મારા કોઈ સગા આપવા તૈયાર ન હતા. પણ અનિલભાઈએ ખુશીથી ગેરેન્ટી લખી આપી. પછી તો બન્ને દોશી ભાઈઓના અમેરિકા આવવામાં હું નિમિત્ત બન્યો.
આ બોર્ડર્સમાં કેટલાક તો મુંબઈ કે આજુબાજુના પરાના હતાં. ઘણા કોન્વેન્ટ સ્કૂલ્સમાં ભણેલા. ફટફટ ઇંગ્લીશમાં વાતો કરે, ઇસ્ત્રીવાળાં કપડાં પહેરે, ટેનિસ અને બેડમિન્ટન રમે. કો’ક ભાગ્યશાળીને તો વળી ગર્લફ્રેન્ડ હોય!
એ બધા રવિવારે રેસ્ટોરાંમાં જાય અને પછી અરોરા કે બીજા કોઈ થિયેટરમાં જઈને હોલીવુડની ફિલ્મ જુએ.
બીજે દિવસે ડાઈનીંગ ટેબલ પર એ ફિલ્મની ઇંગ્લીશમાં વાત કરે. હું આ બધું આભો બનીને જોઈ રહું. ડાઈનીંગ ટેબલ પર વાત કરવાની હજી મારામાં હિંમત આવી નહોતી. ઈંગ્લીશમાં બોલવાની તો વાત જ ક્યાં કરવી?
બોર્ડિંગની પાછળ અને આજુબાજુ લગોલગ બીજાં મકાનો. બારી ઉઘાડો તો સામેના ફ્લેટમાં શું થઈ રહ્યું છે તે બધું દેખાય, શું બોલાય છે તે બધું સંભળાય. ત્યાં વસતા લોકો માટે અમારા જેવા બોર્ડર્સનો મોટો ત્રાસ હોવો જોઈએ.
લીબીડોથી ઊભરાતા અમે સોએક નવજુવાનો. દિવસે અને ખાસ તો રાતે આજુબાજુના ફ્લેટ્સમાં શું થઈ રહ્યું એ જોવા જાણવા અમે આતુર. ચકળવકળ આંખે મીટ માંડીએ. આ જાસૂસી કરતા ક્યારેક અમે પકડાઈએ પણ ખરા. ફરિયાદ આવે. થોડી વાર એ બધું બંધ થાય, પણ વળી પાછુ શરૂ થાય.
મારી બારી સામે એક કચ્છી કુટુંબ હતું. ત્યાં એક નમણી છોકરી એના કોન્વેન્ટ સ્કૂલ સ્કુલના યુનિફોર્મમાં બાલ્કનીમાં ઘણી વાર ઊભી હોય તેને હું જોતો.
વરસો પછી અમેરિકામાં એક પાર્ટીમાં એણે મને પકડી પાડ્યો. કહે કે તું બોર્ડિંગમાં રહેતો હતો અને તારી બારી મારી બાલ્કનીની સામે જ પડતી હતી! મીટ માંડવામાં માત્ર અમે છોકરાઓ જ નહોતા!
હું હજી ઈસ્ત્રી વગરના લેંઘો કફની અને ચપ્પલ પહેરતો હતો. મુંબઈના પ્લેબોય બોર્ડર્સ સામે હું સાવ ગામડિયો જ દેખાયો હોઈશ. પેન્ટ શર્ટ અને શુઝ લેવાના મારી પાસે પૈસા ન હતા. કાકા આગળથી પૈસા માગવાની તો વાત જ નહોતી. એમને તો હું બહેનનું ઘર છોડીને કૉલેજ જવા માટે બોર્ડિંગમાં રહેવા ગયો તે જ નહોતું ગમ્યું.
રતિભાઈ આગળ પૈસા માગવાનો સંકોચ થતો હતો. એ મારી કૉલેજની ફી, ટ્રેનમાં આવવાજવાનો પાસ, અને બોર્ડિંગમાં બે ટંક ખાવાના પૈસા આપતા. મને થયું કે બોર્ડિંગમાં ખાવાનું એક ટંકનું કરી નાખું તો થોડા પૈસા બચે.
રતિભાઈના સંતાનોને સવારના ટ્યુશન આપતો હતો. પણ સાંજના એક વધારાનું ટ્યુશન આપી શકાય તો સારું એમ માનીને એ શોધ આદરી. મારો એક બીજો રૂમ પાર્ટનર પણ માટુંગાનો જ હતો.
એ કહે મારા ભાઈને માટે અમે ટ્યુટર ગોતીએ છીએ. તારે કરવું છે? આમ મારું સાંજનું ટ્યુશન શરૂ થયું. પૈસાની થોડી રાહત થઈ. બે ટંકનું ખાવાનું શરૂ કર્યું.
પહેલું વેકેશન પડ્યું કે દેશમાંથી આવેલા છોકરાઓ તો ઘરે ગયાં. મેં જોયું કે એ બધાને ઘરેથી કાગળો આવે. ખાવાના, ખાસ કરીને મીઠાઈના પાર્સલ આવે. ભાઈ, બહેન કે માબાપ દેશમાંથી ખાસ મળવા આવે.
મુંબઈના છોકરાઓ માટે તો પરીક્ષાના દિવસોમાં એમનાં સગાંઓ ચાનાસ્તો લઈને હાજર હોય. એક પેપર પૂરું થાય કે સગાંઓ ઘેરી વળે, થર્મોસમાંથી ગરમ ગરમ ચા કાઢે, નાસ્તો ખવરાવે, પેપર સહેલું હતું કે અઘરું એવી પૂછપરછ કરે.
આ બધું હું દૂર ઊભો ઊભો જોઈ રહું. મનોમન સમસમી રહું.
બા-કાકાને ખબર પણ નહીં હોય કે હું શું ભણું છું, કે અત્યારે પરીક્ષા ચાલે છે. મારા ચાર વરસના વસવાટમાં દેશમાંથી સમ ખાવા પૂરતો કાકાનો એક કાગળ પણ આવ્યો નહોતો, તો એમની મળવા આવવાની તો વાત ક્યાં કરવી?
એ દિવસોમાં મને બહુ ઓછું આવતું. કાકા ઉપર મને એટલો તો ગુસ્સો આવતો હતો કે ચાર વરસમાં એકે વાર હું દેશમાં ઘરે ગયો નહોતો. જો કે દેશમાંથી પણ કોઈએ મને કહ્યું નહોતું કે વેકેશન પડ્યું છે તો એક વાર ઘરે આવી જા. કમસે કમ અમને તારું મોઢું બતાડી જા!
બોર્ડિંગમાં ધીમે ધીમે હું સેટલ થઈ ગયો. રૂટીનમાં સવારે ટ્યુશન કરવા જવાનું. આવીને કૉલેજમાં જવા માટે દાદર સ્ટેશન સુધી ચાલીને ચર્ચગેટની ટ્રેન પકડવાની.
બપોરના ભૂખ લાગે. ગારમેન્ટ ક્લીનિંગના સ્ટાર્ચવાળા કડક પેન્ટ શર્ટ પહેરેલા અને ઇંગ્લીશમાં વાત કરતા મુંબઈના છોકરાછોકરીઓથી ભરેલી કેન્ટીનમાં જવાની હિંમત નહોતી. પૈસા પણ નહોતા.
કોલેજમાં સદ્ભાગ્યે થયેલા મિત્ર નવીન જારેચાને પકડતો. એમની બહેનને ત્યાંથી એમનું ટીફીન આવતું તેમાં હું ક્યારેક ભાગ પડાવતો, કહો કે એમના કરતાં વધુ ખાતો! નવી લખેલી કવિતા એમને વંચાવાના બહાને.
કૉલેજના કલાસિસમાં મને ભાગ્યે જ રસ પડતો. બધું ઇંગ્લીશમાં. આપણે વાયા વિરમગામથી આવેલા. પ્રોફેસર તો ઇંગ્લીશમાં એનું લેક્ચર ગગડાવીને ચાલતા થાય. હું બાઘો થઈને સાંભળું પણ સમજું કાંઈ નહીં. ક્લાસ ક્યારે પતે એની રાહ જોઉં. ટ્રેન પકડીને પાછો બોર્ડિંગમાં. આવીને ટ્યુશન કરવા જાઉં. આ મારી રોજની રૂટીન.
બોર્ડિંગમાં એક નાની લાયબ્રેરી હતી. તે સંભાળવાનું કામ મેં લીધું. એનું જે કાંઈ થોડું બજેટ હતું તેમાંથી થોડાં માસિકો જે હું દેશમાં હું વાંચતો – સંસ્કૃતિ, વિશ્વમાનવ, વગેરેનું લવાજમ ભર્યું.
મોટા ભાગના બોર્ડર્સને લાયબ્રેરીમાં કે આ માસિકોમાં કોઈ રસ ન હતો. કૉલજના પાઠ્યપુસ્તકો વાંચવાને બદલે આ માસિકો આવે એટલે તરત વાંચી જતો. વધુમાં બોર્ડિંગમાં એક સ્ટડી સર્કલ શરૂ કર્યું. જેમાં બહારથી કોઈ જાણીતા સાહિત્યકારને લેક્ચર આપવા અમે બોલાવતા.
સિડનહામ કૉલેજમાંથી ઈંગ્લીશના પ્રોફેસર મહિષી અને ગુજરાતીના પ્રોફેસર મુરલી ઠાકુર, અને મીઠીબાઈ કૉલેજમાંથી ઈતિહાસ અને રાજકારણના પ્રોફેસર નગીનદાસ સંઘવીને હું આ સ્ટડી સર્કલમાં લઈ આવ્યો હતો.

એક વાર હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયને બોલાવેલા. એ નાટ્યકાર, કવિ, સંગીતકાર, અને પાર્લામેન્ટના મેમ્બર! જો કે ત્યારે એ હજી “બાવરચી” ફેમના મોટા ફિલ્મ સ્ટાર નહોતા થયા. છતાં મારે માટે એ બહુ મોટા માણસ હતા. ક્રાંતિકારી વિરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના એ ભાઈ. પણ ખાસ તો કોંગ્રેસના પહેલા ભારતીય મહિલા પ્રમુખ અને ગાંધીજી સાથે દાંડીકૂચમાં જોડાયેલ સરોજીની નાયડુના એ નાના ભાઈ.

હરીન્દ્રનાથ આવવા તૈયાર થયા, પણ એક શરતે. “તું મને આવીને ટેક્સીમાં લઇ મૂકી જા.” આમાં તો ગાંઠનું ગોપીચંદન કરવાની વાત હતી. પણ આ તો બીગ કેચ હતો. મેં હા પાડી.
દિવસ નક્કી કર્યો. હું તો નિયત દિવસે એમને ઘરે પહોંચી ગયો. ફ્લેટની ઘંટડી મારી. જવાબ નહીં મળ્યો. બારણાને જરાક ધક્કો માર્યો તો ઊઘડી ગયું. અંદર ગયો. દીવાનખાનામાં કોઈ ન મળે. હિમ્મત કરીને અંદર આગળ વધ્યો અને જોયું તો બેડરૂમમાં કોઈ જુવાન છોકરીને એ ચુંબન ભરતા હતા!
હું તો હેબતાઈ ગયો. ત્યારે હજી હું ગાંધીવાદી ચોખલિયો હતો. મને જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા. મેં એમને કહ્યું કે હું એમને લેવા આવ્યો છું. મને બહાર બેસવાનું કહ્યું. તૈયાર થઈને અંદરથી બહાર નીકળ્યા. ટેક્સી લીધી.
કશું જ ન બન્યું હોય એમ ટેક્સીમાં અલકમલકની વાતો કરતા અમે બોર્ડિંગમાં પહોંચ્યા. આજે પચાસ જેટલા વરસે એ શું બોલ્યા હતા તે યાદ નથી, પણ એ કોઈ જુવાન છોકરીને ચુંબન કરતા હતા તે બરાબર યાદ છે!
એ દિવસોમાં હું ગાંધીવાદી હતો. દેશદાઝ ઘણી હતી. પેન્ટ શર્ટ પહેરવાનું શરૂ કર્યું એ પહેલાં જે કફની લેંઘો પહેરતો એ ખાદીના પહેરતો. મારાં એક ફઈનો દીકરો જયંતિ આ બધી બાબતમાં મારો ગાઈડ હતો. લગભગ મારી જ ઉમ્મરનો, સગા કરતા મિત્ર વધુ.
એક દિવસ મને કહે, દેશમાં ગરીબ લોકો ભૂખે મરે છે, અને આપણે કેટલું બધું ખાઈએ છીએ. જમવામાં માત્ર બે રોટલી અને કાં તો શાક અથવા દાળ, અને ફરસાણ અને મીઠાઈ તો નહીં જ નહીં.
બોર્ડિંગમાં રવિવારે એક જ વાર જમવાનું હોય, પણ બપોરના મોટી જ્યાફત થાય. એ બહુ વખણાય. બહારના માણસો પણ ગેસ્ટ તરીકે આવે. હવે જયંતિએ આપેલા નિયમો મુજબ જ્યાફતની મીઠાઈ અને ફરસાણ મારાથી ખવાય જ નહીં.
બોર્ડિંગના મહારાજ મારાં આ નવાં નવાં ધતિંગ જોયા કરે. એમનાથી રહેવાયું નહીં. એક વાર મને બાજુમાં લઈને પૂછે, તને મારી રસોઈ ભાવતી નથી કે શું? શું કંઈ વધુ ઓછું લાગે છે? મેં જ્યારે મારું કારણ સમજાવ્યું ત્યારે માથું ધુણાવીને ખસી ગયા!
(ક્રમશ:)