એક ટીપું ઝાકળનું ~ દીર્ઘ નવલિકા ~ લે: વર્ષા અડાલજા ~ શનિવાર ૨૨ એપ્રિલથી શરુ

‘એક ટીપું ઝાકળનું સૂરજ થવાને શમણે‘

નાનકડું ઝાકળનું ટીપું જરાક અમથું આયુષ્ય લઇને પણ લીલાછમ્મ પાંદડા પર નિરાંતે પોઢે છે અને નિંદરમાં જિંદગીના નવા પ્રભાતનાં સોનેરી સપનાં જુએ છે. એ સોનેરી શમણાની જીવનરસથી ધબકતી દીર્ઘ વાર્તાઓનો સંપૂટ એટલે એક ટીપું ઝાકળનું. 

આ દીર્ઘ નવલિકા-વાર્તા હપ્તાવાર પ્રગટ થશે, દર શનિવારે. 

લેખક પરિચય:

વર્ષા અડાલજાનો જન્મ ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ લેખક ગુણવંતરાય આચાર્યને ત્યાં મુંબઈમાં થયો. શૈશવથી જ સાહિત્ય અને રંગભૂમિમાં રસરુચિ ગળથૂથીમાં મળ્યા અને અનેક ક્લાસિક નાટકોમાં પ્રમુખ ભૂમિકાઓ કરી.

1966થી લેખન કારકિર્દીની શરૂઆત ફેશન કૉલમિસ્ટ તરીકે કરી. પહેલી નવલકથા પેરીમેસનની અસર તળે રહસ્યકથા લખી અને તરત મૌલિક કથાલેખનની શરૂઆત કરી.

બીજી જ નવલકથા `તિમિરના પડછાયા પરથી ગુજરાતી ફિલ્મ અને નાટક તૈયાર થયું, જેનાં દેશ-પરદેશમાં ઘણાં શો થયા. `મારે પણ એક ઘર હોયનવલકથાને શ્રેષ્ઠ કૃતિનું ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ વાર પારિતોષિક મળ્યું અને દીર્ઘ લેખનયાત્રામાં પછીથી અનેક પારિતોષિક, ઍવૉર્ડ્ઝ અને સન્માન મળ્યાં.

તેમણે વણખેડાયેલા વિષયો પસંદ કરી, સત્યઘટના, પ્રસંગો, પાત્રોને નહીં સાંધો નહીં રેણ એ રીતે કલ્પનાથી રસીને એક પછી એક સામાજિક નિસ્બત ધરાવતી ઉત્કૃષ્ટ નવલકથાઓ આપી છે.

તેમની કલમ તેમને ક્યાં ક્યાં લઈ ગઈ છે! લેપ્રસી કોલોની, જેલમાં, યુદ્ધના મેદાનમાં, તો મૅન્ટલી ચૅલેન્જ્ડ બાળકોની હૉસ્પિટલમાં, મધ્યપ્રદેશનાં ઘન જંગલમાં આદિવાસીઓ વચ્ચે. `ગાંઠ છૂટ્યાની વેળા નવલકથા માટે દર્શકે કહ્યુંં હતું, આ કથાએ ગુજરાતી સાહિત્યમાં નવી દિશાની બારી ખોલી છે. નારાયણ દેસાઈએ કહ્યુંં, રક્તપિત્તગ્રસ્તોની કથા `અણસાર નવલકથા તરીકે તો ઉત્કૃષ્ટ કલાકૃતિ છે જ પણ એથી વિશેષ પીડિત માનવતા માટે એક પૈગામ છે.

તેમને અસંખ્ય પારિતોષિકો અને સન્માન પ્રાપ્ત થયાં છે. સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, દર્શક ઍવૉર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક, `ફૂલછાબપત્રકારત્વ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગુ.સા. પરિષદ, મહારાષ્ટ્ર રાજ્ય ગુ. સા. અકાદમી, સાંસ્કૃતિક અભિયાન, પ્રિયદર્શીની અવૉર્ડ ભગવતીકુમાર શર્મા જેવા લાઇફ ટાઇમ ઍચિવમૅન્ટ જેવાં સન્માન મળ્યાં છે.

લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ અમેરિકાની, વિશ્વની અત્યંત સમૃદ્ધ, વિશાળ લાઇબ્રેરી છે. ભારતની પ્રમુખ ભાષાઓનાં સર્જકોનાં સ્વરમાં તેમની કૃતિઓનાં રેકોર્ડિંગ્સ સાઉથ એશિયન લિટરેચર પ્રોજેક્ટમાં આર્કવાઇઝમાં સાચવવામાં આવ્યા છે, ગુજરાતી ભાષામાં આ માટે વર્ષા અડાલજાની પસંદગી થઈ હતી, આજે તેમનું રેકોર્ડિંગ્સ ફોટા સાથે વૉશિંગ્ટન DCની લાઇબ્રેરીમાં છે.

તેમની કથા પરથી ફિલ્મ્સ, નાટકો અને ટી.વી. શ્રેણીઓ બની છે અને પારિતોષિકો મળ્યા છે.

2009માં લંડન ઇન્ટરનેશનલ બુકફેરમાં ભારતની જુદી જુદી ભાષાના ડેલિગેશનમાં તેમની પસંદગી થઈ હતી, લિટરલી એકેડમી ઑફ નોર્થ અમેરિકાનાં આમંત્રણથી, કવિવર ટાગોરની જન્મજયંતિ નિમિત્તે તેમને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું હતું.

2022માં આઝાદીકા અમૃતમહોત્સવ, ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટીવલ, સિમલામાં દેશપરદેશનાં સર્જકો સાથે તેમને પણ પણ નિમંત્રણ મળ્યું હતું.

તેઓ વર્ષોથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલાં છે, વર્ષ 2012માં ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખ તરીકે વર્ષા અડાલજાની વરણી થઈ હતી. દિલ્હી, સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ પર તેમની નિયુક્તિ થઈ અને સાહિત્ય અકાદમીનાં ગુજરાતી પ્રાદેશિક બોર્ડ પર અત્યારે ત્રીજી ટર્મ માટે તેમની નિયુક્તિ થઈ છે.

વર્ષો સુધી ઑલ ઇન્ડિયા રેડિયો – મુંબઈ પર લેખક – અભિનેત્રી અને રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું હતું. જન્મભૂમિ જૂથનાં `સુધા’ અને ટાઇમ્સ ગ્રૂપના ગુજરાતી `ફેમિના’ના તંત્રી તરીકે તેઓ કાર્યરત હતા.

તેમના સર્જન પર અનેક વિદ્યાર્થીઓએ Ph.D. કર્યું છે, તેમના પુસ્તકો અભ્યાસક્રમમાં છે.

પ્રતિષ્ઠિત સંસ્થા Sparrow: Sound and Picture Archives For Research On Women તરફથી 2018માં સ્પેરો લીટરલી ઍવૉર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

ત્રણ પેઢીના વિશાળ ફલક પર આકાર લેતી, સ્વાતંત્ર્‌યસંગ્રામથી શરૂ થઈ, અનેક કાળખંડ વટાવતી ક્રૉસરોડ ગુજરાતી સાહિત્યની માઈલસ્ટોન કૃતિએ અનેક ઍવૉર્ડ્ઝ, પારિતોષિકો અંકે કર્યા છે. ‘ક્રૉસરોડ’ નવી સદીની મહાન નવલકથા છે.

સમાજના અંધારા ખૂણામાં દીવો પેટાવવાનું કામ સર્જકનું છે.

***

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. વાહ વાહ.પ્રતીક્ષા છે શનિવાર 22 તારીખની.