મંગળ કરાવે દંગલ – અતિ તેની ગતિ નહિ ~ લેખકઃ અનંત પટવા (મુંબઈ) ~ 9820258978
લેખ-૫
નભોમંડળનો અત્યંત ઉર્જાવાન અને તાકાતવાન ગ્રહ મંગળ ચોથા ક્રમાંકે આવે છે. મંગળનો રંગ લાલ છે. મંગળને સેનાપતિ પણ કહેવામાં આવે છે.
મંગળની ગતિ અતિશય હોય છે. ફળ આપે ત્યારે ઉત્તમોત્તમ આપે અને ખરાબ ફળ આપે ત્યારે એ પણ કનિષ્ટ હોય. એટલે મંગળને અતિશયોક્તિ સાથે સાંકળવામાં આવ્યો છે.
મંગળને ભૂમિનો કારક કહેવાય છે. મંગળ મકર રાશિની અંદર ઉચ્ચનો, મેષ અને વૃશ્ચિક રાશિમાં પોતાની રાશિનો થાય છે. કર્ક રાશિની અંદર નીચત્વ પ્રાપ્ત કરે છે.
મંગળ પોતાના મિત્ર ગ્રહ સાથે બેસીને એના ફળમાં અત્યંત વધારો કરે છે. મિત્ર ગ્રહને ઉર્જાવાન બનાવે છે. સૂર્યદેવ, ચંદ્ર અને ગુરુ મંગળના મિત્રો છે. રાહુ અને બુધ એના કટ્ટર દુશ્મન છે. શનિ અને કેતુ સાથે મંગળ સમભાવ રાખે છે.
મંગળનો શત્રુ ગ્રહો સાથેનો સંયોગ જીવનમાં મુશ્કેલીઓની હારમાળા સર્જે છે. મંગળ – રાહુનો અંગારક યોગ એવો જ અશુભ યોગોમાંનો એક છે.
જીવનમાં મોટી દુર્ઘટનાઓ આ ગ્રહોને આભારી છે. તેના કારણે શારીરિક પીડા, માનસિક પીડા, ધનની અછત, લડાઈ – ઝગડા, કંકાસ, વાણીમાં ઉગ્રતા, કકર્શતા, કટુતા, દુશ્મનાવટ, વંશપરંપરાગત ચાલતાં અદાવતના કેસો, આગ, ચોરી, લૂંટફાટ, કુદરતી આપદા, અતિવૃષ્ટિ, ધરતીકંપ, સુનામી વગેરે જોવા મળે છે.
યુદ્ધનો કારક પણ મંગળ જ છે. મંગળનાં અનિષ્ટ યોગોને કારણે દેશોના દેશો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવા ખરાબ યોગો આતંકવાદ અને ગુંડાતત્ત્વને પણ હવા આપે છે. જાતકને કેન્સર કે એવા જ અસાધ્ય રોગની ભેટ આપે છે.
હવે વાત કરીએ એ દોષની, જેનું નામ સાંભળતાં જ ભલભલાના હાંજા ગગડી જાય છે. માંગલિક શબ્દમાં જ અમંગળના એંધાણ વર્તાવા લાગે છે.
મંગળ જન્મલગ્નમાં 1, 4, 7, 8 અને 12માં ભાવમાં બેસે ત્યારે માંગલિક કુંડળી ગણવામાં આવે છે. આ મંગળ દાંપત્ય જીવનમાં પારાવાર મુશ્કેલીઓ સર્જે છે. ઘણી વાર લગ્ન 30 વર્ષની ઉંમર સુધી ખેંચાઈ જાય. એમાં પણ ચોથા, આઠમા અને બારમા સ્થાનનો મંગળ ઘણી વાર મેરેજ થવા જ નથી દેતો અથવા થાય તો દાંપત્ય કલહ કે છૂટાછેડામાં પરિણમે છે.
આપણે વાત કરીએ મંગળની નકારાત્મક ઉર્જાને હકારાત્મક બનાવવામાં કારગત નીવડતા આ ઉપાયોની હારમાળા ચોક્કસપણે મંગળથી થતાં અમંગળને મંગળમાં પરિવર્તિત કરશે.
મંગળના ઉપાયોમાં જોઈએ તો દર મંગળવારે નકોરડો ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. મંગળના ઇષ્ટ ગણપતિદાદા અને હનુમાનજીનું ધ્યાન ધરવું. દરરોજ હનુમાનચાલીસા અને ગણપતિ અથર્વશિશનો ત્રણ વાર પાઠ કરવો.
ૐ ગં ગણપતયે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવો.
દર મંગળવારે ગણપતિબાપાને લાલ જાસુદનું ફૂલ, દુર્વા તેમજ મોદકનો પ્રસાદ ધરવો. દરરોજ ઘરમાં ગણપતિનું ધ્યાન ધરવું અને રોજ ગોળનો પ્રસાદ ધરવો.
દર મંગળવારે અઢી કિલો ઘઉં, ગોળ અથવા લાલ મસૂરની દાળ અને લાલ ફ્રૂટનું દાન ગરીબોને કરવું. મંગળના ઉપાયમાં દાનનો વિશેષ મહિમા છે.
શક્ય હોય તો હનુમાનજીના મંદિરમાં ચોલો ચડાવવો. (ચોલો-વસ્ત્ર). મંદિરમાં ધજા પણ ચડાવી શકાય. દારુ, પરસ્ત્રીગમન, માંસાહારથી હંમેશાં દૂર રહેવું. શાકાહાર અપનાવવો. દરરોજ માતાપિતા, ગુરુજનોના આશીર્વાદ લેવા.
મંગળવારે શક્ય હોય તો ગૌમાતાની સેવા કરવી. લીલું ઘાસ, ગોળ, રોટલી અથવા લાડવા ખવડાવવા.
જરૂર જણાય તો યોગ્ય માર્ગદર્શન હેઠળ પાંચ રતિનું મંગળનું રત્ન (પરવાળું – કોરલ) ધારણ કરવું.
સ્ત્રી જાતકોએ ઓવલ આકારનું નંગ ધારણ કરવું અને પુરુષ જાતકે ત્રિકોણ આકારનું નંગ ધારણ કરવું. તાંબા અથવા સોનામાં અથવા પંચધાતુમાં પણ ધારણ કરી શકાય.
ચિત્રા નક્ષત્રની અંદર યોગ્ય માર્ગદર્શન હેઠળ શુદ્ધ ચાંદીમાં ગણેશયંત્ર બનાવીને ઘરમાં સ્થાપના કરવાથી મંગળની ખરાબ અસરોમાંથી મુક્ત થઈ શકાય છે.
ઉપર આપેલા નાના ઉપાયો અત્યંત ઉર્જાવાન અને પ્રભાવશાળી છે. મંગળના તાપથી ડરી જવાની બદલે આવા અસરકારક ઉપાયોનું સંયોજન કરીને એનો અમલ કરવાથી માંગલ્યનો અનુભવ થશે.
આપણી આ શૃંખલા સમસ્યાથી સમાધાન તરફ છે. આ ઉપાયોથી આ શીર્ષક જરૂર યથાર્થ થશે. ગુરુકૃપાથી મળેલા આ નાના પણ અસરકારક ઉપાયોનો શાસ્ત્રોક્ત ખજાનો આપ સૌ સામે ખુલ્લો મૂક્યો છે. આ ઉપાયરૂપી આભૂષણો ધારણ કરી આપના જીવનમાં આનંદમંગલનો ઉદય થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના.
જતાં જતાં એક વાત. ઘણા વાચકો ફોન ઉપર પૃચ્છા કરી રહ્યા છે. તો એમની સમસ્યાના સમાધાન માટે, કેસ-ટુ-કેસ ધોરણે, ટૂંક સમયમાં એક ઝૂમ મિટિંગ યોજવાનો વિચાર છે. તેની વિગતો અને રૂપરેખા બ્લોગના સંપાદકો દ્વારા જાહેર કરવામાં આવશે.
***
(નોંધ: જેમને પણ માર્ગદર્શન લેવું હોય તેઓ શ્રી અનંતભાઈ પટવાનો સીધો સંપર્ક કરી શકે છે. નંબર: +91 9820258978, Email: anantpatwa@icloud.com)
Lovely article! very insightful
Nice Article!
Nicely explained!!