સોશિયલ મીડિયા કંપનીઓનો વધતો જતો પ્રભાવ તથા ભારત સરકારનો ઇન્ફરમેશન ટેકનોલૉજી (આઈટી)ને સંલગ્ન કાયદો ~ ટેકનોલૉજીના તાણાવાણા (૯) ~ લે. સંજય ચૌધરી
ટેકનોલૉજીના તાણાવાણા (૯)
સોશિયલ મીડિયાના સતત વધતા જતા પ્રભુત્વને કારણે બાળકોથી માંડીને વયસ્કોમાં વૉટ્સએપ, ફૅસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, લિન્કઇન, ટીકટૉક, ટમ્બલર, ક્યૂક્યૂ વગેરેનો ઉપયોગ સતત વધતો રહ્યો છે.
આ વિવિધ ઍપનો ઉપયોગ કરીને દૈનિક તેમ જ વ્યાવસાયિક કામકાજ અસરકારક રીતે કરી શકાય છે તો કેટલીક ઍપ તો માત્ર સામાજિક, મનોરંજન તથા અંગત વાતોને લગતી હોય છે. કેટલાક લોકો સમય કે શક્તિના સંદર્ભમાં તેનો સદુપયોગ કે દુરુપયોગ કરતા હોય છે પણ વિશાળ વર્ગને તો જાણે તેનું વળગણ જ લાગ્યું છે!
મોબાઇલ ફોન તેમ જ તેની ઉપલબ્ધ વિવિધ ઍપનો ઉપયોગ કરનાર નાના અને ચબરાક બાળકોને જોઈ તેને તેમની બુદ્ધિમત્તા સાથે સાંકળીને તેમનાં માબાપ હરખાતાં હોય છે!
કિશોરોથી માંડીને મોટી ઉંમરના તમામ લોકો તેમના ફોન કે કૉમ્પ્યુટર પર ઇન્સટૉલ કરેલી ઍપ પર આવેલા સંદેશા, ફોટા કે લેખને બરાબર વાંચે કે ન વાંચે તેમ જ તેનો અર્થ સમજે કે ન સમજે તે પહેલાં જ તેને પસંદ કે નાપસંદ કરે, પોતાની નોંધ સરખી રીતે લખે કે ન લખે તેમ જ તેના પોતાના મિત્રવર્તુળમાં કે જાહેર જનતા માટે તેને શૅર કરે કે આગળ મોકલી આપે છે.
‘ધ ગ્લોબલ સ્ટેટેસટિક્સ’ના સર્વેક્ષણ મુજબ વર્ષ ૨૦૨૩માં ભારતની એકસો ચાલીસ કરોડની વસ્તીમાંથી લગભગ અગણોસિત્તેર કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને બાસઠ કરોડ લોકો મોબાઈલ ફોન દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
ભારતમાં ફેસબુકના ઓગણપચાસ કરોડ, વૉટ્સઍપના ત્રેપન કરોડ, યુટ્યૂબના છેતાળીસ કરોડ, ટ્વીટરના ઓગણત્રીસ કરોડ, ઇન્સ્ટાગ્રામના એકાવન કરોડ, લિન્કઇનના ચોવીસ કરોડ ઉપયોગકર્તા છે.
વ્યાવસાયિક, સામાજિક, ધાર્મિક અને રાજકીય ઉદ્દેશો આધારિત સંદેશા, નોંધ, લેખ, ફોટા, ચિત્રો કે વીડિયો સ્વરૂપે સામગ્રી સોશિયલ મીડિયા પર સતત લખાતી તેમ જ ફરતી રહે છે.
સોશિયલ મીડિયાની કંપનીઓ આ માટે જરૂરી આઈટી પ્લૅટફોર્મ પૂરું પાડે છે અને કંપનીના કર્મચારીઓ સિવાયની ત્રાહિત વ્યક્તિઓ અથવા તો જાહેર જનતા આ પ્રકારની સામગ્રી પ્રકાશિત કરતી રહે છે. એટલે કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પ્રકાશિત સામગ્રી માટે તે કંપની પોતે જવાબદાર નથી.
આવી સામગ્રીની પ્રમાણિતતા કે ચોકસાઈ તપાસવા માટે કોઈ તંત્રી કે સંપાદક નથી હોતા. જેને લેખક કે સામગ્રીના રચનાકાર થવું હોય તેને સ્વતંત્રતા છે અને લખાણ કે સામગ્રી માટેની જવાબદારી પણ લખનાર કે પ્રકાશિત કરનારની રહે છે.
સોશિયલ મીડિયા પર મુકાયેલી સામગ્રીને લોકો પસંદ નાપસંદ કરી શકે છે, પોતાનો પ્રતિભાવ આપી શકે છે અને તેના આધારે તેને વાંચનાર લોકો નક્કી કરી શકે છે કે સામગ્રી સાચી છે કે ખોટી અથવા તો ગુણવત્તાસભર છે કે ગુણવત્તા વિનાની.
બીજા શબ્દોમાં કહીએ તો આ પ્રકારની સામગ્રીની ચોકસાઈ કે પ્રમાણિતતા અંગે વ્યક્તિએ પોતે જ નિર્ણય કરવાનો રહે.
સોશિયલ મીડિયા કંપનીઓ લોકોને પોતાનું પ્લેટફૉર્મ વિના મૂલ્યે પૂરું પાડે છે અને તેમની આવકનો એક મુખ્ય સ્રોત છે તેમની વેબ સાઈટ કે મોબાઇલ ઍપમાં દર્શાવવામાં આવતી જાહેરાતો. દેખીતી જ વાત છે કે જેટલા વધુ લોકો જુએ એટલી જાહેરાતો પણ વધુ મળે.
અગાઉ આપણે “ડેટા તથા સાયબર સુરક્ષા”ને સંલગ્ન ચર્ચા કરી છે, જે અંગેની જાણકારી વાચકોને ઉપયોગી નીવડશે. તે લેખો નીચેની લિન્ક ઉપર ઉપલબ્ધ છે.
https://aapnuaangnu.com/2022/11/16/technology-na-tanavana-sanjay-chaudhary-5/
ભારત સરકારનો આઈટી ઍક્ટ
ભારત સરકારનો આઈટી ઍક્ટ વર્ષ 2000માં અમલમાં આવ્યો. આ કાયદા મુજબ ટેલિકૉમ, નૅટવર્ક, વેબ હોસ્ટિંગની સેવા આપનાર, સર્ચ એન્જિન, ઑનલાઈન પેમેન્ટ, ઑનલાઈન ઑકશન, તેમ જ સોશિયલ મીડિયા કંપનીઓને વચગાળાની કંપનીઓ કહેવામાં આવે છે.
આઈટી કાયદાના સેકશન 79 મુજબ આવી વચગાળાની કંપનીઓની વેબસાઈટો પર કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કે કંપની જે પણ ડેટા, માહિતી કે વેબ લિન્કો મૂકે તે માટે આવી વચગાળાની કંપનીઓને તેને માટે જવાબદાર નહીં ગણવામાં આવે. આમ, વચગાળાની કંપનીઓને કાયદાકીય રક્ષણ મળી ગયું.
અહીં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આવી કંપનીઓએ ભારત સરકારની અન્ય જોગવાઈઓને માન્ય રાખવી પડશે. વચગાળાની કંપનીઓને ધ્યાનમાં આવે કે તેની સાઈટો પર કોઈ પણ જાતનો ગેરકાયદેસર ડેટા મૂકવામાં આવ્યો છે અથવા તેવા ડેટાનો ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે અથવા તો સરકાર દ્વારા તેવા ડેટાને હટાવી દેવાની જાણકારી આપવામાં આવી છે તો આવી કંપનીઓએ તેવા ડેટાને તેવી સાઈટ પરથી તરત જ હટાવી દેવો જોઈએ.
જો વચગાળાની કંપનીઓ ઉપર જણાવેલી જોગવાઈ મુજબ કામ નહીં કરે અથવા તો તો કંપની પોતે જ જાણી જોઈને કોઈ પણ કાવતરાનો ભાગ બને તો આઈટી એક્ટના સેકશન 79 મુજબ આવી કંપનીઓને કાયદાકીય રક્ષણ નહીં મળે.
આઈટી ઍક્ટમાં સુધારો
ભારત સરકારના આઈટી ઍક્ટનો સેકશન 79નો આધાર અમેરિકાના કૉમ્યુનિકેશન ડિસન્સી ઍક્ટના સેકશન 230 છે. જેનું મુખ્ય લક્ષ્ય ઑનલાઈન પ્લેટફૉર્મ પર ત્રાહિત વ્યક્તિ કે કંપની દ્વારા મૂકવામાં આવતી ગેરકાયદેસર માહિતીના કારણે ઊભા થતા કાયદાકીય પગલાંઓથી રક્ષણ આપવાનો છે. જો કે આ કાયદા વિશે હજુ કેટલીક સ્પષ્ટતા નથી.
સોશિયલ મીડિયાની વચગાળાની કંપનીઓમાં સંદેશાઓ માટે પ્લેટફૉર્મ પૂરી પાડતી કંપનીઓ જેવી કે વૉટ્સએપ, ટેલીગ્રામ, સિગ્નલ વગેરે તેમ જ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરેનો સમાવેશ થાય છે.
આ કંપનીઓનું હેડ ક્વાર્ટર અમેરિકામાં છે તેમ જ તેમના પ્લેટફૉર્મ પરની સામગ્રી ત્યાંના કાયદા મુજબ સાચવવામાં તેમ જ દર્શાવવામાં આવે છે, જ્યારે ભારતમાં તેમની પેટા-કંપનીનું મુખ્ય કામ જાહેરાતો મેળવવાનું તથા પ્રચારનું હોય છે.
આવા પ્લેટફૉર્મ પર રાજકીય, સામાજિક કે ધાર્મિક લેખ કે સામગ્રી પ્રકાશિત થતી રહે છે તેની પ્રમાણિતતા જળવાય તે માટેના આશયથી તાજેતરમાં ભારત સરકારે પોતાના આઈટી ઍક્ટમાં સુધારો કર્યો, પચીસમી ફેબ્રુઆરી 2021ના રોજ જાહેર કર્યો અને તેનું નામ છે – Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules 2021.
આ ઍક્ટ હેઠળ ડિજિટલ મીડિયા તેમ જ ઓવર ધ ટૉપ (OTT) દ્વારા મનોરંજન પૂરી પાડતી કંપનીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં જણાવવામાં આવ્યું છે કે જે પણ સોશિયલ મીડિયા કંપનીઓને પચાસ લાખથી વધુ ઉપયોગકર્તા (યુઝર્સ) છે તેણે ત્રણ મહિનાની અંદર નિયમ 2021નું પાલન કરવું.
2021 નિયમની શરતો
2021 નિયમ મુજબ ત્રણ મહિનાની અંદર જ વચગાળાની કંપનીઓએ ભારતમાં રહેતો હોય તેવો અને ફરિયાદોનું નિરાકરણ કરે તેવો અધિકારી, ઍક્ટની તમામ જોગવાઈનું પાલન કરાવે તેવો અધિકારી તેમ જ કંપનીનો સંપર્ક કરી શકાય તેવો નૉડલ અધિકારી નીમવો. આ ત્રણેય અધિકારીઓ ભારતમાં જ રહેતા હોય તે કાયદેસર રીતે જરૂરી છે.
કંપનીની ભારત ખાતેની ઑફિસનું સરનામું વેબ સાઈટ તેમ જ તેની મોબાઈલ ઍપમાં સ્પષ્ટ રીતે દર્શાવવું. વાંધાજનક માહિતી તાત્કાલિક ધોરણે હટાવી સરકારને મદદરૂપ થાય તે રીતે કાર્યવિધિ કરવા અંગે દિશાનિર્દેશ કરવામાં આવ્યો છે.
આ કંપનીઓએ તેમને મળેલી ફરિયાદોનું નિરાકરણ કરીને નિયમનું પાલન કરી પગલાં લીધાં હોય તે દર્શાવતો માસિક અહેવાલ પ્રકાશિત કરવો અનિવાર્ય છે. જે સંદેશા કે સામગ્રી ભયજનક કે વાંધાજનક હોય તેને મૂળભૂત લખનાર કે મોકલનાર કોણ છે તેના વિશે માહિતી આપવી. ત્રણ મહિનાની મુદત 25મી મે 2021ના રોજ પૂરી થઈ હતી.
સોશિયલ મીડિયાની વચગાળાની કંપનીઓમાં સંદેશાઓ માટે પ્લેટફૉર્મ પૂરી પાડતી કંપનીઓ માટે એક નવો પ્રશ્ન ઊભો થયો. આવી કંપનીઓ પોતાની વિશ્વનીયતા વધે તે માટે સંદેશાઓ મોકલનાર અને મેળવનાર જ સંદેશાઓ વાંચી શકે તેવી સંદેશાના લખાણનું સંકેતીકરણ (Encryption) કરવામાં આવે છે જેથી અન્ય કોઈ વ્યક્તિ સંદેશા વાંચી ના શકે.
આઈટી ઍક્ટના સેકશન 79 હેઠળ જે સંદેશાઓ વાંધાજનક કે ભયજનક જણાય તેવા સંદેશાઓ મોકલનાર મૂળભૂત વ્યક્તિ કોણ છે તેની જાણકારી સંદેશાઓ માટે પ્લેટફૉર્મ પૂરી પાડતી કંપનીઓએ આપવાનું રહેશે.
અહીં કંપનીઓ માટે એ પ્રશ્ન ઊભો થાય છે કે ઉપયોગકર્તામાં તેમની વિશ્વનીયતા જોખમાય છે. આ નિયમ અંગે વૉટ્સએપ કંપનીએ પોતાનો વાંધો રજૂ કર્યો છે તેમ જ આ નિયમોના અમલ માટે વધારાનો સમય માંગ્યો છે.
જો કે ઍક્ટમાં જણાવવામાં આવ્યું છે કે જે સામગ્રીમાં ભારતનું સાર્વભૌમત્વ કે સુરક્ષા તથા વિદેશો સાથેની મૈત્રી જોખમાય તેમ હોય, બળાત્કાર, ઉઘાડા જાતીય સંબંધોના દૃશ્યો કે નિરુપણો હોય, બાળકો સાથેના અશ્લીલ સંબંધો હોય તેવી સામગ્રી માટે જ મૂળ મોકલનાર તેમ જ મેળવનાર અંગેની જાણકારી મેળવવામાં આવશે જેથી તેવી વ્યક્તિઓ સામે પાંચ કે તેથી વર્ષ માટે જેલની સજા કરી શકાય.
આ ઉપરાંત સોશિયલ મીડિયા કંપનીએ વાંધજનક સામગ્રીને હટાવી લેતા પહેલાં કે તેવી સામગ્રી જોવા પર પ્રતિબંધ મૂકતા પહેલાં તે સામગ્રી જે પણ ઉપયોગકર્તાએ મૂકી હોય તેને તે માટેનાં કારણો દર્શાવી અગાઉથી જાણ કરવી પડશે.
ભારત સરકારે પોતાના આઈટી ઍક્ટમાં સુધારો કર્યો તે સામે સોશિયલ મીડિયા કંપનીઓએ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જો ભારત માટે તેમણે પોતાની કાર્યપદ્ધતિમાં સુધારો કરવો પડે તો બીજા દેશોની સરકાર પણ તેમને તેમની કાર્યપદ્ધતિમાં સુધારા વધારા કરાવે અને તેને કારણે આવી વૈશ્વિક કંપનીઓની નીતિ તેમ જ કાર્યપદ્ધતિ જોખમાય.
ટ્વીટર કંપની અને નવા આઈટી કાયદાના નિયમ 2021
ટ્વીટર સિવાયની તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ નવા આઈટી કાયદાના નિયમ 2021ની ઉપર દર્શાવેલી તમામ શરતોને અમલમાં મૂકી અથવા તો અમલ માટે સ્વીકારી છે.
ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ કે તેની ઍપ પર ખોટી, ચોકસાઈ વગરની કે ભયજનક સામગ્રી પ્રકાશિત થાય તો શું તે માટે તેની સામે ગુનેગારીનો કેસ દાખલ કરીને કાયદાકીય પગલાં લઈ શકાય?
આપણે જાણીએ છીએ કે ગુનેગારીનો કેસ પોલીસ સ્ટેશનમાં જઈ એફઆઈઆરના સ્વરૂપે દાખલ કરી શકાય. અહીં તેના આધારે પોલીસ તે કંપનીની ઑફિસમાં જઈને જે તે કર્મચારી સામે પગલાં લઈ શકે છે.
વર્ષ ૨૦૨૧માં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ તેમની ટ્વીવ્ટમાં જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ પાર્ટીએ ‘કોવિડ ટુલકીટ’ આપી છે.
લોકોને વધારાની જાણકારી મળે તે માટે ટેગ આપવામાં આવતા હોય છે. આ ટ્વીટને ટ્વીટર કંપનીએ ચાલાકીથી રજૂ કરેલી ટ્વીટ દર્શાવવા માટેનું ટેગ આપ્યું. આ સંદર્ભમાં ૨૪ મે, ૨૦૨૧ના રોજ દિલ્હી પોલીસે ટ્વીટરની હેડ ક્વાર્ટર ઑફિસમાં જઈ સ્પષ્ટતા મેળવવા માટે ટ્વીટર ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેકટર મનીશ મહેશ્વરીને નોટિસ આપી હતી. આ દર્શાવે છે કે ટ્વીટર જેવી વૈશ્વિક કંપનીઓ સામે આવી બાબતોમાં પણ તપાસ કરી શકાય છે.

૨૦૨૧માં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના લોની વિસ્તારની એક વૃદ્ધ વ્યક્તિની મારઝુડનો વીડિયો ટ્વીટર પર મૂકવામાં આવ્યો હતો.
ધ વાયર નામના સામયિકમાં સમાચાર પ્રકાશિત થયા હતા કે પાંચમી જૂને અબ્દુલ સામદ નામની બોત્તેર વર્ષની વ્યક્તિ જ્યારે નમાજ પઢવા જઈ રહી હતી ત્યારે તેની પર કેટલીક વ્યક્તિઓએ હુમલો કરી તેની દાઢી કાપી નાંખી હતી, જે વીડિયોમાં જોઈ શકાય છે. તે ઉપરાંત તેને જય શ્રીરામના નારા લગાવવાનું દબાણ કરવામાં આવ્યું હતું.
સાતમી જૂને સામદે અજાણી વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરી. આ કેસ હેઠળ પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું છે કે આ આખો મામલો અંગત ઝઘડાનું કારણ છે. ત્રણેય વ્યક્તિએ સામદને એટલા માટે માર્યા કેમ કે સામદે આપેલા તાવીજ પહેરવાથી તેમના કુટુંબની એક વ્યક્તિને ગર્ભપાત થયો.
લોની બોર્ડર પોલીસ સ્ટેશનના સબ-ઇન્સપેકટર નરેશ સિંઘે ટ્વીટર કંપની, પત્રકારો ઝુબેર તથા રાણા અયુબ, ધ વાયર, કૉન્ગ્રેસના સલમાન નિઝામી, મસ્કૂર ઉસ્માની, તથા શમા મોહમદ તેમ જ લેખક સબા નકવી સામે એફઆઈઆર દાખલ કરી.
તેમાં રમખાણો ફેલાવવાથી માંડીને કોમી લાગણીઓને ઉશ્કેરવા વગેરે જેવા સેકશનનો સમાવેશ કરવામાં આવ્યો. ગાઝિયાબાદની પોલીસે જણાવ્યું છે કે પોલીસે આપેલી સ્પષ્ટતા પછી પણ ટ્વીટ લખનારે ટ્વીટ હટાવી નહોતી તેમ જ ટ્વીટર કંપનીએ પણ તેને હટાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે ટ્વીટનો આશય અશાંતિ ફેલાવવાનો તથા તણાવ ઊભો કરવાનો હતો તથા ઉત્તર પ્રદેશમાં લઘુમતિઓમાં ભય ઊભો કરવાનો હતો.
તે સમયના આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ટ્વીટરે જાણી જોઈને કાયદાનું પાલન નથી કર્યું. આઈટી મંત્રાલયે જૂન પાંચના રોજ પોતાના પત્રમાં ટ્વીટરને જણાવ્યું છે કે ટ્વીટરને આઈટી કાયદા હેઠળ વચગાળાની કંપનીઓને મળતી કાયદાકીય સુરક્ષાની જોગવાઈમાંથી બહાર મૂકવામાં આવશે.
ભારત સરકાર આવું કરી શકશે કે કેમ તે અંગે કાયદાકીય નિષ્ણાતોના મત અલગ છે. પ્રશાંત સુગાથન નામના નિષ્ણાત માને છે કે ટ્વીટર કંપની સામે દાવો માંડવામાં આવશે તો તેના માટે કાયદાકીય રક્ષણ અઘરું છે.
ડિજિટલ હક્કો માટે કાર્યરત દિલ્હી ખાતેની સંસ્થા ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન માને છે કે ટ્વીટર એ વચગાળાની કંપની છે કે નહીં તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે અને ભારત સરકારનું નહીં.
હવે પ્રશ્ન એ રહે છે કે આવનાર સમયમાં ટ્વીટર જેવી સોશિયલ મીડિયાની કંપની સામે સરકાર કે લોકો દ્વારા ગુનેગારીથી માંડીને કેવા કેવા કાયદાકીય પગલાં લેવામાં આવશે?
~ સંજય ચૌધરી
Sanjay Chaudhary <srchaudhary@gmail.com>
સંદર્ભ
- https://www.meity.gov.in/content/cyber-laws
- https://www.meity.gov.in/writereaddata/files/Intermediary_Guidelines_and_Digital_Media_Ethics_Code_Rules-pdf
- https://www.theglobalstatistics.com/india-social-media-statistics/
- https://theprint.in/india/governance/what-twitter-facebook-social-media-firms-could-stand-to-lose-if-they-miss-it-rules-deadline/665015/
- https://thewire.in/tech/after-up-government-fir-spotlight-on-twitters-legal-immunity-status