અનકહી ~ એપિસોડ: ૧ ~ નંદિની ત્રિવેદી || (ભાગ:૨) || ~ લેખકઃ નંદિતા ઠાકોર
કોઈ ખાસ ક્ષેત્રમાં ગજું કાઢી શક્યા હોય એવા ઘણાં લોકો પોતાની આવડત, ધગશ અને મહેનત ઉપરાંત થોડુંક કંઈક ઈશ્વર પાસેથી આશીર્વાદરૂપે અને લોહીના વારસામાં પણ લઈને આવ્યા હોય છે. નંદિની આ બધાનો સરવાળો છે.
એની પાસે ઈશ્વરના આશિષ પણ છે, કુટુંબનો વારસો પણ, અને પોતાની અનોખી દ્રષ્ટિ પણ. પછી એમાં ઉમેરાઈ એની મહેનત અને ધગશ. શિસ્તબદ્ધતા અને ખંત.
વિદ્વાન અને શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત માતાપિતાનું સંતાન હોવાને કારણે નંદિનીને સાહિત્યપ્રીતિ, વાંચન, કલાદ્રષ્ટિ વગેરે વારસામાં સીધું મળ્યું ખરું પણ એની માવજત એણે પોતે કરી.
પ્રિન્ટ મીડિયામાં આટલો લાંબો સમયનો કાર્યાનુભવ જેની પાસે છે એ નંદિનીને પણ ઘણા લોકોની જેમ પ્રિન્ટ મીડિયાની બદલાતી સ્થિતિ માટે થોડી ચિંતા છે જ. અને એનો અર્થ એ નથી કે ડિજિટલ માધ્યમનો સ્વીકાર નથી. એ તો છે જ કારણકે એની મર્યાદાઓ છે તોપણ એનાથી સમગ્ર વિશ્વમાં વધુ લોકો સુધી પહોંચી શકાય છે એમ પણ છે.
પત્રકાર તરીકે ગજું કાઢી ચુકેલી અને નિષ્ઠાવાન કામ કરનાર તરીકેની પોતાની ઓળખ ઊભી કરી શકેલી નંદિની વિશેની મઝાની અનકહી વાત તો એ છે કે ભણીગણીને, પરણીને પોતાની જિંદગી કોઈ જુદી જ દિશામાં શરુ કરનાર નંદિનીને લેખન સાથે નામ પૂરતો ય સંબંધ નહોતો; એટલું જ નહીં, એ એક સફળ પત્રકાર થઇ શકશે એવું તો એણે ભૂલમાં ય નહોતું વિચાર્યું!
સાહિત્યકાર પિતા એમની સાહિત્યિક પ્રવૃત્તિઓ કરતાં કરતાં ક્યારેક નંદિનીને કોઈક લખાણોનાં પ્રૂફ જોવાનું કામ સોંપતા.

શબ્દો સાથેનો નંદિનીનો સીધો સંબંધ એમ જોવા જઈએ તો એટલો જ. એનો વધુ સંબંધ તો સંગીત સાથે. પણ વર્ષો પછી મુંબઈ સ્થાયી થયા પછી, નાનકડી દીકરીને ઉછેરતાં ઉછેરતાં જીવનની બદલાતી ઘરેડ અને વાસ્તવિક્તાએ અર્થોપાર્જનની આવશ્યકતા ઊભી કરી અને આપણી આજની આ સફળ લેખક વિચારમાં પડી- મને આવડે છે શું કે હું ક્યાંક નોકરી કરીને કમાણી પણ કરી શકું?
એક તો પહેલેથી ઓછાબોલો અને શરમાળ સ્વભાવ. સંગીત જેવી વસ્તુમાં રસ અને લગાવ અને થોડી તાલીમ પણ વ્યવસાયિક રીતે કંઈ કરવું હોય તો શું? અહીં નંદિનીની ભીતરની બીજી નંદિની સ્પષ્ટપણે ઉજાગર થઇ જેણે આ પડકાર ઉપાડ્યો. અને શબ્દો સાથેના નાનકડા અને આડકતરા સંબંધની એક નાનકડી ડોર પકડીને એણે એક નવી જ કેડી પર પગરણ માંડ્યા. પત્રકારત્વની કેડી પર.
ગુજરાત સમાચારમાં નંદિનીએ પત્રકારત્વ તરીકે પહેલી નોકરી મેળવી. એ પછી થોડો વખત અભિયાન, પછી મુંબઈ સમાચાર એમ ઉત્તરોત્તર આ યાત્રામાં એ આગળ વધતી ગઈ. એની આ યાત્રા વિષે કદાચ તમે થોડું જાણતા ય હશો પણ બોલો તમને એ ખબર છે કે પત્રકાર તરીકેની એની પહેલી નોકરીનું પહેલું એસાઇન્મેન્ટ સ્પોર્ટસ કવરેજનું હતું? નંદિની આજે ય એ યાદ કરતા હસી પડે છે.
‘સ્પોર્ટ્સ અને હું? મારે વળી સ્પોર્ટ્સ સાથે શી લેવાદેવા? એમાંય ફૂટબૉલ વર્લ્ડકપ?’
પણ જેનામાં કૈં નવું કરવાની, શીખવાની તૈયારી છે એ વળી આ બધાથી હાર થોડી જ માને? સોંપાયેલા કામને પૂરો ન્યાય આપી શકે એવી સમજ કેળવી, આવડત કેળવી તે એટલી હદે કે ધીરે ધીરે અલગ અલગ અખબારો, સામયિકો સાથે કામ કરતાં કરતાં જરૂર પ્રમાણે જુદાં જુદા વિષયો વિશેની જાણકારી મેળવતી ગઈ, પડકારો ઝીલતી ગઈ.
કલમ સાથેનો એનો સંબંધ એવો તો નિખર્યો કે સંગીત હોય, શિક્ષણ હોય, સ્પોર્ટ્સ હોય કે સ્વાસ્થ્ય – નંદિની દરેક વિષય પર લખી શકે. જે તે વિષય વિષે નવું વાંચે, વિચારે, રિસર્ચ કરે, અભ્યાસ કરે, માહિતી મેળવે, નિષ્ણાતોની સલાહ લે. એની સંગીત કોલમ જેટલી જ એની હૅલ્થ કોલમ પણ રસપ્રદ અને માહિતીસભર હોય.
પેનનું ઢાંકણું ખોલવા માત્રથી લેખક થઇ બેસનારો એક વર્ગ છે તે આમાંથી કંઈ શીખી શકે? કોઈ વાતની સજ્જતા એમ ને એમ અચાનક નથી આવી જતી. માત્ર કુદરતી આવડત અને પ્રેરણા ય પૂરતાં નથી હોતા. પોતાની સજ્જતા વધારવાની તૈયારી અને એ દિશામાં મહેનત એ બહુ મોટી વસ્તુ છે અને આ નંદિની ત્રિવેદીમાં એ બધું અભરે ભર્યું છે જેની તો હું પોતે અંગત રીતે ય સાક્ષી છું.
શિખાઉ પત્રકારમાંથી એડિટર તરીકેનો એનો પ્રવાસ એટલે જ રસપ્રદ નીવડ્યો છે. પોતાના કામથી નામ અને દામ મેળવીને સફળ થવું અને એ પણ મુંબઈ જેવા શહેરમાં એ સહેલું તો નથી જ. બાકી જે છોકરીને શાંતિથી એક સરસ ગૃહિણી થઈને સીધું સરળ જીવન જીવવું હતું કે નોકરી તો કરવી જ નહોતી એ છોકરી આપણને, ગુજરાતીઓને ગર્વ પમાડે એવું વ્યક્તિત્વ પ્રગટાવી શકી છે એ કૈં માત્ર ભાગ્યબળે જ તો મળે નહીં. છતાં, પદ્મવિભૂષણ સ્વરયોગિની ડૉ. પ્રભા અત્રે જેવાં ગુરૂ મળવા અને એમનો પ્રેમ સંપાદન કરવો એ તો સદભાગ્ય જ.
આ લખવાનો વિચાર આવ્યો ત્યારે એક વાત સ્પષ્ટ હતી. એક જાણીતું વ્યક્તિત્વ, એનાં અવનવાં પ્રોજેક્ટ્સ, લખાણો, કાર્યો એ બધાની માત્ર તવારીખ આપીને વાહવાહી કરીને ખસી જવું નથી. એની સફળતા પાછળ, એનાં પ્રૉજેક્ટની પરિકલ્પનાઓ પાછળ, એ સાકાર કરવાની આખી પ્રક્રિયા પાછળની જહેમત, ખુશી અને લડત, એ બધાંથી અવગત થવું છે.
જાહેરમાં જે નંદિનીને સૌ ઓળખે છે એ નંદિનીનું સ્વરૂપ કઈ રીતે ઘડાયું છે એની વાત કરવી છે. ક્યાંક સારીનરસી માન્યતાઓ કે સાચી ખોટી સમજ એ વ્યક્તિ વિષે કેળવાયાં હોય તો એના પર વાસ્તવિકતાનું એકાદ કિરણ ફેંકવું છે. અને આ બધાથી વધુ – આપણી વચ્ચે, આપણી સાથે એક સરસ મઝાનું આવું વ્યક્તિત્વ છે એનો આનંદ ઉજવવો છે.
‘બોલે તેનાં બોર વેચાય’ના જમાનામાં નંદિની જેવાં લોકો બહુ ફિટ ન થાય કારણકે કોઈક સારું કાર્ય કે વિચાર અમલમાં મૂક્યો હોય તો એ અન્ય સમાન રસ ધરાવનારાઓ સાથે વહેંચાય એટલું પૂરતું ગણી, પોતાની જાતની બડાઈ ન કરીને કાર્યરત રહેવું સહેલું નથી. નંદિની ફરિયાદ કરનારાઓમાંની નથી, પણ પોતાની ભાષા, પોતાનું સંગીત વગેરે ક્ષેત્રમાં કામ કરનારાઓ પ્રમાણમાં ઓછા છે તે એને સાલે છે.
એને ક્યારેક એ વસવસો પણ થાય છે જેમની પાસે શક્યતા અને સગવડ છે એવાં, કલાપ્રવૃત્તિઓને ઉત્તેજન આપે કે કોઈ રીતે સહાયભૂત થઇ શકે એવાં લોકો બહુ જૂજ છે.
અમુક ક્ષેત્રમાં અમુક જ નામો આગળ આવે, અમુક જ લોકોની યોગ્ય કે અયોગ્ય રીતે બોલબાલા થતી રહે, સારું અને સાચું બિરદાવાય એથી વધુ તો ઓળખાણથી અને એકમેકની પીઠ થાબડીને કરાતી વાહવાહીને વધુ ઉત્તેજન મળતું રહે છે એ બધી વાતો તરફ એ દુઃખ જરૂર વ્યક્ત કરે છે પણ કટુતાથી દૂર રહીને પોતાનું કામ પોતે નિષ્ઠાપૂર્ણ રીતે કરવાનું છે એ સદૈવ યાદ રાખે છે.
સૂર અને કલમની કારીગર નંદિની પ્રવાસની શોખીન છે એ ખબર છે? જીવ્યા કરતાં જોયું ભલું!
ખૂબ ફરે છે એ અને એ અનુભવો, મુલાકાતો રસપ્રદ રીતે સૌ સાથે સતત વહેંચે છે. તસવીરો લેવી, લેવડાવવી અને વહેંચવી એને ગમે છે. પ્રવાસો, મુલાકાતોમાંથી કંઈ ને કંઈ નવું પામવાનું એને ગમે છે. સ્થળો અને માણસોની વિશેષતાઓ શોધવી અને સૌ સુધી પહોંચાડવી એને ગમે છે.
એને જાણનાર લોકોને ચોક્કસપણે ખબર છે કે એના ફળદ્રુપ દિમાગમાં હજુ તો કંઈ કેટલાંય સરસ પ્રોજેકટ્સ, પરિકલ્પનાઓ રમતી જ હશે અને સમયાંતરે પ્રગટ થતી જ રહેશે.
નંદિની આપણને, ગુજરાતીઓને ગર્વ પમાડે એવી વ્યક્તિ છે, એવું એનું કાર્ય છે. અમે એની વાતો સૌ સાથે વહેંચવાની તૈયારી કરતાં જ હતાં ત્યાં તો એની નોંધ આ વર્ષે ચિત્રલેખા જેવા માતબર સામયિકે પણ લીધી અને એકાવન ગૌરવવંતા ગુજરાતીઓમાં એને સ્થાન આપ્યું એ કેવી આનંદની વાત છે!
નંદિની વિશેની આ અનકહીનું સમાપન કરતાં પહેલાં આવો એને સહેજ વધુ જાણીએ.
નંદિનીની દ્રષ્ટિએ નંદિની:
– સમય, સ્વાસ્થ્ય અને સંબંધો એને માટે સૌથી અગત્યનાં.
– અંગત મિત્ર કે સ્વજન પોતાને સમજવામાં ભૂલ કરે તે બહુ અસહ્ય થઇ જાય.
– અકસ્માત કે સ્વજનના મૃત્યુની કલ્પના માત્રથી ડરી જાય.
– ગમતું બધું જ કરવું ગમે પણ ક્યારેક કશું ન કરીને ખયાલી પુલાવ પકવવા ય એને બહુ ગમે.
– એને માટે પ્રેમ એટલે શેરીંગ અને કેરિંગ.
– કોઈ વળગણ?
(સ્વ. ચિનુ મોદીના શબ્દોમાં:)
કોઈ ઈચ્છાનું મને વળગણ ન હો
એ જ ઈચ્છા કે હવે એ પણ ન હો
– લોકો કઈ રીતે યાદ રાખે એ ગમે? :
લોકોએ યાદ રાખવી જ શા માટે જોઈએ?
‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ!’
જો યાદ રાખવી જ હોય તો એક સારી સ્ત્રી (saree woman) તરીકે યાદ રાખી શકે.
– પુનર્જન્મ હોય તો..
મેળવવો ગમશે મધુબાલા જેવો લાવણ્યમય ચહેરો અને લતાજી જેવો કંઠ! પસંદ કરવાનું જ હોય તો કટોરો કે ચારણી લઈને શું કામ ઊભા રહેવું?
ગ઼ાલિબનો આ શેર એણે જીવનમાં અપનાવી લીધો છે:
કુછ ઇસ તરાહ મૈંને જિંદગી કો આસાન કર લિયા
કિસી સે માંગ લી માફી કિસી કો માફ કર દિયા!
***
હવે સમજ્યાને? નંદિની એટલા માટે જ નંદિની છે. સ્વરોની, શબ્દોની, મિત્રોની અને આપણા સૌની-નંદિની.
~ નંદિતા ઠાકોર