પ્રકરણ:8 ~ મુંબઈનું એવું જ વિશાળ રાજકીય જગત ~ એક અજાણ્યા ગાંધીની આત્મકથા ~ નટવર ગાંધી
પ્રકરણ:8
જેવું કવિ લેખકોનું એવું જ અગ્રણી રાજકર્તાઓનું. ખબર પડી કે દેશ પરદેશથી કોઈ અગત્યનું માણસ આવ્યું છે, તો હું પહોંચી જતો.
ટાઈમ્સમાંથી ખબર પડી કે કેરાલાના સામ્યવાદી મુખ્ય પ્રધાન નામ્બુદ્રીપાદની એક સભા યોજાઈ છે. ગયો. કોઈક પત્રકારને એમની સાથે દલીલબાજી કરતો જોઈ મને આશ્ચર્ય થયું હતું. આવા મોટા માણસ સાથે આવી રીતે વાત થાય?

એક વાર કૃષ્ણમેનન યુનોમાં કે એમ ક્યાંક અમેરિકા જતા હતા. આગલે દિવસે એમની મુંબઈમાં સભા થઇ. પત્રકારોએ પ્રશ્નોની ઝડી વરસાવી તે એમને નહીં ગમી. એમણે એ બધાના ઊધડા લીધા તે જોવાની મજા પડેલી.

એવી જ રીતે ટાટા કંપનીના બોમ્બે હાઉસના નાના હોલમાં મોરારજી દેસાઈને બહુ નજીકથી જોઈ સાંભળીને આશ્ચર્ય થયેલું. ઊંચા, ટટ્ટાર, અને ગોરા, જાણે કે હજી હમણા જ નાહીધોઈને તૈયાર થયા હોય એવા લાગ્યા. મુંબઈની એ ગરમીથી જ્યારે અમે બધા પરસેવાથી રેબઝેબ હતા ત્યારે આ માણસ આટલો ફ્રેશ કેમ છે?

એ વરસોમાં જુસ્સેદાર સમાજવાદી નેતા અને યુનિયન લીડર જ્યોર્જ ફર્નાન્ડીસે રેલવેના કર્મચારીઓની હડતાલ પાડેલી. પૉલિસ એને પકડવા બહુ મથતી હતી પણ એ મળે તો ને? દાદરના સ્ટેશને હું ગાડીની રાહ જોતા ઊભો હતો. ત્યાં એક માણસ પ્લેટફોર્મ પરથી કૂદકો મારી પાટા ઓળંગી સામેના પ્લેટફોર્મ ઉપર દોડીને જતો હતો, પૉલિસ એની બરાબર પાછળ હતી. મેં ત્યાં કોકને પૂછ્યું કોણ છે? જવાબ મળ્યો: ‘ફર્નાન્ડીસ!’ વર્ષો પછી એ જ જ્યોર્જ ફર્નાન્ડીસ દેશના ડિફેન્સ મિનિસ્ટર થયા!

સમાજવાદી પક્ષની સ્થાપનાની રજતજયંતિ મુંબઈના દાદર પરામાં ઉજવાઈ હતી. ત્યાં મેં અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ વગેરે સમાજવાદી નેતાઓને જોયા, સાંભળ્યા. તે વખતે સમાજવાદી પક્ષના એક આદ્ય સ્થાપક યુસુફ મહેરઅલીને યાદ કરીને જયપ્રકાશ રડી પડ્યા હતા એ હજી યાદ છે.

અશોક મહેતાને એ જ સમયે શિવાજી પાર્કના મેદાનમાં ઉર્દૂની છાંટવાળી હિન્દીમાં જોરદાર ભાષણ કરતા સાંભળ્યા હતા. એ કન્વેન્શનમાં એમને સિગરેટના ઠુંઠાને બૂટથી ઓલવી નાખતા જોયા એ હજી પણ યાદ રહી ગયું છે!
એ જમાનામાં કોઈ મોટા માણસને સ્મોકિંગ કરતા જોતો ત્યારે જરૂર આશ્ચર્ય થતું. બીડી કે સિગરેટ ફૂંકવી એમાં કોઈ ચારિત્ર્યની ખામી હોય એવું નાનપણથી જ મારા મનમાં ચોખલિયા ગાંધીવાદીઓએ ઠાંસીઠાંસીને ભરી દીધેલું.
એકવાર જાણીતા કવિ મનસુખલાલ ઝવેરીને પ્રવચન હોલની બહાર નીકળતા જ સિગરેટ સળગાવતા જોતાં મને થયું કે આવું સુંદર રસવાહી પ્રવચન આપનાર માણસ સિગરેટ ફૂંકે છે?!

જેવું સ્મોકિંગનું તેવું જ દારૂનું. એમના શિષ્ય અને જાણીતા કવિ અને સંચાલક સુરેશ દલાલ તો જેમ ચેન સ્મોકર હતા તેમ ડ્રિક્ન્સ પણ લેતા. જો કે એ પોતાનો દારૂ જાળવી રાખતા. વર્ષો પછી એમના મિત્ર થવાનો લ્હાવો મળ્યો ત્યારે હું એમને વારંવાર સ્મોકિંગ છોડવા કહેતો, પણ એ જો એમના પત્ની સુશીબહેનનું ન માને તો, મારું શું ગજું?

સિગરેટ અને ડ્રિંક્સ જાણે કે એમની ખાસિયતની વસ્તુઓ થઇ ગઈ હતી. મારો બીજો કાવ્યસંગ્રહ, ‘ઇન્ડિયા ઇન્ડિયા’ એમને અર્પણ કરતા લખેલું:
“શરાબ, સિગરેટ, કેફ વધુ કાવ્યનો માણતા;
સદાય જલસો કરો, બધું પ્રમાણતા, જાણતા.”
મુંબઈની ગે લોર્ડ હોટેલમાં એક વાર અમેરિકાના એમ્બેસડર જોહન કેનેથ ગાલ્બ્રેથ આવવાના હતા એવું સાંભળ્યું એટલે આપણે તો ત્યાં જઈને અડ્ડો જમાવ્યો. અંદર જવા તો ન મળ્યું પણ ત્યાં બહાર ઊભા રહીને ગાડીમાંથી ઊતરીને અંદર જતા ગાલ્બ્રેથને જરૂર જોયા. એમની આજુબાજુના ઠીંગણા દેખાતા દેશી યજમાનોની સરખામણીમાં તેમની ઉંચાઈ માનવી મુશ્કેલ હતી.

ગે લોર્ડની અંદર જતા પહેલાં કોઈ પણ સંકોચ વગર એમણે ખિસ્સામાંથી દાંતિયો કાઢીને વાળ ઓળ્યા. કેનેડીની હત્યા થઇ ત્યારે એ જ ગે લોર્ડમાં શોકસભા થઇ હતી, તેમાં મને મુંબઈના કેટલા બધા ખ્યાતનામ લોકો જોવા મળેલા! મને થયું હતું કે હું કેટલો ભાગ્યશાળી માણસ છું કે મને મુંબઈ રહેવાનું મળ્યું છે!
1962માં લોકસભાની મુંબઈની સીટ માટે એ સમયે આચાર્ય કૃપલાની અને કૃષ્ણ મેનનની વચ્ચે “બેઉ બળિયા બાથે વળગ્યા,” એવો મોટો ચૂંટણીજંગ લડાયો હતો.

વિવિધ વિષયો ઉપર એ શું વિચારે છે એ જાણવા માટે મેં એમને મળવા વિનંતી કરી. બંનેએ મને આવીને મળી જવા કહ્યું! હું તો માની જ ન શક્યો કે આવા મહાન નેતાઓ મારા જેવા સાવ સામાન્ય છોકરાને આમ તરત મળવા બોલાવશે! એ બંનેને મારા મિત્ર કનુભાઈ દોશી સાથે જઈને મળી આવ્યો!
એક વાર ગુજરાતના પ્રસિદ્ધ પ્રવાસલેખક અને ગાંધીજીના અંતેવાસી કાકાસાહેબ કાલેલકરની એક સભા મણીભવનમાં યોજાઈ હતી. તેમાં મેં એમને દેશની ગરીબી અને બેકારીના સળગતા સવાલો કેમ ઉકેલવા એ માટે પ્રશ્ન પૂછેલો. દેશની એ સમસ્યાનો ઉકેલ કરવા માટે મને કાકાસાહેબની વાતો સાવ વાહિયાત લાગી. પરંતુ તે દરમિયાન પ્લાનિંગ કમિશનના અગ્રગણ્ય સ્ટેટીટીશીયન મહાલોનોબીસ મુંબઈમાં આવેલા, ત્યારે એમણે દેશના આર્થિક વિકાસ વિષે જે વાતો કરી હતી તે બરાબર ગળે ઊતરી ગઈ હતી.

આવા સાહિત્યિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવૃત્તિથી ધમધમતા મુંબઈથી થોડાં જ વરસોમાં હું થાકી જઈશ અને તેને છોડવા તૈયાર થઇ જઈશ તેની તો કલ્પના પણ ત્યારે કરવી મુશ્કેલ હતી.
મુંબઈ આવવાનું મારું મિશન – અલબત્ત કાકાનું મિશન – એ હતું કે હું જલદી જલદી સેટલ થઈ જાઉં અને દેશમાંથી ભાઈબહેનોને બોલાવું. પણ મુંબઈમાં સેટલ થવા જતાં મને જે અસહ્ય હાડમારીઓ સહન કરવી પડી હતી, ખાસ કરીને નોકરી અને ઓરડી શોધવાના ભયંકર ત્રાસથી હું એવા તો તોબા પોકારી ગયો હતો કે મેં મુંબઈ છોડવાનું નક્કી કર્યું અને ભોપાલમાં નોકરી પણ લઈ લીધી હતી, અને મુંબઈ છોડવા તૈયાર થઈ ગયો હતો!
બહેનના ઘરે
સાવરકુંડલા સ્ટેશને મને વળાવતા કાકાએ કહ્યું હતું કે બહેનને ત્યાં જજે. બહેન બનેવીનો મુંબઈમાં ગિરગામના પારસી વિસ્તારમાં મોટો ફ્લેટ હતો. માન ન માન, હમ તેરે મહેમાન એ ન્યાયે હું તો બહેનને ત્યાં આવી પડ્યો.
બહેન બનેવીનું સંયુક્ત કુટુંબ. એમની પાંચ દીકરીઓ, બે દિયર, એક દેરાણી, સાસુ અને નણંદ બધા સાથે રહેતા. એ ફ્લેટમાં આગળના રૂમ સિવાય બીજે બધે ઠેકાણે ધોળે દિવસે પણ લાઈટ ચાલુ રાખવી પડે એટલું અંધારું. ભલે બધા સાથે રહે, પણ જાણે કે કોઈ એકબીજાને ઓળખતા નથી એમ જ. ભાઈઓ એકબીજા સાથે ભાગ્યે જ બોલે, વેરઝેર એવું નહીં, પણ કોઈ વાતચીત જ ન કરે. ખાલી સાસુ જ બોલ બોલ કર્યા કરે.
ઘરમાં સૌ પોતપોતાનું કામ મૂંગા મૂંગા કર્યા કરે. રેડિયો અને દીકરીઓના કિલકિલાટ અને સાસુની કચકચ સિવાય બીજું કશું સંભળાય નહીં.
બહેનને ઉપરાઉપર પાંચ દીકરીઓ થઈ એમાં છેલ્લી બે તો જોડકી હતી. બહેનને જોઈતો હતો દીકરો અને જન્મતી હતી દીકરીઓ. છેલ્લી બે છોકરીઓ જન્મ્યા પછી તો બહેન બહુ ડિપ્રેસ થઈ ગઈ હતી. કોઈ એમને મળવા જાય તો તરત રોવા માંડે. છેવટે એમને એક છોકરો થયો ખરો, પણ બહેનનું ડિપ્રેશન ચાલું જ રહ્યું, જે વધીને પેરેનોયા થયો. જેને કારણે આઘાતજનક પરિસ્થિતિમાં એમનું દુઃખદ મૃત્યુ થયું.
આવા ઉલ્લાસ અને આનંદ વગરના ઘરમાં વળી મારો વધારો થયો. જતાં વેંત જ મને થયું કે હું અહીં ક્યાં આવ્યો? આ ઘરમાંથી નીકળવું જોઈએ, પણ જવું ક્યાં?
એમની બાજુના જ ફ્લેટમાં એક ભલી પારસી વિધવા બાઈ રહેતી. એનું નામ બાનુબહેન. એ મને એના ફ્લેટમાં લઈ જાય. કંઈ ને કંઈ ખાવાનું આપે જ. હંમેશ વેલ ડ્રેસ્ડ હોય. ઘરમાં પણ શુઝ પહેરેલા હોય. મોઢા પર પાવડરના થથેરા હોય. એ પાવડરની તીવ્ર ગંધ હજી સુધી નાકમાં રહી ગઈ છે. એમને ખબર પડી કે હું નવોસવો દેશમાંથી આવ્યો છું તો મને સલાહસૂચના, શિખામણ આપે. મુંબઈના વાતાવરણથી ગભરાવું નહીં એમ કહે. “ટને બધું સમજાઈ જશે.”
શાળાનાં પાઠ્યપુસ્તકોમાં ફિરોઝશાહ મહેતા અને જમશેદજી ટાટા વિષે વાંચ્યું હતું, પણ પારસીઓનો આ મારો પહેલો અનુભવ. પ્રજા તરીકેની એમની સાલસતાની મારા પર બહુ સરસ છાપ પડી. વરસો પછી અમેરિકામાં પીટ્સબર્ગ યુનિવર્સીટીમાં હું ભણાવતો હતો ત્યાં સાયરસ મહેતા કરીને મારો એક પારસી કલીગ હતો. એ પણ ખૂબ સાલસ અને ખાનદાન માણસ હતો. અમારી બન્નેની મૈત્રી જામી હતી.
(ક્રમશ:)
natgandhi@yahoo.com