ચૂંટેલા શેર ~ સ્નેહી પરમાર ~ કાવ્યસંગ્રહ: ઊડતું ભાળ્યું અંધારું

દીકરીને બાપનું ઘર સાંભર્યું
ઊભી થઈને કોડિયામાં ઘી ભર્યું
*
વર્ષોથી એ ઝાડની માથે એકે ફળ ના બેઠું છે
વર્ષોથી એ ઝાડની નીચે રાંદલ માનું દેરું છે
*
તારી સામે જુએ છે મૂર્તિઓ
પણ એના કાન મારી સામે છે
*
ક્યાંક વિદ્વાનોએ બાફ્યું છે નક્કી
લોહી નેગેટિવ હોઈ ના શકે
*
જૂના લાવો, નવા લઈ જાવ
ખુદા લાવો, ખુદા લઈ જાવ
*
કોઈને ખાલી હાથે કાઢયા નથી કદાપિ
ખેતર ભણીના રસ્તા, તું સો વરસનો થાજે
*
ઘણાં તો એમ કહે, તું તો કૃષ્ણ લાગે છે
તનેય એમ થતું હોય, તો લે પરવત દે
*
સંસાર-નામ સુખથી જે વંચિતા હતી
લગ્નગીતોની જાણીતી ગાયિકા હતી
*
પવન સ્હેજ આવે તો ઈશ્વરની કૃપા
મને થાય કે હું ય બે પાંદડે છું
*
આપણી સાથે પૂર્વજોના પણ
પૂરા કરવા છે કોડ, ગોરાંદે
*
કોઈ શિયળને સાચવે, એમ જ
હું તારા સાચવું ગુમાન, ધણી
*
કરે કરતાલ, પગમાં ઘૂંઘરું, મુંડમાળ ગ્રીવામાં
નવાં રૂપો ધરી મારી કલમ હેરત પમાડે છે
*
હાથ બીજાનો પકડું તો કેવી રીતે
હાથમાં પેન પકડ્યાની જગ્યા નથી
*
નખમાં સમાય એટલું આપ
સુખ જીરવાય એટલું આપ
*
માત્ર દાદા શ્હેરમાં જાતા નથી
ગામમાંથી લીલી વાડી જાય છે
*
અંદર કોઇના મૃત્યુનો કાગળ છે
મારા ખભ્ભા પરના થેલા! ઊડી જા
*
તેત્રીશ કોટી નથી, તો ના સહી
ગાયમાં એક ગાય છે, દેખાય છે?
*
લિફ્ટથી પહોંચે છે પોતાના ઘરે
તોય તળિયાના વિચારો કેમ છે?

~ સ્નેહી પરમાર
~ કાવ્યસંગ્રહ: ઊડતું ભાળ્યું અંધારું

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. વાહ.. સનહીભાઈ… ખુબ જ ઉમદા.. શેર.. અને દીકરી વાળો શેર તો.. અહા…!

  2. સ્નેહી પરમારની રચનાઓ ફેસબુક અને સામયિકો પર વાંચેલ છે. કવિસંમેલનમાં સાંભળીએ છીએ. કાવ્ય સંગ્રહ માટે અભિનંદન અને શુભેચ્છાઓ.