“Because this makes me alive” – કેન્ટ હારૂફ ~ લેખ: ડૉ. નિમિત્ત ઓઝા
પાંચેક વર્ષ પહેલાંની વાત છે. બાર્ટન લાયબ્રેરીમાંથી મમ્મી એક અંગ્રેજી નવલકથા લઈ આવેલી. એ પુસ્તકનું નામ હતું ‘Our Souls at Night.’
આ શીર્ષક મને આકર્ષી ગયું અને કુતૂહલવશ, મેં એ નવલકથાનું પહેલું પ્રકરણ વાંચી લીધું. ફ્રાન્ઝ કાફકાએ કહ્યું છે તેમ આપણી અંદર થીજી ગયેલા સમુદ્ર પર કોઈએ કુહાડી ફેરવી દીધી હોય, પહેલું પ્રકરણ વાંચીને એવું લાગ્યું.
ઘરમાં એકલી રહેતી એક વૃદ્ધ અને વિધવા મહિલા એના પાડોશમાં રહેતા એક વૃદ્ધ અને વિધુર પુરુષ પાસે જાય છે અને એક વિચિત્ર પ્રપોઝલ મૂકે છે. આ વૃદ્ધ મહિલા પૂછે છે, ‘શું આજે રાતે તમે મારા ઘરે સૂવા આવશો? સેક્સ માટે નહીં, વાતો કરવા માટે. હું પણ તમારી જેમ એકલી રહું છું. દિવસે વાંધો નથી આવતો, પણ રાત બહુ બિહામણી લાગે છે.’ અને પછી વૃદ્ધ પુરુષ જવાબ આપે છે, ‘મને પણ એવું જ લાગે છે’.
જીવનના ઉત્તરાર્ધમાં એકલાં પડી ગયેલાં બે જણ પોતાનો ભૂતકાળ, ભૂલો અને સ્મૃતિઓ શેર કરવા માટે દરરોજ રાતે મળે છે. એક બેડ પર સૂવે છે. ખૂબ બધી વાતો કરે છે અને પોતાની એકલતા દૂર કરે છે, પણ એમનું આ રીતે રોજ રાતે મળવું અને સવાર સુધી સાથે રહેવું જેટલું તમને આ વાંચતી વખતે ખૂંચે છે, એટલું જ એ પાત્રોની આસપાસ રહેલા જગતને ખૂંચે છે.
લોકો તેમના વિશે વાતો કરવા લાગે છે. અફવાઓ ફેલાવવા લાગે છે. પછી શું થાય છે? એ નહીં કહું, કારણ કે મારી પાસે કહેવા માટે આ નવલકથા કરતાંય વધારે રસપ્રદ કંઈક છે અને એ છે એના લેખકનું જીવન.
લેખક કેન્ટ હારૂફ દ્વારા લખાયેલી આ નવલકથા તેમના વ્યક્તિગત જીવન સાથે ઘણી મળતી આવે છે. હારૂફના જીવનમાં અનેક સંઘર્ષો હતા.
એક યુનિવર્સિટીમાં અંગ્રેજી શિક્ષક તરીકે નોકરી કરનારા કેન્ટ હારૂફને લેખક બનવું’તું. વેકેશન દરમિયાન તેઓ પુસ્તકો લખતા અને બાકીના સમયમાં ભણાવતા. અગિયાર વર્ષ સુધી તેમનું એક પણ પુસ્તક પબ્લિશ ન થયું. દરેક પ્રકાશન ગૃહે તેમનાં પુસ્તકો રિજેક્ટ કર્યાં. ફાઈનલી, 41 વર્ષની વયે તેમની પહેલી નવલકથા પ્રકાશિત થઈ જેનું નામ હતું ‘The Tie That Binds.’
પહેલી પત્ની સાથે ડિવોર્સ થયા બાદ એક સ્કૂલ રીયુનિયન ફંક્શનમાં તેઓ કેથીને મળ્યા. કેથી તેમની સ્કૂલ-ટાઈમની મિત્ર હતી. બંનેએ ખૂબ બધી વાતો શેર કરી. ત્યારે જાણવા મળ્યું કે કેથી પણ ડિવોર્સી છે. બંનેએ લગ્ન કરી લીધાં.
હારૂફની બીજી નવલકથા ‘Plainsong’ બેસ્ટસેલર બની અને એ પુસ્તકને નેશનલ બુક એવોર્ડ પણ મળ્યો. હારૂફે શિક્ષકની નોકરી છોડી દીધી અને ફુલ-ટાઈમ રાઈટર બની ગયા. પણ આ કથાનો મેજર ટ્વિસ્ટ અને એન્ટી-ક્લાઈમેક્સ તો હજી બાકી હતો.
2014માં હારૂફને શ્વાસ સંબંધિત તકલીફો શરૂ થવા લાગી. તેમનું નિદાન થયું ‘Interstitial Lung Disease.’ એક એવી ગંભીર બીમારી જેણે લેખકને માત્ર અમુક જ મહિનાઓ આપ્યા, પોતાની બાકી બચેલી જિંદગી જીવી લેવા માટે.
બીમારીના નિદાન પછી હારૂફ ડિપ્રેશનમાં સરી પડ્યા. તેઓ ઉદાસ અને દુઃખી રહેવા લાગ્યા, પણ એકાદ-બે મહિના પછી તેમને લાગ્યું કે આ રીતે મૃત્યુની રાહ જોઈને તો આ જિંદગી નહીં જીવી શકાય. અને ત્યારે તેમણે એક નવલકથા લખવાની શરૂઆત કરી.
મૃત્યુનો સામનો કરવા માટે તેઓ પોતાના પેશન તરફ પાછા વળ્યા અને એ હતું એમનું લેખન. દિવસ દરમિયાન તેઓ પોતાના રોયલ ટાઇપરાઇટર પર નવલકથા લખતા અને રાતે બેડ પર સૂતાં સૂતાં કેથી સાથે દુનિયાભરની વાતો કરતા.
અત્યાર સુધીની નવલકથાઓ લખવામાં હારૂફે ત્રણથી પાંચ વર્ષનો સમય લીધેલો, પણ આ વખતે તેઓ જાણતા હતા કે તેમની પાસે સમય નથી.
આ નવલકથા તેમણે માત્ર પિસ્તાલીસ દિવસમાં પૂરી કરી અને પ્રકાશકને મોકલી આપી. પ્રૂફ-રીડિંગ થઈ ગયા પછી પ્રકાશકે જ્યારે એ નવલકથાનો ફાઈનલ ડ્રાફ્ટ લેખકને મોકલ્યો, ત્યારે હારૂફ એટલા બધા બીમાર હતા કે તેઓ પોતાની જ નવલકથા વાંચી શકે તેમ નહોતા.
હારૂફના કહેવા પર ફાઈનલ ડ્રાફ્ટ કેથીએ વાંચ્યો અને પ્રિન્ટમાં મોકલવાની મંજૂરી આપી. વાચકોનાં હૃદય પર છવાઈ ગયેલી એ નવલકથા એટલે ‘Our souls at night.’
હારૂફના મૃત્યુ પછી એક ઈન્ટરવ્યૂમાં કેથીએ કહ્યું, ‘મને વાંચતાની સાથે જ ખબર પડી ગઈ કે આ તો અમારી કથા છે. એકબીજાની બાજુમાં સૂતાં સૂતાં, હાથમાં હાથ નાંખીને, અમે આખી રાત વાતો કરતા. આ જગતમાં એક પણ એવો વિષય નહીં હોય, જેના પર અમે ચર્ચા ન કરી હોય.’
આ નવલકથા એટલી બધી લોકપ્રિય બની કે 2017માં એ જ નામથી એના પર એક ફિલ્મ બનાવવામાં આવી. એક લેખકના જીવનનો આનાથી વધારે ભવ્ય અંત બીજો કયો હોઈ શકે?
મૃત્યુની નજીક સરકી રહેલા એક લેખકે આ કથા લખવાની શરૂઆત એવું કહીને કરેલી કે મારે લેખન તરફ પાછા વળવું જ પડશે. ‘Because this makes me alive.’ જ્યાં સુધી મૃત્યુ નથી આવતું, ત્યાં સુધી લેખન જ એવી પ્રવૃત્તિ છે જે મને જીવતો રાખશે. આપણને હારૂફની ઈર્ષા થવી જોઈએ કારણ કે તેમને એવું કશુંક જડી ગયેલું, જેનો ઉપયોગ કરીને તેમણે મૃત્યુનો સામનો કર્યો. આપણી પાસે એવું શું છે?
~ ડૉ. નિમિત્ત ઓઝા
vrushtiurologyclinic@yahoo.com
(સોશ્યલ મિડીયાની ફોરવર્ડેડ પોસ્ટમાંથી સાભાર.)
મૃત્યુની નજીક સરકી રહેલી વ્યક્તિ એમની અંતિમ ક્ષણો આવી રીતે ઉજળી કરે એનાથી વધુ જીવનની સાર્થકતા કઈ?