આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૨૮ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં. ૨૮
પ્રિય દેવી,
ઘણી બધી વાતો લખવાની હોય ત્યારે કઈ વાતોને પ્રાધાન્ય આપવું અને કઈ વાતોનો અછડતો ઉલ્લેખ કરવો એ નિર્ણયને તેં મારી હોંશિયારી ગણી તેને માટે આભાર.
તું કેમ છે? કુશળ હશે જ. નહિ તો પત્રમાં એનો પ્રભાવ પડે જ. પત્ર વાંચીને તેં ગૂંથેલા વિવિધ વિષયો વિષેના મારા વિચારો લખવા માટે કલમરૂપી આંગળીઓ લેપટોપ પર ટકોરા મારવા માટે ઉતાવળી થઈ છે.
પહેલું તો મને એ ગમ્યું કે તેં અન્ય સર્જક મિત્રો સાથેના તારા વાર્તાલાપો મારી સાથે વહેંચીને લખવા માટેના વિષયોમાં પૂર્તિ કરી છે.
રાજુલબેન કૌશિકની વાત વાંચી. પ્રથમ તો પશ્ચિમના દેશોમાં પ્રજાની સલામતી માટે લેવાતી શિસ્તદ્ધ કાળજીને, સુપર ફાસ્ટ સર્વિસને પોરસાવવી જ પડે. આપણાથી અનાયાસે જ ભારત સાથે સરખામણી થઈ જાય જ અને તેં કહ્યું તેમ સુદૃઢ વિકાસ માટે જરૂરી પણ છે.
હાલમાં હું જ્યારે ભારતમાં હતી ત્યારે એક પોઝિટિવ ફેરફાર નોંધ્યો કે સુરતમાં દરેક વિસ્તારમાં એમ્બ્યુલન્સીસ હોય છે અને ફોન કરો તેની અમુક મિનિટમાં એ અચૂક આવી જાય છે.
જાણીને મને ખૂબ સારું લાગ્યું. ફેરફાર થાય છે પરંતુ ત્યાંની વસ્તીની સરખામણીમાં વ્યવસ્થા પૂરતી નથી અને લોકોમાં પણ પોતાની જવાબદારી વિષે સમજવાની અને તેની ઉઠાવવા વિષેની જાગૃતિ લાવવાની જરૂર છે એમ તને નથી લાગતું?
પશ્ચિમના દેશોની શિસ્ત, સમયપાલન વિગેરે જેવી વાતો ભારતના મેગેઝિનોમાં એટલા માટે લખાવી જોઈએ કે જેથી જે અપનાવવા જેવું છે તે વિષે ત્યાંના લોકો થોડું વિચારતા થાય. બાકી ન અપનાવવા જેવી ઘણી બધી વાતોનું અનુકરણ ત્યાં થાય છે!
હવે વાત કરું શૈલાબેનના અનુભવની. શારીરિક ખોડવાળા બાળકો માટે ભારતની વ્યવસ્થા સાથે પશ્ચિમની સરખમણી હમણા તો થઈ શકે એમ જ નથી. તે વિષે પ્રથમ તો આપણા સમાજમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરવાની જરૂર છે.
‘ગયા જન્મના કર્મો’, ગયા જન્મના પાપો’ જેવી અનર્થ સર્જનારી ગેરસમજને કાઢવી અત્યંત આવશ્યક છે. હિન્દુ ધર્મની ઘણી બધી વાતો પર કાંઈ કેટલાય વર્ષોથી કાટ ચઢી ગયો છે. તેને પહેલા તો સાફ કરવો પડશે. કેમ અને કોણે એ થવા દીધું છે અથવા જાણી જોઈને કર્યું છે એ વાત જવા દઈએ અને એને કઈ રીતે દૂર કરી શકાય તેનો વિચાર મારી દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે.
એની સામે ઝઝૂમવા માટે લેખકો, કવિઓ, શિક્ષણ સંસ્થાઓ, સરકાર, બૌદ્ધિક સમાજ, ધાર્મિક સંસ્થાઓ અને સાચા માર્ગદર્શક (ધરમના ઠેકેદારો નહીં) જેવા લોકોએ પોતપોતાની શક્તિ મુજબ કમર કસીને કામ કરવું પડશે.
એ અંગે મેં એકવાર લખ્યું હતું તે મુજબ આજના યુગ પ્રમાણે દરેક ધર્મોએ ફેરવિચારણા કરવી જ રહી. નહીં તો અર્થના અનર્થોની ભરમાળ ઊભી થશે અને આજનો યુવાન માર્ગદર્શન માંગે છે તે ચીંધવામાં આપણે ઊણા ઊતરીશું તો ઈતિહાસ આપણને માફ નહીં કરે.
અક્ષમ લોકોને જે સહન કરવું પડે છે તેને માટે માત્ર એના માત-પિતા કે સગા સંબંધીઓએ જ નહીં; આખા સમાજને પહેલા તો ધરમૂળથી હલાવવો પડશે તો જ પાકી ગયેલા ન-કામના ફળો પડશે અને નવી વિચારસરણીના ફળો ઉગશે.
સ્નેહપૂર્વક સેવા કરવાની વાત કરી તેની સાથે મને ભારતમાં રક્તપિતના દર્દીઓની સેવા કરતી ક્રિશ્ચિયન નનો યાદ આવી ગઈ.
હમણાં થોડા સમયથી આપણા અમુક સેવાભાવી લોકો રક્તપિતના દર્દીઓ સાથે કામ કરતા થયા છે. પરંતુ ધર્મના પ્રચાર અને ધર્માંતર કરવા માટે કેટલી હદે ક્રિશ્ચિયન નનો અને પાદરીઓ પોતાના સ્નેહસભર સ્વભાવનો ઉપયોગ કરે છે એ આંખ ઉઘાડનારી બાબત છે.
ભારત અને આફ્રિકાના સાવ ઊંડા આવેલા ગામડાઓમાં જઈને સેવા કરતાં આ લોકો સામે આપણા પૂજારીઓ, ધર્મગુરુઓ કે ધાર્મિક સંસ્થાઓની દંભથી ભરેલી અને સ્વાર્થી મનોવૃત્તિનો વિચાર કરવાની પણ શરમ લાગે!
આ લખતાં લખતાં વર્ષા અડાલજાની ‘અણસાર’ નવલકથા યાદ આવી ગઈ. પોતાનાં જ સગાં રક્તપિત શબ્દ સાંભળતાં જ કેવો તિરસ્કાર કરે છે તેનું ખૂબ જ કરુણ આલેખન છે એમાં.
એમાં એક પ્રશ્ન જે ઉદ્ભવે છે તે એ કે પત્નીને રક્તપિત છે સાંભળીને પતિ આઘો ખસી જાય પરંતુ પતિ જો એવી પરિસ્થિતિમાં આવે તો પત્ની એને છોડી જાય? અને ધારો કે છોડી જાય તો સમાજ એને આખી જિંદગી માટે શાંતિથી કદાચ જીવવા ન દે.
સાચું કહું દેવી, આપણા આખા સમાજના દંભ અને સ્વાર્થી મનોવૃત્તિ જોઈએ ત્યારે ક્યાંથી કામ શરૂ કરવું જોઈએ તેની મૂંઝવણ થાય. ખેર, એક જ આશ્વાસન મળે કે આપણે આપણાથી થાય તેવી રીતે અને તેટલું કરીએ છીએ અને કરતાં રહીશું.
ચાલ, હવે વિષય બદલી અને તારા અષાઢ મહિના પર આવું તે પહેલાં હમણા અહીં એક શાસ્ત્રીય સંગીત પર આધારિત ‘મેઘદૂત’ ભજવાયું તે અંગે લખું.
ખૂબ જ સુંદર સંગીત રચના આશિતભાઈ અને આલાપ દેસાઈએ કરી હતી અને સ્થાનિક સંગીતપ્રેમી લોકો છેલ્લા થોડા વર્ષોથી તાલિમ લેતાં રહ્યાં છે એ લોકો અને હેમાબેન દેસાઈની ખૂબ મહેનતને પરિણામે અમને આવો સુંદર કાર્યક્રમ માણવા મળ્યો. ખૂબ જ મઝા આવી.
હવે અષાઢ મહિનો હોય કે શ્રાવણ કે કોઈ બીજો મહિનો પણ એક વાત ચોક્કસ છે કે, બહારના વાતાવરણની અસર માનવીના મનની અંદરના વાતવરણ પર ખૂબ આધાર રાખે છે એમ મારું માનવું છે.
તેં લખ્યું છે તેમ વિરહીજનોથી લઈ ખેડૂત હોય કે શ્રમજીવી, સ્ત્રી હોય કે પુરુષ દરેક પર તેના મનમાં ચાલતાં મનોવ્યાપાર પર અને વ્યવસાય પર અવલંબે છે.
એક ખૂબ સરસ ઉદાહરણ વાંચ્યું હતું- જ્યારે ખેડૂત મેહુલાને આવવા માટે વીનવતો હોય તે જ વખતે કુંભાર માટીના વાસણ પકવવા માટે મૂકવાનો હોય તે ઈશ્વરને પ્રાર્થે કે આજે વરસાદ નહી મોકલતો વ્હાલા! ઈશ્વર કોનું સાંભળે?
એક વાક્ય ફેઈસબૂક પર વાંચ્યું તે તારી સાથે શેર કરીને વિરમું-‘આપણને નાનપણથી સાચું બોલવાનું શિખવાડવામાં આવે છે પરંતુ સાચુ સાંભળવાનું શિખવાડવામાં આવે છે ખરું?!!!
ચાલ, હવે આવતા પત્રમાં મળીશું.
નીનાની સ્નેહ યાદ.