હોળી નિમિત્તે ~ રંગ મહેફિલ ~ ૫૧ કવિઓના ચૂંટેલા શેર/મુક્તક ~ ૭ માર્ચ ૨૦૨૩
રંગ~મહેફિલ
૫૧ કવિઓના ચૂંટેલા શેર-મુક્તક
ક્રમ: ૧થી ૧૦
ન દ્રષ્ટ હું, ન ધૂંધળો, ન સંગ, ના અસંગ છું,
ભળી શકે બધાયમાં વિશિષ્ટ એ હું રંગ છું
~ ડો. અપૂર્વ શાહ, નવાપૂર
કોક કોમળ કંઠથી ગઝલો સરે,
રંગ ભીના ફાગણે બેઠા હતા.
હૂંફ જેવું વિશ્વમાં વ્યાપી ગયું,
પાસપાસે આપણે બેઠા હતા.
~ ફિલિપ ક્લાર્ક
સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી
~ સંજુ વાળા
હું તો માત્ર શ્વેત લકીરને,
તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં,
મને બેઉ હાથે મિલાવજો.
~ ગૌરાંગ ઠાકર
આકાશે કેસુડાના તોરણ મને ગમે છે,
સોનેરી રંગની એ વળગણ મને ગમે છે.
જે આગવી છટાથી તનમન કરે છે ઘાયલ,
રંગો ભર્યો ખજાનો ફાગણ મને ગમે છે.
~ ડૉ. સેજલ ભાવેશ દેસાઈ
આકાશી રંગ આંજી, રંગીન પગલે-પગલે,
અદકેરી જાત લઈને નીકળાય, તો નીકળજે !
~ ડૉ. મહેશ રાવલ
રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું જગતથી સ્હેજે અંજાયા વગર.
~ અનિલ ચાવડા
આમ તો કંઇ નો’તું, સાંજે આભ આ રંગાયું ‘તું,
આમ તો કંઇ નો’તું, તારૂ વ્હાલ ત્યાં ઢોળાયું ‘તું.
*
ધીમે ધીમે આખો સુરજ ઢોળાયાની વાત કહેવી છે.
સોના વાટકડીમાં કેસર ઘોળાયાની વાત કહેવી છે.
ચડ્યો ના રંગ પછીથી કોઈ જીવતરનાં વસ્ત્રો પર,
શ્યામ તમારા રંગે મારે રોળાયાની વાત કહેવી છે.
~ શૈલેષ પંડ્યા નિશેષ
નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા,
હવે દિલ કોઇની જાણે જૂની તસ્વીર લાગે છે.
~ બરકત વિરાણી ‘બેફામ’
સૌ ઉચાટો પી ગયો ઉન્માદ ભેગા ઘોળી
ને કલમને પ્રેમ કેરા રંગમાં મેં બોળી.
તારવ્યા છે શબ્દ મેં રંગીન ખૉળી ખૉળી
આજ તો બસ આ ગઝલમાં ખેલવી છે હોળી !
~ ગુરુદત્ત ઠક્કર
ક્રમ: ૧૧થી ૨૦
એક દિ એવી ધુળેટી આવશે,
પિચકારીની ફકત પૂજા થશે.
*
રંગ એ પાકો હતો, ક્યાં આજની ધુળેટીમાં?
રોજ રમતા’તા અમે જે ગામની ધુળ-રેતીમાં.
~ ધાર્મિક પરમાર
સાવ ધોળા ધફ્ફ ભાંગે દિવસો,
રંગવાને એક ફાગણ જોઈએ.
~ ડૉ. ફિરદૌસ દેખૈયા
સફળતાના કિસ્સામાં રંગ લાવવાને,
કહો એ પ્રસંગો તમે જ્યાં ન ફાવ્યા.
~ મરીઝ
મને શીર્ષક મળ્યું પુસ્તક હજી લખવાનું બાકી છે
જગતની ભોમ પર મારે હજી ભમવાનું બાકી છે
બન્યું પ્રહલાદ જેવું મન અને તન હોલિકા જાણે
વિના અહીં ચૂંદડી બંનેને બસ બળવાનું બાકી છે
~ દશરથ પ્રજાપતિ
ક્યાંક મીરા ક્યાંક નાનક ને મળે નરસિંહ તો,
રંગ ગેરુઓ ઉડાડી આતમો અજવાળીએ.
~ કેતન ભટ્ટ
ભગવો હતો જે રંગ એને ભૂલતા ગયા,
ચોમેર લાલ લાલ ને જોયા કરો તમે.
~ ધ્વનિલ પારેખ
રંગ તારા સંગનો એવો ચઢે
ગાલ પર ગુલાલ પણ ઝાંખો પડે.
~ તૃપ્તિ ભાટકર
એમાં જુઓ વણતો રહું છું રંગ સૃષ્ટિના,
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.
~ હર્ષ બ્રહ્મભટ્ટ
સપાટી ચાર ભીંતોની ભલે રંગીન લાગે છે,
સકળ અવકાશ વચ્ચેનો ઘણો ગમગીન લાગે છે.
બધાંની હાજરીના ખ્યાલથી એ બ્હાર ના આવ્યું,
મને એ આંખનું આંસુંય તે શાલીન લાગે છે.
~ જાતુષ જોશી
માત્ર ચહેરા પર નહીં અંદર સુધી પહોંચ્યો હતો,
જે લગાવ્યો રંગ તેં ક્યાંથી કદી લૂછી શકું!
સ્પર્શ તારા હાથનો ભરપૂર છલકાતો હતો,
સ્પંદનો ઊઠ્યાં ઘણાં, ના સ્હેજ પણ ભૂલી શકું.
~ અતુલ દવે, વડોદરા
ક્રમ: ૨૧થી ૩૦
રંગ પૂરે છે અહીં સૌ પોતપોતાના ભલે,
ઘાવને શણગારવામાં આ બધાં સાથે જ છે.
~ નીતિન વડગામા
સફેદીમાં સાત રંગો ઓગળ્યા,
અધીરાઇમાં અક્ષર કાળો ન કર.
~ કીર્તિકાન્ત પુરોહિત
ખૂબ ગમતા મને એક નહીં, આઠ છે!
રંગ હરએકમાં ભાવ પણ સાઠ છે!
રંગના પ્રેમમાં, રાગ સહુ ડૂબતા
નવરસે પણ નર્યા રંગના ઠાઠ છે!
*
તિલક કરીને ભવિષ્ય-ભાલે યુવાન ભારત, મનાવ હોળી!
સમર્પણોના પલાશ પ્રગટે, જગાવ ઉર્જા, સજાવ હોળી!
હટાવ રીલો, ફગાવ ફોટા, તું હોમ આળસ, હે રાષ્ટ્ર-યૌવન!
તુષાર સરખાં સપન યુગોનાં નજરમાં રાખી જલાવ હોળી!
~ પૃથા મહેતા સોની
રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલ, પાંદડાં,
કૈંક ખામી છે કે બુલબુલ એ છતાં ગાતું નથી.
~ ચિનુ મોદી
એક દિવસ નખને ઝાકળ-બુંદથી એ રંગવા બેઠાં હતાં,
ટેરવેથી સૂર્ય જ્યાં ઢોળાય છે ને વારતા લંબાય છે.
~ સુરેન્દ્ર કડિયા
બાળું અનિષ્ટ જગના પ્રકટાવું એક હોળી
કાઢું તમસ ભીતરના પ્રકટાવું એક હોળી
આસુરી વૃત્તિ ડામું, ભય, ક્રોધને મિટાવું
સંતાપ ખાળું મનના, પ્રકટાવું એક હોળી
*
દબદબો કેવો વસંતનો છાયો ધરતી પર જુઓ
લીલી સાડી પર ફૂલોનો રંગ ફેલાયો જુઓ
~ મિતા ગોર મેવાડા
દિવસ રૂપાળો અને રાત કાળી ભમ્મર છે,
શું પ્રકૃતિમાં વળી રંગભેદ હોઈ શકે?
~ જિગર જોષી ‘પ્રેમ’
ફૂલ તારું છે, રંગ તારા છે
મેં ફ-ક-ત ખુશ્બૂને મઠારી છે
~ એસ. એસ. રાહી
જિંદગી કાગળ અને હરએક અનુભવ રંગ છે,
તું ચિતારો છે પ્રભુ એ વાત તો બસ વ્યંગ છે.
હું જ મારી આકૃતિને એવી સુંદર ચીતરું,
બે ઘડી તું પણ વિચારે આની સાથે જંગ છે!
~ ભૂમિ પંડ્યા
હે દાન! તારું ચિત્ર જ , ધારીને જોઇ લે;
એમાં ભળેલ રંગનાં ક્યાં માપ હોય છે?!
~ દાન વાઘેલા
ક્રમ: ૩૧થી ૪૦
રક્તરંગી દૃશ્ય હું જોઈ નથી શકતો હવે,
જ્યારથી આ સાત રંગોની સમજ આંખે ભળી.
~ મનસુખ નારિયા
ચોતરફ ઊડતાં રંગ, ગુલાલ છે.
સ્નેહીનાં હાથે છંટાતું એ વ્હાલ છે.
કૃષ્ણે તો રંગી’તી ચુનરી કેવળ છતાં,
ગોરા રાધાજીનું મુખડું કાં લાલ છે?
~ સંજય રાવ, વડોદરા
બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે.
~ હરીન્દ્ર દવે
કળા છોકરીની નવાઈ પમાડે
નયનનાં ઈશારાથી રંગો ઉડાડે
*
એ તને હોળી વિશે શું કહી શકે
ભાગ્યમાં જેના ઊડે કાળો કલર
~ જય સુરેશભાઈ દાવડા
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.
~ અમીન આઝાદ
લાલ, પીળો, વાદળી ના ચાલે હો,
પ્રેમના રંગોથી રંગો ને મને.
~ દર્શિતા બાબુભાઇ શાહ ‘સખી’
નભે આજ સુરજ અસરદાર લાગે;
મને ક્યાંક ઊભો નિરાકાર લાગે!
ભર્યો રંગ એણે, જરા વાર લાગી;
કર્યો સાંજ માથે એ શણગાર લાગે!
~ કમલેશ શુક્લ
આજ જરા તું જંગ કરી દે,
જુસ્સાથી હર અંગ સજી દે.
જાય કોરા શું છોરો, છોરી?
યાદ કરે સૌ રંગ ભરી દે.
~ કિલ્લોલ પંડ્યા, ગાંધીનગર
રંગ મેંદીનો વખત હારે ગયો બે હાથથી,
રંગ કેસૂડો તમે છાંટેલ ગયો ના હાડથી.
~ રમેશ મારૂ “ખફા”
અમે કલ્પનામાં જ રંગો ભર્યા ને,
તમોને ગમ્યું ચિત્ર આખું, સરાસર.
~ નીરવ વ્યાસ
ક્રમ: ૪૧થી ૫૧
આંખે મસ્તી ને હાથમાં તો પિચકારી છે,
રાધાને સ્પર્શ્યા વિના રમે જે, મુરારિ છે.
*
તને સ્પર્શું નહિ તોપણ સ્પર્શી લઉં છું
હશે રંગમાં જાદુની કંઈ અસર શું?
~ ભારતી વોરા ‘સ્વરા’
કાગળ પરથી રંગ સતત નીતરે છે જો !
પીંછી રડે છે કે છબી? હું જાણતો નથી.
~ પ્રમોદ અહિરે
રંગ એવો તું લગાવી દે, કદી ઉતરે નહીં,
કોઈ બીજા રંગથી મારું જીવન નિખરે નહીં.
મેઘધનુષી થઈ જશે આ જીવતર પણ આપણું,
આ જગત આખુંય આપણને કદી વિસરે નહીં.
~ દીપક ઝાલા “અદ્વૈત” નૈરોબી
બસ રાત પૂરતી જ હતી રંગની ઋતુ,
જોયું સવારનાં તો રૂદનની ફસલ હતી.
~ અમૃત ઘાયલ
રંગ સઘળા રોળી એ ચાલ્યા ગયા,
નામ દીધું એને તો હોળી અમે !
~ સુધીર પટેલ
ઈન્સાનિયતના રંગ પર સંમુગ્ધ થઈ બેઠો ‘જટિલ’,
કે કોઈ દંભી રંગમાં રંગાઈ જાતો હું નથી.
~ જટિલ
પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,
ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.
~ મનોજ ખંડેરિયા
કંકુવર્ણી લાગણીઓ ખૂબસુરત છે છતાં,
પીળચટ્ટો રંગ લાગ્યો પીડનો વ્હાલો સદા
*
ખરો રંગ કોઈનો પકડી શકો ના,
છે રંગેલ ચહેરા અહીં રોજ સહુના.
*
વસવસો કોઈ ના રહે શ્યામલપણાનો એટલે..
ભેટમાં આ ચાંદની કોણે ધરી છે રાતને?
*
ઉજાણી મિલનની ધરી ગઈ છે આંસુ,
આ રંગીન અવસર જો મોંઘા પડ્યાં છે.
*
હયાતીમાં તે રંગ સાદા ભર્યા પણ,
અનોખો છે ઠસ્સો ગુલાબી નજરનો.
*
સાવ ભગવી છાંટ નાંખી રંગ રાખ્યો અંતમાં,
રાગ સૂફીનો તે ઘોળી, રંગ રાખ્યો અંતમાં.
જિંદગી બેરંગ રાખી, વસવસો સ્હેજે નથી.
રાસ પૂનમનો તે આપી, રંગ રાખ્યો અંતમાં.
~ મેધાવિની રાવલ ‘હેલી’
શ્વેત રંગમાં મેઘધનુનાં સપ્તરંગ સંતાતા,
ઝળહળતા એ હીરાકાચમાં જોયું તો દેખાતાં.
નયણા મારાં સ્નેહ ભાવથી જોતાં જ્યારે શીખે,
ભીનાં ભીનાં રંગો સઘળાં ચોગમ આ ફેલાતાં.
~ ડૉ. ભૂમા વશી
તખ્તા ઉપર છવાઈ જશે શ્યામ શૂન્યતા,
હર રંગ પર પડી જશે પડદા ઘડીકમાં.
~ કિસન સોસા
ઉપવન મહીં નિવાસ જો રહેશે તો મળીશું
આ રંગ ને સુવાસ જો રહેશે તો મળીશું
તારી જ આસપાસ જો રહેશે તો મળીશું
મળવાની લગન ખાસ જો રહેશે તો મળીશું
~ ડૉ. રશીદ મીર
***
(જો આપને આ સંકલન ગમ્યું હોય તો Share કરવા તથા Comment આપવા વિશેષ વિનંતી. )
સરસ રંગ જમાવ્યો, અભિનંદન
I like I like
All poet badhia 👏🏻👏🏻👏🏻👏🏻
સરસ નવા જૂના દરેક સર્જકને ન્યાય આપ્યો
ખૂબ મજા પડી
Vaah.. Very good…
અતિસુંદર સંકલન..💐👌 રંગપર્વની શુભેચ્છાઓ.
It’s superb, really amazing
51 કવિઓનાં રંગ-હોળી વિષયકમાં મારા શેરને સમાવવા બદલ હૃદયથી આભાર હિતેનસર અને ‘આપણું આંગણું’ અને બધાં જ શેર એક એકથી સવાયા છે…
હિતેનભાઈ,
રંગ ઉત્સવ નિમિત્તે મારા 5 શેર અને મુક્તકનો સમાવેશ કરવા બદલ ખુબ ખુબ આભાર..
– મેધાવિની રાવલ
આપણું આંગણું” માં હોળી વિષયક શેર સંકલનમાં,મારો શેર સામેલ કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું.
“આપણું આંગણું” માં હોળી વિષયક શેર સંકલનમાં,મારો શેર સામેલ કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરું છું…💐