વિશ્વાસ પર નિર્ભર થવાનું (ગઝલ) ~ હિતેન આનંદપરા

આપણે રહીને જગતમાં, જાત પર નિર્ભર થવાનું
જે ટકાવે શ્વાસ, એ વિશ્વાસ પર નિર્ભર થવાનું

સાવ ઘરમાં રહીને આખું વિશ્વ સમજાતું ગયું 
કોઈ શીખવાડી ગયું સહવાસ પર નિર્ભર થવાનું

તંગ નાની દોર ઉપર ચાલવું મુશ્કેલ છે
જે સતત ટેકો કરે એ હાથ પર નિર્ભર થવાનું

વાસણોની જેમ થોડા અણગમા વીછળી લીધા
આખરે સમજી ગયાઃ સંગાથ પર નિર્ભર થવાનું

એક જણ પર ભાર ના આવી પડે, જોવું રહ્યું
મૌન રહીને ચાલતા સંવાદ પર નિર્ભર થવાનું

નાનકા ક્યારામાં રહીને ત્રણ પેઢી વિસ્તરી
છોડ સૌ શીખી ગયા હાલાત પર નિર્ભર થવાનું

એક મમ્મી હેતથી આ ઘરને સાચવતી રહી
પ્રેમના પાયે પ્રગટ પરભાત પર નિર્ભર થવાનું

આ પરસ્પરની સમજને દોસ્ત લંબાવી જુઓ
ખૂબ ગરવું હોય છે જજબાત પર નિર્ભર થવાનું

~ હિતેન આનંદપરા
(સૌજન્ય: ગુજરાતી મિડ-ડે વિશેષ પૂર્તિ)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ગઝલ મને ખૂબ સ્પર્શી ગઈ! આ વિશ્વ માનવીની ગઝલ છે.