“પમરાટ ગીત-ગઝલનો” – કવિઃ ~ અનિલ ચાવડા

૧. મેલાય નહિ….!  ~  ગીત

આથમતી સાંજ આમ એકલતા ઓઢેલા જણ સંગે રેઢી મેલાય નહિ

ધસમસતી રાત પડે, કચડાઈ જાય કોક,
વાયરોય જાણે નહિ વાત
લોકો તો ઊઠે ને કામે પણ વળગી જાય,
ઓઢી લે પાછું પરભાત!

શું થ્યું ને શું નહિ ની ગંધ સુધ્ધાં કોઈનાય નાક સુધી લગ્ગીરે જાય નહિ!
આથમતી સાંજ આમ એકલતા ઓઢેલા જણ સંગે રેઢી મેલાય નહિ

સૂકાતા ઝાડ કને બેક ઘડી બેસીને
ચપટીક લીલોતરીને લખીએ
એવું યે થાય ક્યાંક સંધાઈ જાય કોક
આપણે ભરેલ એક બખિયે

બેક ઘડી ખોબો થઈ ઝીલીએ તો કોઈ સાવ નક્કામું ધૂળમાં ઢોળાય નહિ
આથમતી સાંજ આમ એકલતા ઓઢેલા જણ સંગે રેઢી મેલાય નહિ

       ~ અનિલ ચાવડા

૨. સધિયારો….!  ~  ગઝલ

દોસ્ત! લાંબો આપણો ટકશે ન સધિયારો;
હું છું લીલું ઝાડ, તું છે એક કઠિયારો.

જિંદગી અઘરી રમત છે, આ રમત અંદર;
કોઈ હાથો થાય છે તો કોઈ હથિયારો.

ભાગ માટેની લડતમાં ગૂંચવાયો છે,
આંસુઓનો આપણો આ પ્લોટ સહિયારો.

‘તું નથી’ એ વાત ખુદને ખૂબ સમજાવી,
માનવા તૈયાર ક્યાં છે જીવ દખિયારો.

વણઉકેલ્યો કોઈ શિલાલેખ છું હું તો,
છે મને પઢનાર અહિયાં કોઈ પઢિયારો?

~ અનિલ ચાવડા

૩. પડછાયો છું….!  ~  ગઝલ

તડકાઓના શ્હેર વચાળે રંગેહાથે ઝડપાયો છું,
હતી બાતમી કે હું મારા પડછાયાનો પડછાયો છું.

આ તો સાલું જીવન છે કે કોઈ પારધીની જાળી છે?
હું પંખીની પાંખો માફક શ્વાસે-શ્વાસે ફફડાયો છું.

દુનિયાની આ દુકાન અંદર ઘટનાઓનાઓમાં પેક થઈને,
ક્યારેક ક્યારેક વહેંચાયો છું, ક્યારેક ક્યારેક વેચાયો છું.

રોગ થયો શું? ડાક્ટર શોધે, મને ખબર છે પણ હું નહિ કહું,
તમે ગયા છો એ પળથી હું રુંવેરુંવેથી લકવાયો છું.

જજસાહેબ! જુબાની આપે હાથ બધાના તો આ પૂછો,
‘ક્યાં ક્યાં, ક્યારે કોના હાથે કઈ રીતે હું પટકાયો છું?’

~ અનિલ ચાવડા

૪. હસતો નથી…!   ~ ગઝલ

એમ કંઈ અમથા જ હું હસતો નથી
એ વિના બીજો કશો રસ્તો નથી!

મૃત્યુનો ઢીંકો પડે તો કામ થાય;
જિંદગીનો ઘોબો ઉપસતો નથી!

કોઈ પણ ખાતું નથી મારી દયા,
સાપ જેવો સાપ પણ ડસતો નથી!

સાવ સામે છું છતાં એ ના જુએ,
આ તમાચો એક તસતસતો નથી?

ગમતું સૌ મળવાથી એ ત્રાસ્યો હશે,
એટલે ચિરાગને ઘસતો નથી!

  ~ અનિલ ચાવડા

૫.  હું ખુદ લખાઈ જાઉં…!  ~ ગીત

કાશ કદી એવું થાય, તારા આ જીવતરમાં પ્રશ્નોની જેમ હું પુછાઇ જાઉં,
કાશ કદી એવું થાય, લખવા તું જાય અને ઉત્તરમાં હું ખુદ લખાઈ જાઉં!

કાશ તને થાય ચરણ બોળવાની ઇચ્છા ને
હું હોઉં ખળખળતું ઝરણું,
કાશ હોય તું કોઈ પંખીની ચાંચ અને
હું કોઈ નાનકડું તરણું,
કાશ કદી એવું થાય, તારી આ ચાંચેથી માળાની જેમ હું ગુંથાઈ જાઉં!
કાશ કદી એવું થાય, લખવા તું જાય અને ઉત્તરમાં હું ખુદ લખાઈ જાઉં!

કાશ એક સણસણતું તીર હોય તું ને
હું હૈયેથી પળમાં વીંધાઈ જાઉં
કાશ કોઈ ઔષધની જેમ મને હળવેથી
સ્પર્શે તું ને હું રુઝાઈ જાઉં…
કાશ કદી એવું થાય, તારું મન ખિસ્સું હો, જેમાં હું પોતે મુકાઈ જાઉં…
કાશ કદી એવું થાય, લખવા તું જાય અને ઉત્તરમાં હું ખુદ લખાઈ જાઉં!

                  ~ અનિલ ચાવડા

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. અનિલભાઇના તાજગીભરેલા કાવ્યો વાંચવાની મજા આવી ગઇ.