‘કહી રહી છે..!’ ગઝલ ~ તાજા કલામને સલામ (૨૯) ~ હિમાદ્રી આચાર્ય દવે ~ આસ્વાદઃ સપના વિજાપુરા
“કહી રહી છે….!” ~ ગઝલ
દશે દિશાએ વહી રહી છે, સુગંધ એની કહી રહી છે
હવાની રાહે તું આવે મળવા સદાય અટકળ મળી રહી છે!
છે મોંઘું અત્તર પટારે મારા, જરી એ રોજે હું લઉં છું છાંટી,
સ્મરણમાં તારા હું તરબતર છું, ને ખુશ્બૂ તારી ભળી રહી છે!
વિરહની રાતો ને ભગ્ન સપના, બધુંય સાથે લઈને ઊભી
ઉદાસ મારા નયનઝરૂખે, પ્રતીક્ષા તારી રડી રહી છે!
ગઈ ‘તી જુના મિલનના સ્થાને –કળી ‘ને પુષ્પો ‘ને બાંકડો એ
પૂછી રહ્યા સૌ વિશે જ તારા, બગીચે તારી કમી રહી છે!
બધાય સુખો, બધાય સપના, બધી અપેક્ષાનો સાર છે આ
હૃદયની સઘળી ય ઝંખનાઓ જો નામ તારું રટી રહી છે!
~ હિમાદ્રી આચાર્ય દવે*
~ આસ્વાદઃ સપના વિજાપુરા
કવયિત્રી હિમાદ્રી આચાર્ય દવેનો જન્મ રાજકોટમાં થયો. રાજકોટમાં શાળા તથા કોલેજનું શિક્ષણ લીધું. તેમણે અર્થશાસ્ત્રમાં સ્નાતક કર્યું.
એમનાં પિતા પત્રકાર-લેખક હોવાને કારણે નાનપણથી ઘરમાં સાહિત્ય અને કલાનું વાતાવરણ મળ્યું. એમને વાંચનનો શોખ છે. સાતેક વર્ષ પહેલાં લેખનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે, અભ્યાસલક્ષી વાંચનની પિતાએ પાડેલી ટેવ અનેક વર્ષો પછી ઊગી નીકળી.
રાજકોટથી પ્રકાશિત થતા દૈનિક ‛ખાસ-ખબર’ના બ્યુરોચીફ તરીકે સેવા આપી રહ્યાં છે.
મુખ્યત્વે રાજકારણ, એ ઉપરાંત સાંપ્રત ઘટનાઓ, સંસ્કૃતિ વિષયક, વ્યક્તિવિશેષ… જ્ઞાન-વિજ્ઞાનના ઘણા વિષયો પર લેખ લખતાં રહ્યાં છે. ગુજરાતના અખબારોમાં એમના લેખ અને કવિતાઓ પ્રકાશિત થયાં કરે છે. એમણે અછાંદસ, તાન્કા, હાઈકુ તેમજ ગઝલ વગેરેમાં કલમ અજમાવી છે.
એમને અનુવાદ કેટેગરીમાં, શ્રીમતી મીનાક્ષી ચંદારાણાનાં પુસ્તક ‛વારતા રે વારતા’ના હિંદી અનુવાદ ‛परिओ के देश में’ને 2019નું ગુજરાત સાહિત્ય અકાદમીનું તૃતીય પારિતોષિક મળ્યું છે. સંગીતક્ષેત્રે સક્રિય ગુજરાતના કલાકારો સાથેના રુબરુ સંવાદને આવરી લેતું પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થવા જઇ રહ્યું છે. આ રીતે કવયિત્રી કલાના ક્ષેત્રે ખૂબ કામ કરી રહ્યાં છે. એમની આ ગઝલનો આસ્વાદ કરાવતા મન વિભોર થાય છે. એવું લાગે છે કે જાણે મારા પોતાના ભાવ આ ગઝલમાં ઊભરાઈ રહ્યાં છે.
દશે દિશાએ વહી રહી છે, સુગંધ એની કહી રહી છે
હવાની રાહે તું આવે મળવા સદાય અટકળ મળી રહી છે!
કોઈ એક ખાસ સુગંધ, કોઈ એક ખાસ ખુશ્બૂ મગજને તર કરી દે છે. અને એ સુગંધને માણવા, એ સુગંધને અનુભવવા મન બેચેન રહે છે. એ સુગંધને શોધવા મન ભટકતું રહે છે. અને જ્યારે દશે દિશામાંથી હવામાં ફેલાયેલી એ ખુશ્બુ મગજને સંદેશો પહોંચાડે છે કે આવી રહ્યા છે!
એ બસ અહીં ક્યાંક છે. ક્યાંક આસપાસ! હવા આપણને સંદેશો આપે છે કે પ્રિય રસ્તામાં જ છે. મુલાકાત માટે મન ઉત્સુક થઇ જાય છે. મન મોરની જેમ થનગાટ કરે, અને બોલી ઉઠે “જબ ભી ખયાલોમેં તું આયે, મેરે બદન સે ખુશ્બૂ આયે, મહેકે બદન મેં રહા ના જાયે !
એની સુગંધ તમારા અંગેઅંગમાંથી આવવા લાગે છે! ખૂબ જ રોમાન્ટિક મક્તા!
છે મોંઘું અત્તર પટારે મારા, જરી એ રોજે હું લઉં છું છાંટી,
સ્મરણમાં તારા હું તરબતર છું, ને ખુશ્બૂ તારી ભળી રહી છે!
મક્તાની પંક્તિઓને વધુ સબળ બનાવવા બીજો શેર લેવાયો છે. અંતરના પટારે એક મોંઘુ અત્તર કવયિત્રીએ છૂપાવીને રાખ્યું છે. જે ખુશ્બૂ પ્રિયમાંથી આવતી હતી એ કાળજે વળગાડીને રાખી છે. સ્મરણમાં એ ખુશ્બૂથી એ તરબતર રહે છે. કેટલીક ખુશ્બૂ મૃત્યુ સુધી તમારી સાથે રહે છે. અને એ ખુશ્બૂ જિંદગીભર માણસ શોધતો રહે છે. કોઈ કોઈ હોય છે નસીબદાર કે એ ખુશ્બૂને પામી લે છે., કોઈ કોઈ એને સ્મરણમાં રાખીને એની ખૂશ્બૂમાં તરબતર રહે છે.
વિરહની રાતો ને ભગ્ન સપના, બધુંય સાથે લઈને ઊભી
ઉદાસ મારા નયનઝરૂખે, પ્રતીક્ષા તારી રડી રહી છે!
એ ખુશ્બૂ હવામાં વિલીન થઇ ગઈ છે. મગજને જે હજુ સુધી તર રાખે છે. દરેક સપના ચૂર ચૂર થઇ ગયા છે. લાંબી લાંબી વિરહની રાતો પ્રતીક્ષામાં ગુજરી રહી છે. આંખો ચોમાસું બની ગઈ છે. નયન ઝરૂખે પ્રતીક્ષા રડી રહી છે. હવે દહે દિશાથી તારી ખુશ્બૂ આવતી નથી એ બસ મારા સ્મરણમાં મહેકે છે. અને આવવાની આશા પણ નથી તેથી નયનઝરૂખે પ્રતીક્ષા રડી રહી છે.
આવવાનું કોઈ વચન આપ્યું નથી,
રોજ સપને આખડીને શું કરું?
(સપના વિજાપુરા)
ગઈ ‘તી જુના મિલનના સ્થાને –કળી ‘ને પુષ્પો ‘ને બાંકડો એ
પૂછી રહ્યા સૌ વિશે જ તારા, બગીચે તારી કમી રહી છે!
પ્રિયતમા જે જે સ્થાને પ્રિયતમને મળી છે તે તે સ્થાન શી રીતે ભૂલાય? ફરી ફરી મન એ જગ્યાએ દોડીને જાય છે. ત્યાં કદાચ કોઈ એની પ્રતીક્ષા કરતુ હશે! પણ હાયે દિલ! ત્યાં પહોંચી એ કળી અને પુષ્પોથી મહેકતો બાંકડો સુનો પડ્યો છે. ત્યાં કોઈ નથી. અને એ મૌન બાંકડો, એ કળીઓ, એ પુષ્પો અને બગીચો આખો તારા વિષે પૂછી રહ્યા છે. તારી કમી એ લોકોને પણ વર્તાય છે. એ ખુશ્બૂથી મહેકતો બગીચો આપણા પ્રેમનો મૂક સાક્ષી હતો. આ બાંકડો પણ આપણા પ્રેમનો સાક્ષી હતો. એ પણ તને શોધે છે મારી જેમ! તું ક્યાં છે? તું ક્યાંય નથી!
બધાય સુખો, બધાય સપના, બધી અપેક્ષાનો સાર છે આ
હૃદયની સઘળી ય ઝંખનાઓ જો નામ તારું રટી રહી છે!
પ્રિય સાથે જ દરેક સુખ, દરેક સપના, અને દરેક અપેક્ષા જોડાયેલી હોય છે. પ્રિય નથી તો આ સપના આ અપેક્ષાનો કોઈ સાર નથી. દરેક ઝંખના તારું જ નામ રટી રહી છે. પ્રિય સિવાય તમારાં સપનાં કોણ પુરા કરે? પળ પળ પ્રિય ને યાદ કરી હૃદય પ્રિયને માંગી રહ્યું છે.
હૃદય જાણે કહી રહ્યું છે કે,”આ ફિર સે મુજે છોડ કે જાનેકે લિયે આ” આહ હિમાદ્રિબેન હૃદયને વલોવી નાખે તેવી ગઝલનો આસ્વાદ કરતા મારી આંખો પણ ભીની થઇ ગઈ!
***