શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૧૧ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ–૧૧

હારૂને શમાનો ફોન રીપેર કરાવી આપ્યો હતો પણ શમા ખાલીદને ફોન કરતી ન હતી. એનું હૈયું બહુ ખરાબ રીતે ઘવાઈ ગયું હતું. એની સાથે આટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ એની ખાલીદને હારુન મારફતે ખબર તો પડી જ ગઈ હશે. પણ એણે એનો અફસોસ કરતો ફોન પણ કર્યો ન હતો.

આમ તો આવા સમયે એણે પત્નીની સાથે જ હોવું જોઈએ. એને દુઃખ નહીં થયું હોય? કે પછી શમા મા બને એવું એ ઈચ્છતો જ ન હતો? એટલે જ શમાએ સામેથી એને ફોન ન કરવાનું નક્કી કર્યું હતું.

ફાર્મ ઉપરથી શમા પછી આવી અને તરત જ એના ફોનની રીંગ વાગી.સ્ક્રીન ઉપર ખાલીદનો ફોટો ચમકતો હતો. શમાએ ફોન ઉપાડ્યો.

‘કૈસી હો?’

શમાને કહેવાનું મન થયું કે ‘આપકો ક્યા લગતા હૈ? કૈસી હો સકતી હૂં?’ પણ અત્યારે કોઈ જ ચર્ચા, માથાકૂટમાં પડવા જેવી એની મનની હાલત ન હતી. એણે માત્ર એટલું જ કહ્યું, ‘ઠીક હૂં.’ અને પછી સામે પૂછી પણ લીધું, ‘આપ કૈસે હો?’

‘મૈં  ભી ઠીક હૂં. કામ મેં મશગૂલ રહતા હૂં.’

‘હમમમ’.

‘સુનો, મૈંને તુમકો ફોન યે બતાનેકે લિયે કિયા હૈ કિ તુમ્હારી દુબઈવાલી ખાલાકે શૌહરકા ઇન્તકાલ હો ગયા હૈ.’

‘ઇન્ના લીહાહે વ ઇન્ના ઈલેહે રાજે ઉન.’

કોઈના પણ મૃત્યુ વિષે સાંભળીને દરેક મુસ્લિમના મોઢામાંથી નીકળતા શબ્દો શમાના મોઢામાંથી પણ નીકળ્યા.

આ સમાચાર સાંભળીને શમાને એની ખાલા માટે જરૂર અફસોસ થયો પણ જે વ્યક્તિને એણે ક્યારેય જોઈ જ ન હતી એના ઇન્તકાલ વિષે સાંભળીને એને બહુ ગ્લાનિ ન થઇ.

એના મનની સપાટી ઉપર અત્યારે એના પોતાના દુઃખનું એવું આવરણ હતું કે બીજું કોઈ દુઃખ અત્યારે કદાચ એને સ્પર્શી શકતું જ ન હતું. બીજી કોઈ લાગણીઓના પ્રવેશ માટે હૃદયના દરવાજા જાણે બંધ થઇ ગયા હતા.

શમા આગળ કઈ બોલી નહીં એટલે ખાલીદે પૂછ્યું, ‘દુબઈ જાઓગી?’

‘મૈં? દુબઈ?’

‘હાં. ઉનકે પાસ હો આઓ. ઉનકો ભી અચ્છા લગેગા ઔર તુમકો ભી. અભી તુમ્હારી હાલત કૈસી હૈ વો મૈં જાનતા હૂં. અફસોસ તો મુઝે ભી બહોત હુઆ થા લેકિન જૈસી અલ્લાકી મરઝી. તુમ દુબઈ હો આઓ. મૈં યે કૈસે ભૂલ સકતા હૂં કિ આપકી ખાલાને હી હમ દોનોંકો મિલવાયા હૈ.’

રાશીદના બોલવા ઉપરથી ચોખ્ખું દેખાઈ આવતું હતું કે એને શમાની જરૂર હતી ને એ લાંબો સમય નારાજ રહે એ એને મંજૂર ન હતું. ખાલીદે

શમાને એ પણ જણાવ્યું કે એક દિવસ પછી એ પોતાના ડ્રાઈવરને શમાનો પાસપોર્ટ લઈને મોકલશે. ડ્રાઈવર અવારનવાર દુબઈ જતો હોવાથી એ બોર્ડર ઉપર કરવાની બધી કાર્યવાહીથી માહિતગાર હતો એટલે એ જ બધું સંભાળી લેશે અને શમાને કોઈ તકલીફ નહીં પડે.

આ વાતચીતથી શમાને એ વાતનો તો ખ્યાલ આવી જ ગયો કે એનો પાસપોર્ટ ખાલીદ પોતાની પાસે જ રાખતો હતો. દુબઈ જવાનો એને ખાસ ઉત્સાહ ન હતો થતો પણ એ બહાને આ નજરકેદ જેવી સ્થિતિમાંથી બહાર નીકળાશે અને સ્થળ અને વ્યક્તિઓના બદલાવાથી મનની સ્થિતિમાં થોડો ફેર પડશે, પોતાના એક સગાને મળવા મળશે, એમ વિચારીને શમાએ હા પાડી દીધી.

બીજા દિવસે હારુન પાસે જઈને શમાએ બધું જાણી લીધું. મસ્કતથી દુબઈ જતાં સોહાર વચ્ચે આવે એટલે ત્યાં રહેનાર વ્યક્તિઓ તો અવારનવાર દુબઈ જાય. ઘણા તો ખરીદી કરવા પણ ઉપડી જાય.

ખાડીના દેશોના નાગરિકો માટે તો એક દેશમાંથી બીજા દેશમાં જવા ઉપર કોઈ પ્રતિબંધ ન હતા. બીજા દેશના ત્યાં રહેતા નાગરિકોએ જે તે દેશની સીમા ઉપર એમાં દાખલ થવાની, અમુક દિવસો માટે રહેવાની પરવાનગી લેવી પડે.

શમાએ હારુનને પૂછ્યું કે ઓમાની પુરુષને પરણ્યા પછી હવે એ ત્યાંની નાગરિક ગણાય કે નહીં, ત્યારે હારૂને એની જાણમાં હતી એટલી માહિતી આપતાં એને કહ્યું હતું કે ઓમાની માણસે કોઈ પરદેશીને પરણતા પહેલાં ત્યાંની મિનીસ્ટ્રીની પરવાનગી લીધી હોય તો જ એ લગ્ન કાયદેસર ગણાય. અથવા તો એ સ્ત્રી એ ઓમાની પુરુષના પુત્રની માતા બની હોય તો દસ વર્ષ પછી એને દેશનું નાગરિકત્વ મળી શકે.

શમાએ એની મર્યાદાઓ સમજાઈ ગઈ. એક પળ એને એવો વિચાર પણ આવી ગયો કે શું એટલા માટે એના ગર્ભવતી હોવાના સમાચારથી ખાલીદને બહુ ખુશી નહીં થઇ હોય? એ માતા બને એવું એ ઈચ્છતો જ નહીં હોય?

આમ તો એમના મજહબમાં એકથી વધારે પત્નીઓ કરવાની છૂટ હતી પણ એ આ દેશમાં તો ખાલીદની કાયદેસરની પત્ની ન હતી. ભારતમાં જેને ‘રખાત ‘ કહેવાય એવું જ એનું સ્થાન ખાલીદની જિંદગીમાં હતું? છી!

આ વિચાર આવતાં જ શમાને પોતાની જાત માટે, પોતાના હોવા માટે જ તિરસ્કાર થઇ ગયો. એનો અર્થ તો એજ ને કે એનો શૌહર પણ એનો શૌહર ન ગણાય? તો એને શું માનવાનો? માત્ર એક અજનબી? એક અજનબી સાથે એ એક પથારીમાં સૂતી હતી?

એને થયું કે સાપ પોતાની કાંચળી ઉતારી નાખે એમ એ પણ પોતાની ચામડી ઉતરડીને ફેંકી શકતી હોત તો કેવું સારું! એને દરિયામાં જઈને ડૂબી જવાનું મન થયું. પણ પછી તરત કુરાનની શીખ યાદ આવી. આ જીવન અલ્લાએ આપેલી ભેટ છે અને એને પાછું લેવાનો અધિકાર પણ માત્ર અલ્લા પાસે જ છે.

આપઘાત તો ખુદાની નજરમાં બહુ મોટો ગુનો છે. ના, એ મરશે નહીં, એ રડશે પણ નહીં. શમાએ હોઠ દાબીને આંસુને હૈયાના તળિયા વિનાના કૂવામાં ઊતરી દીધા અને જાતને સાંત્વન આપ્યું કે ભારતમાં તો એમની શાદી થઇ જ હતી એટલે ખાલીદ એનો શૌહર તો હતો જ. એ કોઈ રીતે અલ્લાની ગુનેગાર ન હતી.

દુબઈ પહોંચતા સુધીમાં શમા એક પણ શબ્દ બોલી ન હતી. સામાન્ય સંજોગોમાં તો એણે ડ્રાઈવર સાથે વાતો કરીકરીને આખા વિસ્તારનો ઈતિહાસ, ભૂગોળ, બધું જાણી લીધું હોત.

રસ્તો ખૂબ જ સરસ હતો. ગાડીના પૈંડા જાણે રસ્તાને સ્પર્શ્યાં વિના જ દોડતાં હોય એટલી ઝડપથી ગાડી ચાલતી હતી. ઓમાન-દુબઈની બોર્ડર ઉપર ડ્રાઈવરે જ બધી કાર્યવાહી પતાવી.

ત્યાંથી આગળનો રસ્તો રણની વચ્ચેથી પસાર થતો હતો. શમા રસ્તાની બંને બાજુ દેખાતી રેતી સાથે પોતાના જીવનને સરખાવી રહી. એની જિંદગી પણ એવી જ હતી ને! દઝાડી દે એવી ગરમ અને પાછી સુંવાળી એવી કે હાથમાં પકડવા જાઓ એ પહેલા તો હાથમાંથી છટકી ગઈ હોય અને એટલે દાઝ્યાની ફરિયાદ પણ ન થઇ શકે.

દુબઈમાં દાખલ થયા પછી શમાની વિચારગાડીને બ્રેક લાગી. ગાડી ગગનચુંબી મકાનો વચ્ચેથી પસાર થતી હતી. કાચના બનેલા, ચમકતા અને અવનવા આકાર અને ડીઝાઈનોમાં બનેલા એ મકાનો એટલા ઊંચા હતા કે શમા ગાડીની બારીના કાચ ઉપર માથું ટેકવીને નજરને ગમે તેટલી ઊંચી મોકલે તો પણ એ આખા તો આંખોમાં પકડાય જ નહીં.

રસ્તા ઉપર અમદાવાદના રસ્તાઓ જેટલો જ ટ્રાફિક, પણ માત્ર ગાડીઓનો અને સીધી લીટીમાં ચાલતો ટ્રાફિક. ચોખ્ખાઈ પણ ખૂબ જ હતી અને અહીં પણ રસ્તાની બંને બાજુ ફૂલોની શોભા તો એણે મસ્કતથી સોહાર આવતાં જોઈ હતી એવી જ હતી.

ડ્રાઈવર પહેલા ખાલાને ઘેર આવેલો હશે, એટલે એ સીધો ગાડીને એમના વિલાના ગેટમાં જ લઇ ગયો.

એમનો વિલા તો ખાલીદના સોહારના વિલા કરતાં પણ મોટો અને સુંદર હતો. બગીચાની એક બાજુ નાનો સ્વીમીંગ પુલ પણ હતો. પણ અત્યારે તો શમાને ખાલાને મળવાની તાલાવેલી હતી. કેટલા બધા સમય પછી એ ‘પોતાની’ કોઈ વ્યક્તિને મળવાની હતી!

એ ગાડીમાંથી ઉતરી ત્યારે ખાલાની દીકરી કૌસર ત્યાં જ ઊભી હતી. ખાલીદે એ લોકોને ફોન કરીને શમાના આગમન વિષે જણાવી દીધું હતું.

શમા લગ્નમાં હૈદરાબાદ ગઈ હતી ત્યારે ખાલા પણ એમની બન્ને દીકરીઓને લઈને ત્યાં આવ્યા હતા, એટલે એમને ઓળખાણ તો હતી જ. બંને બહેનો એકબીજાને ભેટી પડી. પછી કૌસર શમાને આખો વિલા વટાવીને એની અમ્મી પાસે લઇ ગઈ.

એમના મજહબની આજ્ઞા પ્રમાણે ખાલા સાડા ચાર મહિના સુધી એમના મહેરમ [ભાઈ, બાપ, દીકરો, ભત્રીજો વગેરે] સિવાય કોઈને મળી ન શકે એટલે છેક અંદરની રૂમમાં બેઠેલા હતા.

શમાને એની ખાલાને જોઈ. એણે એમને હૈદ્રાબાદમાં જોયા હતા અને પછી ફોટામાં જોતી હતી એના કરતાં અત્યારે એ કેટલા અલગ લાગતા હતા! એમને રૂબરૂમાં અને ફોટામાં, શમાએ કાયમ ખૂબ મેકઅપ કરેલા, ઘરેણાંથી લદાયેલા અને ઘેરા રંગના કપડાં પહેરેલા જ જોયા હતા. અત્યારે સફેદ સલવાર કમીઝ પહેરેલી ખાલા એવી લાગતી હતી જાણે ચંદ્રને ગ્રહણ લાગી ગયું હોય!

એમના પતિના અવસાન વિષે સાંભળ્યું ત્યારે શમાને બહુ દુઃખની લાગણી અનુભવાઈ ન હતી. પણ અત્યારે એમને જોઇને હિમશીલા માંથી નદીનો ધોધ નીકળે એવી રીતે શમાની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા.

એ આંસુ પોતાના એક આપ્તજનને બહુ વખત પછી મળ્યાની ખુશીના હતા કે ખાલાની હાલત જોઇને થતા દુઃખના હતા એ શમાને સમજાતું ન હતું. આંખમાંથી નીકળતું એ ઝમઝમનું પાણી કદાચ એના પોતાના સંતાપનું પણ હોય. કોખ ખાલી થઇ ગયા પછી એ ક્યાં પૂરેપૂરું રડી શકી હતી?

ખાલા, શમા અને કૌસર, ત્રણેય જણાયે એકબીજાની સામે અને એકબીજાની સાથે આંખોના સરોવર છલકાવ્યા. આંસુઓએ સંબંધ બાંધ્યો એટલે આટલો સમય ન મળવાને લીધે મૂર્છિત થઇ ગયેલી લાગણીઓ પણ ઉભરાઈ. વાતોના વાવેતર થયાં. થોડીવાર પછી બીજી કોઈ સ્ત્રીઓ ખાલાને મળવા આવી એટલે કૌસર શમાને પોતાની રૂમમાં લઇ ગઈ.

રૂમમાં જઈને બંને બહેનો મોં ધોઈને ફ્રેશ થઇ. પછી કૌસરે વાતચીત ચાલુ કરી.

‘કૈસી હો શમા?’

‘ઠીક હૂં.’

‘નહીં, તુમ ઠીક નહીં હો. મૈંને વો શાદી મેં તુમકો દેખા થા તબ તુમ એકદમ નરગીસ કે ફૂલ જૈસી લગ રહી થી. આજ ઐસા લગતા હૈ કિ વો ફૂલ કે ઉપર રાત કી સ્યાહી લગ ગઈ હૈ. ક્યા બાત હૈ? અપની બહન કો  નહીં બતાઓગી?’

બંધાઈ ગયેલી લાગણીઓના દરવાજા ખૂલી ગયા હતા. શમાના હૈયામાં ધરબાઈ રહેલી વ્યથાને વહેવા માટે સ્નેહમાં ઝબોળેલા આટલા શબ્દોનો ઢોળાવ પૂરતો હતો.

એ ઢોળાવ ઉપર ખાલીદ સાથે ફટાફટ થયેલી શાદી, એનો શરૂઆતનો પ્રેમ, એની બીજી બીબી, શમાનો ગર્ભપાત, એ બધી જ ઘટનાઓ સડસડાટ દોડતી રહી. વચ્ચે ક્યારેક શમાના શબ્દો ગળામાં રૂંધાઇ જાય ત્યારે એનો હાથ દબાવતી કે એની પીઠ ઉપર હાથ ફેરવતી કૌસર એને શાંતિથી સાંભળતી રહી.

શમાએ કૌસરને એમ પણ જણાવ્યું કે એને એવું લાગતું હતું કે ખાલીદની જિંદગીમાં એનું સ્થાન એક રખાતથી વધારે ન હતું.

સાથે સાથે આ બધી વાત ખાલાને ન કરવાનું વચન પણ શમાએ કૌસર પાસેથી લઇ લીધું. એ એના અબ્બા અને અમ્મીની જેમ ખાલાને પણ દુ:ખી કરવા ન હતી માગતી. એમણે જે પણ કર્યું એ અજાણતા જ કર્યું હતું, શમા અને પરવીનના હિત માટે કર્યું હતું એનો ખ્યાલ શમાને આવી ગયો હતો. ખાલાના વ્હાલ ટપકાવતા શબ્દોની ભીનાશમાં એના મનમાં જે થોડી ઘણી ગેરસમજ હતી એ બધી ધોવાઈ ગઈ હતી.

પછી કૌસરે શમાને જે જણાવ્યું એ એની કલ્પના બહારનું હતું. એણે કહ્યું કે આટલા વર્ષો પછી એની અમ્મીને પણ દુબઈનું નાગરિકત્વ નથી મળી શક્યું. એમના લગ્ન પણ શમાની જેમ જ હૈદરાબાદમાં ફટાફટ થઇ ગયા હતા.

દુબઈના કાયદા પ્રમાણે આવી રીતે લગ્ન કરીને આવેલી પરદેશી સ્ત્રી ત્યાંની નાગરિક તો જ બની શકે જો એ ઓછામાં ઓછું સાત વર્ષ એના પતિ સાથે રહી હોય અને એનાથી એને એક પુત્ર થયો હોય. એની અમ્મીએ તો બે પુત્રીઓને જ જન્મ આપ્યો એટલે એને ત્યાંનું નાગરિકત્વ મળ્યું જ નહીં. એને લીધે અબ્બાના ગયા પછી એમના આટલા મોટા બિઝનેસમાં કાયદેસર એનો કોઈ હક ન હતો.

‘યા અલ્લા! ઐસા ક્યા?’

કૌસરે આગળ જણાવ્યું કે એની અમ્મી પાસે એના ગહના સિવાય બીજો કોઈ પૈસો નથી. અલ્લાના શુકરથી બીજી બે બીબીઓ અને એમના છોકરાઓ સારા છે એટલે એમને ત્યાં રહેવામાં કોઈ જ વાંધો નહીં આવે પણ એમની જિંદગી તો બદલાઈ જ જશે. એની મોટી બેનની તો શાદી થઇ ગઈ છે અને થોડા વખત પછી કૌસરની પણ થઇ જશે. પછી આટલા મોટા ઘરમાં એની અમ્મી એકલી પડી જશે એની કૌસરને ફિકર હતી.

કૌસરે શમાને આરબ પુરુષોની પત્નીઓ વિષે એમ પણ જણાવ્યું કે એ લોકો બહુ નિયમિત રીતે બ્યુટી પાર્લરમાં જાય, પોતાની જાતને કાયમ સુંદર દેખાડવાનો જ પ્રયત્ન કરે, કારણકે એમને હમેશા એક પ્રકારની અસલામતી રહે કે પોતે સુંદર નહીં દેખાય તો એનો શૌહર બીજી શાદી કરી લેશે, એના તરફ ધ્યાન નહીં આપે કે પછી બીજી બીબી તરફ વધારે આકર્ષિત થઇ જશે. પત્નીઓ વચ્ચે વધારે સુંદર  દેખાવાની જાણે હોડ ચાલ્યા કરે.

બીજું કે એ ઘરેણાં માટે થોડી લાલચી થઇ જાય, બહુ માગ્યા કરે. એ લોકો એવું માને કે એનાથી પોતે સુંદર તો દેખાશે જ અને સાથે પોતાનું ભવિષ્ય પણ સુરક્ષિત રહેશે.

શમાને હવે સમજાયું કે પોતે સોનાનો હાર ફેંકી દીધો ત્યારે કેમ ખાલીદને આટલો બધો ગુસ્સો આવ્યો હતો. બીજી સ્ત્રીઓ સતત જેની માંગણી કર્યા કરે એને પોતે કઈ વિસાતમાં જ લીધો ન હતો.

એ સ્તબ્ધ થઈને કૌસરની વાતો સંભાળતી રહી. આરબ પુરુષોના પૈસા અને સાહ્યબી જોઇને ભારતીય માતા પિતા પોતાની પુત્રીઓ એમની સાથે પરણાવી દે છે. પણ એમણે આ બધી તપાસ કરવી જોઈએ ને? જો કે એ પછી એને જ વિચાર આવ્યો કે ગરીબીનો રાક્ષસ આવી તપાસ કરવાની ઈચ્છાને ખાઈ જતો હોય છે. દીકરી ‘ખાધે પીધે’ સુખી થાય એટલી જ તમન્ના બાકી રહેતી હોય છે.

શમા બે દિવસ ત્યાં રહી. સાંજે ઘરમાં ફાતીયો પઢવામાં આવતો હતો ત્યારે એ બીજી સ્ત્રીઓની સાથે ત્યાં બેસતી. ગરીબોને ખાવાનું વહેંચવામાં આવતું હતું એ બનાવવામાં પણ મદદ કરતી. ધૂપ–લોબાન કરતી. એ કૌસરની મોટી બેન જહાનારાને પણ મળી.

બે દિવસમાં તો શમા એની ખાલા અને કૌસરની ઘણી નજીક આવી ગઈ. કૌસરે એના અબ્બાની પણ વાતો કરી. પ્રસંગ જ એવો હતો કે વાતોમાં એમની મૃત્યુ સમયની ઘટનાઓ જ ખેંચાઈ ખેંચાઈને આવી જતી હતી.

અબ્બાનો ઇન્તકાલ વહેલી સવારે થયો હતો. બધા કુટુંબીજનો તરત જ આવી ગયા હતા. મસ્જીદ એમના ઘરની નજીક જ હોવાથી કોફીન ત્યાં લઇ જઈને, બે વાર રકાત કરીને એ લોકો કબ્રસ્તાન પહોંચી ગયા હતા. કૌસર પણ થોડી જીદ કરીને ત્યાં ગઈ હતી.

એણે શમાને એ પણ જણાવ્યું કે દુબઈમાં તો ઘેરથી મૃતદેહ લઇ જવાથી માંડીને એના દફન સુધીની બધી જવાબદારી સરકાર જ ઉપાડી લે છે. ઘરમાં કંઈ કરવાનું જ નહીં.

કબ્રસ્તાનમાં મૃતદેહને નવડાવવા માટે સરસ પ્લેટફોર્મ બનાવેલા છે, ગરમ-ઠંડા પાણીની સગવડ છે અને કોઈ વિદેશીનું મૃત્યુ થયું હોય તો એનો વિઝા કેન્સલ કરવા માટે ઈમિગ્રેશન ઓફિસ પણ છે. શમા દુનિયાના સહુથી ધનિક દેશોમાંનો એક એવા દુબઈની બધી વાતો રસપૂર્વક સાંભળતી હતી.

બે બહેનોએ બે દિવસ સાથે ને સાથે રહી. શમાએ સારો એવો સમય ખાલા સાથે પણ વિતાવ્યો. એણે નોંધ્યું કે એમણે આ આધાત પચાવી લીધો હતો. ક્યારેક કૌસર અબ્બાને યાદ કરીને રડવા માંડતી ત્યારે ખાલા જ એને ઇસ્લામનું તત્વજ્ઞાન સમજાવતી કે અલ્લાએ આપેલું જીવન એ ઈચ્છે ત્યારે પાછું લઇ લે. એને માટે આટલો શોક કરીએ તો અલ્લા નારાજ થાય.

બે દિવસ પછી શમા પાછી ફરી ત્યારે ઘણા બધા આંસુ ત્યાં મૂકીને આવી હતી અને ઘણી બધી હિંમત ત્યાંથી લઈને આવી હતી. એનો પાસપોર્ટ ડ્રાઈવર પાસે જ રહેતો. જો કે એણે ધાર્યું હોત તો એ મેળવી શકી હોત, ખાલા પાસેથી પૈસા લઈને ભારત પાછી ફરી શકી હોત. પણ હવે એણે પાછા ન ફરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો.

એણે નક્કી કરી લીધું હતું કે એ હવે વાવાઝોડાને પણ પડકારશે અને ગ્રહણ લાગેલા ચાંદને ઉજળો કરીને, ચાંદનીને નીચોવીને અજવાળું એકઠું કરશે.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. હપ્તો 11 જોરદાર. શમાની દુબઈ જતી વખતે અને ત્યા કૌશર સાથે વિતાવેલા સમયનુ વર્ણન ખૂબ ર્હદયદ્રાવક…શમાનો પરિસ્થિતિ સામે લડી લેવાનો નિર્ણય ગમ્યો.