શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૯ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ–૯

શમા રોજ સવારે ફજરની નમાજ પઢવા માટે વહેલી પાંચ વાગે ઊઠી જતી. પછી થોડી વાર તસ્લીમ લઈને બેસતી. મરિયમ આવીને ચા બનાવી આપે પછી પોતાનું બધું પરવારીને બહાર બગીચામાં આંટા મારતી. એ પછી બપોર સુધી ખાસ કશું કરવાનું રહેતું નહીં એટલે ટી.વી. ચાલુ કરીને બેસતી.

ઘરમાં મોટું ટી.વી. હતું. મરિયમના કહેવા પ્રમાણે ત્યાં પણ એમને ઇન્ડિયાની બધી ચેનલ જોવા મળી શકે એમ હતી. પણ ખાલીદનો આગ્રહ હતો કે શમા માત્ર અરેબીક ચેનલ જ જુએ, જેથી એ એમની ભાષા જલ્દી શીખી જાય.

શમા અરેબીક ચેનલો આમથી તેમ ફેરવ્યા કરતી, હારુન પાસેથી જે શીખતી હતી એ ઉપરાંત અહીંથી પણ થોડા અરેબીક શબ્દો શીખવા પ્રયત્ન કરતી. પણ હમણાં એને કંઈ પણ જોવામાં ખાસ રસ પડતો નહીં એટલે ટી.વી. જોતા જોતા જ સૂઈ જતી. ઘણીવાર બપોરે જોહરની નમાજનો સમય ન થાય ત્યાં સુધી એ સૂઈ રહેતી.

એ દિવસે પણ એ સૂતેલી જ હતી અને અચાનક ગેટમાં ગાડી દાખલ થવાના એના પરિચિત અવાજથી એ જાગી ગઈ. બહારથી માળીનો અને સફાઈવાળા માણસોનો અવાજ સંભળાયો, ‘સાબ આયે, સાબ આયે.’

શમાને લાગ્યું કે એને ભણકારા વાગતા હશે. એ દિવસે ગુરુવાર તો ન હતો, તો ખાલીદ ક્યાંથી હોય? પણ ત્યાં તો મરિયમ એને ઉઠાડવા આવી, ‘મેડમ, સાહેબ આવ્યા છે.’

શમાના સૂતેલા મન ઉપર જાણે ગુલાબજળ છંટાયું! શરીરનું અણુ અણુ જાગૃત થઇ ગયું અને મન ઝંકૃત થઇ ઊઠયું… મારા જાનુ આવી ગયા? આજે તો ગુરુવાર પણ નથી! પરદેશથી આવીને સીધા સરપ્રાઈઝ આપવા આવી ગયા હશે. એમના બધા જ સરપ્રાઈઝ કેવાં સરસ હોય છે! હમણાં અંદર આવશે અને… શમાની આંખ સામે મનગમતાં દ્રશ્યોના દરવાજા ખુલ્લા થઇ ગયા.

એને ખાલીદે કહેલા શબ્દો યાદ આવ્યા, “મુઝે વો પહેલેવાલી શમા ચાહિયે.”

બહાર જઈને ખાલીદને એકવાર જોઈ લેવાની તલપ દબાવી દઈને એ સીધી બાથરૂમમાં દોડી, મોં સરખું ધોયું, ખાલીદને ગમતાં કપડાં પહેર્યાં, થોડો મેક અપ કરીને ફટાફટ કાનમાં મોટા ઝુમ્મર પણ પહેરી લીધા અને પલંગમાં ગોઠવાઈ ગઈ.

એણે તો વિચાર્યું હતું કે ખાલીદ સીધો અંદર જ આવશે અને એને તૈયાર થવાનો સમય જ નહીં રહે. એ “પહેલાવાળી” શમા થઈને થોડીક વાર સુધી તો ખાલીદની એની પાસે આવવાની રાહ જોતી રહી. પણ એ ન આવ્યો. બહારથી કંઇક વધારે અવાજો આવી રહ્યાં હતાં એટલે શું ચાલે છે એ જોવા માટે શમા બારણા પાસે જઈને ઊભી રહી ગઈ.

બહાર ખાલીદ એના હાથમાં પકડેલા મિઠાઈના બોક્સમાંથી બધા નોકરોને મિઠાઈ આપી રહ્યો હતો અને સાથે સાથે અરેબીકમાં કંઇક કહી રહ્યો હતો. શમાને ‘બીન ખાલીદ’ જેવા શબ્દો સંભળાતા હતા પણ એ કંઈ સમજી શકતી ન હતી કે આ બધી ખુશી શેને માટે છે. પત્ની ગર્ભવતી થાય એના અમુક સમય પછી એની પણ ઊજવણી થતી હશે?

પેલે દિવસે એ ઉતાવળમાં હતા એટલે ઠંડો પ્રતિભાવ આપ્યો હશે? શમાએ જોયું કે ડ્રાઈવરના હાથમાં ચોકલેટના પેકેટ હતાં જે એ બધા નોકરોને એક એક આપી રહ્યો હતો.બધા નોકરો ખાલીદને ‘મબરુક, ‘મબરુક’  [વધામણી] કહી રહ્યાં હતા. શમા કંઈ સમજે એ પહેલાં તો એને દરવાજા પાસે ઊભેલી જોઇને ખાલીદ દોડીને એની પાસે આવ્યો અને એના મોંમાં એક મિઠાઈનો ટુકડો ખોસીને એને ઊંચકીને ગોળ ગોળ ફર્યો. એની ખુશીનો ચેપ શમાના મૂંઝાયેલા ચહેરા ઉપર પણ લેપાયો.

‘લેકિન ક્યા હુઆ વો તો બતાઈયે!’

‘આજ મૈં  બહોત ખુશ હું, શમા. ક્યા કરું સમઝ મેં નહીં આતા.’ ખાલીદે માત્ર નાચવાનું જ બાકી રાખ્યું હતું.

‘હાં,આપકી ખુશી તો મૈં દેખ સકતી હૂં, લેકિન અમ્મી કહતી થી ઇતના જલ્દી ઇતના ખુશ હોના ઠીક નહીં.  બચ્ચા આને મેં તો અભી દેર હૈ.’

‘અરે દેર કહાં હૈ મેરી જાનેમન! મૈં અબ્બા બન ગયા હૂં, બેટા હુઆ હૈ બેટા!’ ખાલીદે શમાના ખભા પકડીને એને હચમચાવી નાખી.

શમાના કાને આ શબ્દો સાંભળ્યા ખરા પણ મગજમાં જઈને એ મંકોડાની જેમ કરડવા માંડ્યા. એટલે જ મોંમાંથી જે શબ્દો નીકળ્યાં એ ટુકડા ટુકડા થઈને વેરાયા… ‘આપ…, અબ્બા…, યે કૈસે… ?’

ખાલીદ એક સ્મિત કરતો એની સામે ઊભો રહ્યો. શમા એની સામે જોઈ રહી. આ સ્મિતમાં શું રહસ્ય છે? આ સ્મિત કેમ એને આજે કટારની ધારની જેમ વાગતું હતું? પછી ગાઢ અંધકારમાં એક વીજળી ચમકે અને નજર સામેથી ખોવાઈ ગયેલું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ જાય એવી રીતે એ સમજી અને એ સાથે ખાલીદથી દૂર ખસી ગઈ. શરીર ધનુષની પણછની જેમ ખેંચાયું અને મોંમાંથી વીંધી નાખે એવા શબ્દો નીકળ્યાં, ‘આપ અબ્બા બન ગયે! મતલબ આપ, આપ ક્યા પહેલે સે શાદીશુદા હૈ? આપકી ઔર ભી એક બીબી હૈ?’

આઘાત અને રોષમાંથી જન્મેલા એના શબ્દોમાં તલવારની ધાર હતી, આંખોમાં અગ્નિ હતો અને એ સળગતા અગ્નિની લાલાશ ચહેરા ઉપર પથરાઈ ગઈ હતી. આંખોથી કોઈને સળગાવી શકાતું હોય તો અત્યારે ખાલીદ સળગી ગયો હોત.

ખાલીદે કદાચ આ બધી, આટલી નહીં તો થોડી ઓછી, પણ ધારણા તો કરેલી જ હશે. એ એને માટે તૈયારી કરીને જ આવ્યો હતો. ખાલીદે શમાને સોફા ઉપર બેસાડી, એની બાજુમાં બેઠો અને હંમેશા શમાને પટાવવા માટે જેમ કરતો એમ એનો હાથ પોતાના હાથમાં લીધો, કંદોરાના લાંબા ખીસામાંથી સોનાનો હાર બહાર કાઢીને એના હાથમાં મૂકતા બોલ્યો, ‘દેખો મેરી મહેજબીન…’

શમાએ હાર નીચે ફેંકી દીધો અને ખાલીદનો હાથ છોડાવીને ઊભી થઇ ગઈ, ‘ક્યા આપ પહેલે સે હી શાદીશુદા હૈ? આપકી એક ઔર બીબી ભી હૈ?’

ખાલીદ સામે આવી નજરથી કોઈ સ્ત્રીએ પહેલાં જોયું ન હતું, કોઈ સ્ત્રીએ એની સાથે આવું વર્તન ક્યારેય ન હતું કર્યું. એણે હમેશા ઘરેણા માટે લોલુપ, કંઈ પણ કરવા તૈયાર સ્ત્રીઓને જ જોઈ હતી.

શમાએ આવો કીમતી હાર ફેંકી દીધો એટલે એના પૈસાના અભિમાનનો પર્વત હાલી ઊઠ્યો. એનું પુરુષત્વ ઘવાયું. એ ઘવાઈને ફરી લડવા ઊભા થતા યોધ્ધાની જેમ ઊભો થયો અને શમાની સામે પોતાની તર્જની ધરીને બોલ્યો, ‘તુમ યે સબ કરકે મેરા મૂડ મત ખરાબ કરો. મૈં મસ્કત મેં રહતા હૂં, વહાં ભી મુઝે એક બીબી તો ચાહિયે હી ચાહિયે. યે મત ભૂલો કિ મૈં  મર્દ હૂં ઔર મર્દ કો હર જગાહ ઔરત ચાહિયે.’

છેલ્લું વાક્ય એ શમાની નજીક આવીને એની આંખોમાં આંખો નાખીને બોલ્યો અને બહાર ચાલ્યો ગયો. શમા એને ખજૂરની વાડી તરફ જતો જોઈ રહી. એને એવું લાગ્યું કે ખાલીદ પોતાની સાથે આજુબાજુની હવાને પણ ખેંચતો ગયો છે અને એ શૂન્યાવકાશમાં ડૂબી રહી છે. આ શૂન્યાવકાશનો ભાર એનું કોમળ મન સહન ન કરી શક્યું અને શમા નીચે ફસડાઈ પડી.

શમાની આંખો ખુલી ત્યારે એ એના રૂમમાં પથારીમાં સૂતેલી હતી. ખાલીદના શબ્દો હજુ એની આજુબાજુ ચકરાવા લઈને એના ઉપર તીર છોડતાં જતાં હતાં. એ જેમ જેમ એના વિષે વિચારતી હતી એમ વધારે ને વધારે વીંધાતી જતી હતી. એની સાથે નિકાહ કર્યાં ત્યારે ખાલીદ શાદીશુદા હતો જ! એની પાસે નવીનતાનો આનંદ લઇ લીધો અને પછી એ મસ્કત જતો રહ્યો.

એ ઓમાની બીબીની પાસે રહેવા માટે જ આટલો વખત અહીં આવ્યો નહીં ને? ત્યાં કદાચ એનો પૂરો પરિવાર હશે. એમાં શમાને યાદ કરવાની ફુરસદ ક્યાંથી મળે? એના મજહબમાં પુરુષને ચાર પત્નીઓ કરવાની છૂટ હતી, પણ ખાસ સંજોગોમાં. અને આવી રીતે છેતરીને તો બિલકુલ જ નહીં. આણે તો પાછું કહ્યું એવી રીતે કે એ એનો હક હોય!-“મર્દ હૂં, ઔર મર્દ કો હર જગહ ઔરત ચાહિયે.” શમાને માથું પછાડીને રોવાનું મન થતું હતું. આવી છેતરપીંડી!

‘છેતરપીંડી જ વળી’, શમા વિચારતી હતી- જો ખાલીદે અહીં આવીને પણ એને જણાવ્યું હોત તો પોતાનો પ્રતિભાવ કે દુઃખ કદાચ આટલું ઉગ્ર ન હોત. એ કદાચ સમજી શકી હોત કે મોટે ભાગે મસ્કત રહેવાનું હોય તો ત્યાં ઘર સંભાળવા માટે પણ એને એક બીબી જોઈએ. પણ આ તો પીઠમાં ખંજર  ભોંક્યું, એ પણ એવી રીતે કે એ પીઠમાંથી સીધું હૃદયને ચીરીને બહાર નીકળ્યું.

એણે જે રીતે હાર ફેંકી દીધો એ બરાબર જ કર્યું. એ ગરીબ ઘરની હતી, પણ પૈસાની નહીં, પ્રેમની ભૂખી હતી. આવો મોંઘો હાર ફેંકી દીધો પછી ખાલીદને એ સમજાયું હશે? એણે પોતે જે કર્યું એને માટે એને પસ્તાવો હશે? એ આવીને પોતાની સાથે સરખી વાત કરે, એને એવો અહેસાસ થાય કે એની ભૂલ થઇ ગઈ છે તો એ પણ એને માફ કરી દેશે. છેવટે તો એ એનો શૌહર હતો અને અહીં એનું બીજું હતું પણ કોણ?

નિર્દોષ શમા ખાલીદમાં પણ પોતાના નિર્મળ વ્યક્તિત્વનું પ્રતિબિંબ જોતી હતી. એને ઊંડે ઊંડે આશા હતી કે ગુસ્સો ઠંડો થઇ ગયા પછી ખાલીદ એના દુઃખને સમજ્યો હશે, પાછો આવ્યો હશે અને પોતાના જાગવાની રાહ જોતો બહાર જ બેઠો હશે. પોતે પણ એકદમ આવી પ્રતિક્રિયા આપીને સારું ન કર્યું. અબ્બા બની ગયાનો કેટલો આનંદ હતો એને?

પોતાને મીઠાઈ ખવડાવીને કેવો ઊંચકીને ફર્યો હતો! એની ખુશીમાં મારે ખુશી ન બતાવવી જોઈએ? એને બદલે પોતે એનું દિલ તોડી નાખ્યું. પણ એણે આવું કરીને મારા દિલના અસંખ્ય ટુકડા જ કરી નાખ્યા એનું શું?

શમાના લાગણીશીલ મગજની અંદર એક સ્વમાની સ્ત્રી અને એક પ્રેમાળ પત્ની વચ્ચે તુમુલ યુદ્ધ ચાલી રહ્યું હતું. છેવટે એમાં પત્નીની જીત થઇ. એણે ધીમેથી બૂમ પાડી, ‘જાનુ!’ બે ત્રણ વાર બૂમો પાડ્યા પછી પણ ખાલીદ અંદર ન આવ્યો એટલે એણે બૂમ પાડીને મરિયમને બોલાવી. મરિયમ દોડતી આવી અને નીચું જોઇને ઊભી રહી.

‘મરિયમ, તારા સાહેબ પાછા આવ્યા?’

‘ના મેડમ, આજે બહુ વખત પછી આવ્યા એટલે સાહેબ બધા માણસોનો પગાર કરવા ગયા છે.’ પછી થોડું થોભીને ઊમેર્યું, ‘હારુન કહેતો હતો કે સા’બને હિસાબ કરતાં બહુ વાર લાગે છે. થોડી વારમાં આવી જશે મેડમ.’

શમાને લાગ્યું કે એણે બહાર જઈને બેસવું જોઈએ. એ પથારીમાંથી ઊભી થવા ગઈ અને નીચે ભીનાશનો અનુભવ થયો. હૃદય એટલું દુ:ખી હતું કે શરીરની પીડા તો એને અત્યાર સુધી અનુભવાતી જ ન હતી.

એ પેટ ઉપર હાથ રાખીને ઊભી થઇ અને જોયું તો એના ગાદલાનો એક ભાગ લોહીના રંગે રંગાઈ ગયો હતો. જંગલમાં કોઈ હરણી એના બચ્ચાને વાઘ દ્વારા ખવાતું જુએ અને જેવી અસહાય આક્રંદની ચીસ પડે એવી ચીસ એના ગળામાંથી નીકળી ગઈ.

મરિયમે એને પકડી ન લીધી હોત તો એ નીચે જ પટકાઈ હોત. શમા મરિયમના ખભા ઉપર માથું મૂકીને હીબકાં ભરીને રોતી રહી. એ દિવસે આખો અરબી સમુદ્ર શમાની આંખોમાંથી નીકળતો રહ્યો અને એને બધી રીતે ખાલી કરતો રહ્યો.

ખાલીદ શમાને મળવા પાછો ન આવ્યો. એની ‘મર્દાનગી’ ઘવાઈ હતી, એનો પૈસાનો ગર્વ હણાયો હતો. એની બીબીએ એના વર્તનથી એનો અબ્બા બનવાનો આનંદ ઝૂંટવી લીધો હતો, એક સાવ સાધારણ છોકરીએ એનો આપેલો સોનાનો મોંઘો હાર ફેંકી દેવાની દ્રુષ્ટતા કરી હતી.

આવું ઘર અને આટલો વૈભવ એણે ક્યાં કોઈ દિવસ જોયેલો હતો? એણે એવું કર્યું હતું જાણે કોઈ મરદ બીજી શાદી કરતો જ ન હોય. એના દેશમાં બધા નહીં કરતા હોય કારણકે એટલા પૈસા પણ હોવા જોઈએ ને? બીજા નોકરો બહાર હતા, પણ મરિયમે તો એણે કરેલો તમાશો જોયો જ હશે ને! એના સાહેબનું આવું અપમાન જોઇને એ શું વિચારે? બે બદામની છોકરી-બધો મૂડ ખરાબ કરી નાખ્યો. આવી જશે ઠેકાણે! ક્યાં જશે?

મરિયમે શમાને કહ્યું કે એણે ખાલીદને ફોન કરીને જે થયું હતું એ જણાવવું જોઈએ. પણ શમાનો પ્રેમ ઘાયલ થયો હતો, એના વિશ્વાસને ટૂંપો દઈ દેવામાં આવ્યો હતો. એણે ફોન કરવાની ના પાડી.

મરિયમ એને ડોક્ટર પાસે લઇ જવા માંગતી હતી. શમાએ એની પણ ના પાડી. વિશ્વાસઘાતે જન્માવેલા રોષની આગમાં અત્યારે તો એની જિજીવિષા પણ સળગી ગઈ હતી. ‘ના મરિયમ, ડોક્ટર મને મારું બચ્ચું પાછું આપી શકશે? જે થવાનું છે એ તો થઇ ગયું છે.’

પછીના આઠ-દસ દિવસ સુધી શમા સૂતેલી જ રહી. મરિયમ એને સાચવતી હતી, કંઇક કાઢા કરીકરીને પીવડાવતી હતી, એને ભાવતી રસોઈ બનાવતી હતી. હારૂન આવીને એની માલકિનને જોઇને, નિસાસો નાખીને જતો રહેતો હતો.

દસમે દિવસે પાછો ગુરુવાર હતો. શમા ઊભી થઇ, વાળ ધોયા, નવા કપડાં પહેર્યાં અને સાજશિંગાર કરીને ખાલીદના હંમેશના આવવાના સમયે સોફા ઉપર જઈને બેસી ગઈ.

મન એક આશાનો તંતુ ઝાલીને હવામાં લટકતું બેઠું હતું. બપોર થઇ, બપોર ગઈ. મસ્કતના લાંબા દિવસની સાંજ પણ આવી ગઈ. શમા બારીમાં જઈને ઊભી રહી. એણે માળીને એક મોટું સૂકાઈ ગયેલું વૃક્ષ જમીનમાંથી ઉખાડતો જોયો. એને નવાઈ લાગી –આખું વૃક્ષ કેમ ઉખાડી નાખતો હશે? એણે એને બૂમ પાડીને પૂછ્યું, ‘ઐસા કયું કર રહે હો?’

માળી હસ્યો, ‘મેડમ, યહાં તો ઐસે બડે બડે તૈયાર પેડ હી લાકર લગા દેતે હૈ. પાની, ખાતર, સબ કુછ અચ્છા દેતે હૈ. ફિર ભી સારે કે સારે પેડ તો નઈ જમીન મેં લગ નહીં સકતે! જો લગ ગયા સો લગ ગયા, નહીં લગા, સૂક ગયા, તો નિકાલકર ફેંક દેને કા.’

અંધારું થવા માંડ્યું હતું અને માળી ઉખાડેલું ઝાડ ત્યાં જ મુકીને જતો રહ્યો હતો. બારીમાં ઊભેલી શમા ક્યાંય સુધી એ સૂકાઈ ગયેલા ઝાડ સામે જોતી ઊભી રહી.

“નહીં લગા, સૂક ગયા, તો નિકાલકર ફેંક દેનેકા” શબ્દો કેટલીય વાર સુધી એની આજુબાજુ ઘૂમરાતા રહ્યાં. એ વિચારતી રહી.. હું પણ આ જમીનની તો નથી, તો પણ મારે તો અહીં લાગી જવું હતું. મેં તો મારા મૂળિયાં કાઢીને જમીનમાં નાખવાનો પ્રયત્ન કર્યો, પણ નીચે પહેલેથી જ કોઈ વૃક્ષ ઊગેલું હોય તો મારા મૂળ ક્યાં જાય? જમીનમાં કેવી રીતે લાગે? જે ન લાગી શકે એને ઊખાડીને ફેંકી દેવાનું?

શમાને મન થયું કે એ અબ્બા સાથે વાત કરે. એણે ફોન હાથમાં લીધો, પણ કહેવું શું? એ લોકો આ બધું જાણીને કેટલા દુ:ખી થશે? જે વસ્તુ એને અત્યાર સુધી રોકતી હતી એણે અત્યારે પણ રોકી.

અબ્બાને આમ પણ એકવાર હાર્ટએટેક આવેલો છે. આટલો મોટો સદમા એ બરદાશ્ત નહીં કરી શકે. અબ્બાને કંઈ થઇ ગયું તો ઘરના બીજા ચાર જણાનું શું થાય? ભાઈ તો હજુ બહુ નાનો છે. પણ અહીં એનું પોતાનું  શું? આટલું અપમાન સહન કરીને માત્ર રોટી ખાવા માટે બેસી રહેવાનું? એના કરતાં તો…

(ક્રમશ:)     

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. જોરદાર હપ્તો, જીવન નૌકા અચાનક વમળમાં ફસાઈ ગઈ. સુકાયેલા ઝાડ સાથે અદ્ભુત સરખામણી. હવે, ફોન કરશે? તો શું એની ઇંતેજારી..