હું તો આ ચાલી (વાર્તા) ~ ઉષા ઉપાધ્યાય

ઘરનાં સૌ જમીને ‘સુરભિ’ જોવા બેઠાં ને મેં વાસણ ઉટકવા ફળિયાની ચોકડીમાં પગ મૂક્યો ત્યાં જ ધગધગતા અંગારા પર પગ દેવાઈ ગયો હોય એવી લાઈ લાગી તળિયામાં. જોઉં તો વીંછી! તરત એમને સાદ દેવાઈ ગયો –

 

 

‘જુઓ તો આ વીંછી છે કે શું?’

ઉતાવળા આવી એમણે ચાલ્યો જતો વીંછી જોયો ને તરત એને મારવા પડખે પડેલો ધોકો ઉપાડ્યો.

‘અરર ! મારશો મા એને, એની માથે પગ આવે તો ડંખે જ ને બિચારો ! ને, ડંખ તો દઈ દીધો છે એણે, હવે એને મારીને યે શું?’

ધોકાના ધડાધડ ઘા વચ્ચે મારો અવાજ ક્યાંય ચગદાઈ ગયો. એમણે હાથ ઝાલી મને ઓસરીના ખાટલે બેસાડી. એટલી વારમાં તો ઘરનાં ને અડખેપડખેનાં સૌ ભેગાં થઈ ગયાં. કલબલાટ મચી ગયો. જાતજાતના ઉપાયો ચીંધતા હતા સૌ. એમણે મારી પગની પીંડીએ કચકચાવીને દોરી બાંધી દીધી.

દવાખાને લઈ જવાની વાત ચાલતી હતી ત્યાં ફૂઈ આવી ગયાં. સૌને દૂર ખસેડી એ મારા પગ પાસે બેસી ગયાં. લાગલો જ હુકમ દીધો – ‘વાટકીમાં જરા મૂઠીક મીઠું પલાળીને લાવજે તો ભૈ.’ અને મારો પગ ખોળામાં લઈ વીંછીના ડંખ પર ભાર દઈને મીઠું ઘસવા લાગ્યાં. 

આ બધી ધમાલ વચ્ચે મારું મન તો કંઈક જૂદું જ ચાલવા માંડ્યુ’તું, શરીર ને મન સાવ નોખાં જ થઈ ગયાં હતાં. કોઈક જુદી જ લ્હેર ઊપડી’તી મારા મનમાં…

‘હાશ ! કાલથી ઘડિયાળના કાંટે દોડવાનું બંધ. રોજ રોજ એમની ટકટકની ચિંતા નહીં. મારુતિમાં સડસડાટ પસાર થઈ જતી કોઈ રૂપાળી જોઈ હવે છાનો છાનો નિસાસો નાંખવાનો નહીં. હવે દાર્જિલિંગના પ્રવાસમાં જવાની જીદ લઈ બેઠેલા બકુલને મનાવતાં મનાવતાં બીજી બાજુ જોઈ આંખો નહીં લૂછવી પડે… આહા! કેવી હળવાશ લાગે છે ! લાગે છે જાણે કોઈ હળવે હળવે મારે માથે હાથ ફેરવી રહ્યું છે. મનમાં હકડેઠઠ ભરાયેલી બધી ચિંતાઓ લૂછી નાખી છે એ હથેળીએ. કેવી હવાથીયે હળવી થઈ ગઈ છું હું ! જાણે આંખમાં ધીરે ધીરે કોઈ મીઠું ઘેન અંજાતું જાય છે. કઈંક આછું આછું સમજાય છે હવે કે લોકો દારૂ કેમ પીતા હશે !… મનના દોડતા ઘોડાની લગામ કદાચ આમ જ દારૂની પ્યાલીથી ઢીલી થઈ જતી હશે, ને બિચારો દુનિયાથી બળેલોઝળેલો જણ શાતા પામતો હશે ને?’

‘હેં? શું પૂછ્યું તમે? ખાલી ચડતી હોય એવું લાગે છે ? પગમાં ઝણઝણાટી થાય છે ?’ પગમાં બળતરા ચાલુ છે ને મનને મશ્કરી સૂઝે છે. આહા ! તેડાગરનો હાથ અડ્યો છે કે કોઈ પીંછું જાણે ! મલકાતા હોઠે જવાબ ચડે છે-

“હંઅ, થાય છે ને, પણ જમણા નહીં આ ડાબા પગે.’

સાંભળીને બધાને લાગે છે કે નક્કી ભાન ઓછું થતું જાય છે, બાકી વીંછી કરડ્યો છે જમણે પગે ને કહે છે કે ડાબા પગે ઝણઝણાટી થાય છે ! રામ રામ, કાંઈ કહેવાય નહીં.

એમના મોં પર ઘેઘૂર ચિંતા ડોકાય છે –

‘સાચું કહે ને, હવે કેમ છે?’

હું એમની સામે નજર માંડું છું. આંખમાં આછા મલકાટ સાથે જવાબ આવે છે – 

‘કાં? શું કામ મારી આટલી બધી ચિંતા કરો છો? જાવા દ્યોને તમ-તમારે મને ! હું ક્યાં તમને સાચવું છું? રોજ તમને કાંઈ ને કાંઈ વાંધા પડતા’તા – આજે કેમ મારી સાથે સરખું બોલી નહીં ? નહીં ખાઉં ડુંગળીનું શાક, જમવું જ નથી. જા. બકુલનું દૂધ બનાવ્યું તો સાથે મારું ન બનાવી લેવાય? – પણ અરે ! ભલા માણસ ગરમ કરી રાખું ત્યારે તો તમે પૂજામાંથી પરવારતા નથી ને વાટકા પર માખી બણબણતી રે’છે, તે હવે નથી કરતી ગરમ એટલું તો સમજો! ના, ના, હવે કશું સમજાવવું નહીં પડે, તમારે કોઈ ફરિયાદ જ નહીં કરવી પડે ને. આખેઆખી હું જ ચાલી જાઉં છું લ્યો. પછી તો તમને નિરાંત ને!’

આ ઘી ને સાકર શું કામ લીલાબેન? પેટમાં અગનિ ન ઊપડે એટલા માટે? અરે મારી બાઈ! હવે તો અંદર ને બા’ર અગનિ જ અગનિ છે ને! એનાથી હવે શું બચવાનું? હું તો આ તૈયાર જ ઊભી છું કોઈનો છેડો ઝાલીને આકાશમાં ઓગળી જવા, પછી તમે શું કામ આમ ઢીલાં થાવ છો મારી બાઈ! તમારી આંખમાં આ તગતગતું આંસુડું જોઈને મારી મા યાદ આવી જાય છે લીલાબેન! માંડવા વચ્ચે એણે ચાંદીની થાળીમાં ઘી ને સાકર ચોળ્યાં. મેં વરને કંસાર ધર્યો ત્યારે એની આંખને ખૂણે આવું જ મોતી બાઝ્યું’તું. મરો રે વાલામૂઈ! માનું સંભારણું દઈને તમે ક્યાં કાળજે શેરડો પડાવ્યો લીલાબેન? હાશકારો કરીને હળવાંફૂલ થઈ હાલવા સારુ હવામાં તરી રહેલા જીવને ક્યાં પાછો હાલના વતરણે બાંધવા માંડ્યાં? મળશું હવે તો આવતા ભવે મારી માવડી, આવતા ભવે ય તારી કૂખે જ અતરીશ, ગુલાબના ગોટા જેવી, જોજો ને. આ ભવે તો મારા બકુલને જ જાળવજે હવે મારી મા. બકુલ બોલતાં ફરી કાળજે શૂળ ભોંકાયું. પણ ના. જેની આડા હાથ દેવાય એમ નથી એનો વળી વલોપાત શો? આજ નૈં તો કાલ જાવાનું જ હતું ને? કોઈએ ય ક્યાં અમરપટ્ટો લખાવીને આવ્યું છે અહીં?

ફૂઈ, પગે મીઠું ઘસવાનું રે’વા દ્યો હવે. મીઠું ઘસ્યે કદાચને આ વીંછીનાં ઝેર ચુસાઈ જાય પણ આ મનનાં ઝેર, આ હાયવોય. એના કરતાં જાવા જ દ્યો મારા બાપલા. આ આંખ્યું ય હવે તો ઊંચી નથી થાતી. જાણે કેટલાય દિવસોથી સૂતી જ નો’તી તે આ આખા આયખાની ઊંઘ એકસાથે આંખે ચડી છે. કઉં છું, રેવા દ્યો આ પગે દોરા બાંધવાનું ને આ ઘી-સાકર ચટાડવાનું. આહા ! કેવી મીઠી ઊંઘ આવે છે, કેવી મીઠી, કેવી મી…ઠી, હા…શ!

મીંચાતી જતી આંખે ફૂઈના શબ્દો કાને અથડાય છે – ‘સૂવા દો બાપડીને હવે નિરાંતે. કાંઈ ચિંતા કરવા જેવું નથી હવે. દાદાની સેવા આડી આવી, બીજું શું? સવાર થતાં તો એ ય ને તમારે રાતી રા’ણ જેવી. જાણ્યે કાંઈ થયું જ નથી એવી ધમકારા દેતી ઊઠી જાશે.’

હળવું ફૂલ થયેલું મારું શરીર અધ્ધર ઊંચકાઈ રહ્યું છે, હું હવાની લહેરખી થઈ દૂર ને દૂર જતી જાઉં છું કે પછી? ઊભાં થયેલાં ફૂઈની સાથે બધાં આઘાં-પાછાં થઈ રહ્યાં છે? – કંઈ સમજાતું નથી. ધીરે ધીરે બધું અદ્રશ્ય થતું જાય છે. કંઈ દેખાતું નથી. ચારે બાજુ ચંદનના લેપ જેવો અંધકાર લીંપાતો જાય છે. લ્યો, આવજો ત્યારે, હું તો આ ચાલી.

પણ, આ આટલું બધું બારણું કોણ ખખડાવે છે? હેં! આવું છું હોં, ઘડીક ખમો, આ ગેસ પર દૂધ ગરમ કરવા મૂક્યું છે ઈ ઊભરાઈ જશે પાછું, જરા ઉતારી લઉં એને. આ ફળિયામાં બે-ચાર ભાણાં છે ઈ યે ઊટકી લઉં. કાલથી પછી ક્યાં ઊટકવાં છે મારે? બિચારા એમણે જ કરવાનું છે ને પછી તો બધું ય… હા, હા, આવું છું ભૈ. કાંઈ બાકી નથી હવે. બસ, છુટ્ટી હવે. કોઈ હાયવોય ક્યાં કરવાની છે હવે ! પરણ્યાને પે’લે દિ’એય હું આવી હળવીફૂલ તો નો’તી!… અલ્યા ભૈ, પણ આટલું બધું બારણું કાં ખખડાવો ? તમારી વાંહોવાહ તો હાલી આવું છું, તોય? પણ… આ બૂમ કોણ પાડે છે?

‘વહુબેટા, જાગો છો કે? દૂધ આવ્યું છે.’

‘હેં! સવાર થઈ ગયું?” આંખો ચોળતી હું સફાળી બેઠી થઈ જાઉં છું. દોરી બાંધેલો જમણો પગ જમીન પર માંડી, ઝટપટ માથે ઓઢી, રસોડામાંથી દૂધની તપેલી લઈ ઉતાવળે પગલે હું બારણું ખોલું છું.

***   

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. હું તો આ ચાલી અદ ભુત વાર્તા ~ ઉષા ઉપાધ્યાય
    આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિશ્વભારતી સંસ્થાન અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ,અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે તા. 6-8-2022 શનિવારની સાંજે અંકલેશ્વરમાં કવયિત્રી સંમેલન ‘જૂઈ – મેળો’ નું ભવ્ય આયોજન થયું હતું. કવયિત્રીઓની મનભર કાવ્ય પ્રસ્તુતિ બાદ અમારી દીકરી કવયિત્રી અને અભિનેત્રી યામિની વ્યાસે ડૉ. ઉષા ઉપાધ્યાયની સુપ્રસિદ્ધ વાર્તા ‘હું તો ચાલી…’નો એકપાત્રીય અભિનય પ્રસ્તુત કર્યો હતો અને દર્શકોએ આ વાર્તા અને તેના મંચનને ખૂબ બિરદાવ્યા હતાં.