‘કલંક’ (મૂળ વાર્તા) ~ લે. મંગલા રામચંદ્રન ~ ‘દાગ’ (ભાવાનુવાદ) ~ રાજુલ કૌશિક

હમણાં જ એ પોલિસ હેડ ક્વાર્ટરથી પાછા આવીને કપડાં બદલવા અંદર ગયા.. ઑર્ડર્લી ચા બનાવીને લાવે ત્યાં સુધીમાં નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકી ને એટલામાં અંદરથી તેજ, તીખો અવાજ આવ્યો.

“આ કેરીની પેટી કોણ લાવ્યું?”

કદાચ આટલી મોંઘી કેરીઓ લેવાની અમારી ક્ષમતા નહોતી એટલે એમને નવાઈ લાગી હશે. પણ હું ખુશ હતી.

“સબ ઈન્સ્પેક્ટર વિનોદ આવ્યા હતા.”

“અરે, પણ એને તો ખબર હતી કે હું એક કેસના કામથી બહાર ગયો હતો તો અત્યારે આવવાની શી જરૂર?”

“ના, એને ખબર નહોતી. પણ આવ્યો પછી ઠાલો પાછો થોડો જાય! એ તો વળી એવું કહીને ગયો કે, સાહેબ તો એમની પાસે ફરકવા દેતા નથી. સેવા કરવાનો એક મોકો નથી આપતા. અમારા માટે તો સાહેબ કે તમારામાં કોઈ ફરક નથી. અમારા માટે તો તમે બંને માબાપ છો, તો તમારા માટે આટલું કરવાનું મન થાય ને?”

“એણે કીધું ને તેં માની લીધું? મારી સામે તો ‘જી સાહેબ’થી વધુ એક શબ્દ નથી નીકળતો અને અહીં આવીને ચાપલૂસી કરી ગયો. એ તો એક નંબરનો ચાલાક અને ધૂર્ત છે, પણ તું આટલી નાદાન ક્યાંથી બની રહી?”

“અરે, તમે રહ્યા સાવ ભોળા. કોઈ આટલા પ્રેમથી પોતાના અધિકારીને ઘેર આવીને ભેટ આપી જાય એમાં ખોટું શુ? તમે તો એવી ધાક બેસાડી દીધી છે સૌ તમારાથી ડરે છે..”

“હું ડરાવું છું? જો ખરેખર તો એમના મનમાં કોઈ ખોટ ન હોય તો મારાથી ડરવાની જરૂર નથી. અને રહી સેવાની વાત તો, ઑફિસના કામમાં ઢીલ કર્યા વગર કામ કરે એને સેવા કહેવાય. એક કેસની તપાસ કરવા મોકલ્યો હતો તો ગામના મોટા માણસ સાથે દારૂ પીવા બેસી ગયો અને અપરાધીના બદલે કોઈ રાંક જેવા માણસને પકડી લાવ્યો હતો. એણે આવીને ખોટી ખુશામત કરી અને તું માની ગઈ.”

“ઑફિસમાં તમારી સાથે કેવો સંબંધ છે એની મને નથી ખબર પણ, મને તો એ સારો માણસ લાગ્યો અને ‘દીદી, દીદી’ કહીને મોટી બહેન જેટલું માન પણ આપ્યું!”

“અરે, પણ એમાંથી કેટલી કેરીઓ તો ખવાઈ ગઈ. હવે શું પાછું મોકલું?”

એ સમયે તો વાતનો અંત આવ્યો પણ મારા વિચારોએ તંત ન છોડ્યો. મને લાગ્યું કે કોઈ પ્રેમથી કંઈ આપી જાય તો એમાં ખોટું શું છે. કેટલાય લોકો તો માંગીને ઘર ભરે છે. કેટલાયની પત્નીઓ રોજના શાકભાજીથી માંડીને સૂકા મેવા અને આખા વર્ષની કંઈ કેટલીય વસ્તુઓથી ઘર ભરી લે છે.

મને એવું લાગ્યું કે એમના કરતા હું વધારે બુદ્ધિમાન છું, પણ આજે લાગે છે કે એ દિવસે એમની વાત હું સમજી શકી હોત કે માની લીધી હોત આજે આ દિવસ ન આવત. ઈન્સપેક્ટર વિનોદે મને ‘દીદી’ બનાવી તો કોઈએ ‘ભાભી, દીકરી’ કહીને નવા સંબંધો કેળવવા માંડ્યા. તો વળી કોઈએ ‘દેવી’ કહીને પૂજવાનું જ બાકી રાખ્યું. મારી કૃપાદૃષ્ટિથી એ ભવસાગર તરી જશે એવા કેફમાં હું રાચવા માંડી.

“તમે કહેશો તો સાહેબ માની જશે. તમારી વાત સાહેબ નકારી જ ન શકે.” વગેરે વગેરે જેવા ખુશામતભર્યા શબ્દોથી હું ગર્વ અનુભવતી રહી. મારી વિચારશક્તિ જ જાણે ખતમ થઈ ગઈ. ઘર અનેકવિધ ચીજ-વસ્તુઓથી ભરાતું રહ્યું..

ક્યારેક તો એમના દોસ્તોય કહેતા કે અસલી પોલિસ અધિકારી હું જ છું, એ તો નામના જ સાહેબ છે. આવું બધું જાણીને તો હુ વધારે ને વધારે બહેકતી ચાલી અને સાચે જ મારી જાતને ખુરશીની અધિકારી માની બેઠી.

આજ સુધી ઓર્ડલી કે અન્ય સેવકો સાથે અમારા બંનેનો વ્યહવાર માનભર્યો અને અતિ સંયમિત હતો. એમનો તો વ્યહવાર એવો જ રહ્યો પણ હવે હું કામ વગરના ઓર્ડરો આપતી. રોફથી એમને લડવા, ધમકાવવા જેવી હરકતો કરવા માંડી.

એક વાર શહેરમાં ભયંકર તોફાનો થયા ત્યારે કુનેહપૂર્વક કામ લેવા છતાં એ ઘવાયા. બચી ગયા.

ત્યારે એક વયસ્ક હવાલદારે કહ્યું કે. “બાઈજી, તમારા સુહાગના પ્રતાપે સાહેબ આજે બચી ગયા.” અને બસ સાહસ, સમજદારી અને ધીરજથી પાર પાડેલા કાર્યનો જશ લઈને હું વધુ અભિમાની બની. એમની તમામ ઉપલબદ્ધિ, તમામ સફળતાનો શ્રેય મારી જાતને આપતી રહી.

છોકરાઓ પણ હવે અભ્યાસ તરફ બેપરવા અને વધુ ઉદ્દંડ બનવા માંડ્યાં. એમની અણછાજતી માંગણી વધતી ગઈ. જાતને સર્વેસર્વા માનતી હું એમને સાચી સલાહ આપવાના બદલે એમની ગેરવ્યાજબી વાતોને પણ પ્રાધાન્ય આપવા માંડી.

અને હવે તો વાત ઘણી આગળ વધતી ચાલી. મારું મોઢું મોટું થતું ચાલ્યું. એટલે હદ સુધી કે એમના તાબા હેઠળના એક અધિકારીની બદલી સુદ્ધાં રોકવાનો પ્રયાસ કર્યો. એની સામે છોકરાઓની માંગ મુજબ રંગીન ટી.વી પણ આવા જ સંબંધોથી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતું ગોઠવાઈ ગયું.

અને બસ, એમના રોષે માઝા મૂકી. આવો અને આટલો ગુસ્સો તો ક્યારેય જોયો નહોતો. એ મને રોકવા માંગતા હતા અને હું સમજવા કે સ્વીકારવા તૈયાર નહોતી.

એમનું કહેવું હતું કે મારી મનમાની કરીને સાથે છોકરાઓને પણ મેં બગાડી મૂક્યા છે. કોઈ પોતાનાં ધનનો સંચય છોકરાઓનાં ઉજ્જ્વળ ભવિષ્ય માટે કરે જ્યારે અહીં તો મારી બેહૂદા હરકતોથી બધુ  નષ્ટ જ થવા બેઠું છે.

કાશ, એમની વાત હું સમજી શકી હોત. છેલ્લા દોઢ વર્ષથી જાણે એક જાતનું પાગલપન મારા પર સવાર થયું હતું. એમની કોઈ વાતોની સચ્ચાઈ મારી નજરે આવતી નહોતી. મારી હરકતોથી તો એમના સિદ્ધાંતો,આદર્શ અને આબરુના ધજાગરા થયા હતા.

એ કહેતા કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે, પણ અહીં તો હું એમની માટે અસફળતાની કેડી કંડારી રહી હતી. છેલ્લે તો રીતસરનો આદેશ જ આપ્યો કે હવે એ જે ખુરશીના અધિકારી છે એ ખુરશીનો દુરઉપયોગ મારે બંધ કરી દેવો.

અંતે જે થવાનું હતું એ થયું. એમની બદલી થઈ અથવા એમણે જાતે જ બદલી માંગી લીધી. સૌએ સાથે જવું એવો એમનો નિર્ણય હતો. પણ એમના રોષથી બચવા છોકરાઓની સ્કૂલ પૂરી થવાના બહાના હેઠળ રોકાઈ ગઈ.

એમના જવાની સાથે મને સમજાઈ ગયું કે, ખરેખરા તો એ જ અધિકારી હતા. મને એવો ઘમંડ હતો કે બધા મારા એક ઈશારે જાન બિછાવશે પણ, એમના ગયા પછી એક બુઢ્ઢા ઑર્ડર્લી સિવાય બીજા બધા ઑર્ડર્લી, કર્મચારીઓ નવા સાહેબની તહેનાતમાં લાગી ગયા. મારા બાળકોને પણ મા કરતા પિતાની છાયા અથવા એમના લીધે મળતી સુખ-સગવડ વધુ પસંદ હતી એ પણ મેં જોઈ લીધું.

હવે તો ફોન પણ રહ્યો નહોતો કે કોઈ ઈંસ્પેક્ટર કે સબઈંસ્પેક્ટરને બોલાવીને કામ ચીંધું. મને સમજાયું કે મને જે માન-સન્માન મળ્યું એ માત્ર એમના લીધે જ હતું.

કદાચ એક સાચા, ઈમાનદાર ઑફિસરની પત્ની બનીને રહી હોત તો સમાજમાં મારું માન જળવાયુ હોત. પણ હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવો નકામો હતો. મારા લીધે એમની આબરૂ ખરડાઈ હતી. સૌ એમ માનવા લાગ્યા હતા કે, સાહેબનો તો બહારથી સાફ દેખાવાનો દંભ માત્ર હતો. એ લે કે આડા હાથે મેમસાબ લે વાત તો એક જ થઈ.

કેટલાના મોં બંધ કરું? મારા લીધે વર્ષોની એમની તપસ્યા ભંગ થઈ, નામ ખરાબ થયું.

એ કહેતા કે, “અમે અપરાધીઓને પકડીએ, એમને જેલ થાય. એક વાર જેલની સજા ભોગવ્યા પછી સારા નાગરિક તરીકે જીવન જીવવાની એમને તક મળે છે. જ્યારે સરકારી ઑફિસરનું નામ એક વાર ખરડાયું એ જીવનભર એની વર્દી પર લાગેલા ‘બૅજ’ની જેમ એની સાથે જ રહે છે. અમારી એક વારની ભૂલ હંમેશ માટે અમારા નામ પર કલંક બનીને રહી જાય છે. અમારી દરેક બદલી પહેલાં એ અપકીર્તિ અમારી પહેલાં ત્યાં પહોંચી જાય છે. દુનિયા ક્યારેય એ કલંક ભૂલતી નથી.

મારી નાદાનીથી જીવનભર એક કલંક એમના ‘બૅજ’ની સાથે જોડાઈ ગયું.

***

આપનો પ્રતિભાવ આપો..

One Comment