મુંબઈગરાઓએ “મેટ્રો-મિલન” બેઠક ઉજવી (તસવીરી અહેવાલ… કેટલાક અંશની ઓડિયો કલીપ સાથે)

અહેવાલ : “મેટ્રો-મિલન” બેઠક (29 જાન્યુ. 2023)  

મુંબઈમાં મેટ્રો ટ્રેનના બે નવા માર્ગ (2-એ અને 7)ની શરૂઆત થઈ તેને પોંખવા જયશ્રી વિનુ મરચંટ – આપણું આંગણું બ્લોગ અને શ્રી ઉમેશભાઈ દેસાઈજી મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે `મેટ્રો-મિલન’ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજકોની વિનંતીને માન આપીને કેટલાક કલાકાર-પ્રેક્ષક મેટ્રો પ્રવાસ કરીને સહભાગી થયા હતા.

વાહન-સાહિત્ય પર આધારિત આ બેઠકમાં વિવિધ કવિઓ-લેખકોની કૃતિઓ થઇ. વિશેષ આનંદ એટલા માટે કે બ્લોગ વત્તા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી આયોજિત ગઝલ-શિબિરના અનેક શિબિરાર્થીઓએ લખેલાં કાવ્યો – મુક્તકોનો સમાવેશ બેઠકમાં કરવામાં આવ્યો. (આભારઃ ડૉ. ભૂમા વશી, બારીન દીક્ષિત, મીતા ગોર મેવાડા, કિલ્લોલ પંડ્યા, કમલેશ શુક્લ, સંજય રાવ, કેતન ભટ્ટ, રક્ષા શાહ, જય સુરેશભાઈ દાવડા, ભારતી વોરા, ડૉ. સેજલ દેસાઈ. ‘ગુજરાતી મિડ-ડે’ની રવિવારી કટારમાં ચૂંટેલા મુક્તકો પ્રકાશિત થશે.)

ગુજરાતી ધારાવાહિકોની લેખિકા સેજલ પોન્દાએ બેઠક નિમિત્તે લખેલું કાવ્ય સુંદર રીતે રજૂ કર્યું હતું.

સેજલ પોન્દા

લલિત નિબંધ શિબિરમાં ભાગ લેનાર રશ્મિ જાગીરદાર લિખિત `બળદગાડું’ લઘુનિબંધ (ઓડિયો કલીપ આ ફકરા પછી મૂકી છે) તથા માના વ્યાસ સ્પંદના લિખિત `બસ’ લઘુનિબંધનું ભાવવાહી પઠન અર્ચના શાહે કર્યું હતું.

ત્યાર પછી મુંબઈમાં કૉલેજમાં ભણતા યુવાકવિ ધાર્મિક પરમારે પોતાનું ગીત રજૂ કર્યું. ઘણા વર્ષો પછી કોઈ યુવાકવિ મુંબઈમાં ઊભર્યાનો આનંદ થાય છે.

ધાર્મિક પરમાર

મેટ્રો-મિલન બેઠક વાહન-સાહિત્ય પર આધારિત હતી. આ પ્રકારની બેઠકોની એક મજા હોય છે… અંતરંગ, આત્મીય વાતાવરણ સર્જાય. અન્યથા માય ડિયર જયુની સંવેદનશીલ `છકડો’ વાર્તા કે ઘોડા અને ઘોડાગાડીવાળાની દારુણ પરિસ્થિતિ આલેખતી કેતન મુનશીની `પંદર રૂપિયા’ જેવી વાસ્તવિક વાર્તાનું વાચિકમ્ કરાવવાનો મોકો ક્યાં મળવાનો?

સ્વરકાર-અભિનેતા, ચેસ-શિક્ષક જ્હોની શાહે બંને વાર્તાઓનું અદ્ભુત પઠન કરી વાર્તાનો માહોલ તાદૃશ્ય કરી દીધો. બંને વાર્તાના પઠનને અંતે વ્યાપી વળેલો થોડી ક્ષણોનો સૂનકાર આ બેઠકની ખરી ઉપલબ્ધિ ગણી શકાય.

નીચે પ્રસ્તુત ઓડિયોમાં સંચાલન, કાવ્યપઠન (સેજલ પોન્દા, ધાર્મિક પરમાર) અને ‘છકડો’ વાર્તા સાંભળી શકાશે.

અમેરિકા સ્થિત નવલકથાકાર-વાર્તાકાર ડૉ. નીલેશ રાણા આ બેઠકમાં વિશેષ ઉપસ્થિત હતા અને કાર્ડમાં લખેલી સૂચનાને અનુસરી મેટ્રો ટ્રેનનો પ્રવાસ કરી બેઠકના સ્થળે (દેસાઈજી બંગલો) પહોંચ્યા હતા.

ડૉ. નીલેશ રાણા, હિતેન આનંદપરા

ડૉ. નીલેશ રાણાની `ઉડાન’ વાર્તાનું નાટ્યાત્મક પઠન જ્હોની શાહ-અર્ચના શાહે કર્યું હતું. એરપોર્ટના પરિસરમાં ઉભરતી વાર્તામાં બે પેઢી વચ્ચેની વાત આબાદ ઝિલાઈ હતી.

અર્ચના શાહ – જ્હોની શાહ

વાર્તા પછી ડૉ. નીલેશ રાણાએ આપેલી કેફિયત વાર્તાકાર તરીકેના એમના સૂક્ષ્મ અવલોકનની ઝાંખી કરાવતી ગઈ.

પ્રવાસ-સાહિત્યમાં એક અગ્રસર નામ એટલે અમૃતલાલ વેગડ. તેમના `ટ્રેન-જ્યોતિષી’ નિબંધનું પઠન કવિ અને ઉદઘોષક રાજેશ રાજગોરે કર્યું હતું.

રાજેશ રાજગોર

કવિ રાજેશ રાજગોર અને નાટ્યલેખક પ્રયાગ દવે (400થી વધુ પ્રયોગ કરનાર `વેઈટિંગ રૂમ્સ’ નાટકના લેખક)ના સહકાર વગર આ બેઠક સંભવિત નહોતી. ટ્રસ્ટીઓના સહકાર સાથે બંને મિત્રોએ કરેલી પરોણાગત અને તેમના આયોજકીય પરિશ્રમ માટે થેંક યુ શબ્દ નાનો પડે. કવિ મુકેશ જોશીએ સરસ મજાનું સમાપન કરી આનંદનગરી – દહિસરી રંગ ઉમેર્યો હતો.

મેટ્રો-મિલન બેઠક

બેઠકની શરૂઆત શિક્ષિકા અને અભિનેત્રી અર્ચના શાહે ગાયેલા બાળગીતથી શરૂ થઈઃ અમે બસમાં ગ્યા’તા ટન ટન ટન. બેઠકનો અંત જ્હોની શાહ સ્વરાંકિત મુનિ આનંદના `રેલગાડી’ (ઓડિયો નીચે છે) ગીતથી થયો.

આ બે સ્ટેશન વચ્ચે એક અનુભૂતિ થઈ કે ઘણું બધું સાહિત્ય આપણે જાણવાનું અને માણવાનું બાકી છે.

એટલે જ આપણું આંગણું બ્લોગના જયશ્રી વિનુ મરચંટ અને શ્રી ઉમેશભાઈ દેસાઈજી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે આ પ્રકારની બેઠકોનું આયોજન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ લો… આગામી બેઠક તો બહુ ઢુંકડી છે. 26 ફેબ્રુઆરીએ દેસાઈજી બંગલો – દહિસર ખાતે જ યોજાશે, જેમાં જિંદગીમાં સાંભળ્યા ન હોય (રિપીટ… જિંદગીમાં સાંભળ્યા ન હોય) એવા સુગમ સંગીતના સ્વરાંકનો રજૂ થશે.

***

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. સુંદર અહેવાલ . ઓડિયો ક્લિપ સાંભળવાની ખૂબ મજા આવી. અભિનંદન સહુને.

  2. વાહ…આવી ઉજવણી થાય તો શહેરી જીવનની ભાગદોડમાં મિત્રોને મળવાનું થાય..!! ઉપક્રમ ગમ્યો..

  3. ખૂબ સુંદર આયોજન અને એટલું જ સુંદર સંયોજન…આયોજકો અને દરેક સર્જકોને ખૂબ ખૂબ અભિનંદનસહ શુભેચ્છાઓ…

  4. હિતેન, પ્રોગ્રામની અથ થી ઈતિ, બધી જ ક્રેડિટના હકદાર તમે છો. આવા સફળ આયોજનો કરવા બદલ, હું તમારો અંત:કરણપૂર્વક આભાર માનું છું. તમારા વિના “આંગણું” મેટ્રો ટ્રેનની ગતિથી વિકસ્યું ન હોત. થેંક્યુ દીકરા.🙏🙏🙏

  5. અદભૂત પ્રોગ્રામ! સહુ પ્રસ્તુતકર્તાઓ અને સર્જકોને સો સો સલામ! 🙏🙏🙏🙏