બે ગઝલ ~ ભાવિન ગોપાણી ~ (૧) લગાડી કોઈએ (૨) નહીં ગમે…!

૧ )  લગાડી કોઈએ …!

કાયદેસર કોઈને માયા લગાડી કોઈએ
આ તરફ નહીં  જોઈને માયા લગાડી કોઈએ

એ જ માળા આજ થોડી ખાસ લાગે છે મને
ભિન્ન મણકો પ્રોઈને માયા લગાડી કોઈએ

માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર
આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ

ડાઘ ધોવા જ્યાં બધા ભેગા થતા’તા એ સ્થળે,
સ્વચ્છ પહેરણ ધોઈને માયા લગાડી કોઈએ

ભાન ભૂલી નાચનારા ધ્યાન ખેંચે એ રીતે,
સાન સમજણ ખોઈને માયા લગાડી કોઈએ

એક બે પાગલ તો અહીંયા સૌના ભાગે હોય છે
કોઈને ને કોઈને માયા લગાડી કોઈએ

છે ખબર સૌને કે માયા પાંખ પરનો ભાર છે,
તોય જાણી જોઈને માયા લગાડી કોઈએ

૨ )  નહીં ગમે…!

ઘોંઘાટ બહુ થશે તો આ ઉત્સવ નહીં ગમે
વરસાદ તો ગમે જ છે કાદવ નહીં ગમે

જે ઓરડામાં થઈ જશે ધબકારનું મરણ
એ ઓરડાને કોઈનો પગરવ નહીં ગમે

તાજી ખબરમાં ના બધે પ્રશ્નાર્થચિન્હ મૂક,
અખબાર વાંચનારને અવઢવ નહીં ગમે

ઈશ્વરનું હોવું જોખમી પુરવાર થાય,  જો,
ઈશ્વરના ચાહનારને માનવ નહીં ગમે

મોટા થઈ જવાની ઉતાવળના કારણે,
શૈશવ મળ્યું છે એમને શૈશવ નહીં ગમે

ઈર્ષ્યાના ભાવથી અહીં બાકાત કોણ છે?
દરિયાને તારી આંખનો વૈભવ નહીં ગમે

~ ભાવિન ગોપાણી

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

  1. “ઈશ્વરનું હોવું જોખમી પુરવાર થાય, જો,
    ઈશ્વરના ચાહનારને માનવ નહીં ગમે”

    “માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર
    આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ”
    વાહ રે વાહ!!! બન્ને ગઝલ સુંદર, ગમી.