સૌદા ~ મૂળ લેખક~ ચિત્રા મુદ્ગલ ~ ભાવાનુવાદ ~ રાજુલ કૌશિક
ચિત્રા મુદ્ગલ લિખિત પતિ અને માનવતાના સિદ્ધાંતો વચ્ચે અટવાતી એક પત્નીની વ્યથા. એક નારીની કથા.
સૌદા – વાર્તા
ઘરની બહાર ઊભેલી કોઈ વ્યક્તિએ જોરથી બારણું ઠોક્યું. આ સમયે તો ચંદુ જ હોય. બારણું હજુ પૂરું ખૂલે એની રાહ જોયા વગર બહારથી ધસી આવેલી એક યુવતી અધખુલ્લા બારણાંને જોરથી ધકેલીને અંદર આવી. અને પાછળ ધડાક કરતું બારણું બંધ કરી દીધું. એટલી તો એ ભયભીત હતી કે કશું કહેવા એના હોઠ તો ખૂલ્યા પણ જરાય બોલી નહોતી શકતી.
ઘણે દૂરથી દોડીને આવેલી હાંફતી એ યુવતીનો આખો દેહ કાંપતો હતો. આ ચહેરો આડોશપાડોશ, સગાસંબંધીમાં કે પહેલાં ક્યાંય જોયો હોય એવું યાદ નહોતું આવતું. હજુ તો કંઈ પૂછું એ પહેલાં એણે મારા પગ પકડી લીધાં.
“બચાવી લો, રક્ષા કરો મારી. ગુંડા મારી પાછળ પડ્યા છે. ” ચહેરા પરનો તણાવ પરસેવાની બુંદ બનીને લમણાં પરથી ગાલ સુધી વહી આવ્યો હતો અને છતાં જરાય ઓછો નહોતો થયો.
‘મવાલી પાછળ પડ્યા હશે તો એને શોધતા અહીં સુધી આવી ચઢશે. નાનકડી ચાલીના બંધ બારણાંની પાછળ સૌ પોતપોતાનાં સુખદુઃખ સમેટીને ઊંઘતા હશે . ઘરમાં ચંદુ છે નહીં અને બાળકો સાથે હું એકલી. આ ઉપાધી ક્યાં મારે માથે આવી?’
એવો મારા મનનો વિચાર એના સુધી પહોંચ્યો હોય એમ એ આતંકિત થઈ ઊઠી. રખેને હું અને આશરો આપવાની ના પડીશ અને બહાર ઊભેલા ગીધ જેવા લોકો એને નોંચી લેશે એવા ભયથી એ કરગરી પડી.
“માંડ ઈજ્જત બચાવીને અહીં સુધી પહોંચી છું. મારા પ્રાણ તમારા હાથમાં છે. મારી મા સમાન છો. મને બચાવી લો. તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું.” રખેને બહાર અવાજ પહોંચે એના ડરથી ધીમા અસ્ફૂટ સ્વરે એ બબડી.
એક ડગ આગળ માંડુ કે પારોઠના પગલાં ભરું એ વિચારે ક્ષણાર્ધ હું અટકી. આવી કપરી ક્ષણોમાંય વિવેકબુદ્ધિ સાવ કુંઠિત નહોતી થઈ.
‘સંજોગો કે વખાની મારી છોકરી અહીં આવી છે. અસહાય છે પણ લાગે છે તો ભલી. રાતનો સમય છે. ચંદુ સિવાય બીજું કોઈ તો આવવાનું નથી. ચંદુને તો સમજાવી લેવાશે. એક રાતની તો વાત છે. અને સવારે ચંદુ જ એને પોતાના ઠેકાણે પહોંચાડી દેશે. મોડી રાતે આવેલો ચંદુ કદાચ ઊઠી ન શક્યો તો છોકરાંઓને સ્કૂલે મૂકીને હું જ એને મૂકી આવીશ. અત્યારે તો છોકરાઓની સાથે સૂઈ જાય એ જ ઠીક રહેશે.’
“ઊઠ, ઊભી થા અને આ સામેના રૂમમાં છોકરાંઓની સાથે સૂઈ જા.” કહીને પગે ચોંટેલી એ છોકરીને ઊભી કરી.
“નામ શું છે તારું?”
“ગેંદા” આંખ, કાન ને નાકમાંથી વહેતાં પાણીને હાથથી લૂછતાં, એના દબાયેલા સ્વરમાં જોમ આવ્યું હોય એમ જરા મોટા અવાજે એનાથી જવાબ અપાઈ ગયો.
“શ….શ… ધીમે. નામની જેમ ઠામઠેકાણું ય હશે ને? ઘરમાંથી ઝગડો કરીને નાસી આવી છું?”
“દીનાગંજ. જીલ્લો ગોરખપુર.”
“હેં, તું અહીંની નથી?”
ગેંદાએ અસ્વીકારમાં ડોકું ધૂણાંવ્યું.
“તો અહીં સુધી પહોંચી કેવી રીતે?” હવે મારો શ્વાસ અદ્ધર થવા માંડ્યો.
“દુકાળના લીધે ના વાવણી થઈ, ના લણણી. એમાં કામની શોધમાં જ્યાં પહોંચી ત્યાં માલની ડિલિવરી કરતા આદમીની મુલાકાત થઈ. એણે શહેરમાં કોઈ શેઠના ત્યાં નોકરી અપાવવાનો વાયદો કર્યો. રહેવું, ખાવું, પીવું અને ઉપરથી પાંચસો રૂપિયા મળશે એમ કીધું.”
‘હં..હવે સમજી. પગારની વાત કરીને નોકરો સાથે જાનવર જેવો વર્તાવ કર્યો હશે. સહન નહીં થયું હોય આનાથી.’ વિચાર આવતા હું બોલી,
“અહીં કામની કમી નથી. પણ બીજે કામ મળે પછી એ શેઠનું ઘર છોડવું’તું ને, આવી રાતે અડધી રાતે ભગાય?”
હવેની વાત કહેતાં જાણે પોતાની જાત પરથી કપડાં ઉતારીને જાતને ઉઘાડી કરવી પડતી હોય એવી પીડા સાથે એ બોલી.
“શેઠની નોકરીની વાત ફરેબ હતી. એ આદમીએ અહીં આવીને ચાર હજારમાં દલાલને વેચી મારી. લાલુએ ધંધો કરાવવા માટે મારવાનું પીટવાનું શરૂ કરી દીધું. હાથ-પગ જોડ્યાં. કેટલું કરગરી પણ એ ના માન્યો. આજે બારીમાંથી કૂદકો મારીને નાસી આવી.” ગેંદાના અવાજમાં નફરત હતી. છેતરાયાનો ભાવ હતો, એની આંખમાં લાલ ટશરો ઊઠી.
શું કહું? ગેંદાને આશ્વાસન આપવા મારી પાસે શબ્દો નહોતા. માંડ એને શાંત પાડી.
“જા, ચૂપચાપ સામે છોકરાંઓના રૂમમાં જતી રહે. સવારે મારો ધણી આવશે ત્યારે કોઈ રસ્તો શોધીશું.” કહી ગેંદાને છોકરાંઓના રૂમમાં ધકેલી. જેવી એ ત્યાં પહોંચી કે એણે ચીસ પાડી.
“હે ભગવાન. આને શાંત રહેવાનુ કહું છું ને આ ચીસો નાખે છે?” ગુસ્સાથી મારું મગજ ધમધમી ઊઠ્યું. અંદર જઈને જોયું તો ગેંદા રૂમમાં મૂકેલા ચંદુના ફોટા સામે આંગળી ચીંધીને પાંદડાની જેમ થરથર કાંપતી હતી.
“ આ….આ એ જ નીચ ડિલિવરી કરતો આદમી ચંદુ છે, જેણે મને ફોસલાવી. અહીં લઈ આવી લાલુને વેચી. આ નરાધમે કેટલીય છોકરીઓનું જીવન આવી રીતે બરબાદ કર્યું છે.” માંડ એ બોલી.
ફેણ ચઢાવીને જીભથી ઝેર ઓકતા નાગની જેમ એના હોઠેથી ક્રોધનો અગ્નિ ઝરતો હતો.
પહેલાં તો થયું કે ગેંદાનો ભ્રમ હશે પણ ચંદુંનું નામ અને કામ તો એણે બરાબર જ કહ્યાં. માલની ડિલિવરી કરવા ગોરખપુર તો એ જાય છે જ. હવે તો શકની કોઈ શક્યતા જ નહોતી.
‘હવે આ અભાગીને કેવી રીતે કહેવું કે જેણે એને નરકમાં ધકેલી એ ચંદુ જ આ ઘરનો, મારો ધણી છે? આ છોકરીને મારા ઘરમાં સંતાડવી એ જોખમ. બને કે એને શોધવા આવતા મવાલીઓની જોડે ચંદુ પણ હોય. અને ના હોય તો ય એના પાછા આવવાનો સમય થયો છે. આવતાની સાથે ગેંદાને જોશે તો શું વલે થશે? ગેંદાને છોકરાંઓ સાથે સૂવડાવવામાંય જોખમ. રાતે ગમે એટલો નશામાં હોય ચંદુ છોકરાઓને જોયા વગર સૂતો નથી.‘
‘નજીકની પોલીસચોકીમાં મૂકી આવું? પણ ગેંદાને લઈને બહાર નીકળવાનું જોખમ ના લેવાય. શિકારી કૂતરાં જેવા મવાલીઓ ગલીના નાકે પહોંચ્યા હશે તો? વળી પોલીસવાળાનો વિશ્વાસ કેમ રખાય?’
‘પટવર્ધનતાઈ પાસે જવાનું ઠીક રહેશે. દલિત સ્ત્રી ઉદ્ધાર અને સેવા સમિતીમાં એ સક્રિય છે. પીડિત અને શોષિત સ્ત્રીઓને ઘણી મદદ કરે છે. મનમાં કેટલા વિચારો ઘૂમરાતા હતા.
‘જ્યારે ચંદુ આવીને હાથમાં દસ હજારની થોકડી પકડાવતો કહેતો કે, આખા ગોદામની જવાબદારી એના માથે છે. ત્યારે સૂજ્યું નહીં કે એવો તો કેવો શેઠ એની પર ખુશ થઈ ગયો કે રાતવરત ગોદામની જવાબદારી સોંપી દીધી?
આજ સુધી અચાનક આવેલા પૈસાથી ઝૂંપડીમાંથી ખોલી લીધી, છોકરાંઓની સ્કૂલની ફી ભરાતી ત્યારે આશંકા તો જાગતી પણ ચંદુની વાતોથી મનનો વહેમ નીકળી જતો.
‘હવે ખબર પડી કે કે એ કઈ ગોદામ કે મંડીની જવાબદારી લઈને ફરતો’તો? સ્ત્રીઓના વેપારના આ પૈસા હતા. છી! ચંદુનું આ સ્વરૂપ?
‘પટવર્ધનતાઈને કહીને ગેંદાને સુરક્ષિત જગ્યાએ રાખી શકાશે કે પછી એમના કહેવાથી પોલીસ એને રક્ષણમાં લેશે. અને તપાસ કરીને છોકરીઓને વિવશ કરીને ધંધો કરાવતા અડ્ડા પર છાપો મારશે. કમાઠીપુરા? હા ગેંદા એવું જ કોઈ નામ બોલી હતી. એની પર છાપો મારશે અને દલાલોની ભેગા ચંદુનેય પકડશે.
‘નજર સામે હાથકડીમાં જકડાયેલો, બેરહેમીથી પોલીસના ડંડા ખાતો ચંદુ દેખાયો. ચંદુ પર કેસ ચાલશે. એની નોકરી છૂટી જશે ને બે-ચાર વરસની સજા થશે. ગૃહસ્થીમાં આગ લાગશે, એની જ્વાળામાં છોકરાંઓ શેકાશે. આટલા વરસોના અભાવોથી માંડ છૂટકારો મળ્યો છે. બધું વેરવિખેર થઈ જશે. વળી વળીને એ જ મજૂરી. ઘર ઘરનાં કામ કરવા પડશે. ચંદુની હરકતોને લઈને કેટલાય વ્યંગબાણનો સામનો કરવો પડશે. નહીં ખમી શકાય. નાની નાની વસ્તુઓ માટે છોકરાંઓ ટળવળશે એ ખમી શકાશે? ના નહીં ખમી શકાય.
‘અને આમાં ચંદુનો એકલાનો ક્યાં વાંક છે? ગેંદાનોય વાંક તો ખરો ને? ગામમાં રહીને કામ શોધાવું જોઈએ ને? અરે ! પાણીથી પેટ ભરી લેવું’તુ પણ કોણે કહ્યું હતું કે આમ આવી અજાણી વ્યક્તિ પર ભરોસો મૂકવાનું કે એ કહે ત્યાં ચાલ્યા જવાનું?
‘કેટલી વીસે સો કરી છે? કેટલાં ઘરનાં કામ કરીને ઘર ચલાવ્યું છે? અરે ચંદુને ડ્રાયવરી શીખવવા ઉછીના પૈસા લીધા છે. ઘણાંએ કહ્યું’તું પ્રભુ શેઠની વાત માનીને મહિને ત્રણ હજારની નોકરી માટે દુબઈ જવાનું. પણ ના, પારકા દેશની મલાઈ કરતાં ગામનો સૂકો રોટલો વહાલો કર્યો છે.
‘અને ચંદુનો શો વાંક? ચામડાનો હોય કે ચામડીનો, ધંધો તો ધંધો છે. સાંભળ્યું છે, મોટી હોટલોમાં શેઠીયા પૈસા વેરીને ઉઘાડા ડાન્સ કરાવે છે. તો ય સમાજમાં કેટલી આબરુ છે એમની! મોટી ગાડીઓમાં ફરે છે. મઝાથી રહે છે. છે કોઈની હિંમત છે એમની પર આંગળી ઉઠાવવાની?
આખા રસ્તે વિચારોના વમળમાં ગોથા ખાતાં ખાતાં પટવર્ધનતાઈના ઘેર પહોંચી જવાયું. બસ, એક માળ ચઢીને ઉપર પહોંચી કે વાતનો ફેંસલો અને ચંદુ સીધો જેલમાં.
‘પણ એવું કેમ કરવું? ચંદુ ગમે તેવો હતો પણ પૈસા તો ઘર માટે લાવતો’તો ને? ઘરની અને છોકરાંઓની સુખસુવિધાનું ધ્યાન પણ રાખે છે ને?
‘આ તો સ્વયં ગૃહસ્થીમાં આગ લગાડવીની સદંતર મૂર્ખામી છે. એના કરતાં પાછા જઈને ખોલીની બંધ ચિનગારીને ખોલીમાં જ ઓલવી દેવાની. ચંદુના આવતાની સાથે ગેંદાને ચંદુના હવાલે કરી દેવાની. કરી લેશે હિસાબકિતાબ એ પોતે. ગેંદા શું સગી થાય છે કે એના માટે આટલી ચિંતા. એક અજાણી છોકરીના દુઃખને લઈને પરિણામ વિચાર્યા વગર આ શું કરવા બેઠી? દુનિયાભરના ઉદ્ધારનો ઠેકો લીધો છે?
‘કાલ ઊઠીને ગરીબી, ભૂખમરાને લઈને ત્રણે છોકરાંઓના શા હાલ થશે? અરે મોટી શીબ્બુને કોઈના કીધે ભોળવાઈને આવો કોઈ રસ્તો અપનાવો પડ્યો તો? એના ગેંદા જેવા હાલ નહીં થાય? પોલીસ ચંદુને પકડશે પણ પેલા અડ્ડાવાળાને ખબર પડી કે ચંદુને પકડાવવામાં કોનો હાથ છે તો એ લોકો કંઈ એમ ને એમ વાત પૂરી નહીં કરે. એક ગેંદાને બચાવવા ચંદુ, ત્રણે છોકરા સૌને હોમી દેવાના?
‘ઘેર પાછા વળવામાં જ સાર છે પણ, કયું ઘર, ગેંદાના બલિદાન પર સચવાયેલું ઘર? એને ઘર કહેવાશે, એ ઘર જેની પર કોઈના બલિદાનની આગની જ્વાળા ફૂંકાતી હશે, એ ઘરમાં શ્વાસ લઈ શકાશે? સ્ત્રી ઊઠીને સ્ત્રીના દુર્ભાગ્યનું નિમિત્ત બનીને જીવી શકાશે?
‘હજુ તો ઘેર પાછાં જવા પગ ઉપડે એ પહેલાં ત્યાં જાણે પગ પર કોઈની ભીંસ અનુભવાઈ. ગેંદાના હાથની જ પકડ હશે. વાંકા વળીને છોડાવવા કોશિશ કરી ત્યાં ગેંદા નહીં નાજુક શીબ્બુના હાથ હોય એમ કેમ લાગ્યું?
ગેંદાની જગ્યાએ શીબ્બુ? અને વળતી પળે પટવર્ધનતાઈના ઘરનાં પગથિયાં તરફ ઝડપથી પગલાં ઉપડ્યાં.
“પટવર્ધનતાઈ ઓ પટવર્ધનતાઈ…….”
અને બારણું ખૂલી ગયું.
ભાવાનુવાદઃરાજુલ કૌશિક
ખૂબ સુંદર ભાવાનુવાદ!
સુંદર રચના અભિનંદન
આલેખન બહુજ
ભાવ સભર