શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૬ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ – ૬

ખાલીદના ગયા પછી શમાને એનો વિલા વધારે મોટો થઇ ગયેલો લાગ્યો. ચારે બાજુ ખાલીપાનું જ રાજ્ય હોય એવું લાગતું હતું. અત્યાર સુધી તો બધી સવાર કેવી ગીત ગાતી ગાતી આવતી હતી! અત્યારે તો સવારનું ગળું રૂંધાઇ ગયું હોય એવું લાગતું હતું. સૂરજમાંથી પણ અજવાળું ઓછું થઇ ગયું હતું?

શમાથી આ ખાલીપો સહન ન થયો. એ પહાડની ટોચ ઉપર ચડી હોય અને ત્યાં હવામાં ઊડવા માટે એને પાંખો ફૂટી રહી હોય એવું અનુભવતી હતી ત્યારે જ એકદમ નીચે ગબડી જવાયું હતું! કોઈ સરસ સ્વપ્નની મધ્યમાં કોઈ સીધા પથારીમાંથી જ નીચે ફેંકી દે એવું કંઈક. આવું કંઈ હોય?

ખાલીદ આ વાત પહેલાં ન કરી શકત? કાલ રાત સુધી તો એમણે કંઈ જ ન કહ્યું. પોતે એમની પત્ની હતી. અબ્બા અને અમ્મી તો પડોસમાં જાય તો પણ એકબીજાને કહીને જતાં. ને આમને મને આટલી મોટી વાત જણાવવાની જરુર જ ન લાગી! બધાના શૌહર કામ માટે ક્યારેક ને ક્યારેક બહાર જતા પણ હોય, પણ આ તો કહેતા હતા કે હવે ત્યાં જ રહેશે. અહીં તો ખાલી અઠવાડિયાના બે દિવસ આવશે. હંમેશ માટે આવી રીતે જ રહેવાનું?

શમાની આંખમાં આંસુના ઝુમ્મર ચમક્યાં. એને લાગ્યું કે આ આંસુમાં વધારે દર્દ ખાલીદના ગયા કરતાં પણ એને છેવટ સુધી જણાવવામાં ન આવ્યું એનું હતું. એ ચૂપચાપ પોતાના બેડરૂમમાં જઈને બેસી ગઈ.

થોડી વાર પછી મરિયમ ચા લઈને આવી ત્યારે શમા હજુ પથારીમાં જ બેઠેલી હતી.

‘મેડમ, ચા.’

‘મેં તને કહ્યું ને કે મને મેડમ ના કહે. હું કોઈની મેડમ નથી.’ શમાના શબ્દોમાંથી ગુસ્સો રીસનાં વાઘા પહેરીને ટપકતો હતો.

મરિયમને શું બોલવું એની સમજણ ન પડી એટલે એ હાથમાં ચા નો કપ પકડીને શમાની સામે જોતી ઊભી રહી.

શમાને સમજાયું કે પોતે આની ઉપર અકારણ ગુસ્સો કર્યો હતો. એણે મરિયમના હાથમાંથી ચા નો કપ લઇ લીધો અને પલંગ ઉપરથી પોતાના પગ ખસેડતાં બોલી, ‘બેસ મરિયમ.’

‘હું? અહીં? ના મે ––.’

‘તું ઉંમરમાં મારાથી બહુ મોટી નથી લાગતી મરિયમ. ચાર-પાંચ વર્ષ આમ તેમ હશે. મોટી તો ભલે તું છે પણ એમ કર, તને બીજું કંઈ ન ફાવે તો મને ‘દીદી’ કહીને બોલાવ. ચાલશે. “મેડમ” કરતાં તો એ વધારે સારું રહેશે.’

‘દી…દી! પણ સાબને નહીં ગમે તો?’

‘સાબ ક્યાં હવે અહીં રહેવાના છે?’ શમાના શબ્દોમાં કોતરાયેલી વેદના મરિયમને સ્પર્શી ગઈ. હમણાં જ આ મીઠડી મેડમે એની સાથે એક સંબંધ બાંધ્યો હતો, પણ પોતે એની વેદના ઓછી કરવા કંઈ જ કરી શકે એમ ન હતી.

એ કંઈ બોલ્યા વિના શમાની સામે જોતી રહી. શમાએ ચા નો કપ એના હાથમાં પાછો આપ્યો, ‘મરિયમ, ચા ફરી ગરમ કર ને! આજે તારી ચા માં સ્વાદ જ નથી. હું ફ્રેશ થઈને આવું છું. અને મને એકલા એકલા ચા પીવી નહીં ગમે. આપણે સાથે ચા પીશું.’

મરિયમ ના પાડતી હતી, કહેતી હતી કે સાબને એ નહીં ગમે, તો પણ શમાએ એને પોતાની સાથે જ ટેબલ ઉપર ચા નાસ્તો કરવા બેસાડી.

સાવ એકલા બેસીને ખાવા-પીવાની તો એ કલ્પના પણ ન હતી કરી શકતી. અબ્બા, અમ્મી, રઝીયા, સલમા, મહેમુદ-સવારે અને રાત્રે તો બધા સાથે જ ‘બિસ્મિલ્લાહ’ કરવા બેસતા. બપોરે બધાનો સમય જુદો રહેતો, પણ શમા અમ્મીને સાથે લઈને જ જમવા બેસતી.

મરિયમ નીચું જોઇને ચા પી રહી હતી. એ એવી રીતે બેઠી હતી જાણે એની માલકિન સાથે એક ટેબલ ઉપર બેસીને એ કોઈ ગુનો કરી રહી હોય.

‘મરિયમ, ટોસ્ટ લે. અને હવે તો તારે મને ‘દીદી’ કહેવાનું છે, એટલે તું મારી સાથે બેસી શકે.’

મરિયમ ચૂપચાપ નીચું જોઇને ચામાં બોળીને ટોસ્ટ ખાવા માંડી. શમા એની સામે જોઈ રહી- બિલકુલ અમ્મીની જેમ ખાતી હતી. શમાને અત્યારે એનું ઘર યાદ આવતું હતું. શાદી કરીને કેટલે દૂર આવી ગઈ! બીજી છોકરીઓની જેમ એને ક્યારેય મૈકે જવા મળશે કે નહીં?

‘આ મરિયમની શાદી થઇ હશે કે નહીં? અહીં કેવી રીતે આવી હશે?’ શમાને વિચાર આવતાં એણે મરિયમને પૂછી જ લીધું, ‘મરિયમ, તારી શાદી નથી થઇ? આપડામાં તો આટલી મોટી છોકરીની શાદી ના થઇ હોય એવું ના બને.’

એ સાથે જ મરિયમના હાથમાં ચા નો કપ ધ્રુજવા માંડ્યો. એણે કપ નીચે મૂકી દીધો. આંખોમાં અરબી સમુદ્રના મોજાં ઊછળવા માંડ્યા. શમાને સમજાયું નહીં કે અચાનક એને શું થઇ ગયું. પણ પોતાનાથી કોઈ દુ:ખતી નસ દબાવાઈ ગઈ છે એટલું એને જરૂર સમજાયું.

મરિયમ દુપટ્ટામાં ચહેરો છૂપાવતી રસોડામાં દોડી ગઈ. અત્યારે એની પાછળ ન જવાય એટલી સમજણ શમામાં હતી.

સવારનો બાકીનો સમય શમાએ બહાર બગીચામાં આંટા મારીને પસાર કર્યો. મન તો થયું કે રસોઈઘરમાં જઈને મરિયમની સાથે ઊભી રહે, અરે, એને મદદ પણ કરે. પણ સવારે જે રીતે પોતે એને રડાવી હતી એ પછી એની પાસે જવાની હિંમત શમામાં ન હતી.

બગીચામાં કેટલી બધી જાતના ફૂલ હતાં એ તો એણે આજે જ જોયું. ખાલીદ ક્યાં એને બેડરૂમની બહાર જ નીકળવા દેતો હતો? ખાલીદના હાથમાં હાથ નાખીને આ બધા ફૂલો જોવાની કેવી મજા આવે! ફુવારાની ફરતે બાંધેલા આરસના ઓટલા ઉપર બેસીને સાથે ભીંજાવામાં કેટલી બધી ખુશી મળે! એ બધું જ બાકી રહી ગયું અને ખાલીદ જતો રહ્યો. એના ઘરમાં બધા જ કહેતાં હતા કે શમા જેવી બિરયાની કોઈ ના બનાવી શકે.

રમઝાનમાં અડોસપડોસમાં ખાવાનાની લેન-દેન થતી ત્યારે પડોસી શમાના હાથની બનેલી બિરયાની ખાવાની રાહ જોતા. એ બિરયાની પણ હજુ તો ખાલીદ માટે ના બનાવી શકી અને ખાલીદ જતો રહ્યો. હવે એ આવશે ત્યારે જુમ્માને દિવસે પોતે જરુર બિરયાની બનાવશે.

સૂરજ માથા ઉપર આવી ગયો અને વાતાવરણ એકદમ ગરમ થઇ ગયું ત્યાં સુધી શમા બહાર બેસી રહી. આજે એને ઘરમાં જવાનું મન જ ન હતું થતું. એની પાસે ફોન પણ ન હતો કે એ ખાલીદ સાથે વાત કરી શકે. હવે એ કહેશે કે એને એક ફોન જોઈએ છે. ખાલીદ પણ આ પાંચ દિવસ પોતાની સાથે વાત કર્યા વિના કેવી રીતે રહી શકશે?

મરિયમ જમવા બોલાવા આવી ત્યારે શમા અંદર ગઈ. ટેબલ ઉપર એક જ પ્લેટ મુકેલી હતી. એણે મરિયમને કહ્યું, ‘હું એકલી તો નહીં જ ખાઈ શકું. આખી જિંદગીમાં ક્યારેય એકલા નથી ખાધું. આપડે સાથે જ ખાઈશું, અને હવે હું તને નહીં રડાવું.’

મરિયમ એની પ્લેટ લઈને સામે બેઠી તો ખરી પણ એનો જીવ ખાવામાં ન હતો. એ એની ચમચી દહીંની વાડકીમાં ફેરવ્યા કરતી હતી. શમા એ જોતી હતી પણ અત્યારે એણે એને કશું પૂછ્યું નહીં. આમ તો એનો જીવ પણ ક્યાં ખાવામાં હતો?

બંનેના મનમાં ખળભળતી અશાંતિ વાતાવરણમાં પણ ફેલાયેલી હતી. છેવટે આ અશાંત શાંતિનો ભંગ મરિયમે જ કર્યો,

‘દીદી, મારી શાદી તો બચપનમાં જ થઇ ગઈ હતી, મારા દૂરના ચાચાના લડકા સાથે જ.’

‘પછી? એ ક્યાં છે અત્યારે?’

દીદી, મારો વર બહુ જુલમગાર હતો. મને રોજ પીટતો હતો. ધોલ –તમાચા માર્યા વિના તો વાત જ ના કરે. બહુ ગુસ્સે થાય તો લાકડી લઈને કે પટ્ટો લઈને મારે. દારૂ પીને આવે ત્યારે જાનવર થઇ જાય અને મને જાનવર સમજીને મારે. એકવાર તો એણે મારો હાથ મચડીને હાડકું તોડી નાખ્યું હતું.’

શમાના મોંમાંથી એક સિસકારો નીકળી ગયો. ‘પણ એને એટલો બધો ગુસ્સો કેમ આવતો હતો? મને તો આટલા જ દિવસમાં તું કેટલી ગમવા લાગી છે મરિયમ. મને એમ લાગે છે કે તારા વિના તો હું અહીં રહી જ ન શકું. તને ખબર છે તારા નામનો અર્થ જ થાય છે – દરિયાનો સિતારો. હું મારો દેશ છોડીને અહીં દરિયા પાસે આવી અને તું મારો તારો બની ગઈ, મને સાચવવાવાળી. તારા જેવી છોકરી ઉપર કોઈ ગુસ્સો શું કામ કરે?’

શમાએ આટલા દિવસ મરિયમને ધીમા અવાજમાં એકદમ નમ્રતાથી બોલતી, નીચું જોઇને પોતાનું કામ કર્યા કરતી જ જોઈ હતી. રસોઈ પણ બહુ સ્વાદિષ્ટ બનાવતી હતી અને ઘર તો એકદમ ચોખ્ખું ચટાક રાખતી. આવી મરિયમ ઉપર કોઈએ આટલો બધો ગુસ્સો શું કામ કરવો પડે?

‘એને આવતો હતો, દીદી, એને ગુસ્સો આવતો હતો કારણ કે ખુદાએ એને મરદ બનાવ્યો હતો અને મને ઔરત બનાવી હતી.’

શમા હાથમાં ચમચી પકડીને મરિયમના કપાળની વચ્ચોવચ પડેલા ઊંડા, કાયમી નિશાન સામે જોઈ રહી. મરદ એટલે એને બધો જ હક? એણે આવું બધું સાંભળ્યું હતું પણ એના ઘરમાં ક્યારેય એવું કશું જોયું ન હતું. અબ્બા તો અમ્મીને કેટલો પ્રેમ કરતાં હતા!

‘સારું થયું તેં એવા જંગલી માણસને છોડી દીધો અને અહીં આવી ગઈ.’

‘હું એને કેવી રીતે છોડી શકું દીદી? છોડીને જવાનું ક્યાં?’

‘અરે, મૈકે જતા રહેવાય ને? આ બધું જાણ્યા પછી એ લોકો જ ત્યાં ન રહેવા દે.’

મરિયમે નાખેલા નિસાસાની ગરમી શમા સુધી પહોંચી.

‘અબ્બા તો હતા જ નહીં. એકવાર હું સસુરાલથી ભાગીને અમ્મી પાસે આવી ગઈ હતી. અમ્મીએ કીધું કે “પોતાનો મરદ મારે એ માર સહન કરી લેવો પડે. મરદને તો પોતાની બીબીને મારવાનો હક છે.” ’

‘એવો કેવો હક? બકવાસ!’ શમાએ ચમચી પ્લેટમાં પછાડતા કહ્યું. એણે સ્કૂલની વકતૃત્વ સ્પર્ધામાં આપેલું “સમાજમાં સ્ત્રીઓનું સ્થાન” વિષય ઉપરનું વક્તવ્ય એને યાદ આવી ગયું. એને માટે એણે કેટલું બધું વાંચ્યું હતું! અહીં પણ જાણે એ સ્કૂલના સ્ટેજ ઉપર ઊભી હોય એવી રીતે બોલવા માંડી,

‘મરિયમ, હવે પહેલાનો જમાનો નથી જયારે સ્ત્રીઓ માત્ર ઘરમાં રહીને ઘર સંભાળતી. હિંદુ સ્ત્રીઓ ઘૂંઘટ અને મુસ્લિમ સ્ત્રીઓ બુરખા પાછળ પોતાનું જીવન વિતાવી દેતી. હવે જમાનો બદલાઈ ગયો છે. આપણા જ દેશની અમેરિકામાં રહેતી એક સ્ત્રી તો અવકાશમાં જઈ આવી તું જાણે છે?’

‘પણ દીદી, આપણા મજહબમાં, ખાસ તો નાના ગામોમાં ક્યાં કંઈ સુધારો થયો છે? આપણે મુસ્લિમ ઔરતો તો પહેલાં બી સહન કરતી’તી, હમણાં બી કરીએ છીએ. શૌહરને ના ગમે એવું કંઈ બી કરીએ તો આપણે ‘બૂરી ઔરત’ થઇ જઈએ. આપણે તો ‘તલ્લાક’ શબ્દથી ફફડતા જ રહેવાનું.’

‘મરિયમ, આપણા મજહબની જ સાનિયા મિર્ઝા ટૂંકી શોર્ટ પહેરીને ટેનીસ રમે છે તો શું એનો મજહબ બદલાઈ જાય છે? એ સારી ઔરત નથી શું? આપણા નજમા હેપતુલ્લા કેટલા વર્ષોથી રાજકારણમાં ઊંચી પદવી ઉપર છે એની તો તને ખબર જ નહીં હોય. પાકિસ્તાન જેવા મુસ્લિમ દેશમાં ઔરત પ્રધાનમંત્રી બની જ હતી ને? બેનઝીર ભુટ્ટોનું નામ તો તેં સાંભળ્યું જ હશે. અરે ૮૦૦ સાલ પહેલાં રઝીયા સુલતાના દિલ્હી ઉપર રાજ કરતી’તી. જહાંગીરની બેગમ નૂરજહાનનું નામ તો સાંભળ્યું છે ને તેં? એ પણ જહાંગીરની સાથે દરબારમાં બેસતી હતી. આપણો મજહબ, અરે કોઈનો જ મજહબ, ઔરતોને ઉતરતી ગણતો જ નથી. આ તો બધા આપણને ગુલામ બનાવીને રાખવા માટે મર્દોએ બનાવેલા કાયદા છે. અને આવા મર્દો માત્ર આપણા દેશમાં આપણા મજહબમાં જ નહીં, બધા દેશમાં, બધા મજહબમાં હોય છે. મરિયમ, આપણી આઝાદી આપણે જ લાવવાની છે. સ્ત્રી સહન કરે છે માટે એની ઉપર જુલમ થાય છે. પોતાનો વિકાસ સ્ત્રીએ જ કરવાનો છે.’

મરિયમ આંખો ફાડીને એની આ નવી મેડમનું વક્તવ્ય સાંભળતી હતી. આવું બધું તો એને કોઈએ કોઈ દિવસ કહ્યું જ ન હતું. ચાર ધોરણ સુધી જ ભણી શકી હતી એટલે દુનિયાની બહુ ખબર પણ ન હતી. પણ આ મેડમ જે બોલી ગઈ એમાંથી અમુક નામની તો એને પણ ખબર હતી.

થોડા સમય માટે શાંતિ આવીને શમા અને મરિયમની વચ્ચે બેસી ગઈ. હમેશા તો આવા વક્તવ્ય પછી શમા તાળીઓનો ગડગડાટ સાંભળવા ટેવાયેલી હતી. એને બદલે એકદમ શાંતિ થઇ ગઈ એટલે એ સ્કૂલના સ્ટેજ ઉપરથી  સોહારના એના વિલામાં પાછી ફરી.

એને યાદ આવ્યું કે મરિયમ એના પતિના જુલમની વાત કરતી હતી. એણે વાતનો દોર ફરીથી સાંધ્યો, ‘હં, તો અમ્મીએ પછી શું કર્યું? મરદનો માર ખાવા માટે પાછી મોકલી દીધી – આ  મારી દીકરી, શાદી પછી તારી મિલકત, તને એની સાથે જે કરવું હોય એ કર, બરાબર ને?’ શબ્દોમાંથી નીકળતા વ્યંગના બાણોથી કોઈ દૂરથી પણ વીંધાઈ શકતું હોય તો મરિયમની અમ્મી અત્યારે ઘાયલ થઇ ગઈ હોત.

મરિયમ માત્ર ‘હા’,એટલું જ બોલી શકી.

‘પછી?’

‘હું પાછી ગઈ એ દિવસે તો મને મારી સાસ, સસુર અને વર-ત્રણે ય જણાએ ભેગા થઈને બહુ મારી. પડોસીઓ વચ્ચે ના પડ્યા હોત તો જલાવી જ દેવાના હતા.’

શમા દિગ્મૂઢ થઈને મરિયમને સાંભળી રહી. આટલો જુલમ! મરિયમ પણ કદાચ પહેલીવાર કોઈ પાસે પોતાનું મન ખોલી રહી હતી એટલે આજે એ બધું જ ઠાલવી દેવાના મુડમાં હતી.

‘પછી તો દીદી, એ મને આખો દિવસ તલ્લાક આપવાની જ ધમકી આપ્યા કરતો. અમ્મી ગરીબ હતી અને કંઈ આપી ન હતી શકતી એ પણ મારો મોટો ગુનો હતો. ચા કોઈ વાર મીઠી થઇ જાય તો એના મિત્રોને બોલાવીને એમની સામે ‘તલ્લાક’ કહી દે, એકવાર એક રોટલી થોડી જલી ગઈ તો થાળી ફેંકીને ‘તલ્લાક’ કહી દીધું. સબ્જીમાં નમક બરાબર ના લાગે તો પણ કહે કે તલ્લાક આપી દઈશ. હૂં સાંસ ન’તી લઇ શકતી દીદી, મને એમ જ થાય કે આ મને તલ્લાક આપી દેશે તો હું ક્યાં જઈશ? બે વાર તો એણે ‘તલ્લાક’ બોલી દીધું હતું એટલે હું સતત ફફડતી રહેતી.

‘પણ આવા જંગલી સાથે રહેવાય કેવી રીતે? તલ્લાક આપે તો બીજા સાથે શાદી કરી લેવાય!’

‘તલ્લાક્શુદા થયા પછી મારી સાથે શાદી કોણ કરે દીદી? નથી રૂપ-રંગના ઠેકાણા, નથી અમ્મી પાસે દહેજમાં આપવાના પૈસા અને ખુદા પણ મારી સાથે રૂઠેલા, મને મા પણ ના બનાવી. એટલે બધા મને ‘બાંઝ’ જ કહેતાં.’

શમાએ હવે પ્લેટ બાજુમાં ખસેડી દીધી હતી.

એક દિવસ રાત્રે મારા મરદે મારી પર બહુ જુલમ કર્યો. મારું બદન બુખારથી જલતું હતું. પણ એણે એની પણ પરવા ના કરી. હું ના પાડું ત્યારે તો એ વધારે જંગલી થઇ જતો.

સવારે મારાથી વહેલું ઊઠી ના શકાયું. હું ઊઠીને બહાર ગઈ ત્યારે પડોસના ત્રણ ચાર મરદ અને પેલા મિત્રો ઘરમાં બેઠેલા હતા. મારી સાસે બધાને કીધું કે આ મારી વહુ રોજ આટલી મોડી ઊઠે છે, ઘરમાં કંઈ કામ નથી કરતી અને એના  મરદ માટે બચ્ચું જણવાની પણ ના પાડે છે. એ બધાની સામે એ જ વખતે મારો મરદ ત્રીજી વારનું ‘તલ્લાક’ બોલી ગયો .પછી —.’

મરિયમ ડૂસકે ચડી ગઈ હતી. શમાએ એને પાણી આપ્યું અને ક્યાંય સુધી એની પીઠ ઉપર હાથ ફેરવતી ઊભી રહી.

આવો પણ એક સમાજ હતો! ખુદાની એના ઉપર કેટલી બધી રહેમ હતી કે એનું ઘર ભલે ગરીબ હતું પણ એને પ્રેમ બહુ મળ્યો હતો. ઘરમાં પૈસાની કમી પ્યારથી પૂરી થઇ જતી હતી. અહીં પણ ખાલીદ એને કેટલો બધો પ્યાર કરતો હતો!

ખાલીદ એકદમ જતો રહ્યો એ યાદ આવતાં શમા ફરીથી ઉદાસ થઇ ગઈ અને એક પળ પહેલાં આવેલા વિચારની પાછળ પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું – ખરેખર પ્યાર કરતો હતો?

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ખૂબ સરસ હપ્તો. મરિયમની કહાની ખૂબ કરૂણ વાસ્તવિકતા. હવે શમાર્નું શું? એ યક્ષ પ્રશ્ન બની ગયો. રસપ્રદ