મકરસંક્રાંતિ નિમિત્તે : ગઝલ ~ ગીત ~ મુક્તક ~ શેર (વિવિધ કવિઓ દ્વારા)

૧. કાપી જાય છે

જો વજનમાં હોય હલકો તુર્ત ઉડી જાય છે
એક બાજુ જો નમે તો ભાર લટકાવાય છે

ખેંચવામાં તેજ હો કે ભાર સરતીમાં મુકો
પેચમાં ધીમા પડો તો કોઈ કાપી જાય છે

વાળશે ઢઢ્ઢૉ અને લટકાવશે કો’ પૂંછડી
જો બધું સ્વીકારશો ઉડાન ઊંચી થાય છે

રંગ, કદ કે રૂપ ને આકાર કોઈ હો ભલે
પૂર્ણતાને પામવા કન્ના બધે બંધાય છે

સગપણો પણ રાખવા દોરી-પતંગોના સમાં
એકબીજાના સહારે જિંદગી જીવાય છે
~ ડો. અપૂર્વ શાહ, નવાપુર

૨.  જોને!

આભે સરસ મજાના આકાર-રંગ જોને!
ઉડતા ઉમંગ ઊંચે, થઈને પતંગ, જોને!

તલગોળ મિષ્ટ, કૂણો તડકો જરાક માણી
રંગો ખરા રમે છે નભને ઉછંગ, જોને!

મોટી વગાડે સીટી, ખીસ્સે ભરીને ગીતો
આકાશ આજ આંબે, આશા-તરંગ, જોને!

જઇ છાપરે પુકારે, મેળો જમાવે યારી!
ખાલી અગાશી કોઈ, દિલમાં મલંગ જોને!

ક્યાં છેક પેચ મળતા! ક્યાંથી કપાય દોરી?
ક્યાં ક્યાં લડાય કેવી મસ્તીના જંગ, જોને!

કાપું ભલે કપાઉં, બાંધું હું દોર સુરતી
કૈં પેચ કાપતો એ સોજ્જા-સળંગ જોને!

ગૌ-સૂર્ય પૂજવાનો ગરવો પ્રસંગ જોને!
વૈદિક વિચાર દેખી,જગ થાય દંગ જોને!

જે આ પતંગ ઘડતાં, છે લોક સંગ, જોને!
વાડા પરસ્પરે આ નાહક છે તંગ જોને!

કો’ સ્થિર ઢાલ રાતે દીવા લઈને ડોલે,
પૂંઠે હવામાં સરતો જાણે ભુજંગ જોને!
~ પૃથા મહેતા સોની

૩. સૂરજ થઈ ગયો

કડકડતી ટાઢમાં નભે સાવજ થઈ ગયો
જુઓ જરા પતંગ તો સૂરજ થઈ ગયો

બાંધી પતંગે પ્રીત હવે આભલા લગી
દીધી ન ઢીલ દોર તો ધીરજ થઈ ગયો

જો ને હવા જરાય હજી જોરમાં નથી
તો પણ પતંગનો નભે બુરજ થઈ ગયો

આભે મચાવે શોર હજીયે પતંગ તો
રાતે ગગન ઉપર એ તો ગુંબજ થઈ ગયો

લાગ્યા છે પેચ આજ બધે જો પતંગના
ભૂલીને દાવપેચ એ નીરજ થઈ ગયો

તે સાદગી પતંગની જોઈ હશે ભલે
એ ટેરવાંના સ્પર્શથી ઉરજ થઈ ગયો
~ ભારતી વોરા  

*નીરજ – સ્વચ્છ
*ગુંબજ – ઘુમ્મટ
*ગજ – મોટું માપ (ચોવીસ તસુંનું)
*ઉરજ – કામદેવ

૪ ગીત: દર્શન 

નિરખે તું ગગનમાં રોજે સૂરજ, ચાંદ, સિતારા
બસ, સંક્રાંતિને દિવસે કરવા ચાહે દર્શન મારા

પંખી જેવું તેં ચાહ્યું જીવતર
ઉત્તરાયણનો આવ્યો અવસર
આકાશે ઊડવાના પૂરા થાય અભરખા તારા
બસ, સંક્રાંતિને દિવસે કરવા ચાહે દર્શન મારા

દાવ-પેચ લે દુનિયા આખી
ઈચ્છાની દોરી સંગ રાખી
જીતવાની ઝંખના તારી, પૂરી હો મારા દ્વારા
બસ, સંક્રાંતિને દિવસે કરવા ચાહે દર્શન મારા
~ ડૉ. સેજલ દેસાઈ, સુરત

૫.

દોર રાખો હાથમાં તો છે ઉડાનો આભની
પેચ હો કે પ્રેમ હો છે ઢીલ તારા લાભની
આપણે પામી લીધું સઘળું અવરની આંખમાં
ચલ જવા દે ગૂંચ છે જ્યાં આપણા સંતાપની
~ ફાલ્ગુની ભટ્ટ

૬.

માણી શકે તો ખીલી ઉઠેલી વસંત છું
ને રોજ-રોજ યાદ રહે એ પ્રસંગ છું
છો આજ દોર તૂટી ગઈ મારા હાથથી
આકાશનેય આંબી ચૂક્યો એ પતંગ છું
~ દીપક ઝાલા “અદ્વૈત”

૭.

આ દોરથી બંધાયેલો, કેવો સંબંધ છે
હા, આમ તો જુઓને દોર, કેવો તંગ છે
ને તોય જો કેવો ઉડે, મસ્તીથી એ નભમાં
એ નાચતો ને ઝુમતો, કેવો‌ પતંગ છે.
~ કિરીટ શાહ

૮.

ભલે હું બાણની શૈયા ઉપર સુતો નથી પણ હા
પતંગથી શીખું છું કે કાપવાના છે મને મારા
~ ભૂમિ પંડ્યા “શ્રી”

***

આપનો પ્રતિભાવ આપો..

One Comment