દૃશ્યો ફૂટે (ગઝલ) ~ તાજા કલામને સલામ (૨૪) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: શબનમ ખોજા ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
“દૃશ્યો ફૂટે !” ~ ગઝલ
બીજ ભીનું થાય ને ફણગો ફૂટે
એમ મારી આંખને દ્રશ્યો ફૂટે
માના સપનાંને મળે પાંખો નવી,
દીકરાને મૂછનો દોરો ફૂટે!
છોડ સાથે પીંછું મેં વાવી દીધું
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે!
એમ સપનું સ્હેજમાં તૂટી ગયું
જેમ અડતાંવેત પરપોટો ફૂટે.
એ પછી બહુ જોખમી થઈ જાય છે
માનવી કે કાચ જો અડધો ફૂટે.
મારા લોહીનું એ ગુજરાતીપણું
ટેરવાની ટોચ પર કક્કો ફૂટે!
~ શબનમ ખોજા
~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
ફણગો ફૂટવાની પ્રક્રિયા એ બીજમાંથી જીવન પાંગરવાની ઘટનાનો ઉત્સવ છે. પણ બીજ ફૂટે, નવું જીવન પાંગરે એ માટે પોષક તત્વો સાથેની માટી અને પ્રાણવાયુની સાથે ભીનાશનું હોવું અત્યંત આવશ્યક છે. માટીમાં જો ભેજ ન હોય તો પોષક તત્વો કે ઓક્સિજન નવું જીવન અર્પવામાં સફળ થઈ શકે નહીં.
માણસના જીવનમાં પણ કશુંક નવું જન્મ પામવાનું હોય એ માટે પણ લાગણીની ભીનાશથી સિંચાયેલી ભાવવિશ્વની ભૂમિ હોવી જરૂરી છે, પછી એ ભીનાશ, આંસુ રૂપે હોય કે મહેનતના પ્રસ્વેદ થકી હોય!
મતલાનો શેર જ મેદાન મારી જાય છે! આંખોમાં દૃશ્યો ફૂટે એની એક સામાંતરિક સરખામણી તો કરી લીધી પણ આ દૃશ્યો ભાવિના સપનાં છે કે અતીતના સારા-નરસા પ્રસંગો ફરી મનોભૂમિમાં ઊગી રહ્યાં છે એની કલ્પના ભાવક પર છોડી દીધી છે.
દરેક મા જ્યારે દીકરાને મોટો કરતી હોય છે ત્યારે એક સપનું જુએ જ છે અને એ છે કે દીકરો મોટો થઈને માના ન પૂરાયેલાં સપનાઓ પૂરા કરશે અને દીકરો એ સપનાઓ સ્વયં જીવશે પણ ખરો.
દીકરો બચપણ, કિશોરાવસ્થા અને જુવાનીના દાયરામાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ માતાને પોતાના સંતાન માટે પાળેલાં સપનાના ધણના ધણની ગરજતી હણહણાટી વધુ નજીકથી સંભળાતી જાય છે. અને, દરવાજે દસ્તક દેતી જુવાનીના આગમનની છડી પોકારતો મૂછનો પહેલો દોરો જેવો દીકરાને ફૂટે એવી જ માના સપનાઓના ધણ હવે પાંખો ફૂટી હોય એમ એય..ને.. હવામાં જાય દોડતાં…! આ અનુભૂતિ વિશ્વની દરેક માતા માટે, કોઈ સાથે પણ શબ્દોમાં વહેંચી ન શકાય એવી મહમૂલી મિરાત છે.
મા સંતાનને ઉછેરે છે, જેમ માળી જતન કરીને છોડને વાવે છે અને ઉછેરે છે. એવું સિદ્ધ થયું છે કે છોડ – એટલે કે ભાવિનું વૃક્ષ, સંગીતને સાંભળીને વધુ સ્વસ્થ અને આરોગ્યમય રહીને મોટો થાય છે.
ઝાડ પર પંખીઓના માળાઓમાં વસતો કલબાલટ પંખીની જ નહીં, પણ વૃક્ષની આસપાસનું વાતાવરણ વાંઝિયું ન લાગે એ માટે, વૃક્ષની પણ જરૂરિયાત છે. માત્ર છોડ જમીનમાં નથી વવાતો, પણ, એની સાથે વાવીને ઉછેરાતાં હોય છે, ભવિષ્યમાં એના પર માળો બાંધીને સાચા અર્થમાં જીવી રહેલા પંખીઓના ટહુકાઓ. મા પણ એ જ રીતે બાળકમાં સંવેદના, સંસ્કાર અને સંભૂતિનું સંગીત સિંચે છે.
“છોડ સાથે પીંછું મેં વાવી દીધું
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે !”
પણ, દરેક વખતે પરિણામ સ્વરૂપે છોડ ઘટાદાર, લીલોતરીથી લચકતું, અને ટહુકાઓના ફૂલોથી મઘમઘતું વૃક્ષ બને એવું થતું નથી. બાવળના ઝાડ પર છવાયેલી ઉદાસી અને અસહાયતાનું સામ્રાજ્ય જોઈને માળી માત્ર નિશ્વાસ જ નાખી શકે છે.
માતા પણ પોતાના સંતાનમાં સિંચેલાં સંવેદના, સંસ્કાર અને સંભૂતિને ટહુકાઓમાં પરિવર્તિત થતાં નથી જોતી ત્યારે એનાં શમણાંઓ જાણે કે મસમોટા પરપોટાં હોય, જે સમયની એક જરા અમથી સળી વાગતાં જ ફૂટી જાય છે. પાણી, પાણી થઈને વહી ગયેલાં માતાના પોતાના બચ્ચા માટેના સપનાઓમાં સાચું પૂછો તો માનું ધાવણ લોહી બનીને વહી જાય છે.
આ વેદનાનો અંદાજ એક મા સિવાય બીજા કોઈને આવી શકે જ નહીં! અને, પછી શું થાય છે કે શું થઈ શકે એનો ચિતાર આ શેરમાં કવયિત્રી અદ્ભૂત રીતે આપે છે.
“એ પછી બહુ જોખમી થઈ જાય છે
માનવી કે કાચ જો અડધો ફૂટે.”
સાવ સાદા અને સરળ લાગતા આ શેરનો મિજાજ અને શેરિયત એના એકએક શબ્દોમાં હજાર શબ્દોવાળું રેખાચિત્ર દોરી જાય છે. અહીં કહેવાયેલું અને ન કહેવાયેલું બધું જ ભાવકના હ્રદયમાં ઊંડે ઊતરી જાય છે અને અહીં, આ મુકામ પર આવીને શબ્દો, અર્થો અને રૂપકો નિઃશબ્દ, નિરર્થક અને નિશ્ચેષ્ટ બની જાય છે.
મકતામાં જ સહજતાથી કવયિત્રી એવી વાત કહી જાય છે કે જે આ ગઝલની “ગઝલિયત” પર ચાર ચાંદ લગાવી દે છે. આ બધી જ સંવેદનાઓને કવયિત્રી સચિત્ર આલેખી શકે છે કારણ કે એની માતૃભાષા ગુજરાતી એના લોહીમાં વહે છે અને એના અક્ષરો ટહુકાઓ જેમ સરળતાથી ફૂટે છે. બહુ મોટી વાત તો કહી જ છે સાથે માતૃભાષામાં લાગણીઓ પોતાનું વહેણ સરળતાથી શોધી લે છે એવું આડકતરી રીતે કહીને, ગુજરાતીપણામાં હીનતા અનુભવતાં લોકો માટે હળવા કટાક્ષ સાથે શીખ પણ મૂકી દીધી છે.
બસ, ફણગો ફૂટવાની, જીવન પાંગરવાની પ્રક્રિયાથી પ્રારંભ થતી આ સફરનો અંજામ કે અંતિમ કદાચ આવો પણ આવી શકે, એમ કહીને બાકી બધું જ શાયરા સમયની ધારા પર છોડી દે છે, જે શબનમજીને શિખર પર લઈ જાય છે.
બહેન શબનમ પાસેથી, એમના લોહીમાં વહેતા ગુજરાતીપણા પાસેથી, આપણને સહુને ખૂબ અપેક્ષાઓ છે, એટલું જ નહીં, પણ આવા શાયરો થકી ગુજરાતી ભાષાનું ભાવિ પણ ઊજળું છે.
***
સુંદર આસ્વાદ,જયશ્રીબહેન.