શમા ~ (લઘુનવલ) પ્રકરણ: ૧ ~ મૃગજળમાંથી મોતી શોધતી યુવતીની કથા ~ લે. ગિરિમા ઘારેખાન

પ્રકરણ: ૧

શમા આંખો ફાડીફાડીને અમદાવાદના એરપોર્ટના ઝળહળાટને જોઈ રહી. કેટલી બધી લાઈટો? છતમાંથી રેલાતો કેવો સફેદ ચાંદની જેવો પ્રકાશ! ધીમે ધીમે થતી વાતો અને જુદા જુદા કાઉન્ટર પાસે શાંતિથી, શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભેલા માણસો! એણે તો બસમાં કે ટ્રેઈનમાં પણ ભાગ્યે જ મુસાફરી કરી હતી.

મોટા ભાગના સગા- વહાલાં તો અમદાવાદમાં જ રહેતા હતા. મોસાળના થોડા સગાં હૈદરાબાદમાં રહેતા હતાં, પણ ત્યાં જવાનું કોઈને જ ગમતું નહીં.

એરપોર્ટની ઝળહળ લાઈટો જોતી શમા પોતાના એ ઝાંખા પ્રકાશવાળા દિવસો યાદ કરતી હતી – થોડા વર્ષો પહેલાં કોઈ બહુ નજીકના સગાના લગ્ન પ્રસંગે આખું કુટુંબ હૈદરાબાદ ગયું હતું ત્યારે દિવસ – રાત ટ્રેનની સખત ભીડ, ગંદકી અને ગરમીમાં એ લોકો એટલા કંટાળી ગયા હતાં કે બીજી વાર તો ત્યાં જવાનું મન જ ન થાય. પાછું પોતાના કુટુંબની પોતાના જેવડી છોકરીઓ ઉપર મુકાતા જાતજાતના પ્રતિબંધ જોઇને એણે તો પાછા આવીને એની અમ્મીને કહી દીધું હતું કે ‘હવે હું ગુજરાત છોડીને ક્યાંય જવાની નથી.’

અમ્મીએ કહ્યું હતું કે ‘અહીં રહીને અમે પણ તમને એટલી છૂટ આપી દીધી છે કે ત્યાં મને મારા બડા-બુઝુર્ગો પાસેથી ડાંટ મળી. હવે ત્યાં તો તમારી શાદી થઇ રહી. ત્યાં તો ઘણા અમીર રિશ્તેદારો રહે છે, પણ તમને ત્યાં ગમે જ નહીં. તમે અહીં રહો છો એવી રીતે ત્યાં રહેવા ન મળે.’

જવાબમાં શમાએ ખભા ઉલાળીને કહ્યું હતું, ‘મને પૈસા નહીં મળે તો ચાલશે, અમ્મી. આઝાદી અને ઈજ્જત જોઇશે.’

અમદાવાદની બહાર ન જવાનું બીજું પણ એક કારણ હતું. એક નાની સ્કૂલમાં પટાવાળા તરીકે કામ કરતા એના અબ્બા આટલી મોંઘવારીમાં છ માણસોના રોટલાની તજવીજ માંડ માંડ કરતાં હતા, ત્યાં હરવા ફરવાના પૈસા તો ક્યાંથી લાવે? પાછો એમને એકવાર હાર્ટ એટેક આવેલો હતો અને દર મહિને દવાઓમાં જ કેટલાય પૈસા જતા રહેતા હતા. એ તો પપ્પા સ્કૂલમાં હતા એટલે શિક્ષણનું મહત્વ સમજતા હતા અને છોકરીઓને ભણાવતા હતા. બાકી એમના અમુક રિશ્તેદારોની એના જેવડી છોકરીઓએ તો ક્યારનું ભણવાનું છોડી દીધું હતું.

ગરીબીની ભેટ તરીકે આવતી સમજદારી શમામાં ઘણી વહેલી આવી ગઈ હતી. એટલે જ તો એ ખૂબ મહેનત કરીને ભણતી હતી, કાયમ ક્લાસમાં પહેલો નંબર લાવતી હતી, ૯૦%ની ઉપર જ માર્ક્સ હોય. એને લીધે જ તો ફી માફી થતી હતી અને બારમા ધોરણ સુધી ભણવા મળ્યું હતું. એને તો કોલેજમાં પણ જવું હતું, પણ અબ્બા એને માટે તૈયાર ન હતા.

શમાને તો શિષ્યવૃત્તિ પણ મળી શકત, પણ એની અમ્મીને હવે એની શાદી કરી દેવી હતી. એક જવાબદારીમાંથી તો મુક્ત થવાય! જો કે બારમું ધોરણ ઝળહળતી સફળતા સાથે પાસ કર્યા પછી એમના ઘરની હાલત જાણતા સ્કૂલના પ્રિન્સિપાલે શમાને પ્લેગ્રુપના મદદનીશ શિક્ષિકા તરીકે કામચલાઉ નોકરી આપી દીધી હતી.

ખાલીદે શમાને બોલાવી અને એરપોર્ટની ઝાકઝમાળ પરથી નજર હટાવીને શમા એની પાસે પહોંચી ગઈ. પોતે પાછળ રહી જાય તો એરપોર્ટ ઉપર પ્લેનમાં બેસવા પહેલાં શું શું કરવાનું હોય એને ક્યાં ખબર હતી? જો કે ખાલીદ એમ એને પાછળ મૂકીને આગળ ચાલ્યો જાય એવો હતો નહીં. બહુ ધ્યાન રાખતો હતો.

શમાએ ખાલીદ જે કરતો હતો એ બધું ધ્યાનથી જોવા માંડ્યું. હવે પોતે કાયમ પરદેશ રહેવાનું હોય તો આવ-જા કરવા માટે આ બધું તો શીખવું જ પડશે ને! એણે સામાનનું સ્કેનીંગ, સામાન આપવાની રીત, ઈમિગ્રેશન અને સિક્યોરીટીની બધી જ વિધિ બહુ ધ્યાનથી જોઈ. છેલ્લે બસ માટે રાહ જોતા હતા ત્યારે એક – બે સ્ત્રીઓની પાછળ પાછળ બાથરૂમમાં પણ જઈ આવી.

અંદરની વિશાળ, ચોખ્ખી જગ્યા જોઇને એને પોતાનું ઘર અને અંદરના કમરાના એક ખૂણામાં આવેલી, પડદો ઢાંકેલી પોતાની નહાવાની જગ્યા યાદ આવી ગઈ. રઝીયા આ જુએ તો કેવી પાગલ થઇ જાય! થોડો સમય જાય પછી પોતે ખાલીદને કહેશે કે રઝીયા માટે પણ મસ્કતમાં જ કોઈ લડકો હોય તો ધ્યાન રાખે.

રઝીયા રૂપે રંગે પોતાના જેવી ન હતી એટલે અમ્મીને એની બહુ ચિંતા રહેતી હતી.

બાથરૂમની બહાર નીકળતા પહેલાં શમાએ ત્યાંના મોટાં અરીસામાં નજર નાખી દીધી. વાળ તો વિખરાયા ન હતા ને? એના વાળ બહુ વાંકડિયા હતા અને થોડા પવનમાં પણ લટો બહાર આવીને ગાલ, કપાળ ઉપર રમવા માંડતી. જો કે અત્યારે થોડી એ બહેનપણીના કાયનેટીક ઉપર ફરતી હતી કે વાળ વિખરાઈ જાય! એ.સી.વાળી ગાડીમાં ઘેરથી એરપોર્ટ આવી હતી.

રઝીયા, મહેમુદ અને સલમાનને તો એ ગાડીમાં બેસવાનું મન થઇ જ ગયું હતું. પણ પછી ઘેર પાછા જવામાં મુશ્કેલી પડે એટલે અમ્મીએ ના પાડી દીધી હતી.

શમાએ પર્સમાંથી લીપસ્ટીક કાઢીને એક વાર હળવેથી હોઠ ઉપર ફેરવી લીધી. અમ્મીએ કહ્યું હતું, “હંમેશા સજતે સંવરતે રહેના. મર્દોંકો વો હી સબ અચ્છા લાગતા હૈ.”

શમા બહાર નીકળી ત્યારે પ્લેન સુધી લઇ જવા માટેની બસ આવી ગઈ હતી. ફર્સ્ટ ક્લાસના મુસાફરોને પહેલાં લઇ જવાના હતા. ખાલીદ એની રાહ જ જોતો હતો. એણે શમા સામે જોયું. પછી એની નજીક આવીને ધીમેથી બોલ્યો, ‘આપકો સજને સંવરનેકી કોઈ ઝરૂરત નહીં હૈ. ખુદાને અપને હાથોં સે આપ કો સંવારકર હી ભેજા હૈ.’

નવપરિણીતા શમાના શરીરમાં એક વીજળીની લહેર દોડી ગઈ અને હોઠનું ધનુષ તીર છોડવા માટે લાંબુ થતું હોય એમ બેય બાજુ થોડું લંબાયું. સ્મિત શરમાતું શરમાતું આંખોમાંથી ચહેરા ઉપર પ્રસર્યું.

ખાલીદની પાછળ ચાલતી ચાલતી એ ક્યારે બસમાંથી ઊતરીને પ્લેનમાં એની સીટ સુધી પહોંચી ગઈ એને ખબર જ ન પડી. ખાલીદે એને બારી પાસે બેસાડી અને એ બહારની બાજુ બેઠો. એણે સામેના પોકેટમાંથી એક મેગેઝીન ઉપાડ્યું અને એના પાનાં ફેરવવા માંડ્યો.

શમા બારીમાંથી દેખાતું એરપોર્ટનું મકાન, બાજુમાં ઊભેલું એક બીજું એરોપ્લેન, સામાનથી ભરાઈને આવતી ટ્રોલીઓ, કેસરી કપડાં પહેરેલા માણસો અને આવ જા કરતી બસોને જોતી રહી.

એરહોસ્ટેસનો અવાજ શમાને એ એરપોર્ટનગરીમાંથી પ્લેનમાં પાછો લઇ આવ્યો. એ પ્લેનમાં ઓચિંતી કંઈ તકલીફ થાય તો શું કરવું, પ્લેનને પાણી ઉપર ઊતારવું પડે ત્યારે શું કરવું, એ બધું સમજાવતી હતી.

ખાલીદને હજુ મેગેઝીનમાં જ ખોવાયેલો જોઇને શમાએ કહ્યું, ‘આપ ભી પહેલે દેખ લીજીયે, બાદમેં પઢ લેના.’ ખાલીદને સહેજ હસવું આવી ગયું. એણે કહ્યું, ‘વો આપકે જૈસી ખુબસુરત તો હૈ નહીં, નહીં તો ઉસે ભી દેખ લેતા.’

‘નહીં, સચ મેં, યે સબ જાનના જરૂરી હૈ.’ શમા પૂરી ગંભીર હતી.

‘હમને તો બહોત બાર દેખા હૈ. આપ દેખિયે.’

શમા બારી પાસેથી થોડી ખસીને ખાલીદની વધારે નજીક જઈને બેઠી જેથી એરહોસ્ટેસ શું બતાવતી હતી એ બરાબર જોઈ શકાય. એરહોસ્ટેસનો શો પૂરો થયો.

વિમાનના દરવાજા પાસે મુકાયેલી સીડી ખસેડાઈ ગઈ અને દરવાજા બંધ થયાં. પ્લેનની ઘરઘરાટી ચાલુ થઇ. શમાને થોડો ગભરાટ થતો હતો. એને ખબર નહોતી પડતી કે એનું શરીર ધ્રુજી રહ્યું છે કે આખું પ્લેન ધ્રુજી રહ્યું છે. પ્લેન રનવે પર દોડવા માંડ્યું.

શમા બાળક જેવા કુતૂહલથી નીચે દેખાતી લાલ-ભૂરી અસંખ્ય લાઈટોને રસ્તાની સાથે સાથે દોડતી જોઈ રહી. આગળ જઈને પ્લેન સહેજ વાર ઊભું રહ્યું, પાઈલોટનો કંઇક બોલતો અવાજ આવ્યો, પ્લેનની ઝગમગતી લાઈટો ડીમ થઇ, સહેજ ધ્રુજારી, પ્લેન જમીનથી ઉપર ઊંચકાયું અને ધીરે ધીરે આકાશ તરફ ગતિ કરવા માંડ્યું.

એરોપ્લેનની સાથે સાથે શમાની જિંદગીના વીસ વર્ષો પણ એની સાથે ઊડતાં હતાં. એ નીચે દેખાતા વૃક્ષો અને ધીરે ધીરે નાના થતા જતાં ઘરોને જોઈ રહી. નીચે દેખાતી નદી કેવી સરસ લાગતી હતી! બીજું આ બધું શું દેખાય છે? અત્યારે આ એરોપ્લેન મારા શહેરના કયા ભાગ ઉપરથી ઊડતું હશે?

આમ તો જન્મથી માંડીને આટલા વીસ વર્ષ સુધી એ અમદાવાદમાં જ રહી હતી પણ આખું શહેર ક્યાં જોયું જ હતું? ઘેરથી સ્કૂલ અને સ્કૂલથી ઘેર. બહાર ફરવા જવાના પૈસા જ ક્યાં હતા?

ક્યારેક ઈદ માટે ખરીદી કરવા અમ્મી સાથે જવાનું થયું હતું. પણ મોટે ભાગે તો એની ખાલા જ દુબઈથી એની છોકરીઓના જુના કપડાં, ચોકલેટ, ખજૂર વગેરે મોકલી દેતી અને એનાથી એમની ઈદ રોશન રોશન થઇ જતી.

એની બહેનપણીઓ આવીને એમના કાઈનેટિક ઉપર બહાર લઇ જાય એનો અમ્મી કે અબ્બાને વાંધો ન હતો. અમ્મી –અબ્બાને એના ઉપર પૂરો ભરોસો હતો. પણ એ વખતે પછી સલમા રોવા બેસતી, સાથે આવવાની જીદ કરતી, એટલે એને જ એ બધાને મૂકીને ક્યાંય બહાર જવું ગમતું ન હતું.

પોતે સ્કૂલમાંથી અલગ અલગ સ્પર્ધાઓ જીતીને ટ્રોફી લઈને ઘેર આવતી ત્યારે એના નાના ભાઈ–બહેનો એ ટ્રોફીને પોતાના હાથમાં પકડવા માટે જીદ કરતાં અને હાથમાં લઈને કેટલાં ખુશ થતાં!

અમ્મી બૂમો પાડીને આખા મોહલ્લાની સ્ત્રીઓને ભેગી કરતી, ‘દેખો, દેખો, મેરી શમા કિતની હુશિયાર હૈ! પઢાઈમેં ભી અવ્વલ ઔર બાકી સબમેં ભી અવ્વલ! ઇસી લિયે તો ઉસકો પૂરે સ્કૂલકી મોનિટર બનાઈ હૈ.’

પોતે કેટલું શીખવાડ્યું પણ અમ્મીને “હેડ ગર્લ” શબ્દ યાદ જ ન હતો રહેતો. શું કરતી હશે અત્યારે અમ્મી? એ, રઝીયા, સલમા અને મહેમુદ હજુ પણ રડતાં હશે? અબ્બા ચૂપચાપ આસમાનને તાકતા હશે. અત્યારે એ લોકો મારું પ્લેન જોતા હશે?

શમાએ દૂર દૂર દેખાતા ટપકાં જેવા થઇ ગયેલા ઘરો સામે જોયું. આમાં ક્યાંક હશે મારું ઘર? એ ચારેય ભાઈબહેનો, અરે આખા મુહલ્લાના બધા બચ્ચાં આસમાનમાં કોઈ પ્લેન ઉડવાનો અવાજ સાંભળે તો કેવાં ઘરની બહાર દોડી આવતા હતાં! કોઈ હજુ ઘરમાં જ હોય તો બૂમાબૂમ કરીને બોલાવી લેવાનું અને પછી એ પ્લેન ટપકાં જેવડું થઈને દેખાતું બંધ થઇ જાય ત્યાં સુધી એને નજરથી પકડી રાખવાનું! એ વખતે એમાં પણ કેવો આનંદ આવતો હતો! ક્યારેય વિચાર્યું ન હતું કે પોતે પણ એક દિવસ પ્લેનમાં બેસશે!

એરહોસ્ટેસ જ્યુસના ગ્લાસ લઈને આવી. ખાલીદે એની ટ્રેમાંથી બે ગ્લાસ ઉપાડ્યા, એક શમાને આપ્યો અને બીજો પોતે લીધો. જ્યુસ પીતાં પીતાં શમા ફરી વિચારે ચડી ગઈ.

ખાલીદ એનું કેટલું બધું ધ્યાન રાખતો હતો! મહિના પહેલાં તો પોતે એને ઓળખતી પણ ન હતી, અને અત્યારે એ એનો ખાવિંદ થઇ ચુક્યો હતો. બધું કેટલું ઝડપથી  બની ગયું હતું!

એને એ દિવસ હજુ એવો ને એવો જ યાદ હતો. એના અબ્બાના ચાચી બીમાર હતા એટલે એ બે દિવસ એમની મદદ માટે એમને ઘેર રહેવા ગઈ હતી. અમ્મીનો એકદમ ફોન આવવાથી ત્રીજે દિવસે સવારે એ પાછી ફરી ત્યારે ઘરનું વાતાવરણ કંઇક અલગ લાગતું હતું. રઝીયા ઘર બરાબર સાફ કરવા માંડી હતી. મહેમુદ અને સલમા નાહી ધોઈને કમરાના એક ખૂણામાં એમની ચોપડીઓ લઈને બેસી ગયા હતા. ક્યારેય સ્કૂલમાંથી રજા ન લેતા અબ્બાએ એ દિવસે રજા લીધી હતી અને ઘર માટે કંઇક સામાન લેવા બહાર નીકળતા હતા. અમ્મી રસોઈઘરમાં હતી અને સેવૈયા બનાવવાની તૈયારી કરી રહી હતી.

‘આ બધું શું છે અમ્મી? કોઈ દાવત પર આવવાનું છે?’

રઝીયા ખીલખીલ કરતી હસવા માંડી હતી. અમ્મીએ એની સામે આંખો કાઢી હતી અને શમાને હાથ પકડીને અંદરના નાના કમરામાં લઇ ગઈ હતી.

થોડા દિવસથી અમ્મી અને અબ્બા વચ્ચે થતી ગુસપુસનો શમાને ખ્યાલ હતો જ અને એ પોતાને માટે છે એ પણ એનું ચાલાક દિમાગ સમજી ગયું હતું. પણ એ બધું આટલું જલ્દી સામે આવશે એવો એને બિલકુલ ખ્યાલ ન હતો. એટલે જ આવી તૈયારીઓ થતી જોઇને એણે કંઇક ઊંચા મને અધીરતાથી અમ્મીને ફરીથી પૂછ્યું હતું,

‘આ બધું શું છે અમ્મી?’

અમ્મીએ એનો હાથ પકડીને પોતાની પાસે બેસાડી હતી અને એની પીઠ ઉપર હાથ મૂકતાં બોલી હતી, ‘દેખ બેટા, આજ કોઈ તને જોવા આવવાનું છે.’

‘આ…જ? ના અમ્મી, બે દિવસ પહેલાં જ મને સ્કૂલમાં બધાએ કીધું કે મારે હજુ બહુ પઢાઇ કરવી જોઈએ. સ્કૂલમાં એક મહેમાન આવ્યા હતા. એમનું લેકચર રાખ્યું હતું – ‘ઔરત કી જિંદગી મેં પઢાઈ કા મહત્વ.’ પછી એમણે સ્કૂલમાંથી પણ કોઈને બોલવાનું કહ્યું. બધું એકદમ જ નક્કી થયું એટલે  પ્રિન્સીપાલ સરે મને બોલવાનું કહી દીધું. અબ્બાને ખબર છે. અમ્મી, તૈયારી વિના પણ હૂં એટલું સરસ બોલી કે પેલી મહેમાને કીધું કે “મેરે જૈસી લડકી તો આસમાન કો છૂ સકતી હૈ.” ’

‘આસમાન તો તુમ વૈસે ભી છૂ લોગી બેટા. લડકા મસ્કત સે આ રહા હૈ.’ અમ્મીને તો જાણે શમાના છેલ્લા શબ્દો જ સંભળાયા હોય એવું લાગતું હતું.

‘મસ્કતથી? મારે નથી જવું એટલે દૂર. મસ્કત શું, મને ક્યાંય નથી જવું અમ્મી. મારે ભણવું છે. કંઇક બનવું છે અમ્મી. એ મહેમાને મને એમની નઝદીક બોલાવીને ખાસ કીધું કે “આપકો અપની ટેલેન્ટ વેસ્ટ નહીં કરની ચાહિયે.” મતલબ, મુજે ખુદાને જો દિયા હૈ ઉસકા અચ્છી તરહ ઇસ્તમાલ હોના ચાહિયે.’

શમા હજુ સ્કૂલમાં એના વક્તવ્ય પછી પડેલી તાલીઓના કેફમાં હતી. મહેમાને એને કહેલા પ્રશંસાના શબ્દોના પૂર હજુ મગજમાંથી ઓસર્યાં ન હતાં. એ અમ્મીનો હાથ છોડાવીને ઊભી થઇ ગઈ હતી.

‘દેખો બેટા…’, શમાની અમ્મીએ એને સમજાવવાનું ચાલુ કર્યું.

શમાની ખાલા, જે વર્ષોથી દુબઈમાં રહેતી હતી એણે આ રિશ્તાની વાત કરી હતી. ખાલીદ એમનો દૂરનો રિશ્તેદાર છે એમ જણાવીને એના ભરપૂર વખાણ કર્યાં હતા.

“તુમ્હારી બેટી રાની કે જૈસે રહેગી” એમ કહીને એવું પણ કહ્યું હતું કે એક વાર શમા મસ્કત પહોંચી જશે પછી એમણે એમના બીજા ત્રણ બાળકોની કોઈ ફિકર કરવી નહીં પડે.

ખાલીદ બહુ પૈસાવાળો હતો, દિલદાર હતો અને એ પોતે જેમ ઈદ ત્યોહાર ઉપર બધાને ભેટસોગાદ મોકલતી હતી એમ શમા પણ મોકલ્યાં કરશે. ભેટસોદાગની વાતથી પણ વધારે તો “તુમ્હારી બેટી રાની કે જૈસે રહેગી” એ વાત બરફીના ટુકડાની જેમ અમ્મી-અબ્બાને ગળે ઉતરી ગઈ હતી અને શમાને ગળે ઉતારવાનું કામ અમ્મીને સોંપાયું હતું.

અમ્મીને ક્યાં ખબર હતી કે શમાના ભવિષ્યમાં શું લખાયેલું હતું? એ ‘રાની’ બનશે કે પછી…?

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

8 Comments

  1. વાર્તા શમા એક સાદી સીધી, ગરીબ પણ ખૂબ હોશિયાર છોકરીના નિકાહ પછી એના ખાવિંદ સાથે મસ્કત જઈ રહી છે એવા કથાનક થી શરૂ થઈ છે. પણ લેખક હવે એની જિંદગીમાં શું બનશે? એવા જિજ્ઞાસા સભર પ્રશ્ન પથ પર વાચકોને લઈ જાય છે…એટલે હવે શું? એવી ઇંતેજારી ચોક્કસ રહેશે…ખૂબ મસ્ત રજૂઆત અને શરૂઆત..ખૂબ ખૂબ અભિનંદન

  2. શમા અને ખાલિદ નજર સામે આવે છે એટલુ શબ્દો થી વર્ણન

  3. ગિરિમા ઘારેખાન. તેમની વાર્તાઓ વાંચેલ છે. નવલકથાની શરૂઆત પણ સરસ રીતે થઈ. આગળના પ્રકરણની પ્રતીક્ષા.