‘ઓસામા બિન લાદેન ઇસ્લામાબાદની નજીકથી જ મળ્યો છે’ ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 37) ~ પૂર્વી મોદી મલકાણ
What’s going on over there?
ગુજરાતી લખતાં લખતાં અચાનક ભાષા કેમ ફેરવાઇ ગઈ તેનો પ્રશ્ન આપને થતો હશે. પણ આ વાક્ય અમારા તરફથી નથી જ તેનો ય ખ્યાલ આપને આવી ગયો હશે અને સાથે એય ખ્યાલ આવી જતો હશે કે; આ વાક્ય એક ચિંતાના સૂરમાં બોલાયેલું છે.
ચિંતાની આ વાત મને યાદ અપાવે છે, એક એવા પ્રસંગની જેને હું ક્યારેય ભૂલી નહીં શકું. આમે ય જીવનમાં કેટલીક યાદો એવી જ હોય છે, જેને ભૂલી જ ન શકાય. હા! જીવનમાં કેટલીક યાદો એવી યે હોય છે; જેને આપણે યાદ કરવાયે માગતાં નથી હોતાં, પણ તેનાં પ્રસંગો દુઃખ અને પીડા સાથે સંકળાયેલાં હોય છે, જ્યારે મારી યાદ એ સમય સાથે જોડાયેલ છે જે સમયમાં એ હતો, હું હતી, અને તેઓ બધાં જ હતા. થોડી રમૂજી, થોડી ચિંતાજનક અને થોડા ભયને ઊભી કરતી આ યાદની શરૂઆત થાય છે ૧લી મેથી.
થોડા આનંદ, થોડા ડર અને થોડા ઉત્સાહ સાથે શરૂ થયેલી અમારી યાત્રાનાં ૩ દિવસ અને ૨ રાત પછી ગઇકાલે જ્યાં મારા પૂર્વજો જ્યાં રહેતાં હતાં તે ભૂમિ પર આજે સાડા ત્રણસો વર્ષ પછી મેં પગ મૂક્યો ત્યારે તે એક દિવસ વધી ગયેલો અને એક નવી રાત ગઇકાલ અને આજની વચ્ચે ઝોલાં ખાતી હતી.
ગઇકાલ અને આજ વચ્ચે ઝૂલતી એ ક્ષણોમાં અમે પાકનાં એક ખૂણામાં રહેલી અમારી હોટેલ મેરિયેટની વિશાળ બારીમાંથી આવતી કાલનાં નવા સૂરજની રાહ જોઈ રહ્યા ત્યારે પાકનાં બીજા ખૂણામાં આખી દુનિયાને અંધારામાં રાખીને કોઈક અલગ જ ધમાલ ચાલી રહી હતી.
એ ધમાલથી અલિપ્ત રહી, નવા દિવસની ઉત્સાહપૂર્વક રાહ જોતાં જોતાં અંતે અમે સૂઈ ગયાં, પણ જ્યારે મારી આંખો ખૂલી ત્યારે મી. મલકાણ ઓફિસ જઈ ચૂક્યાં હતાં. કાગડાઓનું ક્રાઉ ક્રાઉ રૂમની દીવાલોને ચીરી અંદર આવી રહ્યું હતું.
કદાચ કશું નવું જોવા મળે તેવી એક આશા સાથે બારણું ખોલી લોબીમાં નજર ફેરવી તો ખ્યાલ આવ્યો કે; ન સમજાઈ તેવી શાંતિ છવાયેલી હતી, ઘણાં બધાં ગેસ્ટ હોટેલ ખાલી કરી રહ્યાં હતાં. મારી સામેનાં ઘણાં બધાં રૂમ્સ ખાલી થઈ ચૂક્યાં હતાં તેથી ત્યાં ક્લીનિંગ ચાલું થઈ ગયું હતું.
આજની આવી શાંતિ મનને જોવી સારી લાગતી ન હતી, તેથી દરવાજો બંધ કરી હું ગેલેરી તરફ ગઈ, ગેલેરીમાંથી સામે પાર્લામેંટ દેખાઈ રહ્યું હતું. રસ્તાઓ પર નજર ફેરવતાં ખ્યાલ આવ્યો કે; મેઇન રોડ હોવા છતાં આ રોડ્સ ખાલી હતાં. ટ્રાફિક તો નહોતો જ પણ પગે ચાલીને જતાં લોકો યે ઓછા જ હતાં.
દિવસ ઊગી ગયો હોવા છતાં આ પ્રકારની શાંતિથી મને આશ્ચર્ય થતું હતું કે વારંવાર વિચાર આવી રહ્યો હતો કે; શા માટે આજે આ શહેર આટલું શાંત છે? પણ કશું ન સમજાતાં એ આસપાસના વાતાવરણને સમજવાનો હું બસ નિરર્થક પ્રયાસ કરી જ રહી હતી ત્યાં જ અચાનક શાંતિને ચીરતી ફોનની રિંગ વાગી ઉઠી…
ફોનની બીજી બાજુ મી. મલકાણ હતાં તેમણે મને કહ્યું કે: ‘પૂર્વી એક ન્યૂઝ છે, બહુ મોટા ન્યૂઝ છે.’ આટલું જ સાંભળતા જ મારું હૃદય કંપી ઉઠ્યું. એક જ સેકન્ડમાં મને મારા ઈન્ડિયામાં રહેલા મારા પરિવારની અને બીજી તરફ યુએસએમાં રહેલા મારા બાળકોની ચિંતા થવા લાગતાં હું ઠાકુરને યાદ કરવા લાગી.
મારી અને ઠાકુરની બે પળની શાંતિને ચીરતાં તેમણે મને પૂછ્યું, ‘પૂર્વી શું તારું ટીવી ચાલુ છે?’ ટીવીની વાત સાંભળી મને ખ્યાલ આવી ગયો કે જે ન્યૂઝ છે તે મારા પરિવાર વિષે નથી પરંતુ કોઈક ન્યૂઝ તો છે જ. પળભરમાં મારા પરિવાર માટે કંપેલું મારું હૃદય આ બે શબ્દો સાંભળતાં જ શાંત થઈ ગયું અને મેં સામે જવાબ વાળીને કહ્યું કે, ‘ના ટીવી ચાલુ નથી.’
આથી તેઓ મને કહે કે, ‘ઓસામા બિન લાદેન ઇસ્લામાબાદની નજીકથી જ મળ્યો છે અને તેને મારી નાખ્યો છે અને આ ઓપરેશન અમેરિકા દ્વારા થયું છે.’
આ સમાચાર સાંભળીને મારું મન અત્યંત વ્યગ્ર થઈ ગયું હતું. વ્યગ્ર એટલા માટે કે હજુ તો રાત્રે જ અમે પાકિસ્તાન આવ્યાં અને આજે આ? તેઓની વાત સાંભળતાં સાંભળતા હું લગભગ સ્તબ્ધ થઈ ચૂકી હતી, હૃદયના ધબકારાની સ્પીડ વધી ગઈ હતી, રૂમમાં એસી ચાલુ હોવા છતાં મને પસીનો છૂટી ગયો હતો.
મન કંઈ જ વિચારી શકતું ન હતું, મસ્તકમાં શૂન્યાવકાશ વ્યાપી ચૂક્યો હતો, ચહેરા પર ડરનો સાયો પોતાની પરછાઇ છોડી ચૂક્યો હતો અને થોડી પળો માટે હું પૂતળું બની ચૂકી હતી. હજુ તો અમારી સફરનાં ૨૪ કલાક પૂરા થાય તે પહેલાં મળેલાં સમાચારે અમારી શક્તિ જ હણી લીધી હોય તેમ લાગ્યું.
મારું મગજ એટલી હદે શૂન્યવકાશથી ભરાઈ ગયું હતું કે કંઇપણ વિચારવાની તાકાત મારામાં રહી નહોતી. વળી તરત ને તરત નિર્ણય લઈ શકાય તેમ પણ નહોતું.
તેઓ મને કહે કે, ‘પૂર્વી એવા પણ સમાચાર મળ્યા છે કે શહેરમાં ગમે ત્યારે દંગલ થઈ શકે તેમ છે માટે બને ત્યાં સુધી તું રૂમમાં જ રહેજે અને નીચે આવવું હોય તો હોટેલની બહાર જઈશ નહીં….. અને હું તને વારંવાર ફોન કરતો રહીશ અને તને જો વધુ ડર જેવુ લાગે તો મને જણાવજે. હું આવી જઈશ. હું આપણી હોટેલથી ખાસ દૂર નથી…’
એમનું બોલવાનું ચાલુ રહ્યું હતું પણ મારા સફેદ થયેલા ચહેરા પર ભય, ડર અને ખોફનો સાયો ઝળૂંબી રહ્યો હતો અને મારી વાચા હણાઈ ગઈ હતી. બીજી તરફ એમનું હેલો… હેલો ચાલુ રહ્યું અને હું જ્યાં હતી ત્યાં જ બેસી પડી.
લોબીની બહાર ચહેલપહેલ વધવા લાગી હતી પરંતુ મારું મન સન્નાટ્ટાને સાંભળી રહ્યું હતું. અમેરિકામાં મારા બાળકોની અને ઈન્ડિયામાં રહેલા મારા પરિવારજનોની અમારે માટેની ચિંતા વધતી જતી હતી. મારા ફોનમાં તેઓના Text Msg આવવા ચાલુ થઈ ગયેલા હતાં. તેઓ જાણવા માગતાં હતાં કે અત્યારે ઇસ્લામાબાદમાં શું પરિસ્થિતિછે? તેઓ મને વારંવાર કહેતા હતાં કે તમે હોટેલની બહાર ન જશો અને એકલા તો ક્યાંય ન જશો.
થોડા Phone call Text Msg:
1. From the USA:
USA: What is going on there?
We: we r fine here, but what is going on there?
USA: We’re surprised, joyous, and shocked that Osama Bin Laden was actually caught by the U.S. We’re also worried about what will happen in Pakistan to everyone. Will there be a terrorist retaliation? Was crossing Pakistan’s border without their permission legal?
USA: What’s going on over there?
We: Do not worry about us, we are fine.
USA: Ok Good. You should contact the US Embassy due to the fact that all travel to & from Pakistan is at a standstill.
We: We had already registered before we came in. We’ll contact again tomorrow
USA: Contact the US consulate there.
We: Called the consulate. There are no special instructions. We’ll check in the morning again.
2) From India:
India: How are you? Is there any trouble with Osama bin Laden’s death?
We: No trouble so far. Everything is quiet. So do not worry about us.
India: Give me a message twice a day. We are worried so much.
એક તરફ હું ઈન્ડિયા અને યુએસએમાં રહેલા મારા પરિવારને સાંત્વન આપી રહી હતી પરંતુ અંદરથી મારું મન બેચેન બની ચૂક્યું હતું. ટીવી પર મિસ્ટર ઓબામા અને ઓસામા બિન લાદેન છવાઈ ચૂક્યા હતા, પણ પાક નાગરિકો, પાક ટીવી ચેનલોનો રોષ વધી ચૂક્યો હતો.
આતંકવાદી ઓસામા બિન લાદેન મરી ગયો તેની ખુશી તેઓને થઈ હતી પરંતુ અમેરિકાની મિલ્ટ્રીએ પાકિસ્તાનની જાણ બહાર તેમનાં દેશમાં એન્ટ્રી લઈ તેમની મદદ વગર ઓસામા બિન લાદેનને મારી કાઢ્યો તે વાતનું દુઃખ વધારે હતું.
પાક ટીવી પર એક ફોટો વારંવાર આવતો હતો, તે હતો કે જ્યારે મધ્યરાત્રિએ આ ઓપરેશન થઈ રહ્યું હતું ત્યારે Washington DCમાં આ ઓપરેશન Presidential Cabinet દ્વારા જોવાઈ રહ્યું હતું.

આ જ સમય દરમ્યાન અચાનક મારા રૂમની બેલ વાગતા મેં ઊભા થઈ બારણું ખોલ્યું ત્યારે હોટેલમાં કર્મચારી લોકોની ચહેલપહેલ વધી ચૂકી હતી. મારી આસપાસના ઘણા રૂમમાં ક્લીનિંગ હજુ યે ચાલી રહ્યું હતું તેથી ખ્યાલ આવ્યો કે તે રૂમના ગેસ્ટ જઈ ચૂક્યા છે. કદાચ ડરથી જ તેઓ હોટેલ છોડીને જઈ ચૂક્યા હતાં.
આમેય આ થવું સ્વાભાવિક હતું, કારણ કે ૨૦૦૮માં આ જ હોટેલમાં બોમ્બમારો થયેલો હતો, કદાચ ભૂતકાળનો એ પ્રસંગ રિપીટ થાય તો સેફ્ટી શું? આથી જ મોટાભાગનાં મહેમાનો જતાં રહ્યાં હશે તેવું અનુમાન આજે મેં કરી લીધું, પણ મારે માટે આ ખાલી થયેલી હોટલનું વાતાવરણ ભારી હતું.
એ વાતાવરણમાંથી હજુ હું બહાર આવું તે પહેલા હોટેલની એક ક્લીનિંગ લેડી મારી પાસે આવી પૂછવા લાગી ‘બીબીજી આપ અમરિકા સે આયી હો?’ તે પ્રશ્ન સાથે મને સહજ રૂપે પૂછાયેલા આ પ્રશ્નની ગંભીરતા સમજાઈ ગઈ તે કદાચ જાણવા માગતી હતી કે અમે પણ અમેરિકાથી છીએ કે નહીં.
આ લેડી પાસે અમે ક્યાંથી આવ્યા છીએ તે કહેવું યોગ્ય ન લાગતાં મે વાતને ફેરવી કાઢવા પ્રયત્ન કર્યો. હજુ એ પ્રયત્ન ચાલી જ રહ્યો હતો ત્યાં જ હોટેલનો અન્ય એક આસિસ્ટન્ટ સામે આવી ગયો અને તે બોલી ઉઠ્યો, ‘મેડમજી તો અમરિકા સે હૈ, હૈ ના મેડમજી? રાત કો જબ આપ અપને મિયાં કે સાથ આયી તબ મૈ વહી થા. હૈ ના મેડમજી?’
મને થોડીવાર માટે સમજ ન પડી કે આ વાતનો હું શું જવાબ આપું. તેથી સીધો જવાબ આપવાને બદલે મેં તેને કહ્યું કે ‘મેરા નામ પૂર્વી હૈ ઔર મૈ ટુરિસ્ટ હૂઁ ઔર અપને મિયાં કે સાથ આપકા દેશ દેખને આયી હૂં. આપકા નામ ક્યા હૈ?’
‘નાઝીમા બીબીજી…’ ક્લીનિંગ લેડીએ મંદ હાસ્ય સાથે કહ્યું. ‘અચ્છા બીબીજી યે બતાયે આપકો હમારા દેશ ઔર હમ લૉગ કૈસે લગે?’ વાતને બીજા મોડ તરફ વળતી જોઈ મારા મનને થોડી શાંતિ થઈ. પરંતુ મનથી હું જાણતી હતી કે આ દેશમાં હું અમેરિકન કહીશ કે ઇંડિયન કહીશ બંને ને માટે ખતરો તો સમાન જ રહેલો છે.
લગભગ બે વાગ્યાની આસપાસ મલકાણ ઓફિસેથી આવ્યાં પછી અમે ચર્ચા કરી રહ્યાં હતાં કે; ઓસામા બિન લાદેનને કારણે ઊભી થયેલી પરિસ્થતિને કારણે હાલમાં કોઈપણ નિર્ણય લેવો મુશ્કેલ છે, તેથી હાલમાં તેઓ તેમની ઓફિસનું કામ ચાલુ જ રાખશે અને આગળની પરિસ્થિતિ શું છે, યુએસએથી શું કહે છે તે સમજીને નિર્ણય લઈશું.
આમ અમે વિચાર કરી રહ્યાં હતાં ત્યાં જ સમાચાર આવ્યાં કે; પાકિસ્તાન એરપોર્ટ બંધ થઈ ગયું છે. પરંતુ આ સમાચાર હતાં એરપોર્ટ ખરેખર બંધ થયું હતું કે કેમ તે અમે જાણતા ન હતાં તેથી તેમણે કહ્યું કે, ‘આપણે અમેરિકન એમ્બેસીમાં ફોન કરીએ અને તેઓ જે પ્રમાણે કહેશે તે પ્રમાણે નિર્ણય લઈશું.’
અમે અમેરિકન એમ્બેસીમાં ફોન કર્યો પરંતુ અમારી જેમ પાકિસ્તાનમાં આવેલા અન્ય અમેરિકન નાગરિકો તરફથી પણ પૂછપરછ થતી હશે તેથી અમારો ફોન લાગ્યો નહીં. આથી કહ્યું કે, ‘હું ઓફિસ જઈ ફરી ફોન કરીશ તું રૂમમાં આરામ કરજે. સાંજે હું વહેલો આવી જઈશ.’

તેમના ઓફિસ ગયા બાદ મને લાગ્યું કે હું આ રીતે રૂમમાં બેસી રહીશ તો મન ભારી જ રહેશે, આથી મારે હોટેલની બહાર જવું જોઈએ. થોડીવાર ફરીને આવીશ તો સારું લાગશે. મેં અમારા મિત્ર સાજિદજીનાં બેગમ ફહીમાને ફોન કરી પૂછ્યું કે મારે બહાર જવું છે; આપ મારી સાથે આવશો? તેઓ કહે કે, ‘આજની પરિસ્થિતિ જોતાં આજનો પ્રોગ્રામ કેન્સલ કરીએ તો કેમ રહેશે?’
મેં કહ્યું ‘આપ મારી સાથે ન આવશો તો મને વાંધો નથી, પરંતુ આપનો ડ્રાઈવર મારી સાથે સિટીમાં આવશે?’
મારી વાત સાંભળીને તેઓ કહે, ‘આપકો બાહર ક્યૂઁ જાના હૈ?? ઔર ઇસ વક્ત આપ કા બાહર જાના ક્યા ઠીક હૈ?’
તેમની વાત સાચી હતી પણ મારી પાસે કોઈ જવાબ ન હતો તેથી મે કહ્યું કે; ‘યું હી હોટેલ મેં રહેકર, યહી સારી બાતે સૂનકર મેરા મન બહોત ભારી સા હો ચુકા હૈ. ઇસી લિયે થોડી સી ફ્રેશ હોના ચાહતી હૂઁ બસ.. તેઓ કહે કે, ‘સારું હું થોડીવારમાં ફોન કરીશ.’
લગભગ અડધા પોણા કલાકમાં તેમનો ફરીથી ફોન આવ્યો કે, ‘મેં અપને ડ્રાઈવર કો ભેજ રહી હું. આપ રેડી હો જાઈએ.’ હું તૈયાર થઈ તેમના ડ્રાઈવરની રાહ જોઈ રહી હતી ત્યાં જ ફહીમા બેગમ જ મારા રૂમ પર આવ્યા. તેમને આવેલા જોઈ મને ખૂબ આશ્ચર્ય થયું.
મેં તેમને કહ્યું, ‘આપ કેમ આવ્યા?’ તેઓ કહે, ‘મૈ ને પતા કિયા હૈ શહર મેં શાંતિ હૈ. કહીં સે ભી કોઈ ભી બૂરી ન્યૂઝ આઈ નહીં હૈ. ઇસ લિયે હમ દોનો સાથ સાથ જાયેંગે ઔર રાત હોને સે પહેલે લૌટ આયેંગે.’
તેમની વાતથી આનંદિત થઈ ગયેલી હું શહેર જોવા તેમની સાથે નીકળી ત્યારે શહેરના રસ્તાઓ પર સન્નાટો છવાયેલો હતો, બહુ થોડા માણસો દેખાઈ રહ્યા હતાં.
રસ્તામાંથી પસાર થતી મોટાભાગની નાની મોટી માર્કેટો ખાલી હતી અને દુકાનોના શટર બંધ હતાં. કાયદા અને સુરક્ષા પર માટે ઠેર ઠેર પોલીસોની નાની મોટી ટુકડીઓ તહેનાત કરવામાં આવેલી હતી. પાર્લામેન્ટ હાઉસ, પ્રેસિડન્ટ હાઉસ વગેરે પર સુરક્ષા વધારી દીધેલ હતી અને ઇસ્લામાબાદમાં કરફ્યુ જેવી શાંતિ છવાયેલી હતી.
શહેરને લગભગ બંધ જોઈ તેઓ મને કહે કે સામાન્ય રીતે દરેક શુક્રવારે – જુમ્માનાં દિવસે બધું બંધ હોય છે અથવા અમુક સ્ટોર્સ મોડા ખૂલે છે પરંતુ આજે આ ઓસામા બિન લાદેનને કારણે સામાન્ય શુક્રવાર કરતાં પણ આજે વધુ શાંતિ છે.
જ્યારે અમે આ સૂના ઇસ્લામાબાદને જોતાં જોતાં આગળ વધી રહેલા ત્યારે સિટી સેન્ટરને જોઈ અમને ઘણું જ આશ્ચર્ય થયું કારણ કે સન્નાટો ભરીને બેસેલા ઇસ્લામાબાદના હૃદયમાં જાણે એક ધડકન ધડ ધડ કરી રહી હોય તેમ શહેરનો આ વિસ્તાર હસીખુશીના માહોલથી છવાયેલો હતો. અમને લાગતું હતું કે અમે બંને પાગલ છીએ કે આવા વાતાવરણમાં અમે સિટી જોવા નીકળેલા છે પણ અહીં તો અમારા જેવા અનેક પાગલ ફરી રહ્યા હતા જેના ચહેરા પર જરાપણ ડરનું નામોનિશાન ન હતું.
આ જગ્યાને જોતાં જ અમારા ડરનો ભ્રમ ભાંગી ગયો હતો. કારણ કે આ માર્કેટનું નામ હતું “બુડિયન માર્કેટ” જે કેવળ જનાનીઓ માટે હતો અને જનાનીઓ જ આ વિસ્તારનાં તમામ સ્ટોર્સ ચલાવતી હતી. અહીં પુરૂષોને આવવાની મનાઈ હતી.
આ વિસ્તારની અંદર જ અમે ઘણું ફર્યા. આ વિસ્તારમાં ફરતી વખતે અહીં મેં લેસ માટેનો વિશાળ શો-રૂમ જોયો. તે શો-રૂમના ઓનર સાથે વાતચીત થતાં તેઓ મને કહે કે અમે પાકિસ્તાની નાગરિક છીએ પરંતુ ઇંડિયન વસ્તુઓ વગર અમને ચાલતું નથી. તેથી અમારો પોણાભાગનો માલ ઈન્ડિયાથી આવે છે.
આ સાંભળીને મારામાં રહેલ ભારતીય ખુશીથી ઝૂમી ઉઠ્યો. અહીં અમે મોડી સાંજ સુધી બેધડક રીતે ફર્યા. સાંજ ઢળતા ઇસ્લામાબાદની શાંતિ અને સન્નાટામાં વધારો થતો જતો હતો તેથી વધુ સમય આજના દિવસે અહીં પસાર કરવાને બદલે અમે હોટેલ તરફ પાછા ફર્યા.
હોટેલ પર જ્યારે હું પાછી ફરી રહી હતી ત્યારે ઇસ્લામાબાદ રોશનીથી ઝળહળી ઊઠેલું. રસ્તા પર જે જે જગ્યાએ પોલીસોની નાની નાની ટુકડીઓ જોયેલી તે ટુકડીઓ મોટી થઈ ગયેલી, કદાચ તેઓને રાતભર ત્યાં જ રહેવાનો ઓર્ડર મળેલો હશે તેથી ટેન્ટસ બંધાઈ રહેલા હતાં.
જેમ જેમ અમે પાર્લામેન્ટ હાઉસ તરફ રહેલી અમારી હોટેલ તરફ વધતાં જતાં હતાં તેમ તેમ ચોકીઓ અને ચોકીપહેરાઓ વધી રહ્યા હતાં. હોટેલ પાસે પહોંચી ત્યારે જોયું કે હોટેલની બહાર ખાસ સ્કોવ્ડ ડોગ્સ, રાઈફલો સાથે રેગ્યુલર કમાન્ડો, પોલીસની ટુકડીઓ, ગાર્ડ્સ, એમ્બ્યુલન્સ અને પોલીસ વાન સાથેની વિશેષ સિક્યોરિટી ગોઠવવામાં આવી હતી.
કદાચ રાત્રિના સમયે કોઈ તોફાનની આશંકા હતી તેથી ચાંપતા પગલાં લેવામાં આવી રહ્યા હતાં. હોટેલની અંદરના મહેમાનો સિવાય બહારના લોકોને અંદર આવવાની મનાઈ કરી દેવામાં આવી હોઈ આજે બહારનાં લોકો માટે કિચન પણ બંધ રાખવામાં આવેલું હતું.
રૂમમાં પાછી ફરી ત્યારે મી. મલકાણ આવી ગયા હતાં. અચાનક મારા બહાર જવાનાં પ્રોગ્રામથી તેઓ જરા આશ્ચર્ય ચકિત થયેલાં. મારાં આવતાં જ તેમણે મને એક જ પ્રશ્ન પૂછ્યો, ‘જ્યારે વાતાવરણ ડેન્જરસ હોય ત્યારે જ બહાર જવું તેવો નિર્ણય કરી રાખ્યો છે?’
હું તેમનાં એ મર્મને સમજી ગઈ. કદાચ આવા અશાંત વાતાવરણમાં જવું એ મારાં જીવનનો ત્રીજો પ્રસંગ હતો. પણ પહેલી બે વાર કોઈક દેવદૂત મળી ગયેલું જેનાં થકી જીવ બચી ગયેલો. પણ આજનો પ્રસંગ જુદો હતો. આજે હું જ આ અજાણી ધરતી પર ફરવા નીકળી પડેલી તેય આવા વાતાવરણમાં. પણ આજેય હું માનું છું કે; આ વાતાવરણને સ્પર્શ કરીને નીકળી ત્યાર પછી મેં ક્યારેય પાછા ફરીને જોયું નથી…
આ પ્રસંગ પછી પણ જીવનમાં બે-ત્રણ એવા અનુભવો થયાં જેનાં ડરમાંથી પસાર થતી વખતે પણ મને આ દિવસેય ચોક્કસ યાદ આવ્યો છે. પણ સાથે હિંમતેય આવી છે.
ખેર; રૂમમાં આવતાની સાથે મારે માટેની તેમની ચિંતાયુક્ત ઝાડઝપટ પછી તેઓ શાંત પડ્યાં અને આજે ઓફિસમાં આ પ્રસંગ રિલેટેડ શું શું થયું તેની વાત કરી. તેમણે કહ્યું કે; ‘અમેરિકાસ્થિત આપણી મેઈન ઓફિસવાળા પણ આ જ વાતની તપાસ કરી રહ્યા છે કે અમારું અહીં રહેવું કેટલું સુરક્ષિત છે? તેઓએ આપણને કહી દીધેલું કે જો જરાપણ તમને રિસ્ક જેવું લાગે તો તમે તરત જ પાકિસ્તાન છોડી દેશો.’
પાકિસ્તાનમાં રહેલ અમારા અન્ય એક મિત્રએ પણ પોતાની આર્મી ઓળખાણ વડે તપાસ કરી ત્યાંની પરિસ્થિતિ શું હતી તે જાણવાની કોશિશ કરી.
(Subject: Security assessment )
I spoke with a friend who is in the security business and thus in close contact with police and army security ( and spoke to his friend ) who works for the police and they both tell me that they are not expecting any protests or unrest in the country due to Osama’s death. [[name removed]] also verified independently from his contacts in the police and army. According to them, you both (as Indian and American nationals) should feel comfortable going anywhere ordinary Pakistanis are comfortable going.)
1) The Embassy reiterates its advice to all U.S. citizens to take measures for their safety and security at all times. These measures include maintaining good situational awareness, avoiding crowds and demonstrations, and keeping a low profile. U.S. citizens should avoid setting patterns by varying times and routes for all required travel. U.S. citizens should ensure that their travel documents and visas are valid at all times. In addition, over the next several days and weeks, we advise U.S. citizens to avoid areas where foreigners are known to congregate
2) For the latest security information, U.S. citizens living and traveling abroad should regularly monitor the Department of State’s Bureau of Consular Affairs Internet website, where the current Worldwide Caution, Travel Warning for Pakistan, and Country-Specific Information for Pakistan can be found. Travel information is also available at …….. Up-to-date information on security can also be obtained by calling…….[[no # removed]] in the United States and Canada.
મલકાણ સાથે આજના દિવસના બનાવની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે એકંદરે ઇસ્લામાબાદની પ્રજાએ શાંતિથી આ હકીકતનો સ્વીકાર કર્યો છે. તેમને લાગે છે કે ઓસામા બિન લાદેન જેવો ખૂંખાર આતંકવાદી માર્યો ગયો તે આખરે સારું જ થયું છે.
જો કે, એક અમેરિકન તરીકે અમારા માટે અહીં રહેવું કેટલું સુરક્ષિત હતું તે અમે જાણતા ન હતાં. બીજી બાજુથી અમેરિકન એમ્બેસીમાંથી પણ સંદેશો મળ્યો કે ઇસ્લામાબાદ હાલમાં સુરક્ષિત છે, પરંતુ બને ત્યાં સુધી તમે કોઈપણ સંવેદનશીલ વિસ્તારમાં જવાનું ટાળજો અને બહાર જવાનું થાય તો લોકલ લોકોને સાથે રાખજો જેથી કરી કોઈ દુર્ઘટના ટાળી શકાય. આ સાંભળીને અમને શાંતિ તો થઈ હતી, છતાં અમે સાવ ચિંતામુક્ત થયા ન હતા.
મારે માટે આ દિવસ ઘણો જ યાદગાર રહ્યો હતો. આ દરમ્યાન અહીંના લોકોના સદ્ભાવના અને પ્રેમના અનુભવ થયાં હતાં, જેને કારણે અમારી ખૂબસૂરત યાદોના ચિત્રમાં પાછળથી અનેક રંગ ઉમેરાયાં.
એકંદરે ઇસ્લામાબાદમાં શાંતિ રહી હતી જેથી અમને કંઈ ડર જેવું જણાયું નહીં. આને કારણે અમારી હિંમત વધી અને અમે અમારા મૂળ કાર્યક્રમને વળગી રહીને એ મુજબ જ આગળ વધતાં રહ્યાં. પણ આ પાકિસ્તાન હતું. ભારતીયોને પ્રેમ કરનાર અને નફરત કરનાર બંને લોકો અહીં જ હતાં અને અમારે તેમની વચ્ચે જ અવરજવર કરવાની હતી જે અમે કરી. જેનાંથી અમે ક્યારેક ડર્યા, ક્યારેક ભાગ્યાં, ક્યારેક બચ્યાં, ક્યારેક રખડ્યાં, ક્યારેક હસ્યાં, ક્યારેક આશ્ચર્યચક્તિ થયાં, ક્યારેક કોઈકને મળી ખુશી અનુભવી, ક્યારેક તેમનાં પ્રેમનો અને નફરતનો અહેસાસ કર્યો, ક્યારેક હર્ષથી પાગલ થયાં, ક્યારેક અમે ખુદને ખોઈ બેઠાં. આમ અમે પાકિસ્તાન પ્રવાસને ખૂબ માણ્યો.
આજે ઓસામા બિન લાદેનનાં પ્રસંગને ભલે ૧૨ વર્ષ વીતી ગયાં હોય, પણ આ દિવસની યાદ હજુયે અમારા મનઃપટલ ઉપર એટલી તાજી છે કે; જાણે ગઇકાલે જ આ પ્રસંગ બન્યો હોય. પાકિસ્તાનનાં પ્રવાસ ઉપરથી હું એટલું કહી શકું છું કે; જીવનમાં કેટલાક પ્રવાસોની તક મળે તો જરૂર કરી લેવા જોઈએ. પણ આજે આપણો આ પ્રવાસ પૂરો નથી થતો કારણ કે અત્યાર સુધી આપણે જે પ્રવાસ કર્યો તે રાવીને કિનારે આવેલ પંજાબ પ્રાંતનો કર્યો છે, હજુ પાકિસ્તાનીઓની રાવીને આપણી ગંગા સાથે જોડવાની બાકી છે.
નોંધ:-
- ઇસ્લામાબાદમાં રહેલી અમેરિકન એમ્બેસીએ કહેલું કે પાકમાં જ્યાં જાવ ત્યાં લોકલ લોકોને સાથે રાખજો અને પાકમાં એન્ટર થાવ તે પહેલાં એમ્બેસીમાં આપનું નામ દર્જ કરાવજો જેથી કરી કોઈ મુશ્કેલી ઊભી થાય તો એમ્બેસી આપનો કોંટેક્ટ કરી શકે.
- અમે પણ એમ્બેસીની આ વાત ધ્યાનમાં રાખી અમારી દરેક ટૂર વખતે અમારું નામ અને બાયોડેટા અમેરિકન એમ્બેસીમાં આપી દેતા. આ કારણે ફાયદો એ થતો કે; લગભગ દર અઠવાડિયે એમ્બેસીમાંથી પૂછાણ આવી જતું કે તમે સેફ છો ને? અને અમારી હા અમેરિકાને રિલિવ કરી દેતી હતી. ઉપરાંત અમે દરેક જગ્યાએ લોકલ લોકોને સાથે રાખીને જ ફર્યા જેનો અલગ ફાયદો થયો, કારણ કે આ જ લોકોએ અમને વારંવાર જે તે જગ્યાઓમાંથી ભાગવા માટે મદદ કરેલી.
© પૂર્વી મોદી મલકાણ, યુ.એસ.એ
purvimalkan@yahoo.com
દિલધડક અને જીવનભર યાદ રહી જાય એવો દિવસ.