હું તો ખોબો માગું ને દઈ દે દરિયો ~ જીવનસાથીની વિદાય પછી… (સ્મૃતિલેખ) ~ જયશ્રી વિનુ મરચંટ

(૨૦૧૪ ડિસેમ્બરની સાંજે, ફ્રિમોન્ટ, કેલિફોર્નિયામાં અમારી ગાડી સિગ્નલ પર ઊભી હતી અને રસ્તાની બીજી બાજુથી ત્રણ લાઈન ચાતરીનેટાઉન એન્ડ કન્ટ્રીની મોટી ગાડીએ અચાનક ડ્રાઈવર સાઈડ પર એટલા જોરથી ઠોકી કે મારા પતિ, કમનસીબ અકસ્માતમાં મૃત્યુ પામ્યાં. અકસ્માત આઠમી ડિસેમ્બર, ૨૦૧૪માં થયો હતો અને નવમી ડિસેમ્બર, ૨૦૧૪, વહેલી સવારના બે વાગ્યે એમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. વાતને આજે આઠ વર્ષ વીતી ગયા છે, તેઓ સાથેના થોડા ખાટામીઠા સ્મરણોને અહીં રજુ કરું છું….  આર્ટિકલ મૂળ ૨૦૧૭, માર્ચ મહિનામાંદાવડાનું આંગણુંમાં પોસ્ટ કરેલો. બ્લોગ હવેઆપણું આંગણુંના નવા નામે પ્રકાશિત થઈ રહ્યો છે.)

અમારા લગ્નના ૪૫ વર્ષો પછી અને વિનુની આ ફાની જગતમાંથી વિદાયના આઠ વર્ષ પછી આજે, મારા વ્યવસાયિક, અંગત અને સામાજિક જીવનના વિકાસમાં, મારા પતિ, વિનુના યોગદાન વિષે, અમારા લગ્નજીવનની ખાટી-મીઠી યાદોને વાગોળીને લખવાનું મન છે.

મન તો હજીયે માનતું નથી કે એ આમ ઓચિંતા જ એ જગાએ જતા રહ્યા છે જ્યાંથી પાછા આવવાની શક્યતા જ નથી. એમના વિષે લખતાં મન અને હ્રદયમાં ઊર્મિઓનો વંટોળ પણ ઊઠે છે અને સાથે એવી એક અનુભૂતિ પણ થાય છે કે શાંત સમુદ્રના કાંઠે બેસીને એમની સાથે વાતો કરતાં, આવતી-જતી લહેરો ગણી રહી છું. કદાચ આ લાગણીઓનો સ્નેપશોટ એક ઓડિયો-વિઝ્યુઅલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં રજુ કરી શકાત! પણ, આજે મારે શબ્દોનો સ્નેપશોટ લઈને એને એક લેખની છબીમાં મઢીને આપ સહુ સમક્ષ મૂકવાનું મન થયું છે.

મુરતિયો શોધવાની મથામણ

હું અમેરિકાથી ભણીને પાછી મુંબઈ આવી અને મારા માટે યોગ્ય મુરતિયો શોધવાની ગતિવિધિ જોરશોરમાં શરૂ થઈ ગઈ. સગા-વ્હાલા, સ્વજનો, મિત્રો, બધા માટે, એ સમયે એક કુતૂહલ હતું કે, ૧૯૬૯-૭૦માં એક રૂઢિચુસ્ત, ભાટિયા ખાનદાનની ઉંમરલાયક ૧૯-૨૦ વર્ષની દીકરી, એકલી અમેરિકા ગઈ અને ત્યાં બે વર્ષ માટે મિશિગનની યુનિવર્સીટીના કેમ્પસ પર ફાર્મસીનું ભણતી હતી અને એ પાછી આવી, એ પણ ફાર્મસીની ડિગ્રી લીધા વિના!

University of Michigan Law School

કારણ શું હતું? તો પહેલું, એ કે, ત્યાં તબિયત બગડી ગઈ અને અભ્યાસમાં તો મજા આવી પણ ફાર્મસીસ્ટનું કામ કરવામાં, એટલે કે અમેરિકાની પ્રથા પ્રમાણે, ડૉક્ટરે લખી આપેલી દવાઓને ભરીને, એના પર યથાયોગ્ય લેબલ ટાઈપરાઈટર પર ટાઈપ કરીને, પ્રિસ્ક્રીપ્શન ભરવામાં મજા ન આવી એટલે એ (એટલે કે હું) ફાર્મસીની ડિગ્રી લીધા વિના પાછી આવી!

એક ભારી કુતુહલ હતું કે શું એક પરંપરાવાદી ભાટિયા પરિવારની આ કન્યા અમેરિકાની પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને આવી હતી કે ભારતીય અને કૌટુંબિક નીતિમત્તાના ધોરણો હજુ વર્તન અને વિચારોમાં અકબંધ રહ્યાં હતાં?

“પિતાજી શ્રીમંત છે, એટલે આવા તાના ‘એને’ (એટલે કે મને) પોષાય! આવી પૈસેટકે, “છૂટ્ટી” છોકરી કેવી રીતે પરંપરાવાદી ભાટિયા કુટુંબમાં ભળી શકશે,” એ બધા જ “અંડર કરંટ” તો ન્યાતમાં હતા જ, પણ એ સાથે, ભાઈનું (પિતાજીનું) નામ મોટું હતું અને એની સાથે એકલી અમેરિકા જઈને, ડિગ્રી વિના પાછા ખાલી હાથે આવેલી એ છોકરીને મળવા-જોવાનું કૌતુક પણ એટલું જ ભારે હતું.

મુંબઈના ખાનદાન ગણાતા ભાટિયા પરિવારોમાં લગ્ન જ્ન્મકુંડળી, ઘર, વર અને વ્યવસાય જોઈને થતા હતા. એ સમય ભારતમાં રૂઢિચુસ્તતા અને નવી પેઢીની પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલી સ્વતંત્ર વિચારધારાનો સંધિકાળ હતો.

વિનુને મળ્યા પહેલાં હું ચાર “કુકી કટર” જેવા મૂરતિયાઓને મળી ચૂકી હતી. એ ચારેયને મારા વિષે, મારા વિચારો વિષે તો જાણવાનો રસ નહોતો પણ સૌને એટલું જ જાણવું હતું કે મને રસોઈ બનાવતાં આવડે છે કે નહીં, હું અમેરિકામાં “ડેટીંગ” કરતી હતી કે નહીં, કે “મીટ” અને ઇંડા ખાતી હતી કે નહીં!

તો વળી કોઈક પૂછતું, “તમે કેમ્પસ પર ડ્રગ્સ અને દારૂ પીતા હતા?” હું જો ના કહેતી તો એમના મોઢા પર અવિશ્વાસ આવતો અને એકાદ પોટેન્શિયલ મૂરતિયાએ તો મને એક “ઈન્ટરનેશનલ” અપરાધી હોઉં એવી રીતે જોઈને કહ્યું પણ હતું, “જાઓ, જાઓ હવે! એકાદવાર પણ એકાદ પેગ વ્હીસ્કીનો પણ લીધો ન હોય, અને એ પણ અમેરિકામાં એકલા કેમ્પસ પર રહીને, એવું તે કેમ બને?”

મને પહેલો સવાલ, વિનુ સિવાયના, ચારે ચાર મૂરતિયાઓએ પૂછ્યો હતો કે “તમારો કોઈ બોયફ્રેન્ડ છે કે હતો, ક્યારેય પણ, અહીં કોલેજમાં કે અમેરિકામાં કોલેજમાં હતા ત્યારે?” ત્યારે ખરેખર તો મને થતું કે એમને કહી દઉં કે “ભાઈ, હું તમને પહેલીવાર મળું છું. તમને શું લાગે છે કે મારો બોયફ્રેન્ડ હોત તો હું તમે પૂછ્યું એવું જ પહેલીવારમાં જ તમને કહી દેત?” પણ છતાંયે દરેકને મેં સાચો જવાબ આપ્યો હતો, “મુગ્ધાવસ્થામાં કોઈને માટે “ક્રશ” જરૂર હતો પણ એને બોયફ્રેન્ડ કહેવા જેવું કદીયે કઈં હતું નહીં. આમેય મારે અનેક છોકરાઓ સાથે મૈત્રી છે અને હતી. પુરુષ મિત્રો સાથે વાતો કરવાની પણ મને ખૂબ મજા આવે છે.”

મને યાદ છે કે એકાદ ઉમેદવારે તો જાણે મોટી મજાક કરી હો એવી રીતે કહ્યું, “તમે છોકરીઓ પાસેથી પોલિટીક્સની, શેરબજારની કે બિઝનેસની વાતોની અપેક્ષા રાખો છો?” ને, પોતે જ હસ્યા કર્યું હતું!

મને એ ઘડીએ એ ઉમેદવારને સનસનાટીભર્યો જવાબ આપવાનું મન પણ થયું હતું, પણ, સામાજિક શિષ્ટાચારે મને રોકી રાખી હતી! પિતાજી અને માનું સીધું Ultimatum હતું કે આ પાંચમાથી જો મને કોઈ એક પસંદ નહીં આવે તો પછી એ પોતાની પસંદગીના છોકરા સાથે મારા લગ્ન નક્કી કરી નાખશે!

મા અને ભાઈને આ સમજાવવાનું અઘરું હતું કે આ બધાને મારા વિચારોની કે હું એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે શું છું એ જાણવાની તો પડી જ નહોતી! અરે, એની વાત બાજુ મૂકો, પણ આ ”So Called” લગ્નના ઉમેદવારોને પોતાના ભવિષ્ય માટે સ્વયં પોતે શું વિચારે છે, એના વિષે પણ કોઈ સ્વાયત્ત સોચ હતી જ નહીં.

મેં એક સવાલ એ સહુ ઉમેદવારોને પૂછ્યો હતો, “તમે પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ માટે શું વિચાર્યું છે?” લગભગ દરેકે જુદી જુદી રીતે, જુદા જુદા શબ્દોમાં જવાબ તો આપ્યો, પણ, તાત્વિક રીતે તો કઈંક આવું જ કહ્યું,

“એમાં વિચારવું શું? વડીલો કહે તેમ કરીશું. ફેમિલીનો આટલો મોટો બિઝનેસ છે, અને યુ નો, ઈન બિઝનેસ, વન કેન નોટ પ્રિડીક્ટ ફ્યુચર. આપણે બસ, ડિગ્રી લેવી હતી, કારણ ઘરમાં બધા જ કહેતા હતા ને તે લઈ લીધી. કામ પૂરું!”

બેકગ્રાઉન્ડ્માં બનેલી આ બધી બીનાઓને કારણોને લીધે, હું વિનુને મળી ત્યારે એક રીતે તો એરેન્જડ મેરેજ માટેના કઈંક પૂર્વગ્રહ સાથે મળી હતી. એમની અને મારી ઉંમર વચ્ચે આઠ વર્ષનો ફરક હતો, જેનો મને કે મારા માતા-પિતાને વાંધો નહોતો પણ મારા મોટા બહેનને, થોડોક અચકાટ હતો.

એક તો, ઉંમરનો ફરક વધુ લાગતો હતો, બીજું, વિનુ સહિત બાર ભાઈ-બહેનો હતા અને ત્રીજું, કે કુટુંબમાં બધા જ ભાઈ-બહેનો સ્વતંત્ર વિચારસરણી સાથે “Opinionated Personalities” ધરાવતા હતાં, જેને કારણે ઘરમાં દલીલો ખૂબ થતી. એટલું જ નહીં પણ એ દલીલો ને મતભેદોની ખબર કોઈક રીતે જ્ઞાતિમાં પણ પહોંચી હતી.

નવા સંબંધોનું સરોવર  

એમના નાના ત્રણ ભાઈબહેનો સ્કૂલ ને કોલેજોમાં ભણતાં હતાં. બાકીના બધાં જ ભાઈ-બહેનો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ હતાં અને પોતપોતાની રીતે પોતાના વ્યવસાય અને નોકરીમાં સેટલ હતા.

મારા સસરાને જોવાનું સૌભાગ્ય મને નહોતું મળ્યું પણ તેઓ ખૂબ જ સફળ બિઝનેસમેન અને ફાઈનાન્સર હતા. રિયલ એસ્ટેટમાં એમનું પુષ્કળ રોકાણ હતું પણ એ પોતે ખૂબ કરકસર અને સાદાઈમાં જીવ્યા. સંતાનોને પણ એની જ શીખ આપી હતી. કઈંક અંશે, શ્વસુર પક્ષની છાપ વધુ પડતા કરકસરિયા તરીકેની હતી.

મને ભણેલો અને પ્રોફેશનલ જીવનસાથી જોઈતો હતો અને વિનુને મળતી વખતે એમની સી.એ., એલ.એલ.બી.ની ડિગ્રી અને પોતાની સ્વતંત્ર પ્રેક્ટીસ હોવાનું મને ગમ્યું હતું.

વિનુને મળી ત્યારે આ બધી જ બાબતો તો પૃષ્ઠભૂમિમાં હતી જ પણ મને પોતાને બીજા બધા ઉમેદવારોને મળ્યા પછીનું નૈરાશ્ય પણ હતું. એક ચીડ પણ હતી કે જે પણ મૂરતિયાઓને હું મળી એમાંથી કોઈને પણ મારા અસ્તિત્વમાં કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે હું શું માનું છું ને શું કરવા ઈચ્છું છું, એ જાણવામાં કોઈ રસ નહોતો.

મારે તમને સાફ સાફ કંઈ કહેવું છે

વિનુ અને હું મળ્યાં ત્યારે એ વખતે, મેં જ વાતચીત શરૂ કરી. મને યાદ છે, અમે મુંબઈની ડબલ્યુ. આઈ. ક્લબમાં મળ્યાં.

The Malabar Hill Club Mumbai | Facebook

એ ચા-કોફીનો ઓર્ડર આપે એ પહેલાં જ મેં એમને કહ્યું,

“જુઓ, આપણે વાત શરૂ કરીએ એ પહેલાં મારે તમને સાફ સાફ કંઈ કહેવું છે. હું એકલી અમેરિકા ડોર્મમાં રહેતી હતી કેમ્પસ પર, અમેરિકન રુમમેટ સાથે. મેં મીટ ચાખ્યું પણ નથી પણ ઈંડા ખાતી હતી. મને “ક્રશ” હતો કોઈક માટે કિશોરવયમાં, પણ બોયફ્રેન્ડ કદી નથી રહ્યો. હા, ઘણા બધા બોયસ મારા ફ્રેન્ડ તરીકે આજે પણ છે અને મને એમની સાથે વાતો કરવાની ને ફ્રેન્ડશીપ રાખવાની ગમે પણ છે. મેં આલ્કોહોલ – હાર્ડ લિકર – કે ડ્રગ્સ કદી નથી લીધા પણ બિયર ને વાઈન બે-ચાર વાર ટ્રાય કર્યું છે, પણ એ ડ્રિન્કિંગ ઓકેઝનલી, સોશ્યલ ઈવેન્ટમાં કર્યું હતું. મને હિંદી ફિલ્મો બહુ જ ગમે છે, એક ચસકાની હદ સુધી બોલીવુડ ફિલ્મો ગમે છે, નાટકો ગમે છે અને દરેક પ્રકારનું સંગીત ગમે છે અને વાંચવાનો શોખ છે. અને હા, મને સાદી રોજિંદી રસોઈ આવડે છે પણ શોખ નથી રસોડાનો. તમને થશે કે આ હું શું બોલી રહી છું પણ આજ સુધી જેટલા ભાટિયા છોકરાઓ જોયા એમાંના સહુએ આ જ કોમ્બીનેશનમાં વાતો પૂછી છે. આથી જ મને થયું કે આ બધું જ તમને પહેલાં જ કહી દઉં જેથી આ જ સવાલોના જવાબો આપવામાં તમારો કે મારો સમય ન બગડે.”

આ બધું જ હું એકશ્વાસે બોલી ગઈ હતી!

મારા આ એકપાત્રી સંવાદને વિનુ, આછા સ્મિત સાથે, ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. પછી એમણે કહ્યું, “પહેલી વાત, કે હું રામ નથી અને મને સીતાજીની શોધ નથી. મને સાથી જોઈએ છે, દાસી અથવા મને બ્લાઈન્ડલી ફોલો કર્યા કરે એવી આજ્ઞાંકિત આર્ય-પત્ની નથી જોઈતી. તમે અને હું જો આ સંબંધમાં બંધાઈએ છીએ તો તમને તમારા મનપસંદ મિત્રો, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, એમની સાથે મૈત્રી રાખવા માટે મારી પરમિશનની જરૂર નથી. એને માટે કોઈ સવાલ કે વાંધો મને શા માટે હોવો જોઈએ? એ તમારી પોતાની પસંદ છે. અને તમારો ભૂતકાળમાં જો કોઈ બોયફ્રેન્ડ હોય તોયે શું થયું? હું માનું છું કે A man and woman belong to each other. They do not owe each other.” અને એમનું વક્તવ્ય ત્યાં પૂરૂં થયું.

તમે વાતો કરો તો થોડું સારું લાગે 

વિનુ પોતે મિતભાષી હતા અને આ કદાચ એમનો સૌથી લાંબો એકતરફી સંવાદ હતો! એ વખતે મેં પહેલીવાર એમને ધારીને જોયા હતા, ખાસ તો એ જોવા કે પરંપરાવાદી ભાટિયા કુટુંબનો દીકરો આટલી બધી લિબરલ- સુધારાવાદી વાતો આટલા આત્મવિશ્વાસથી કરે છે!

પછી એમણે મને મારા અમેરિકાના અભ્યાસ વિષે, મારી યુનિવર્સિટીના અનુભવો વિષે તેમ જ મારા કુટુંબ માટેની મારી ભાવનાઓ અને મારા અહીંના ને અમેરિકાના મિત્રો વિશે ખૂબ જ રસપૂર્વક પ્રશ્નો પૂછ્યા ને વાતો કરી. પોતે સી.એ. એલ.એલ.બી. હોવાથી મેડિસિન અને એને લગતી બીજી બધી વિજ્ઞાનની શાખાઓ વિષે એમને જાણકારી નથી, આથી મારી પાસેથી મારા અભ્યાસના ક્ષેત્ર વિષે સાંભળવાનું એમને મન હતું અને ખરેખર, ખૂબ જ રસપૂર્વક મારી વાતો એમણે સાંભળી.

 (જોકે લગ્ન પછી એમણે કહ્યું હતું કે હું વધુમાં વધુ સમય ત્યાં એમની સાથે રહું એમાં એમને વધુ રસ હતો! ને, સાથે, પોતાને બહુ બોલવાની ટેવ પણ નહોતી! આથી રીતે, હું બોલતી રહી ને મને જોતાં રહ્યાં એટલું નહીં, પણ ત્યાં સુધી એમને બોલવું પણ નહોતું પડ્યું!)

અમારી વાતો ચાલતી હતી ને મેં એમને કહ્યું કે, “હું ભણી છું વિજ્ઞાન, પણ જીવ સાહિત્યનો છે.” એ સાંભળતાં જ એમની મુખની કાંતિ એકદમ જ ચમકી ઊઠી. જ્યારે એમને ખબર પડી કે મને ગુજરાતી સાહિત્યમાં રસ છે તે પછી તો ક.મા. મુનશીથી માંડી ચંદ્રકાંત બક્ષી, ર.વ. દેસાઈ, સુરેશ જોષી, ઉમાશંકર, કાન્ત અને બ.ક.ઠાકોરથી માંડી કલાપી, સુરેશ દલાલ ને હરીન્દ્ર દવેના સાહિત્યસર્જનની વાતો કરી.

ક.મા. મુનશી

વિચારોમાં વર્તાય વ્યક્તિ 

વિનુ માત્ર બહુશ્રુત જ નહોતા પણ ગુજરાતી અને હિન્દી સાહિત્યનું વાંચન બહુ વિશાળ હતું અને હિન્દી ને ઉર્દૂની કોવિદની પરીક્ષા પણ પાસ કરી હતી. ત્રણથી ચાર કલાક સુધીની અમારી એ પહેલી મુલાકાતની વાતચીત હજુ મારા મનમાં એટલી જ તાજી છે જાણે કે ગઈ કાલની વાત હોય!

પછી તો, એમણે એમના બહોળા કુટુંબની વાતો કરી, એટલું જ નહીં પણ કુટુંબમાં ચાલતા “અંડર કરન્ટ”ની વાતો ખૂબ જ નિખાલસતાથી કરી. એમની એક વાત તે સમય માટે રિવોલ્યુશનરી હતી.

એમણે ત્યારે કહ્યું હતું કે,” હું જ્યારે ભાટિયા કુટુંબોમાં પુરુષો કે દીકરાઓની તાનાશાહી જોઉં છું કે પત્નીઓ પર “આર્ય-પતિ” બનીને હુકમ ચલાવતાં જોઉં છું તો ખૂબ ખરાબ લાગે છે.  આપાણા સમાજમાં સ્ત્રી-પુરુષો અને દીકરા-દીકરીઓ વચ્ચેના વ્યવહારમાં સમાનતા ક્યારે આવશે?” હું એમના આ વિચારોની જ્વાળાથી સદંતર અંજાઈ ગઈ હતી.

નવા અધ્યાયનો આરંભ

અમને બેઉને તે પછી કશું જ યાદ ન આવ્યું કે અમારા વચ્ચે આઠ વરસનો તફાવત છે, રહેણીકરણી, ઉછેર, વિચારસરણી કે કુટુંબોની આર્થિક ફિલોસોફીમાં પણ આસમાન જમીનનો ફરક છે! મારા મનમાં એ અને એમના વિચારો વસી ગયા હતા.

અમારી સગાઈ એકાદ મહિનો રહી હતી. આ સમય દરમ્યાન અમે ફોન પર બહુ ટૂંકી વાત કરતા, અને એ વાત પણ, તે દિવસે, ક્યાં અને કેટલા વાગે મળવાના હતાં, એટલાં પૂરતી જ સીમિત રહેતી. એક મહિનાના આ ટૂંકા સમયમાં અમે રોજ જ મળતાં અને અમને રોજ સમય ઓછો પડતો.

ધીરે ધીરે એમના ભાવવિશ્વનો અને મનોવિશ્વનો ઉઘાડ થતો હતો. પછી તો, એક જ મહિનાના ટૂંકા સગાઈના ગાળા બાદ, સાવ સાદાઈથી મુંબઈના આર્યસમાજ મંદિરમાં માત્ર નજીકના કુટુંબીઓની અને નજદીકના મિત્રોની હાજરીમાં એક કલાકમાં લગ્ન-વિધિ પતાવીને અમે દાંપત્યજીવનની શરૂઆત કરી હતી.

અમને બેઉને તો કોર્ટમેરેજ જ કરવા હતા અને કોઈ તામજામ નહોતો જોઈતો, પણ મારી માએ મક્કમાતાથી ના પાડી અને કહ્યું, “ભલે દેખાડા સાથે મોટા પાયે લગન ન કરો, પણ અગ્નિની સાક્ષીએ ફેરા તો ફરવા જ પડે.” પછી, આર્યસમાજમાં બેઉ પક્ષેથી માત્ર માતા-પિતા અને ભાઈ-બહેનોની હાજરીમાં, (માત્ર ૧૫૧ રૂપિયામાં) લગ્નવિધિ પતાવીને અમે અમારા જીવનનો નવા અધ્યાયનો આરંભ કર્યો હતો.

લગ્નજીવનના એ દિવસો…

અમે લગ્ન પછી સાત વર્ષ સુધી ભારતમાં રહ્યા. મોટા ઘરે જગ્યાનો અભાવ હોવાથી, બધા જ ભાઈઓ માટે લગ્ન પછી અલગ ઘર લઈને રહેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. મને હંમેશા મોટું ભર્યું-ભાદર્યું ઘર અને બહોળા કુટુંબ માટે એક નોસ્ટલેજીયા હતો અને આજે પણ છે.

અમે સાઉથ મુંબઈમાં પેડર રોડ પર, જસલોક હોસ્પિટલની સામે, “મકાની મેનોર”માં ફ્લેટ ખરીદીને અમારા લગ્નજીવનની શરૂઆત કરી હતી.

એમને મા માટે અને એમના નાના ભાઈઓ અને સૌથી નાની બહેન માટે વિશેષ અને અનહદ પ્રેમ હતો પણ કોણ જાણે કેમ, કદીયે એ લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નહોતા.

એમનો જીવનમંત્ર

એમની ઓછું બોલવાની ટેવ એમનું આભૂષણ હતી. તે સાથે અમુક સંજોગોમાં, કૌટુંબિક, સામાજિક અને પ્રોફેશનલ દુનિયામાં આ જ ટેવ એમની મર્યાદા પણ બની જતી હતી. આ જ મર્યાદાને કારણે વિનુ પ્રોફેશનલ દુનિયામાં, આવડત હોવા છતાં વિકાસ ખૂબ ધીરે પામતા. પણ, એમને જે ક્લાયન્ટસ મળતાં તે કદી એમને છોડીને જતાં નહીં, જેથી એમને દરેક પરિસ્થિતિમાં સતત પોતાને સાબિત નહોતા કરવા પડતા.

એનો આ એક રીતે ફાયદો પણ હતો. એમના મોઢા પરની સતત શાંતિ, એમના મનની નિરાંતમાંથી નીતરતી રહેતી. કારણ, ન તો એમને કદી પોતાને માટે કે ન તો અન્ય કોઈ માટે કશું જ સાબિત કરવાનું નહોતું. એમને ક્યાંય પહોંચવું નહોતું કે ક્યાંય કોઈ “ટારગેટ્સ” પાર કરવા નહોતા. બસ, પોતાનું કામ ખંતથી અને સચ્ચાઈથી કરવું એ એમનો જીવનમંત્ર હતો.

મૂળે જીવ શાંતિનો 

વિનુને મેં કદી આત્મા પર કોઈ જ બોજો લઈ જીવતા જોયા ન હતાં. વિનુ સ્વયંની સાથે એક અદભૂત શાંતિ સાધી શક્યા હતા અને આ શાંતિને લીધે એ સદૈવ માનસિક તણાવથી દૂર હતા. એમને કશુંયે ખોઈ દેવાની બીક કદી નહોતી જેથી, કડવું સત્ય કોઈ પણ સમજાવટ વિના સ્વીકારી શકતા અને ડર્યા વિના કહી પણ શકતા.

ક્યારેક હું એમની આ આદતને લીધે કહેતી કે, “ભલે લોકો તો પૂછે, આપણે કડવું સત્ય કહેવાની જરૂર શી?” તો વિનુ હસીને કહેતા, “હું ક્યાં કહું છું કે મારું કહ્યું માનો? જો મને પૂછે છે કે હું શું માનું છું તો પછી મારે તો જે મને સાચું લાગતું હોય એ જ કહેવાનું હોય ને?” અમારે દર વરસે બે-ચાર વાર તો આ બાબતમાં દલીલ થતી જ રહેતી હતી, પરંતુ છેવટ સુધી આ મતભેદનું નિરાકરણ કદીયે ન થયું.

એકબીજાનું માન

વિનુ કદીયે એમની પસંદગી અને એમના ગમા-અણગમા એ જમાનામાં પણ મારા પર ઠોકી બેસાડતા નહોતા. અમે બેઉ સાવ અલગ-અલગ, તીવ્ર પસંદ અને નાપસંદ ધરવતા હતાં. છતાં પણ, એકમેકના આ ગમા-અણગમાનું માન પણ રાખતા.

વિનુને મારા મિત્રો કે મારી રીત ન ગમે કે પછી મને એમના દોસ્ત કે એમના અભિપ્રાય માટે અણગમો હોય તોયે અમારી વચ્ચે અણકથિત ને વણબોલ્યા કરાર હતા કે જે અમે માનતા હોઈએ એ કહી નાખતા. પણ, પોતાની સમજ એકબીજા પર કદી ન લાદતાં.

એકબીજાને સંપૂર્ણ છૂટ હતી પોતાની રીતે, પોતાના નિર્ણયો લેવાની. અમે બેઉ આ નિર્ણયોનો પૂરી રીતે આદર પણ કરતા. અમે સંમતિ નહોતા લેતા પણ સહમતિ જરૂર લેતા. એનો અર્થ એ પણ નહોતો કે અમારી વચ્ચે કોઈ ઝઘડો કે મતભેદો ન હતા.

ઘણીવાર, વિનુ પોતાની સ્પષ્ટ બોલવાની રીતને લીધે, બધાની વચ્ચે મને થોડા વસમા ને આકરા બોલ બોલી જતા. એ સમયે મને ખરાબ પણ લાગતું અને થતું કે સ્ત્રી-પુરુષની સમાનતામાં માનનારો માણસ, આટલું કડવું બધાં સામે મને કઈ રીતે કહી શકે? જો કે, પાછળથી મને સોરી પણ કહેતા, પણ, અમે બેઉ સમજતાં કે આ મતભેદ છે, મનભેદ નથી.

અમે પણ અન્ય દંપતીઓની જેમ ઘણી વાર લડતા હતાં ને ઘણી વાર અબોલા પણ થતાં હતાં. પણ એમના મનની વાત, પાયાના મુદ્દે, હું એમના કહ્યા વિના સમજી જતી, એ એમને ખૂબ ગમતું હતું. એમણે મારા પર કદીયે પોતાની વાતો કે વિચારોને સ્વીકારવા માટે ક્યારેય દબાણ કર્યું નહોતું કે મને ક્યારેય મારી રસોઈ કરવાની અણઆવડત માટે ઓછાપણું આવવા નહોતું દીધું.

હું અમારા મા અને એમના ભાઈ-બહેનો સહિત ઘરનાં સર્વ નાનાં-મોટાને સ્નેહથી મારા પોતાના જ માનતી હતી (અને આજે પણ માનું છું).

વિનુ એનો ખૂબ આદર કરતા હતા. કારણ વિના વિરોધાભાસી મત પાડીને જરૂર વિનાની તકલીફ ઊભી કરવી કે વગર કારણે ખોટી દલીલબાજીમાં ઊતરવું મને ગમતું નહોતું. (કોઈ પણ પ્રકારનું કનફ્રન્ટેશન મને આજે પણ નથી ગમતું) અને આથી જ્યાં કોઈનેય નુકસાન ન પહોંચે એવી અન્યની વાતો હું સાંભળી લેતી અને, એમ કરતાં, કોઈ કશું અણગમતું ને પર્સનલ એટેક કરતું કહી જાય તો ગમ ખાઈ જવાનું મને સહજ હતું. આને જ કારણે, ઘણી વાર હું, વિના કારણ અનેક વિપરીત ને વિરોધાભાસી સંજોગોમાં અમસ્તી જ સંડોવાઈ જતી.

ત્યારે વિનુ કહેતા, “તું કોઈનીયે ખોટી વાત સાંભળવા બેસે છે જ કેમ? મારી જેમ રાખ કે લેવા-દેવા વગરની વાતોમાં કોઈના પરોક્ષ સાક્ષી પણ નહીં બનવું. એ માટે જે કહેવું હોય તે સ્પષ્ટ કહે, ડર્યા વિના બોલ અને એના પર સુગર કોટિંગ કર્યા વિના બોલ. એક બે વાર લોકોને ખોટું લાગશે પણ ઈટ ઈઝ ઓકે.”

કાશ, વિનુ, સ્ફટિક જેટલી પારદર્શકતાથી મનની વાત રજુ કરતાં, અને એ પણ ડર્યા વિના કહેતાં હું શીખી શકી હોત! આ બાબતમાં હું આજે પણ ‘સ્ટ્રગલ’ કરું છું.

નાની ખુશીઓની દુનિયા  

હું મુંબઈના પરા, મલાડમાં, જરા પણ સંકડાશ વિનાની જગામાં અને ખુલ્લી આબોહવામાં મોટી થયેલી ને લગ્ન પછી તરત જ ૫૦૦ સ્કેવર ફૂટના નાના, ગ્રાઉન્ડ ફ્લોરના બંધિયાર ફ્લેટમાં રહેવા આવ્યા. અમારી આ નાની દુનિયાની નાની ખુશીઓમાં “અમે” અનેક અભાવોમાં પણ ખૂબ ભાવથી અને આનંદમાં રહેતાં હતાં.

આ “અમે” ના વ્યાપમાં માત્ર હું અને વિનુ કે અમારા સંતાનો જ નહોતાં, પણ, અમારા મા (સાસુમા) અને અમારા બહોળા કુટુંબના વડીલો, જેઠ-જેઠાણી, મારા દિયરો, સૌથી નાની નણંદ અને એમના બધાના મિત્રો સાથે મારા અને વિનુના મિત્રો, અમારા વ્યવસાય સાથે સંકળાયેલાં સંબંધો ને આડોશી-પાડોશી- એ સૌનો સમાવેશ હતો.

અમારા ઘરમાં કોઈ પણ સમયે અને કોઈ પણ દિવસે, કાયમ સતત અવરજવર રહેતી, પણ, મને યાદ નથી કે અતિથિઓ કે સ્વજનોની આગતા-સ્વાગતામાં એમણે કદીયે મને એકલી પાડી નાખી હોય. એ હાથોહાથ, નાના-મોટા દરેક કામ મને કરાવતા.

ફીલિંગનું ફાઈલિંગ 

ઘણીવાર એવું પણ થતું કે કામ કરતાં કે બાળકોને જમાડતી કે સુવડાવતી વખતે, હું કાગળની ચબરખીઓ પર કે છૂટાછવાયા પાનાં પર કવિતાઓ લખીને મૂકી રાખતી. વિનુના હાથમાં એ કાગળ આવે તો એને સાચવીને એક ફાઈલમાં મૂકતાં. રાત્રે અમે જ્યારે બાળકોની સાથે એમની બુક વાંચવા બેસતાં ત્યારે મને કહેતા, “આજે જે કવિતા લખી છે તે સારી છે. થોડી મઠારીને મોકલજે” અથવા તો, “આ કવિતા નબળી છે, પણ ફેંકી ન દેતી. મેં ફાઈલમાં મૂકી છે ને ફાઈલમાં જ રહેવા દેજે.”

જ્યારે બાળકો નાનાં હતાં ત્યારે એ એટલું અવશ્ય કરતાં કે મને વાંચવા માટે કે લખવા માટે, રોજ મારો પોતાનો એક-બે કલાક તો મળે જ.

શનિવારે એમની ઓફિસ અડધો દિવસ ખુલ્લી રહેતી. દર શનિવારે એ ઘરે બપોરના બે કે અઢી વાગ્યાની વચ્ચે આવી જતાં. પછી, બાળકોની સાથે કે ઘરમાં પરિવારજનો સાથે સમય વ્યતિત કરતાં અને મને કહેતાં કે “તારે કઈં વાંચવું હોય કે લખવું હોય ઘરમાં કે પછી લાયબ્રેરીમાં જવું હોય તો સમયની ચિંતા કર્યા વિના કે સાંજની રસોઈ, બજાર શેનીયે તાણ રાખ્યા વિના જા અને જે પણ આખા અઠવાડિયામાં સમયને હિસાબે ન કરી શકી હોય ને તે કર. તારા મિત્રોને મળી આવવું હોય તે કર. મુવી કે નાટક જોવા જવું હોય તો ફ્રેન્ડ્સની સાથે જઈ આવ.”

એમનો એ માટે એક તકિયા કલામ હતોઃ “take a break. I am here.”

Take a break stock image. Image of morning, breakfast - 136211163

અને આ બે કે ત્રણ કલાકનો મારો વખત મને સાચે જ નવી ઊર્જા આપી દેતો. હું ઘરે પાછી આવતી ત્યારે તો બધું કામ – કૂકર મુકવાનું, શાક સમારવાનું કે લઈ આવવાનું, લોટ બાંધી મૂકવાનોથી માંડી બાળકોને બહાર રમાડવા લઈ જવાના સઘળા કામો પણ સમયસર, ઘરમાં ડોમેસ્ટીક હેલ્પ સાથે પૂરા કરી પણ લેતા.

સજાગ અને સંવેદનશીલ

અમારા સંતાનો વચ્ચે માત્ર ૧૮ મહિનાનો ફરક હતો જેને લીધે બાળકોના ઉછેરમાં સમય પણ ઘણો આપવો પડતો. ઘરમાં મદદ માટે નોકર-ચાકર હતાં તોયે જ્યારે પણ વખત મળતો ત્યારે વિનુ અમારા સંતાનોને જમાડવામાં, રમાડવામાં, પુસ્તકો વાંચવામાં, નવડાવવામાં ને એમને સૂવડાવવામાં કોઈ પણ છોછ વિના મદદ કરતા.

માત્ર અમે જુદા રહેતા થયા પછી જ વિનુ ઘરકામમાં મદદ કરતાં એવું નહોતું. ભારતમાં સ્ત્રીઓ પર ઘરકામનો બોજ ખૂબ જ રહેતો હોય છે અને ભારતીય પતિઓ એ બાબત માટે જેટલા સજાગ અને સંવેદનશીલ હોવા જોઈએ એટલા નથી એવી વિનુની સજ્જડ માન્યતા હતી.

પક્ષપાત પ્રેમનો 

એમને ઘરની વહુઓ-બહેનો ને દીકરીઓ માટે ખૂબ પક્ષપાત હતો. મારા વડીલ, જેઠાણીએ એકવાર કહ્યું હતું, જે મને હજી યાદ છે. મારા જેઠાણીએ કહ્યું હતું, એ એમના શબ્દોમાં જ અહીં મૂકું છું,
*
“હું જ્યારે ગર્ભાવસ્થામાં, છેલ્લા મહિનામાં હતી ત્યારે લાંબો સમય ઊભા નહોતું રહેવાતું કે નહોતું લાંબો સમય બેસી શકાતું. વિનુભાઈ એ વખતે સી.એ.ની પરીક્ષાનું વાંચવા કામ પરથી રજા લઈને ઘરે રહેતા હતા. ત્યારે સવારના સમયે, નવ વાગ્યા પછી ઘરમાં ફક્ત હું, મા અને વિનુભાઈ રહેતા.

મને રોટલીઓ કે પૂરી બનાવવામાં, નીચે બેસીને કે ઊભા રહીને, તકલીફ પડતી. એ સમયે વિનુભાઈ મારી વ્હારે આવતા ને કહેતા કે ભાભી, તમને બેસીને કે ઊભા રહીને, જે અનુકૂળ પડે તે રીતે રોટલી કે પૂરી વણો. હું શેકી આપીશ કે તળી આપીશ.”

એકાદ બે વાર તો મને યાદ છે, મા પણ કહેતા કે, “ક્યારેક એવું પણ થતું કે કામવાળા ન આવ્યા હોય ને ઘઉં દળાવવાના હોય તો ઓફિસે જતી વખતે વિનુ મૂકી આવતો અને પાછા વળતાં સાંજના લઈ પણ આવતો. એને કદી એવું ન થતું કે ઓફિસના કપડાં પહેરીને હું ઘઉં દળવવાની ઘંટી પર કેમ જાઉં!

હું આ કોલેજ જતાં છોકરાંવને કહું તો હા-ના કરવામાં કલાકો જતા રહેતા ત્યારે વિનુ મને કહેતો, કે જે કામ હોય તે કહે મને, ને એ ચૂપચાપ કરી આવતો. ૧૮-૧૯ વરસનો થયો ને આર્ટિકલશીપ કરતો થયો ત્યારથી વિનુ મારી પાસેથી કે તારા ભાઈ પાસેથી ક્યારેય કઈં માગતો નહીં.

હું એકલી એની ફિકર કર્યા કરતી કે આ છોકરો કઈં બોલતો નથી તે એનું શું થશે! ઘણીવાર આટલા મોટા કુટુંબમાં કોઈ સાથે મનદુઃખ થયું હોય તો ઘરમાંથી તરત જ વિનુ ગુસ્સામાં, કોઈનેય કશું કહ્યા વિના, બહાર જતો રહેતો ત્યારે હું મનમાં ને મનમાં એની ફિકર કર્યા કરતી, પણ વિનુ જેનું નામ, કદીયે ફરિયાદ નહોતો કરતો!”
*
અમારા લગ્ન પછી મેં આ વાતો મા પાસેથી સાંભળી હતી અને મેં જ્યારે વિનુને આ વિષે પૂછ્યું હતું કે મનદુઃખ થયું હોય તો તમે કોઈને કદી કેમ નહોતા કહેતા તો એ મને કહે, “કોઈનેય જ્ઞાન નથી સાંભળવું. બધા જ મોટા થઈ ગયા છે અને પરિપક્વ પણ! ઉંમરલાયક થવા પછી પણ ઉંમરને લાયક કોઈ કશુંક ન કરતા હોય, તો મારું ભાષણ સાંભળીને ક્યાં કરવાના?”  અને બસ, એમના જવાબો આવા મુદ્દાસરના જ રહેતા.

કાલે ઘરે આવો ત્યારે પૈસા લઈ આવજો

અમેરિકા આવતાં પહેલાં મેં મુંબઈમાં મારી ક્લીનીકલ પેથોલોજીની લેબ, અમારા ફેમિલી ડોક્ટર સાથે કરી હતી. લેબ અમારા પેડર રોડના એપાર્ટમેન્ટ બિલ્ડીંગની બહાર જ હતી અને રોડ પર જ એનું પ્રવેશદ્વાર પડતું.

હું મારી પોતાની લેબમાં સવારના આઠ વાગ્યાથી બપોરના સાડાત્રણ સુધી કામ કરતી ત્યારે, વિનુની “આર્યપતિ” તરીકે કોઈ એવી રસોઈ માટે કે ખાવા-પીવા માટેની ખસિયતો કે માંગણી ક્યારેય રહી નહોતી અને એથી જ હું બહાર જોબ પણ કરી શકી. એ સાથે, મારા પોતાના વાંચનના અને લેખનના શોખને વ્યક્તિગત રીતે વિકસાવી પણ શકી હતી.

લગ્નના શરૂઆતના વર્ષોમાં, મને ઘરખર્ચ અને પૈસાની બહુ સમજ નહોતી. વિનુ મહિનાની શરૂઆતમાં ઘર ખર્ચ માટે પૈસા આપતા પણ જો વપરાઈ જાય તો હું કહેતી કે, “કાલે ઘરે આવો ત્યારે પૈસા લઈ આવજો” ને એમનો એકાક્ષરી જવાબ રહેતો, “ભલે.”. ને પૈસા સાંજના આવી પણ જતાં. એમણે મને કદી પૂછ્યું નહોતું કે હું ક્યાં પૈસા વાપરું છું અને બજેટ કે હિસાબથી વધારાના રુપિયા શેને માટે જોઈએ છે!

આજે પાછળ નજર નાખીને જોઉં છું ત્યારે મને હવે થાય છે કે એમણે મારી નાદાનિયત અને રુપિયા ને ઘરખર્ચની નાસમજણને પ્રેમપૂર્વક સાચવી લીધી હતી.

અમારા લગ્નજીવનના શરૂઆતના સમયમાં, કદાચ જાન્યુઆરી કે ફેબ્રુઆરી ૧૯૭૩માં, બે એકવાર નજીકના સ્વજનોએ વિનુને કહ્યું કે,”જો, બૈરીને ટ્રેઈન કરીને અત્યારથી જ કંન્ટ્રોલ કર, દાબમાં રાખ, તારા કહ્યામાં રાખ, નહીં તો પાછળથી માથે ચડી બેસશે!”

એમણે ત્યારે સ્પષ્ટ કહ્યું હતું, “જયશ્રી કંઈ પાળેલું પ્રાણી થોડી છે કે એને ટ્રેઈન કરીને કંન્ટ્રોલમાં અને મારા કહ્યામાં કે દાબમાં રાખું! એ કોઈકની દીકરી છે અને હવે અમારું બાળક પણ આવવાનું છે. એ પોતે સમજદાર છે. તમે ચિંતા ન કરશો.”

વિનુએ તો આ વાત મને કહી ન હતી પણ મારા સાસુએ આ વાતો વિગતવાર કરી હતી. એક વાત એટલી સાચી પણ હતી કે અમારા બેઉ વચ્ચે દરેક બાબતમાં, સહમતિ કે સંમતિ નહોતી પણ એમના જીવનના છેલ્લા દિવસ સુધી અમારી વચ્ચેની સહજ મૈત્રી કે મૈત્રીની સહજતા એક અડીખમ વિશ્વાસ સાથે અતૂટ રહી હતી. કદાચ આ સહજતાએ જ અમારા સાયુજ્યને અનેક કપરા અને વસમા સંજોગોમાં ધબકતું રાખ્યું હતું? કોને ખબર!

તું તો વિનુભાઈ માટે કંઈ બોલતી જ નહીં!

અમેરિકા આવ્યા બાદ પણ એમણે ખભેખભો મિલાવીને જ મારી સાથે કામ કર્યું હતું. ભારતમાં કે અમેરિકામાં જ્યારે અમે સખીઓ પોતાના પતિદેવો વિના મળતી ત્યારે બધાની હરીફરીને એક સર્વ સામાન્ય ફરિયાદ રહેતી કે એમના પતિ ઘરના કામકાજમાં કોઈ જ મદદ નથી કરતા.

તે વખતે મારે ચૂપ જ રહેવું પડતું અને જો કંઈ બોલવા જાઉં તો પહેલાં જ સખીઓ કહેતી, ”તું તો વિનુભાઈ માટે કંઈ બોલતી જ નહીં!” ખરેખર, વિનુની એ બાબતમાં હું કોઈ ફરિયાદ કરી શકું એમ હતું નહીં, એ વાત એકદમ જ સાચી હતી.

મારી એક ખૂબ જ વ્હાલી સખી કહેતી, “જયુબેન, તમારે માટે વિનુભાઈ કદાચ ફરિયાદ કરે તો એ અમે બધાં જ સમજી શકીએ હોં!” અને મારી પાસે કૃત્રિમ ગુસ્સો કરવા સિવાય બીજો કોઈ અપવાદ પણ નહોતો. તો, ક્યારેક, અમેરિકાની મારી અને એમની સખીઓ વિનુને કહેતી, “વિનુભાઈ, તમે સમર કેમ્પ કરો તો અમે અમારા વરોને ત્યાં ટ્રેઈન કરવા મોકલી આપીએ કે પત્નીને મદદ કેમ કરવી!”

આજે આ વાતને ખુલ્લેઆમ કહી શકું છું કે ક્યારેક મને એવું લાગતું કે વતનમાં શું કે પરદેશમાં, ઘરનાં સ્વજનો કે અમુક મિત્રો આ બાબતે વિનુની મશ્કરીઓ પણ કરતા હતાં. મને સમજ પડતી હતી કે પોતાના જ લોકો એમની વરવી મજાક કરે છે ને મારું મન દુભાતું.

હું એમને કહેતી, “તમે આ બધા જજમેન્ટલ લોકો- ભલે એ પછી આપણા ઘરના હોય કે આપણા મિત્રો હોય – એ સૌની સામે આમ ઘરના કામ મારી સાથે ન કરો. મને નથી ગમતું કે બધા તમને પુરુષ તરીકે કે પતિ તરીકે આ “So called macho man” ની એરણ પર ઊતરતા ગણે છે.” મને એ માત્ર એમની સિક્કા સ્ટાઈલમાં ( શબ્દ એમણે બનાવ્યો હતો!) એટલું જ કહેતા, હસીને, ”તું શું માને છે?” હું અને વિનુ બેઉ હસી પડતાં અને વાત ત્યાં જ પૂરી થઈ જતી!

આજે આ બધા વિચારો આવે છે, ત્યારે થાય છે કે સાચે જ અનેક વિપરીત સંજોગો અને પરિસ્થિતિઓમાં તથા અનેક લડાઈઓમાં ને મતભેદોમાં, અમારી વચ્ચે કોઈ તો એક એવો અણતૂટ્યો તાર હતો જેના થકી અમે એકમેકના મનને સમજી શકતાં હતાં. આ જ અમારા લગ્નજીવનની અદીઠ ચાવી હતી જેના થકી અમે, સારી કે ખરાબ, એકએક ક્ષણના વિસ્મયના પટારાને ખોલીને, એ સમયને યાદ કરીને, અનેકવાર પાછળથી અચરજની મોજ માણી શકતાં.

અમે વતનમાં લગ્ન પછી સાત વર્ષ રહ્યાં હતાં. અમેરિકા આવવાનો અમારા માટે એક બહુ મોટો નિર્ણય હતો. એમને ખૂબ મન હતું અને અમે અમારું ઘર, એમની ઓફિસ, મારી લેબ – આટલું બધું હોડમાં મૂકીને ગ્રીન કાર્ડ મળ્યું હતું એટલે અમેરિકા આવી ગયાં હતાં. અમારો પોતાનો સાઉથ મુંબઈમાં ઓનરશીપનો ફ્લેટ હતો. એમની પોતાની સી.એ.ની પ્રેકટીસ છેલ્લા નવ વરસથી હતી, (જે હવે કાખઘોડી છોડીને પૂરી સ્પીડમાં દોડવાનો પ્રારંભ પણ કરી ચૂકી હતી) અને એ હું મારી પોતાની લેબ ચલાવતી હતી.

અમેરિકન એમ્બેસીને પત્ર લખ્યો કે

અમારું અંગત અને વ્યવસાયી મિત્રમંડળ મજાનું હતું. બેઉ તરફના કુટુંબમાં પણ એક અલગ – નાવીન્યસભર સંવાદિતા અને પોતાપણું અમારા માટે અને અમારા સંતાનો માટે હતું. કોઈ જ દેખીતું કારણ ન હતું, આ બધું જ છોડીને નવા દેશમાં, કોઈ પણ પ્રકારની સુરક્ષિતા વિના જવાનું અને નવેસરથી પાછા સેટલ થવાની સ્ટ્રગલ કરવાનું! અમેરિકામાં જિમી કાર્ટરની પ્રેસીડન્સીનો એ સમય રીસેસન અને ખૂબ જ અંધાધૂંધીનો હતો.

આમ તો વિનુએ ૧૯૭૦માં, ગ્રીન કાર્ડ માટે, થર્ડ પ્રેફરન્સમાં- ઉચ્ચ અભ્યાસના ક્વોટામાં અરજી કરી હતી ને તે સમયના કાયદા પ્રમાણે, ૧૯૭૨માં ગ્રીન કાર્ડની મંજૂરી મળી ગઈ હતી. અમારા લગ્નને ત્યારે માત્ર ત્રણ-ચાર માસ થયા હતા. હું ભણવા માટે અમેરિકા બે વરસ રહી આવી હતી. મને ત્યાંની જિંદગીની તકલીફો, કલ્ચરલ શોક, અથાગ મહેનત અને સફળતા માટે કરવા પડતા સમર્પણનો તો ખ્યાલ હતો જ તથા કુટુંબથી અને સ્વજનોથી દૂર રહીને એકલતાના મહાસાગરમાં એકલા તરવાનો અનુભવ હું લઈ ચૂકી હતી! ને, હવે, હું લગ્ન પછી તરત ત્યાં પાછી જવા માટે તૈયાર ન હતી.

ત્યારે અમે બેઉએ નક્કી કર્યું કે હમણાં નથી જવું, પછીથી વિચારીશું અને એમણે એ રીતે અમેરિકન એમ્બેસીને પત્ર લખ્યો કે અમે અમેરિકા હમણાં નહીં જઈ શકીશું કારણ પરિવારમાં ઈમરજન્સી સંજોગોમાં અમારું ભારતમાં રહેવું જરૂરી હતું.

એમણે પત્રમાં એ પણ પૂછ્યું હતું કે કઈ છેલ્લી તારીખ સુધી અમારે અમારો નિર્ણય જણાવવો પડશે? એમ્બેસીમાંથી એના જવાબ આવ્યો જેમાં લખ્યું હતું કે ઓક્ટોબરની ૩૧, ૧૯૭૮ સુધી જ અમારી ફાઈલ ખુલ્લી રહેવાની હતી અને જો ત્યાં સુધી અમેરિકા ન આવ્યા તો ગ્રીન કાર્ડ જતું કરવું પડે એમ હતું. વિનુને હંમેશાં અમેરિકા જવાની પ્રબળ ઈચ્છા હતી. બસ, તે સમયે, જે રીતે સાચી લાગી તે રીતે વ્યવસ્થા કરીને અમે અમેરિકા આવી ગયાં.

“લાઈફ ચેન્જિંગ” અકસ્માત

અમેરિકા આવ્યાને દસ જ મહિના થયા હતા. તે દિવસે વિનુ સવારના કામ પર જતાં હતાં, ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે, ડાબી બાજુ વળાંક લેતાં, એક કાર ડ્રાઈવરે એમને ટક્કર મારીને એમને સીધા રસ્તાની બીજી બાજુ ઉછાળીને ફેંક્યા. એ આમ જુઓ તો ખૂબ જ મોટો અને કાયમ માટે “લાઈફ ચેન્જિંગ” અકસ્માત હતો. આ અકસ્માત, અમારું જીવન અને જિંદગીની ડગર કાયમ માટે બદલી ગયો.

સવારના સાડા સાતે વાગે, ફિલાડેલ્ફિયાના સીટીલાઈન એવેન્યુ – શહેરનો ધોરી માર્ગ – પર ૧૯ વર્ષના કોલેજિયનની ચૂકથી આ અકસ્માત સર્જાયો હતો. ત્યાં હાજર રહેલા લોકોએ પોલિસને કહ્યું હતું કે ડાબી બાજુ સ્પીડમાં વળાંક લેતી વખતે, વિનુ અન્ય રાહચાલકો સાથે ગ્રીન લાઈટમાં રસ્તો ક્રોસ કરતા હતા ને ગાડીની હડફેટે આવી ગયા અને ૨૦ ફૂટ હવામાં ઉછળીને સામી બાજુ પડ્યા!

સામી બાજુથી બસ આવતી હતી અને બસના ટાયર પાસે એ પડ્યા. જો બસ ડ્રાઈવરની સમયસૂચકતા ન હોત તો એમનો બચી જવાનો કોઈ અવકાશ જ ન હતો.

એ અકસ્માત પછી, અનેક સ્વજનો સમા મિત્રોની સહાય અને હૂંફને લીધે તથા અમેરિકાના છેલ્લામાં છેલ્લા તબીબી સંશોધનો સભરની સારવારને લીધે, ત્રણ વર્ષ પછી એ સાજા થયા હતા. પરંતુ આ ત્રણ વર્ષો વિનુ માટે, મારા માટે અને મારા સંતાનો માટે એક મોટી શીખ બનીને આવ્યા.

વિનુ એક વર્ષ સુધી બેઉ પગ પર ચાલવા સમર્થ ન હતા. ડોક્ટરો અને મોર્ડન શસ્ત્રક્રિયાઓની મદદથી એ પાછા બોલતા થયા, ઊભા થયા પણ ચાલતાં હજુ શીખવાનું હતું. આ બધી પોતાની હેલ્થની ચેલેન્જિસ હોવા છતાં, ધીરે ધીરે, દરેક અવરોધોનો પ્રતિકાર કરવાની સમજ અને હિંમત એ મને આપતાં રહ્યાં.

હું તો ઘણી વખત સાવ જ નાહિંમત થઈ જતી અને ગભરાઈ જતી. અમારા બાળકો પાંચ અને છ વરસના જ હતા પણ એ બેઉને, આ સમય એકદમ જ સમજદાર બનાવી ગયો હતો.

પ્રારંભમાં તો આ અકસ્માતના આઘાતે અમને લાગણીબધિર બનાવી દીધાં હતાં પણ એ સાથે અમારા ચારેય માટે એ સમય અમને એક કદીયે ન તૂટી શકે એવા બંધનમાં બાંધી ગયો હતો. અમારા ચારેય વચ્ચેનો આ કાચા તાંતણાંથી બંધાયેલો સમય અમારી જીવાદોરી બનીને સદાય રહ્યો.

વિનુનું કામ પર જવાનું બંધ થયું હતું. એમનો પગાર આવતો બંધ થયો હતો. એ ટાઈમના કાયદા પ્રમાણે, કેસ પતે નહીં ત્યાં સુધી પગારનો નિવેડો પણ આવવાનો ન હતો. વકીલોના કહેવા પ્રમાણે એકાદ વરસ તો ઓછમાં ઓછું લાગવાનું હતું.

એ દરમ્યાન, મારી સ્વૈચ્છિક તાલિમ – વોલેન્ટરી ટ્રેનિંગ – હોસ્પિટલની લેબોરેટરીમાં પૂરી થઈ અને મને સાંજની અને રાતની પાળીમાં ઘરથી બે માઈલ જ દૂર, કાઉન્ટી હોસ્પિટલની ક્લીનીકલ લેબોરેટરીમાં નોકરી મળી. વિનુ આ અકસ્માત પછી ક્રચીસ સાથે ઘરમાં જ હતા, આથી જ હું શિફ્ટમાં કામ કરી શકી.

કાખઘોડી છતાં કાળજીનો ટેકો 

મને હજી યાદ છે કે હું રાતની શિફ્ટમાં કામ કરતી હતી ત્યારે સવારના સાત વાગે આવીને, દીકરીને અને દીકરાને સ્કૂલમાં આઠ વાગે મૂકી આવતી અને પછી સૂઈ જતી. વિનુ મને સાડા અગિયાર વાગે જગાડતા. બાર વાગે દીકરાને પાછો લાવતી. એ સમય સુધીમાં વિનુ ક્રચીસ- કાખઘોડી – પર એક બે પગલાં ધીરે ધીરે ચાલીને, મારા માટે ચા બનાવી મૂકતા. પછી, પોતા માટે, દીકરા માટે અને મારા માટે લંચ બનાવીને તૈયાર રાખતા જેથી મને આરામ માટે પણ સમય મળે. સાડા ત્રણ વાગે ફરી સ્કૂલમાં જઈ દીકરીને લઈ આવતી.

બેઉ બાળકોનાં હોમ વર્ક અને અભ્યાસની મને જરાયે ચિંતા નહોતી. વિનુ જ્યારે હોમવર્ક અને અભ્યાસ કરાવતા ત્યારે હું બહારના કામ પતાવી લેતી. અને, પછી, રોજ સાંજના બાળકો બહાર નીચે પાર્કમાં રમવા જતાં અથવા ઘરમાં ટી.વી. જોતાં, અમે બેઉ રસોઈ કરી, બાળકોને જમાડી, નિત્યક્ર્મ પતાવી, એમને સૂવડાવવા પહેલાં પુસ્તકો વાંચતાં. સોમથી શુક્રવાર સુધીનો આ રુટિન જેમ પહેલાં કહ્યું તેમ, લાગણીબધીરતાને લીધે જ રાખી શક્યા હતાં.

એ સમય ઈમરજન્સી પછીના ભારતના ખૂબ જ મુશ્કિલ કાયદાઓનો હતો. એમાંનો એક કાયદો એવો હતો જેને કારણે વતનથી- ભારતમાંથી, કાનૂની રીતે પૈસા લાવવા શક્ય જ ન હતા. તે સમયે, અમેરિકાના, ફિલાડેલ્ફિયાના સહુ હમવતનીઓ અને મિત્રોના સહકાર ને સહાયને લીધે અમે ટકી શક્યા. એ સહુનો પાડ હું માનું એટલો ઓછો છે. અનેકની મદદ મળી છે અને મારે નામ પણ લેવાં છે. પણ, એમ કરીશ તો એક આખો ફકરો નામો લેવામાં જ જતો રહેશે! આજે એ સહુનું ઋણ માથે ચડાવીને આભાર વ્યક્ત કરું છું, મરીઝ સાહેબની આ પંક્તિઓ સાથે –

“જીવન હો કે મરણ હો બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે!
 જનાજો જશે તો એ જશે કાંધે કાંધે,
ને જીવન પણ ગયું છે સહારે સહારે!”

આધિ, વ્યાધિ અને ઉપાધિ

૧૯૭૯-૮૦માં મારો પગાર, એ વખતે કલાકના $૩.૬૧ નો હતો! વિનુનો પગાર ૧૯૭૯-૮૦માં, ત્યારે વરસના $૧૬,૫૦૦ હતો. વિનુ ઘરે હતા અને એમનો પગાર બંધ થઈ જતાં, મારે ઓવરટાઈમ પણ હોસ્પિટલમાં કરવો પડતો.

વિનુ મને અને બાળકોને મૂંગે મોઢે, વાંસા પર હાથ ફેરવીને સદા બળ આપતાં, જે અમને અહેસાસ કરાવતાં કે, “હું છું ને, બધું જ સારું થશે.” જે, હું, ને મારા સંતાનો, જેસલ અને ભાવિન આજે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે અને થાય છે કે એમનો એ હાથ આજે અમારા મસ્તક પર ફરી એકવાર મૂકે, બસ, એકવાર….! એ તકલીફોનો સમય અમને અતૂટ બંધનમાં બાંધી તો ગયો, પણ, આ સમયને લીધે જ, ત્યાર પછી અનેક એવી જિંદગીની આધિ, વ્યાધિ અને ઉપાધિ આવી અને મોટા મતભેદો પણ થયાં પણ દરેક ટાણે, અમે મનભેદ વિના એમાંથી બહાર નીકળ્યાં છીએ. મને “કૈફ”નો શેર યાદ આવે છે,

ગુલ સે લિપટી હુઈ
તિતલી કો હટાકર દેખો!
આંધિયાં તુમને દરખ્તો
કો ગિરાયા હોગા!”

વિનુને અકસ્માતમાંથી સાજા થવા માટે ત્રણ મેજર શસ્ત્રક્રિયાઓ કરાવવી પડી હતી, જેને લીધે પગના જોઈન્ટસમાં અને કરોડરજ્જુમાં એક્યુટ આર્થાઈટીસ આજીવન માટે ઘર કરી ગયું હતું. આ આર્થાઈટીસને કારણે વિનુને જીવનભર સખત દુખાવો રહ્યો હતો પણ એમના મુખ પર કદી એમણે બિમારીના બિચારાપણાને પોતાની પાસે ફરકવા પણ દીધું નહોતું.

મારી ફિકર નહીં કર

મને એક પ્રસંગ યાદ આવે છે. તે દિવસે, શુક્રવારે રાતના સાડા અગિયારે હું સાંજની શિફ્ટ પૂરી કરીને ઘરે આવી હતી. બાળકો સૂઈ ગયાં હતાં. વિનુને તે દિવસો દરમિયાન, રાતના ગરમ પાણીનો શેક નિયમિત કરવો પડતો. નહીં તો દવા સાથે પણ એ સૂઈ શકતા ન હતા. હું ઘરે આવી ત્યારે એમની ગરમ પાણીની બેગ નીચેના માળે રસોડામાં હતી. હું સૂવા માટે ઉપર ગઈ ત્યારે એમાં ગરમ પાણી ભરીને લઈ ગઈ હતી.

વિનુએ થોડા નારાજ થઈને કહ્યું, ”હું નીચે જઈને લઈ આવત. સોરી, રહી ગયું, પણ તું આટલી થાકેલી હોય ને મારું આવું કામ કરે એ મને નથી ગમતું. હું હજુ પાંગળો નથી થયો! તું બાર કલાક કામ કરીને આવી છે. આરામ કર. ત્યાં બ્લડ લેવા માટે અને લેબમાં ટેસ્ટ કરવા એકસરખી આઠથી દસ કલાક ઊભી રહે છે, મારી ફિકર નહીં કર.”

કામ કરી આપવા કાયમ તત્પર

ખરેખર, કોઈ જો એમનું કામ કરે કે એમને માટે કરે, એ વિનુને જરા પણ પસંદ નહોતું. બાળકોને પણ કદીયે, – મોટા થતાં હતાં ત્યારે કે મોટા થઈ ગયાં પછી- એમણે કોઈ કામ સોંપ્યું નહોતું.

એ વિશે એમની સાથે મારે કાયમ ચડભઢ થયા કરતી કે “કદીક બાળકોને જવાબદારી શીખવાડો અને ઘરના કામ, બેંક કે પછી બીજા કામો સોંપો જેથી એમને પણ સમજ પડે કે બહારની દુનિયામાં જીવવું સરળ નથી.” પણ વિનુએ કદી જ કોઈ કામ, અરે એક ગ્લાસ પાણી આપવાનું પણ ન તો મારી દીકરીને કહ્યું કે ન તો દીકરાને કહ્યું હતું. On the Contrary, અમારા સંતાનો મોટા થયા અને જુદા જુદા શહેરોમાં કામકાજે વળગ્યાં પછી પણ જ્યારે અમારા ઘરે આવતાં તો સામે વિનુ એમનું કામ કરી આપવા તત્પર રહેતા.

થોડા શબ્દોમાં કહી દેતા

વિનુ માટે એમના સંતાનો એમના શ્વાસ ને પ્રાણ હતાં. હું એમનું મન હતી. વિનુ કદી શબ્દોમાં આવું જાહેર નહોતા કરતા, પણ, અમે ત્રણેય – હું, જેસલ અને ભાવિન – આ વાતને અંતરથી સમજતા હતાં. એનો અર્થ એ પણ નથી કે અમારી બેઉ વચ્ચે કે અમારા ચારેય વચ્ચે કદી મતભેદ નહોતાં થતાં. અનેક વાર ખૂબ જ ગરમાગરમ દલીલો પણ થઈ જતી અને વિનુ આ દરમિયાન પણ એમને જે કહેવાનું હોય તે થોડા શબ્દોમાં કહી દેતા અને જો વધુ ક્રોધ આવ્યો હોય તો થોડીવાર માટે ઘરની બહાર જતા રહેતા.

મારી એક નબળાઈ રહી છે કે મને જલદી ગુસ્સો નથી આવતો પણ, કામના પ્રેશરને કારણે કે સામાજિક કે કૌટુંબિક પરિસ્થિતિને કારણે જ્યારે ગુસ્સો આવે ત્યારે હું એને ક્ન્ટ્રોલ નહોતી કરી શકતી અને વધારે પડતું, ઘણી વાર મન દુખાય એવું એમને કે છોકરાંઓને બોલી જતી. ગુસ્સો શાંત પણ જલદી થઈ જતો અને પછી મને પસ્તાવો પણ ખૂબ થતો. હું એમની માફી પણ માગતી, વિનુ ને મારાં સંતાનો મને માફ પણ કરી દેતાં. મને, મારાથી નાના હોય કે મોટા હોય, મેં ભૂલ કરી હોય તો માફી માગવાની કદીયે શરમ નહોતી આવતી અને આજેય નથી. એમના ગયા પછી મારા એ ક્રોધને શમાવનારા કોઈ ન હોવાથી હવે ગુસ્સામાં ગમે તેમ બોલવામાં પણ મજા નથી રહી!

એમના એ અકસ્માતના ત્રણ વરસ પછી, પાછાં વિનુ પબ્લીક એકાઉન્ટીંગ કંપનીમાં સિનિયર એકાઉન્ટટન્ટ તરીકે કામ પર ગયા પણ એમની તબિયતની મર્યાદાને લીધે એમની વ્યવસાયિક પ્રગતિ પર પણ અસર થઈ હતી. એમનો એ જોબ સિનિયર એકાઉન્ટન્ટ અને ઓડિટરનો હતો. એમને બહારગામ જવાનું ખૂબ જ રહેતું. એક “ઉફ” પણ કર્યા વિના એ કામ કરતા રહેતા.

તું પન્નાબેન સાથે જા

મને યાદ છે કે ૧૯૮૨-૮૩ની એ સમયગાળામાં જ સ્વ. શ્રી મણિભાઈ જોષીના નેતૃત્વ સાથે અને આદરણીય કવયિત્રી પન્નાબેન નાયક ને ડો. મધુસુદન કાપડિયાના સહકારથી ગુજરાતી લિટરલી સોસાયટી ઓફ ધ નોર્થ અમેરિકા સ્થાપવામાં આવી હતી.

શરૂઆતના વર્ષોમાં હું જેટલો ઓવરટાઈમ મળે એટલો કરતી હતી. અઠવાડિયાના ૫૦ થી ૬૦ કલાકના કામ પછી, હું ક્યારેક આ એકધારી ઘટમાળથી ખૂબ થાકી જતી ત્યારે વિનુ મને ખાસ કહેતા, “દર બે કે ત્રણ મહિને ગુજરાતી લિટરલી સોસાયટી ઓફ ધ નોર્થ અમેરિકાની જે બેઠક થાય છે તેમાં તું પન્નાબેન સાથે જા. હું બાળકો સાથે ઘરે છું.”

આ ક્રમ મારે માટે જીવતદાનના વરદાન સમો હતો અને આ પ્રોગ્રામોમાં જઈને હું મને મારી સાથે મળી આવતી હતી, એમ કહોને કે મને “રી-સેટ” કરીને પાછી ફરતી હતી.

આ જ સમયગાળામાં, વિનુના સતત પ્રોત્સાહનથી મેં ટેમ્પલ યુનિવર્સીટીમાં એમ.એસ./એમ.બી.એ. ઇન ક્લીનીકલ લેબોરેટરી સાયન્સ એન્ડ હેલ્થકેર એડમિનીસ્ટ્રેશનમાં એડમીશન લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. હવે હું ટેમ્પલ યુનિવર્સીટી હોસ્પિટલમાં ક્લીનીકલ લેબોરેટરીમાં ટેક્નોલોજીસ્ટનું કામ કરતી હતી. આ વાત ડિસેમ્બર ૧૯૮૩ની છે.

અમને યુ.એસ. આવ્યાને હવે પાંચ વરસ પૂરા થઈ ચૂક્યા હતા. $ ૩.૬૧ / કલાકના લેબોરેટરી આસિસ્ટન્ટટ તરીકેનો જોબ લઈ આ દેશમાં કામ કરવાની શરૂઆત કરી હતી અને પાંચ વરસમાં ધીમે ધીમે મારી પ્રગતિ પણ થઈ રહી હતી.

વિનુએ આ દરમિયાન ફરીથી કામ પર જવાનું ચાલુ તો કર્યું હતું પરંતુ, એમને ત્રણ શસ્ત્રક્રિયાઓ કરાવ્યા પછી કરોડરજ્જુમાં, પગમાં અને પીઠમાં સતત દુખાવો રહેતો હતો. મને સતત ચિંતા રહેતી હતી કે આટલા નાના સંતાનો અને વિનુની માંદગી (વિનુ એક્સીડન્ટ પછી હજુ પૂર્ણ રીતે સાજા થયા હતાં) અને અન્ય જવાબદારીઓ સાથે ભણતરની જવાબદારી લેવી શું બરાબર હતું?

There is no choice

વિનુએ ત્યારે મને કહ્યું હતું, “જો, આપણે અહીં આપણી પ્રગતિ, સંતાનોના ઉજ્વળ ભવિષ્ય અને આખા કુટુંબને આગળ લાવી શકીએ એવા ઈરાદાથી આવ્યા છીએ. મારી જે હમણાં હાલત છે, એ જોતાં બીજા બે-ચાર વરસ તો મને સંપૂર્ણપણે સાજા થવામાં નીકળી જશે. હું કામ તો કરતો જ રહીશ પણ આ દેશમાં જો પ્રોફેશનલી આગળ આવવું હોય તો આપણે બેઉએ અહીંની શાસ્ત્રોક્ત તાલિમ લેવી જ રહી. હું મારી સી.પી.એ. (ભારતના સી.એ.ની બરાબરની અમેરિકાની ડિગ્રી) ના લાયસન્સ માટેની તૈયારી ઘરે વાંચીને કરતો રહીશ, પણ, તારેય તારા ફિલ્ડમાં અહીંનું લાયસન્સ લેવા માટે આગળ ભણવું જ પડશે ને? મુશ્કેલીનો આ સમય પણ ક્યાંય નીકળી જશે.”  અને પછી, માથું હલાવીને કહે “There is no choice! હું છું ને?” એ એમના “સિક્કા સ્ટાઈલમાં બોલી ગયા.

હું એટલી ચિંતામાં હતી. મેં કહ્યું, “પણ, કેવી રીતે અને કેમ થશે બધું?” એમણે કહ્યું, “બધું જ થઈ જશે. એકવાર તું એડમિશન લઈને પાર્ટ ટાઈમ ભણવાનું ચાલુ તો કર! અત્યારથી પ્લાનીંગમાં જ અટવાઈ ન જા! તું છે, હું છું ને અને ઉપરવાળો છે, બસ!” અને સાચે જ, સાડા સાત વરસોનો એ લાંબો પાર્ટ ટાઈમ ભણવાનો ગાળો, ફુલ ટાઈમ લેબનો જોબ અને ઘર, બાળકો ને કુટુંબની જવાબદારી સાથે એક સ્ટ્રેસમાં કઈ રીતે પસાર થઈ ગયો, એ યાદ આવતાં આજે પણ કંપારી છૂટે છે.

જો તે દિવસે, એમનો આગ્રહ ન હોત તો મેં કદી જ એમ.એસ./એમ.બી.એની ડીગ્રી માટે એપ્લિકેશન ન કરી હોત! અને જો એવું થયું હોત તો, આજે જે વ્યવસાયિક સફળતા પામી શકી, છેલ્લા ૨૫ વર્ષો ક્લીનીકલ પેથોલોજી લેબના ડિરેક્ટર તરીકે કામ કરવાનું એક જે ફુલફીલમેન્ટ છે, તે ન હોત મારી જિંદગીમાં. હા, કામ તો રીટયરમેન્ટ સુધી કર્યું જ હોત પણ જે આત્મવિશ્વાસ ક્લીનીકલ પેથોલોજીનું લાયસન્સ લીધા પછી આવ્યો, એ કદાચ ન આવત!

આ આત્મવિશ્વાસને લીધે જ, મારા માટે કારકીર્દીના જે અનેક નવા દરવાજા ઉઘડ્યાં, એ પણ ન ખુલ્યાં હોત. બાળકો તો એમના નસીબ અને પોતાની મહેનતથી ભણીને સફળ થઈ પણ જાત જ, પણ એ કપરા સમયે એમને પણ ઘડ્યાં, અને બાળકો સમયનો આદર અને કદર કરતાં શીખ્યાં. બાળકોને માટે પણ, અમારી લેઈટ ત્રીસીની ઉમરે અહીંના લાયસન્સ મેળવવા માટેની મહેનત ને તકલીફો એક શીખ બની હતી.

જિંદગી એની ઝડપથી દોડતી રહી હતી

મારી દીકરી-દીકરો પાછળથી એ સમય યાદ કરીને કહેતાં, “અમને ત્યારે એટલી સમજ પડી ગઈ હતી કે હાર્ડવર્ક વિના સક્સેસ પોસિબલ નથી.” ત્યારે મને પહેલી વાર થયું, કે, દરેક ચીજ માટે એક સમય- એક નિર્મિત વખત હોય છે. સમયની આગળ અને સમયથી પાછળ કઈં જ થતું નથી. સમય આપણને જે કરાવે છે એના પરિણામો પણ એના સમયે જ આવે છે. ઘર, સંતાનો, કુટુંબ, જોબ, ભણતર અને એ સાથે, એમની અને મારી વ્યવસાયિક વહેવારની વ્યસ્તતામાં જિંદગી એની ઝડપથી દોડતી રહી હતી, એટલું જ નહીં, અમને પણ દોડાવતી રહી હતી.

આ સાથે જ, ગુજરાતી લિટરલી સોસાયટી ઓફ ધ નોર્થ અમેરિકાની સર્જકો સાથેની “સાઠ દિન”ની સભામાં કે પછી દેશથી આવતાં સાહિત્યકારો સાથેના કાર્યક્રમોમાં કાયમ જ મને પરાણે મોકલવાનો વિનુનો ક્રમ યથાવત રહ્યો હતો.

No photo description available.

આ સભાઓમાં હું વરસમાં બે કે ત્રણ વાર જઈ શકતી, પણ સાચે જ હું એમાંથી વિષમ સંજોગોમાં ટકી જવાનું બળ મેળવીને આવતી. અનેકવાર મેં એમને પૂછ્યું હતું, ‘તમે કેમ તમારા મિત્રો સાથે એકલા જઈને આમ થોડો બ્રેક નથી લેતાં? મને કઈંક તો તમારા પર્સનલ આનંદ માટે કરવા દો.!”

આજે એ વાતને લખતાં આંખની આડે આંસુઓના પડળ બાઝ્યા છે, એમની સાલસતાથી એમણે એમના ‘વન-લાઈનર”માં કહ્યું, “જેસલ, ભાવિન અને તારા વિના મારે બ્રેક લઈને જવું પણ ક્યાં!”

મને નહોતી ખબર કે ક્યારેક સાવ જ ઓચિંતા, અમને ત્રણેયને એકલાં પાડીને, પોતે કાયમનો બ્રેક લઈને આમ જતાં રહેશે!

મીટ જયશ્રી, માય વાઈફ

અનેકવાર એવું થતું કે કોઈ મોટી પાર્ટીમાં કોઈ નવા, નોન-ગુજરાતીભાષીઓને મળવાનું થતું, ત્યારે આમ તો સાવ શાંત રહેનારા, વિનુ, પરસ્પર ઓળખાણ કરતા કે કરાવતા હોય ત્યારે કહેતા, “મીટ જયશ્રી, માય વાઈફ. શી રાઈટ્સ પોએટ્રી એન્ડ સ્ટોરીસ ઇન ગુજરાતી!” આમ મારો પરિચય આપતાં, એમના મોઢા પર ઉત્સાહ આવી જતો.

વિનુને કદીયે મેં એક પુરુષ તરીકે, કે પતિ તરીકે, ખોટા ઈગો – અભિમાનને આધિન થતાં નથી જોયાં. હું સાચે જ વિચારતી, વિનુને કઈ માટીના ઘડ્યાં હતાં, ઇશ્વરે?

વિનુની જિંદગીની રોજિંદી ઘટમાળમાં પણ અનુશાસન હતું, બિલકુલ મારાથી વિપરીત! મને તો ખાવા-પીવામાં, આનંદ-પ્રમોદમાં કે સામાજિક આનંદના પ્રસંગોમાં શિસ્ત રાખવાથી એક પ્રકારની ગૂંગળામણ થતી હતી!

વિનુ માટે અનુશાસન જીવનમાં વણાઈ ગયેલો નિત્યક્રમ હતો. વિનુને નાનપણથી અસ્થમા હતો અને દવાને બદલે, એમણે પછી ૧૪ વરસની ઉંમરથી મુંબઈમાં, ચર્નીરોડ પર, કૈવલ્યધામ યોગા ઈન્સ્ટીટ્યુટમાં જવાનું ચાલુ કર્યું હતું. અને, ત્યાર પછી તો સ્વીમીંગની સાથે યોગા પણ એમના નિત્યક્રમનું અવિભાજ્ય અંગ બની ગયા હતા.

Front View - Ishwardas Chunilal Yogic Health Centre Kaivalyadhama Images, Charni Road, Mumbai - Yoga Centres

આ ક્રમ એમના જીવનના છેલ્લા દિવસ સુધી રહ્યો, સિવાય કે વિનુ પોતે બિમાર હોય કે કામ માટે બહારગામ ગયા હોય ત્યારે જ આ ક્રમ તૂટતો!

મને આજે થાય છે કે વિનુ સાચે જ એક સંયમિત, નિયમિત, સમતોલિત તથા સંતુલિત જીવન, વ્યવસાયી રીતે, સામાજિક અને કૌટુંબિક દાયરામાં રહીને સદૈવ જીવ્યા હતા. વિનુની ટેક્ષની પોતાની પ્રેક્ટીસ પણ હતી અને સાથે, સી.પી.એ. (ચાર્ટર્ડ એકાઉન્ટટન્ટ) ની કંપનીમાં કામ કરતા હતાં.

સંતાનોની નજીક રહેવા આવ્યાં

એમને ૨૦૦૦ એપ્રિલમાં જ્યારે ત્રણ હાર્ટએટેક આવ્યા અને ટ્રીપલ બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. ત્યારે સંતાનોનાં અને મારા અત્યંત આગ્રહ પછી અમે સૌએ એક જ ટાઈમ ઝોનમાં રહેવાનું નક્કી કર્યું. આમ કેલિફોર્નિયા મુવ થવાનો મૂળ આશય તો હતો કે વિનુ નિવૃત થાય. અમે અમારું દેશ છોડ્યા પછીનું વતન, ફિલાડેલ્ફિયા ડિસેમ્બર ૨૦૦૦માં છોડ્યું અને કેલિફોર્નિયા સંતાનોની નજીક રહેવા આવ્યાં.

મને યુ.સી.એસ.એફ. હોસ્પિટલ, સાન ફ્રાન્સીસ્કોમાં અને પછીથી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ઓકલેન્ડમાં ક્લીનીકલ લેબ ડિરેક્ટરની જોબ મળી ગઈ હતી. જેથી અમે સહેલાઈથી સેટલ થઈ શક્યા.

વિનુને અને મને, સંતાનો પર કોઈ પણ પ્રકારનું અવલંબન મંજૂર નહોતું. કેલિફોર્નિયામાં વિનુ અને મેં, અમારા સંતાનો સાથે વિનુની જિંદગીના છેલ્લા પૂરા ચૌદ વરસો અત્યંત આનંદમાં ગાળ્યાં હતાં. એમણે નાના અને દાદા તરીકે દોહિત્રી ઈશાને, દોહિત્ર શીવને અને પૌત્ર આદિત્યને જોયા, અને એમના શૈશવને દિલથી માણ્યા. બધાં જ બાળકોને નાના – દાદા બહુ વ્હાલા હતાં અને વિનુને બાળકો બહુ વ્હાલાં હતાં. અમારો સૌથી નાનો પૌત્ર, નિખિલને એ જોઈ ન શક્યા.

આ છોકરો જયુને સંભાળી લેશે

વિનુ સાથે વિતાવેલી એ બધી પળો આજે પણ મેં કાળજાની પેટીમાં સાચવીને મૂકી છે. એમના મૃત્યુના આટલા સમયના ગાળા પછી આજે હું આંખો મીંચીને એ બધી જ પળોને જ્યારે પણ વાગોળીને માણું છું ત્યારે એમ થાય છે કે વિનુ મારી સાથે જ છે.

વિનુ અને મેં માત્ર વિષમતાઓ જ નથી સહી પણ ઈશ્વરે અમને આનંદ પણ ખુલ્લે હાથે વહેંચ્યો હતો અને જીવનના અનેક મોડ પર આ મઝા અમે માણી છે. એક ભર્યું ભર્યું જીવન ભરપૂરતાથી જીવ્યા છીએ. એમના ગયા પછી આજે પણ પ્રભુની કૃપાનો આનંદ અંતરમાં સદા રહે છે કે મને મારા જીવનસાથી તરીકે વિનુ મળ્યા.

મારા પિતાજી પોતે જ્યોતિષ જોવાનું ખૂબ શોખને કારણે શીખ્યા હતા. એમણે અમારા લગન સમયે જન્મકુંડળી મેળવી હતી ત્યારે કહ્યું હતું કે “આ છોકરો જયુને સંભાળી લેશે.”

વિનુને આ ભવિષ્યવાણીની જાણ નહોતી પણ જીવનના સારા માઠા, સહુ સમયે એમણે સાચે જ, ચૂપચાપ મારી સંભાળ જ લીધા કરી હતી.  આજે મારા જીવન પટલ પર એમની કમીની ધૂળ બાઝી ગઈ છે જેને ધોઈ નાખવા માટે મારી આંખોમાં અખૂટ આંસુ છે પણ એ આંસુ લૂછવા માટેના વિનુના હાથ કે વિનુનો રૂમાલ નથી!

એમણે મને અંતરની શાંતિ સાથે ઓળખ કરાવી, સંતોષ સાથે પરિચય કરાવ્યો. હા, એ વાત જુદી છે કે મને મારા આ પરિચય સાથે ઘરોબો કેળવતાં, મારી પોતાની પરિપક્વ થવાની પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે ઘણી વાર લાગી ગઈ.

સાયુજ્યનું સુખ

અમારી લાઈફની ફિલોસોફીમાં અને અભિગમમાં પાયાના ફરક હતાં. પણ, છતાંયે, કોઈક એવું તત્વ જરૂર હતું કે જેણે અમને બાંધી રાખ્યા અને અભરે ભરાય એવું સાયુજ્યનું સુખ પણ આપ્યું. અમને બેઉને થતું કે અનેક વસમી પરિસ્થિતિ તથા પ્રતિકુળ સંજોગો સાથે, એકમેકથી સદંતર અલગ પ્રકૃતિ અને શોખ સાથે અમારું સાયુજ્ય ટકી કેવી રીતે ગયું? અમે ક્યારેક જિંદગીના સાયંકાળે, એકલા બેસીને વિચારતાં ને આ પ્રશ્નનો જવાબ ન મળતાં હસી પણ પડતાં.

હું ડિસેમ્બર ૧, ૨૦૧૪માં રિટાયર્ડ થઈ હતી. ૩ ડિસેમ્બર, ૨૦૧૪ને રોજ, એમની આંખના મોતિયાની સર્જરી હતી. હું એમની સાથે પ્રી-ઓપ રુમમાં હતી. ત્યારે ઓચિંતા જ એમણે મને કહ્યું કે “મને હવે ખબર પડી છે કે આપણી વચ્ચે એવું શું છે જે આપણા સાથને ટકાવી રાખે છે. આપણે એકમેકની શક્તિઓના- સ્ટ્રેન્થના- નહીં પણ એકમેકની નબળાઈઓના પૂરક છીએ. એટલે જ આપણે આ બધાં જ સંજોગો સામે ટકી શક્યાં!”

મેં પૂછ્યું, “આવો વિચાર ક્યાંથી આવ્યો?” એમને કહ્યું, “બસ, આવ્યો અને તને કહી દીધો!” અને, વાત ત્યાં પૂરી થઈ ગઈ હતી!

તમારા વિનાની સાંજ 

વિનુ, ૮મી ડિસેમ્બર ૨૦૧૪ની એ ભીષણ સાંજ પછી, રોજ એકલી બેસીને બસ, આ જ વિચારું છું, કે તમે સાચું કહ્યું હતું કે આપણે એકમેકની ક્ષતિઓના પૂરક હતાં.

પણ મને એટલું કહી દો કે, તમારા ગયા પછી, હવે મારી જાત સાથે અને સાવ ખુલ્લી પડી ગયેલી નબળાઈઓ સાથે, ક્ષતિઓ સાથે, એના પૂરક તત્વ વિના, એટલે કે તમારા વિના મારે એકલી રહીને આ જિંદગી જીવવી કેવી રીતે? તમારા વિના, મને તો મારી કમીઓને જીરવતાં પણ નથી આવડતું, જીવતાં આવડવાની વાત તો બહુ દૂરની છે!

~ જયશ્રી વિનુ મરચંટ

(મૂળ લેખમાર્ચ ૨૦૧૭, “દાવડાનું આંગણુંના સૌજન્યથી)

આપનો પ્રતિભાવ આપો..

10 Comments

  1. વિનુભાઈના વખાણ તારા મોઢે સાંભળેલા છે પણ આ તારા જીવનની કહાની વાંચી વિનુભાઈને મળી છું એવો ભાસ થાય છે તારી ગઝલનો એહસાસ પણ અનુભવું છું હ્ર્દયસ્પર્શી
    સપના

  2. જયશ્રીબહેન,તમારી વાત વાંચવાનું ખૂબ ગમ્યું.વિનોદભાઈ જેવા સમજદાર અને લાગણીશીલ સાથી તમને મળ્યા.અને તેથી જ આ પીડા પણ તીવ્ર હોય જ !
    મેં મારા સાડાસોળ વર્ષના દીકરાને રોડઅકસ્માતમાં 2009 માં ગુમાવ્યો.તે પછી આ જ રીતે એના જીવનકાળની વાતો એક પુસ્તકમાં લખી,’હું હતો ત્યારે’…
    સ્મરણો લખવાથી અભિવ્યક્તિ મળે છે,ફરીથી એ સમય જીવીએ છીએ…તમારી વાત પ્રેરણા પણ આપે છે…

  3. I would call it ;”A letter from heart to inner self !” I got tears in my eyes too , a couple of times .And , yes , it’s the story of an immigrant.. . Your honesty drips in every sentence ..

  4. So beautifully penned, rade twice, thrice and the whole picture started playing in front of my eyes. Yes I consider my Kaka my Mentor, and try to copy him.

    One two things you missed was
    His generosity
    I remember whenever he use to bring snacks say wafers, samosa or anything, the pkt always will be opened in hall, not in bedroom. Stuff will always be more than enough for our big family.

    Second thing I would say, he will not mind other people taking credit for the work done by him. His Principal was should get the work done. Let other get credit.

    Always avoid controversy and argument.

  5. Jayshreeben has truely expressed her life with vinoobhai in a very interesting way .Congratulations to her.