તો મૌન ગાઈ લઈશ હું….! (ગઝલ) ~ તાજા કલામને સલામ (૨૨) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: શબનમ ખોજા ~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ
“તો મૌન ગાઈ લઈશ હું….!” (ગઝલ)
શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
તું ય જો રૂઠી જશે તો મૌન ગાઈ લઈશ હું
જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે
ભ્રમ બધા તૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
હોઉં એવી જેની સામે થઈ શકું જાહેર,-એ
આયનો ફૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
મારું આ હોવાપણું ટહુકે છે તારા સાથથી
સાથ જો છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
એ પછી મારે કશું કહેવાપણું રહેશે નહીં
અર્થ તું ચૂકી જશે તો મૌન ગાઈ લઈશ હું.
આ ઘડીનું સત્ય છે – ‘ના ચાલશે તારા વિના’
મોહ આ છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.
~ શબનમ ખોજા
~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ
કચ્છના ગઝલવિશ્વમાં એક નવી, ગાજતી પ્રતિભા એટલે શબનમ ખોજા.
‘રાવજી પટેલ એવોર્ડ’ના વિજેતા બહેન શબનમની, મૌનનો મહિમા ગાતી ઉપરોક્ત ગઝલ વાંચતાવેંત જ આકર્ષી ગઈ.
પ્રથમ શેરથી જ એક મસ્તીની છાલક વાગે છે. કશું ધાર્યું ન થાય તો પણ કાંઈ વાંધો નહિ. ‘આમ નહિ થાય તો તેમ કરીશ’ એવી ખુમારીભરી, મસ્તીભરી, રસ્તાઓ ખોલતાં જવાની રીતોમાં ભીતરની સૂઝ અને કેવળ શાંતિભર્યા આનંદની લહેરખી છવાતી જાય છે.
શબ્દ જો ખૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
તું ય જો રૂઠી જશે તો મૌન ગાઈ લઈશ હું .
આહાહા.. દમદાર મત્લાથી ઉઘડતી ગઝલ એક પછી એક ચડિયાતા શેરથી બખૂબી આગળ વધે છે. સામાન્ય રીતે માણસમાત્રનો એક સ્વભાવ રહ્યો છે ગમને ઘૂંટવાનો, રડવાનો, આક્ષેપો અને ફરિયાદ કરવાનો. પોતાના દોષો તરફ નજર-અંદાઝ કરવાનું ખૂબ સહેલું હોય છે. પણ અહીં તો વિપરીત સંજોગોને કેવી મઝાથી વાળી લેવાની અભિવ્યક્તિ થઈ છે કે, શક્યતાઓ ખોટી પડે કે પછી કંઈ પણ તૂટી પડે તો પણ મૌન તો પોતીકું છે ને? એને ગાઈ લેવામાં કોણ રોકવાનું છે?
જે રીતે ખોટી પડી છે શક્યતાઓ એ રીતે
ભ્રમ બધા તૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું
ત્રીજો શેર વળી એક તદ્દન મૌલિક વાત લઈને આવે છે. કવયિત્રી કોઈ વ્યક્તિની વાત કરતાં નથી. એ તો અરીસાને ધરી દે છે. પોતાને કશાયે મેક-અપ વગર અસ્સલ દેખાવું છે. પોતે જે છે તે જ રૂપે આયના સામે ઊભા રહેવું છે, દેખાવું છે. પણ જો એ આયનો જ તૂટી જાય તો? કોઈ વાંધો નહિ. ‘તોરા મન દર્પન કહલાયે’.. મન સાથે ગુફ્તગુ માંડવી છે, મૌનના મંડપ નીચે!.
ચોથા શેરમાં કવયિત્રી એક મઝાનો વળાંક લે છે. એક ફિલસૂફીની ઝલક વર્તાય છે. પોતાનું આ હોવાપણું કોનાથી છે? કોનાથી હોઈ શકે?
સવાલોના ઝબકારા જાગે છે અને તે સાથે જ જગતના ‘સુપ્રીમ પાવર’ના સાથનું સ્મરણ થાય છે. માનવી માત્રના હોવાનો ટહુકારો તો કેવળ એક જ ‘એ’ થકી છે ને? વિષમ પરિસ્થિતિમાં પણ ટક્કર ઝીલી સરસ જીવવાની રીતિ કેળવી લીધી હોવા છતાં જો ‘એ’નો સાથ ન રહે તો છેલ્લે મૌનનો સહારો એ જ સાચો રસ્તો. ખૂબ ઊંચી વાત.
મારું આ હોવાપણું ટહુકે છે તારા સાથથી
સાથ જો છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.
અને વાત કેટલી સાચી છે કે એ પછી તો કશું કહેવાનું રહેતું જ નથી. અને જ્યારે અંતિમ અવસ્થામાં કોઈના વિના ચાલે જ નહિ એ સત્ય પણ કાંચળીની જેમ ઉતરી જાય, મોહ છૂટી જાય પછી તો?? કશી ક્યાં ખબર છે? રહેશે કેવળ મૌન…મૌન.. અને માત્ર મૌન જ.
મૌનમાં કેટલું વજન છે? અર્થોના અનેક દરવાજા ‘ખુલ જા સિમસિમ’ની જેમ ખુલે છે. શબ્દ ન કરી શકે તે મૌન સાધી શકે.
આ ઘડીનું સત્ય છે -‘ના ચાલશે તારા વિના’
મોહ આ છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.
જે નથી કહેવાયું તે અચાનક સમજાઈ જાય છે! જે કહેવું છે તે વિશે તો કવિતાની નાયિકા મૌન જ રહ્યાં છે અને તે જ તો સાચું કવિકર્મ બન્યું છે. દરેક શેરમાં અંતરની આભા છલોછલ છલકાય છે. ગાલગાગાના ૨૬ માત્રાની આ ૬ શેરની ગઝલમાં શબનમે સુંદર નક્શીકામ કર્યું છે. આ સાથે વિષમ છંદમાં ગૂંથેલ મારો એક શેર તેમને અર્પણ કરું છું.
મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી સખા સો વાર લાવી છું….
તાજી કલમોના સાહિત્યિક સંમેલનોમાં એક અનોખા અંદાઝથી પઠન કરનાર બહેન શબનમને, તેમની આવી મૌલિક, નૂરાની તાકાતવાળી, તાજી કલમથી સાહિત્યવિશ્વને વધુ રળિયાત બનાવતાં રહે એજ શુભેચ્છા અને તહેદિલથી અભિનંદન.
***
આ ઘડીનું સત્ય છે -‘ના ચાલશે તારા વિના’
મોહ આ છૂટી જશે તો મૌન ગાઈ લઈશ હું.
Khub saras.
મારું આ હોવાપણું ટહુકે છે તારા સાથથી….saras gazal.