‘ખામી’ને સલામી ! ~ કટાર: બિલોરી (૧૨) ~ ભાવેશ ભટ્ટ

ગર્વ શબ્દને બદનામ કરવા માટે અભિમાન શબ્દનો ઉપયોગ થાય છે કે અભિમાન શબ્દને છાવરવા ગર્વ શબ્દનો ઉપયોગ થાય છે. આ સવાલનો જવાબ તટસ્થ અને એક માત્ર ન હોઈ શકે. જેટલા જવાબ મળશે એ નવા કૈંક તર્ક અને  પ્રશ્નોને જન્મ આપનારા હશે.

Your Ego is Not Your Amigo - Christian Espinosa

જેમ સપનાઓ આંખે-આંખે નાના મોટા હોય છે એમ એ પૂરા થતા એના અભિમાન કે ગર્વ પણ નાના મોટા હોય છે. જેમ આવડત કે ખાસિયતો નાની મોટી હોય છે એમ એના અહંકાર કે ગૌરવ પણ નાના મોટા હોય છે. કૈંક એચિવ કર્યાથી કે કોઈ વિશિષ્ટતા ધરાવતા હોવાથી આ લાગણી જન્મે છે.

આ એક સહજ માનવીય પ્રક્રિયા છે જે જુદા જુદા કદ અને સ્વરૂપે સર્વવ્યાપી છે. વિદ્વાનોના કહ્યા મુજબ આનાથી બાકાત હોવું અપવાદની હસ્તરેખામાં પણ નથી હોતું. એટલે એના વિશે વાત કરીને કોઈના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો કોઈ હેતુ નથી. પણ અહીં જે વાત કરવી છે એ આનાથી વિપરીત છે.

પહેલા લોકો પોતાના વ્યસન જેમ કે તંબાકુ, સિગારેટ, દારૂ વગેરેને પરાક્રમી કે મર્દાનગીની ભાવનાથી લેતા જોતા હતા, પણ હવે તો એ વાત પણ આઉટ ડેટેડ થઈ ગઈ છે. જો કે હમણાંથી એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. કોઈ આવડતનું અભિમાન હોય એ તો સ્વાભાવિક હોય, પણ કોઈ અણઆવડત કે કોઈ ખામીઓ કે કોઈ દુર્ગુણ વિશે અભિમાનના કિસ્સા પ્રકાશમાં આવે ત્યારે આપણી આંખો સામે અંધારા છવાય છે.

Work on Your Strengths, Not Your Weaknesses

– ક્યાંક કોઈ લોસ મેમરીના લીધે પોતાને કોઈ જ વાત યાદ ન રહેવાની કે પોતાના ભૂલકણા હોવાની વાતને એટલા ગૌરવથી કહેશે કે કદાચ તમને તમારી સારી યાદશક્તિ અળખામણી લાગવા માંડે.

– કેટલાક સમયની બાબતમાં ચુસ્ત નહીં પણ એકદમ સુસ્ત હોય, Most lethargic હોય. એ વાતને એ કોઈ Extra ordinary talent ને Success mantrની જેમ રજૂ કરશે. ત્યારે તમને તમારી Time punctuality વાહિયાત ના લાગવા માંડે તો જ નવાઈ છે.

5 Most Common Medical Reasons for Excessive Tiredness | Healthsoul

-કોઈ કોઈ તો પોતાને એક પણ આર્ટમાં સમજ ન પડતી હોય કે આવડતી ન હોય એટલે જાહેરમાં તેની મજાક ઉડાવીને, તેને વખોડીને તેનાથી આભડછેટ રાખતા હોય છે. જે જોઈને જેનામાં કોઈ આર્ટ ન હોય તેઓ પોતાને નસીબદાર માની લે, અને જેનામાં છે એ બિચારા સ્હેજ શર્મિન્દગી અનુભવે ત્યાં સુધીની સ્થિતિ આવી જતી હોય છે.

કોઈક તો પોતાને દુનિયાની જે બાબતની સમજ ન હોય એ બધું નકામું માનીને વર્તતા હોય છે. અન્ય બાબતોના ઉલ્લેખ પર તેઓ સૂગ બતાવતા હોય છે. તેમને અજ્ઞાન ને જ્ઞાનની ઉપરનો દરજ્જો આપતા જોઈને આપણી માન્યતાના પાયાઓ હલી જાય છે.

આવા તો સેંકડો ઉદાહરણ શોધવાથી મળી જશે, પણ એ કઈ માનસિક અવસ્થા હશે કે કોઈ પોતાની કચાશને એક ગુણમાં ફેરવવા માટે પોતાની છાપને દાવ પર લગાવી દેતા એક પળ ખચકાતો નથી.

આના એક કારણમાં એક શકયતા એવી દેખાઈ રહી છે કે જે રીતે આજે સોશિયલ મીડિયાના યુગમાં મોટીવેશનલ સ્પીકરોનો મબલખ પાક પાકે છે, એમાં અમુક જેન્યુઈન, નોલેજેબલ અને ઓથોરિટી નામોને બાદ કરતાં બાકીની જે સંખ્યા છે એ ભયજનક છે.

How to Become a Motivational Public Speaker | Brian Tracy

આ બિનઅધિકૃત સ્પીકર પાડોશથી લઈને ઓફિસ, ચાની કીટલી, પાનનો ગલ્લો, શાક માર્કેટ વગેરે દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે. એટલે એના લીધે એક માણસ દીઠ એક મોટીવેશનલ સ્પીકરની ફાળવણી કરવાનો સમય આવી જાય તો પણ અમુક સ્પીકર વધી પડે એવી દશા છે.

એક જમાનામાં મહાન લોકોના ક્વોટેશન કે સુવાક્યો વાંચતા ત્યારે એવું થતું કે આવી ગ્રેટ પર્સનાલિટીને આપણે ફકત વાંચી જ શકતા હોઈએ છીએ, એમને જીવતેજીવત જોવાનું આપણા ભાગ્યમાં નથી. આ સમજને આ લોકોએ ખોટી પાડી દીધી છે. હવે આપણે આવા ક્વોટ, સુવિચાર, શિખામણ આપનારા લોકોને જીવતા, આપણી આજુબાજુમાં હરતાફરતા અને પોતે લખેલાનું – બોલેલાનું ઉલ્લંઘન કરતા પણ જોઈ શકીએ છીએ.

What Makes a Very Good Keynote Speaker, Speech or Address

આ સ્પીકરોના પ્રવચનોની ‘લાડઅસર’માં દરેકને પોતાનો આ પૃથ્વી પર જન્મ લેવો એ ઘટના એક ઐતિહાસિક અધ્યાય લાગે છે. સૌ પોતપોતાની અંદર એ મહાન તત્વને શોધવામાં લાગી જાય છે જેની લોલીપોપ, (સોરી) ઈશારો, ઉલ્લેખ  પેલા સ્પીકર દોઢ કલાકના પ્રવચનમાં આપીને એમની ફીસ લઈને જતા રહે છે.

હવે અંદરની શોધ દિવસે દિવસે ઉદાસીનતા તરફ ગતિ કરે છે, આમ તો ઉદાસીનતા એ આવામાં જડીબુટ્ટીનું કામ કરતી હોય છે. એનાથી ખાસ્સા આગામી આંચકાઓથી છુટકારો મળી જતો હોય છે. પણ અહીં તો પાછું તરત પેલા સ્પીકરનું ‘યા હોમ કરીને કુદો’વાળું ઓક્સિજનના સિલિન્ડર જેવું સૂત્ર યાદ આવી જાય જે જંપીને બેસવા ય ન દે.

હવે હાલત વધારે કફોડી બનતી જાય છે. કેમ કે મોટાભાગે લોકોને ભીતરની શોધમાં પેલા સ્પીકરે જણાવેલું કશું મળતું નથી.

In Search Of Inner Peace. A t this time of year, it's easy to… | by Clodagh Meiklejohn | Medium

કૈં મળે છે તો બસ બે ચાર મુઠ્ઠી ભૌતિકતા! એટલે એમનો સ્વભાવ આ નિષ્ફળતાથી, આ પરાજયથી બચવા એક આભાસી જીત, એક આભાસી સિદ્ધિ મળ્યાનો તરંગ ઊભો કરે છે. એ હોય છે પોતાની ભૂલ, ખામી, કુટેવ, કે ઉણપને સ્પેશિયાલિટી સમજવાનો. જેના લીધે ઘણી જગ્યાએ થતી સામુહિક ચર્ચાઓમાં તમને આ હાસ્યાસ્પદ વલણ ગંભીરતાથી સંભળાતું અને પોંખાતું જોવા મળશે.

હમણાથી આ સ્પીકરો, ને પ્રોત્સાહનકારોની વાણી અને લખાણે સમાજમાં વેગ પકડ્યો છે. અહીં તેમની પ્રવૃત્તિની મજાક ઉડાવવી કે ખોટી કહેવાનો સ્હેજ પણ ઉદ્દેશ્ય નથી. તેમના આ કાર્યથી કૈંક ભીની આંખોમાં સ્મિતના ફૂલો પણ ઊગે છે. કૈંક ઠપ્પ પડેલા જીવનના કાર્બોરેટરનો કચરો નીકળી જાય છે અને એન્જીન દોડવા માંડે છે.

બસ વાત એટલી જ છે કે સારા પરિણામો આંગળીઓની સંખ્યા કરતા ઓછા હોય છે. પણ ઉપર જણાવેલા વર્ણસંકર પરિણામોની સંખ્યા માથાના વાળ કરતા વધારે હોય છે.

એક શકયતા એવી પણ છે કે કદાચ આ મોટીવેશનલ સ્પીકરો સક્રિય ન હોત તો પણ માનવ સ્વભાવે બીજા કોઈ કારણોથી ય પોતાના દોષ ને ગુણકોષમાં લાવવા મરણિયા પ્રયાસો કર્યા હોત.

The Art of Contradiction – The Rights Studio

છેલ્લે આ સંદર્ભમાં ફરાગ રોહવિનો એક શેર યાદ આવે છે કે
इक दिन वो मेरे ऐब गिनाने लगा ‘फ़राग़’
जब ख़ुद ही थक गया तो मुझे सोचना पड़ा

એવો વિચાર આવે છે કે આગળ જતા સ્થિતિ જો વધુ વણસશે તો આવા નિખાલસતાવાળા શેરો લખવાના ધીરે ધીરે બંધ ન થઈ જાય!

***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. “કોઈક તો પોતાને દુનિયાની જે બાબતની સમજ ન હોય એ બધું નકામું માનીને વર્તતા હોય છે. અન્ય બાબતોના ઉલ્લેખ પર તેઓ સૂગ બતાવતા હોય છે. તેમને અજ્ઞાન ને જ્ઞાનની ઉપરનો દરજ્જો આપતા જોઈને આપણી માન્યતાના પાયાઓ હલી જાય છે.”
    બિલકુલ સાચું..

  2. વાહ વાહ વાહ

    ભારતીય પરમ પ્રભુ

    વંદન
    Garv n કરી કોઈ.