ચલ મન ચલ કહીં દૂર.. ~ નોર્થ ઈસ્ટના પ્રવાસે (પ્રવાસ વર્ણન) ~ પિન્કી દલાલ

દિવાળી પૂર્વે વાત જ્યારે મિત્ર લલિતભાઈએ જણાવ્યું કે તેઓ નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશની  વિચારણા કરી રહ્યા છે ત્યારે  પલક ઝપકાવ્યા વિના જોડાવા માટે હા ભણી દીધી હતી.

ભારતના સેવન સિસ્ટર્સ તરીકે લેખાતા ઉત્તર પૂર્વના આ રાજ્યો આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા એટલા તો ઉપેક્ષિત રહ્યા છે કે કોઈ વિદ્યાર્થીને તો ઠીક પણ સામાન્ય વ્યક્તિને આ સેવન સિસ્ટર્સના નામ અચાનક પૂછો તો જવાબ વિચારવો પડે. ખાસ કરીને પ્રવર્તતી ગેરમાન્યતા અને ખોટી ભીતિએ પણ ઘણો ભાગ ભજવ્યો છે.

લોકેશનને કારણે આ રાજ્યો હંમેશા મેઈન સ્ટ્રીમ ઈન્ડિયાથી નોખા પડી જાય છે.

આજથી સાત વર્ષ પૂર્વે મેઘાલય અને આસામમાં દસ દિવસનો પ્રવાસ કર્યો હતો. અરુણાચલ પ્રદેશ વર્ષોથી વિશલિસ્ટમાં હોવા છતાં કોઈ સંયોગ બેઠો  નહોતો. એટલે જ્યારે મિત્ર લલિતભાઈએ આ વાત શું કરી, મારે તો વિના કોઈ વિચાર કરે હા જ ભણવાની હતી.

નોર્થ ઈસ્ટ જવું હોય તો શ્રેષ્ઠ સીઝન છે ઓક્ટોબરથી એપ્રિલ એન્ડ. ઘણાં મે મહિનો લેખાવે છે પણ ત્યારે વરસાદની શરૂઆત થઇ જાય છે. યાદ રહે આ આસામ અને મેઘાલય છે જ્યાં વરુણદેવ આવે છે પૂરા જોશથી.

ગઈ વખતે આ વાતનો અનુભવ અમને સુપેરે થયેલો. 2014માં ગુવાહાટી પહોંચ્યા પછી ખબર પડી કે વરસાદ એટલો હતો કે બ્રહ્મપુત્ર નદીનું સ્તર ભયજનક રીતે વધી રહ્યું હતું. એ હદે વધી ગયું હતું કે નદીના પાણી કાઝીરંગા નેશનલ પાર્કમાં ફરી વળવાથી પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થઇ હતી અને સેંકડો વન્યજીવો, લગભગ પચાસ જેટલા હાથીઓ માર્યા ગયા હતા. પરિસ્થિતિ એટલી વિકટ હતી કે કાઝીરંગા નેશનલ પાર્ક ત્યારે બંધ કરી દેવામાં આવ્યો હતો.

Brahmaputra floods inundate Kaziranga National Park | India News – India TV

હવે ફરી આવીએ 2022માં. અમે વહેલી સવારે ફ્લાઇટ પકડી ગુવાહાટીની. સૌથી પહેલું ડેસ્ટિનેશન હતું કામાખ્યા મંદિર. આ વિશે અગાઉ https://pinkidalal.blogspot.com/ બ્લોગમાં ઝીણવટથી લખી ગઈ હતી પણ, મને પોતાને એ પીસ ન જડ્યો એટલે સંક્ષિપ્તમાં ફરી એકવાર.

દેવીભક્ત હોવા છતાં રીતિ, વિધિ અને મતિ વચ્ચે દ્વિધા ત્યારે પણ હતી આજે પણ છે. બલ્કે વધુ બળકટ થઇ હોવાનું અનુભવાયું.

કામાખ્યા મંદિર જે લોકો ગયા છે એમને આ બધી વિશેષતાનો ખ્યાલ હશે જ. કામાખ્યા મંદિર સ્વયંમાં એક અજાયબી તો ખરું.

એમ મનાય છે કે સતીના શરીરના શરીરના અંગોને વિભાજીત કરવામાં જે અંગ જ્યાં પડ્યું તે સ્થળ શક્તિપીઠ લેખાય છે.

કામાખ્યાનું માહાત્મ્ય એ છે કે એક વાયકા પ્રમાણે સતીની મહામુદ્રા એટલે કે યોનિ આ સ્થળ પર પડી હતી ત્યારથી એનું મહત્વ લેખાય છે. એવું નથી કે આ મંદિર પણ મુસ્લિમ અક્રમણકારીઓથી સુરક્ષિત રહ્યું હોય. તેની ઉત્પત્તિના રેકોર્ડ તો આઠમી સદીથી મનાય છે. 16મી સદીમાં કૂચબિહારના રાજવીએ મંદિરનું પુનનિર્માણ કર્યું હતું. સદીથી પૂજાતી આ દેવી અને મંદિર છેલ્લે અહોમ વંશના રાજાઓ દ્વારા સંરક્ષણ પામતા રહ્યા છે.

સૌથી હેરત પમાડે તેવી વાત એ છે કે મંદિરમાં માતાની મૂર્તિ નહીં પણ યોનિની પૂજા થાય છે. એવી વાયકા છે કે જૂન મહિનામાં દેવી માસિકમાં આવે છે. એટલે 23 જૂનથી 26 જૂન મંદિરના કપાટ બંધ કરી દેવામાં આવે છે અને ત્યાં એક સફેદ કપડું અને રૂ બિછાવી દેવામાં આવે છે. જયારે ત્રણ દિવસ પછી દ્વાર ખુલે ત્યારે આ કપડું રકરંજિત હોય છે. એવા રક્તભીના રૂને ભાવિકો પ્રસાદી તરીકે લઇ જાય છે. એટલું જ નહીં આ દિવસો દરમિયાન બ્રહ્મપુત્ર નદીનું પાણી પણ લાલ થઇ જાય છે. તે દરમિયાન અમ્બુબાચી મેળો લાગે છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. માત્ર શ્રદ્ધાળુઓ જ નહીં વિદેશીઓ પણ આ માટે ખાસ આવે છે.

Four-day Ambubachi Mela at the Kamakhya Temple in Guwahati

ત્રણ દિવસ અમ્બુઆચી મેળાનું આયોજન થાય છે. તે દરમિયાન બ્રહ્મપુત્ર નદીના પાણીનો રંગ પણ લાલ હોય છે.

અમને કોઈએ એવી વાત કરી હતી કે નદીના કિનારા પરની માટીમાં લોહતત્વ વધુ હોવાથી આમ થાય છે. તે સામે શ્રદ્ધાળુઓનો મત એવો છે કે તો પછી જૂનના ત્રણ દિવસ જ પાણી કેમ લાલ થાય? બાકીના સમયે કેમ નહીં?

આ વાતનો કોઈ ઉત્તર નથી. ઘણાં એવો દાવો કરે છે કે મંદિરના મુખ્ય પુજારીઓ નદીમાં લાલ કંકુ ઠાલવે છે જેથી આ વાયકા કાયમ રહે. આખી વાત વિવાદાસ્પદ છે.

કામાખ્યા મંદિરની બહાર લાગતી બજારમાં પૂજાપાના સમાન સાથે સાથે યંત્ર, મંત્ર, જાદુ , ટોણાં ટુચકાના પુસ્તકો ને પ્રતીક પણ મળે છે.

કામાખ્યા  મંદિરની ગણના શક્તિપીઠમાં થાય છે. શક્તિપીઠમાંના એક એવા આ મંદિર માટે એવું કહેવાય છે કે જો કોઈ ત્રણવાર આ કામાખ્યા માતાના મંદિરે આવે તો તેની મોક્ષપ્રાપ્તિ સંભવિત છે. અલબત્ત, અહીં આવનારને મોક્ષ જોઈએ છે કે નહીં એ અલગ વાત છે પણ એક વાત નક્કી છે કે આવનાર લોકો ભૌતિક, દુન્યવી ઈચ્છાપૂર્તિ માટે આવે છે.

હકીકતે તો અહીં આવનાર મોટાભાગના શ્રદ્ધાળુઓ કોઈને કોઈ ફળપ્રાપ્તિ માટે આવે છે. એટલું જ નહીં કામાખ્યા પ્રસિદ્ધ છે  કાળા જાદુના પ્રકોપથી મુક્તિ પામવા માટે. જો કે આ કહેલી સાંભળેલી વાતો છે એમાં શું તથ્ય છે એ તપાસનો વિષય છે. પણ, અહીં એ માટે પંડિતો અને બાબાઓની મોટી સંખ્યા છે. જે લોકોને મદદ કરવાને નામે પોતાની ગાડી ચલાવે છે.

મંદિરની બહાર જામેલા બજારમાં અને ગલીમાં કાળા જાદુ કઈ રીતે કરવા, ઉતારવા ને તે સંબંધી માહિતી ધરાવતાં હિન્દી, અંગ્રેજી, બંગાળી, ઉર્દૂ ભાષાના પુસ્તકો પણ મળે છે. જોવાની ખૂબી તો એ છે કે આ જાદુને પણ જાત હોય. હિન્દુ કાળો જાદુ જુદો ને મુસ્લિમ જુદો. એ માટેના પુસ્તકો પણ ભરપૂર મળે છે. હિન્દુ સ્થાનમાં મુસ્લિમ કાળા જાદુના પુસ્તકો. નવાઈ લાગે એવી વાત એ જાણવા મળી હતી કે દેશ વિદેશથી લોકો આ જાદુ શીખવા મહિનાથી વર્ષ રહે છે.

How To Check If Someone Has Done Black Magic, mantra, tantra and jadu tona

ગયા વખતે એવા એક વિદેશીનો ભેટો અમને થયો હતો. ઝેક રિપબ્લિકથી આવેલા આ ગોરાને કાળા જાદુ ને તિલસ્મી ઉપચારો શીખવા હતા. એ માટે મંદિરની આસપાસ ઘણાં લોકો પોતાના આવાસને હોમ સ્ટેમાં ફેરવી નાખે છે.

2014માં અમે કોઈ વીઆઈપીના મહેમાન હતા, એટલે અમને ન તો લાઈનમાં ઊભું રહેવું પડ્યું હતું, ન સામાન્ય દરવાજેથી અંદર જવું પડ્યું હતું. આ વખતે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે કામાખ્યા મંદિરમાં શું ભીડ થાય છે. લાઈન એટલી હતી જેમાં  ઊભા રહીએ તો છ કે સાત કલાકે પત્તો લાગે. અમારે ન તો કોઈ પૂજા કરવાની કરાવવાની હતી કે ન કોઈ ચઢાવા જેવી વિધિ કરવાની હતી એટલે અમે ગમેતેમ કરીને દૂરથી દર્શન કરીને નીકળી ગયા. પરંતુ ગયે વખતે પણ ખૂબ ખટક્યા હતા એ દ્રશ્યો આ વખતે થોડીવાર વધુ જોવા પડ્યા.

મંદિરના ગર્ભગૃહમાં જતો રસ્તો વેદીમાંથી પસાર થાય છે. આ વેદી એટલે જ્યાં પશુ પક્ષીની બલિ ચઢાવાય તે જગ્યા. હું હિન્દુ ધર્મમાં સંપૂર્ણપણે શ્રદ્ધા ધરાવું છું એટલે ખોટા વિતંડાવાદમાં પડવાની કોઈ ઈચ્છા નથી પણ ત્યાં ફરતાં નાનાં નાનાં, નિર્દોષ બકરીના બચ્ચાં જોઈને કોઈ અધર્મીની આંખોમાં પણ આંસુ ન આવે તો નવાઈ.

આજે પણ કામાખ્યા મંદિરમાં બલિ ચઢાવવાની પ્રથા છે. પોતાની ભૌતિક, દુન્યવી ઈચ્છા પૂરી કરવા લોકો નિર્દોષ પશુ અને પક્ષીને વધેરીને પોતાને ધાર્મિક લેખાવે છે. ભેંસ, બકરી, મરઘી, બતક જેવા અબોલ જીવની બલિ ચઢાવાય છે. જેમાં નરની બલિ અપાય છે માદાજીવની નહીં.

આપણે ક્યાં યુગમાં જીવીએ છીએ એ પ્રશ્ન પણ સહેજે થાય. એ વિષે વધુ લખવાની ઈચ્છા એટલે નથી કારણ કે એમાં રહેલા હાર્દને સમજ્યા વિના ચર્ચા ધર્મને નામે બીજે ક્યાંક ફંટાઈ જશે. પણ, કામાખ્યા દેવીને હાથ જોડીને એક જ પ્રાર્થના કરી કે હે શક્તિમાન મા, આ વિધિ કે બદી સ્વયં તારા સિવાય તો કોણ અટકાવી શકે?

Kamakhya - Wikipedia

કામાખ્યા મંદિર પછી અમારે જવાનું હતું બ્રહ્મપુત્રની ક્રુઝ પર. અમને કહેવામાં આવ્યું કે તે માટે આપણે બપોરના ત્રણ વાગે હોટેલ છોડી દેવાની છે. જેથી ચાર વાગ્યાની ક્રુઝ લઇ શકાય. બપોરે ચાર વાગે ક્રુઝ? અમને થયું કે આ શું વાત થઇ? પણ એ સમય શા માટે રખાયો એનો ખ્યાલ બહુ જલ્દી આવવાનો હતો. હોટેલથી માંડ દશેક કિલોમીટર દૂર અમે પહોંચ્યા જ્યાંથી આ બે કલાકની ક્રુઝ લેવાની હતી. ચાર વાગ્યા હતા પણ નજારો અદભુત હતો.

આ પ્રદેશની ખાસિયત છે આકાશના રંગ, આ તો ગુવાહાટી શહેર હતું એટલે થોડો ટ્રાફિક કે પ્રદૂષણ હોય છતાં જે આસમાની રંગનો અસબાબ હતો એને શબ્દ ન વર્ણવી શકે. એમાં વળી સફેદ વાદળો, કોઈ ચિત્રકારે એક લસરકો માર્યો હોય તેવી કળા સાથે સોનેરી કેસરિયા રંગની છટા. આ ત્રણ જાદુઈ રંગોનું પ્રતિબિંબ ઝીલાઈ રહ્યું હતું બ્રહ્મપુત્રના પાણીમાં.

સામાન્યરીતે નદીઓ સ્ત્રીલિંગ હોય, ગંગા, યમુના, ગોદાવરી, કાવેરી, તાપી… પણ, બ્રહ્મપુત્ર એ પુલિંગ. જો કે મોટાભાગના લોકો તેનો ઉચ્ચાર બ્રહ્મપુત્રા કરે છે.

અલબત્ત, એનો વિશાળ પટ જેટલો મોહક લાગે એટલો ડરામણો પણ ખરો. એવું લાગે સામે નદી નહીં દરિયો ઘૂઘવી રહ્યો છે. મને બ્રહ્મપુત્ર નદીને નામે મનના કોઈક ખૂણે ધરબાયેલો ફોબિયા પણ ખરો. વર્ષો સુધી એક નાનાં ફકરામાં બ્રહ્મપુત્રમાં નાવ ઊલ્ટી પડી, ડૂબી ગઈ એવા સમાચાર વર્ષો સુધી વાંચ્યા હતા.

અલબત્ત, જરૂરી નથી કે એવા બનાવો દુનિયાભરમાં બન્યે રાખે પરંતુ, એ હકીકત છે કે એવા પ્રસંગો અહીં મોટી સંખ્યામાં બનતા રહે છે કારણ કે બ્રહ્મપુત્રમાં પાણીનો કરન્ટ તેજ હોય અને સામાન્ય ગરીબ પ્રજા બિસ્માર નૌકા કે પછી ક્ષમતાથી વધુ ઉતારુને ભરવાને કારણે શક્યતા વધુ. જે સમાચાર મેઈન સ્ટ્રીમ મીડિયામાં ભાગ્યે જ સ્થાન પામે.

બ્રહ્મપુત્ર નદી એક આગવી નદી છે. એના નામરૂપ જૂજવા છે. એ જયારે  માનસરોવરમાંથી નીકળીને તિબેટમાં હોય ત્યારે સાંગપો હોય પછી અરુણાચલમાં પ્રવેશે ત્યારે દિહાંગ બને આસામમાં આવે ત્યારે લુઇત બ્રહ્મપુત્ર બની જાય ને બાંગ્લાદેશ સુધીની મજલમાં જમુના (યમુના નહીં) પણ નામ ધારણ કરે ને મેઘના પણ બને.

ભારત થઈને બાંગ્લાદેશ જતી આ નદી વિશ્વની મોટી નદીઓમાં નવમા સ્થાને આવે. ગંગા કરતા લંબાઈમાં બમણી લગભગ 4000 કિલોમીટર એવી બ્રહ્મપુત્ર ઊંડાઈમાં ક્યાંક ક્યાંક 450 ફુટ જેટલી ઊંડી છે. કદાચ આ એકમાત્ર એવી નદી છે જ્યાં દરિયામાં જેમ મોજાં આવે એમ ક્યાંક  મોજાં લહેરાતા જોઈ શકાય. જે ગુવાહાટીમાં નથી.

Brahmaputra River, Northeast India

બ્રહ્મપુત્રનો ઉદ્ભવ થાય છે તિબેટમાં માનસરોવરથી 30 કી.મી દૂર એવી ગ્લેશિયરમાંથી.
  • બ્રહ્મપુત્રાની લંબાઈ ગંગાથી લગભગ બમણી છે. લગભગ 4000 કિલોમીટર, 3969 km to be precise.
  • ઈસ્ટ વેસ્ટ 1540 કિલોમીટર અને નોર્થ વેસ્ટ 682 કિલોમીટર.
  • વિશ્વમાં સૌથી વધુ વરસાદ કોઈ નદી પર વરસતો હોય તો એ છે બ્રહ્મપુત્ર.
  • ભારતના વન્ય વિસ્તારોમાં સૌથી મોટો ફાળો બ્રહ્મપુત્રનો. લગભગ 55% જંગલોનું અસ્તિત્વ એને આભારી છે.
  • આ નદી કુલ 5,80,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વ્યાપ ધરાવે છે.
  • જે તિબેટ (ચીનનો કબ્જામાં છે તે), ભારત, બાંગ્લાદેશ ને ભૂતાનને લાભ આપે છે.
  • બ્રહ્મપુત્ર છ રાજ્યોમાંથી વહે છે: અરુણાચલ, આસામ, બંગાળ, મેઘાલય, સિક્કિમ ને નાગાલેન્ડ.

કોઈક મનમૌજી માનુનીનો મિજાજ ધરાવતી આ નદીમાં ક્રુઝ તે પણ ઢળતી સંધ્યાએ એક લ્હાવો તો ખરો જ.

સાડા ચારે અપર ડેક પર જમાવીને ફોટો સેશન શરુ થયું.

એ પછી દોર શરુ થયો ગીત સંગીતનો. કલાકેક થયો ને અંધકારના ઓળા ઉતરવાના શરુ થઇ ગયા.

સાડા પાંચના સુમારે તો રાત પડી ગઈ ને દસેક મિનિટમાં તો પૂર્ણ ચંદ્રે દર્શન આપ્યા. હવે સમજાયું કે બપોરના ક્રુઝનો આઈડિયા શા માટે હતો.

આમ તો ઓક્ટોબરથી મે સુધી બ્રહ્મપુત્ર ક્રુઝ ચારથી રાતના નવ સુધી ઓપરેટ થાય છે પણ જે મજા સૂર્યાસ્ત સમયે છે એ જરા હટ કે કહી શકાય. એટલે જો આ ક્રુઝ લેવી હોય તો સનસેટ સમયની લેવી.

બીજે અમારે જવાનું હતું અરુણાચલ, પણ એ આઇટેનરી ફોલો કરવાને બદલે આસામની વાત પૂરી કરી લઈએ.

જો માત્ર આસામ ને મેઘાલય કરવા હોય તો એ બહેતર વિકલ્પ છે. અરુણાચલ પ્રદેશ માટે વધુ સમય ફાળવી શકાય કે પછી જુદી ટુર કરી શકાય, અલબત્ત સાથે કરવી હોય તો એ વિકલ્પ તો છે જ. આસામ ગયા હો ને કાઝીરંગા નેશનલ પાર્ક રહી જાય એ તો હીરો ઘોઘે જઈ આવે એવો ઘાટ થાય. જે 2014માં અમારી સાથે થયો.

આ વખતે પણ ઓક્ટોબરમાં વરસાદ વારે વારે વરસી જતો હતો એવું જાણ્યું એટલે મનમાં આશંકા તો હતી જ.

દરિયા જેવો વિશાળ બ્રહ્મપુત્રનો પટ

કાઝીરંગા જતી વખતે એક જગ્યા એ બ્રહ્મપુત્રામાં બોટિંગનું શિડ્યુલ હતું. ત્યાં પહોંચ્યા ત્યારે દૂરથી દેખાતો પટ જોઈને જ મારા હોશ ઊડી ગયા. મેં નક્કી કર્યું હતું કે જેને કરવું હોય તે કરે પણ આપણે તો બોટિંગ કરવું નથી. અલબત્ત, બીજાના ઉત્સાહ પર પાણી ફેરવવાનું કામ કરવું નથી એમ સમજી ન  બોલવાનું  નક્કી કર્યું હતું. નદીનો વહાવ એટલો તેજ અને એનો દેખાવ ભારેલો અગ્નિ. કોઈ વિફરેલી નારી.

અમારા ડ્રાઈવર દીપુ ગોગોઈએ પણ પાનમસાલા મોમાં મૂકીને જે રીતે ડોકું ધુણાવ્યું હતું એ જોઈને લાગ્યું કે આ દીપુભાઈનો મત પણ મારા  જેવો જ છે.

હજી  કોઈ વધુ વિચારણા થાય એ પૂર્વે  અમારા અન્ય મિત્રોની કારનો કાફલો આવી પહોંચ્યો. ટૂંકમાં તમામ ડ્રાઈવરોનો મત એ હતો જે મારો હતો. એટલે બોટિંગ કરવાની વાત પડતી મૂકીને અમારે આગળ જવાનું હતું.

હવે વહેલું આવે કાઝીરંગા.

(ક્રમશ:) 

~ પિન્કી દલાલ
pinkidalal@gmail.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. વાહ, મુંબઈની સેર કરાવ્યા પછી નોર્થ ઈસ્ટનો પ્રવાસ પિન્કીબહેન સાથે કરવાની મઝા જ મઝા. 🙏🙏🙏