ચાર ગઝલ ~ રઈશ મનીઆર ~ 1. શું થયું ઈન્સાનની મુસ્કાનનું ~ 2. તૈયારી હતી ~ 3. જવું છે ~ 4. સમજી લીધી

૧.  શું થયું ઈન્સાનની મુસ્કાનનું….!

રક્ષણ થયું બાઈબલનું, ગીતાનું અને કુરઆનનું
પૂછો નહીં કે શું થયું ઈન્સાનની મુસ્કાનનું..

તું જિંદગીભર ધ્યાન રાખે સંતનું, સંતાનનું
ફૂરસદ મળી ક્યારે કે ખુદને ધ્યેય માને ધ્યાનનું!

લંગોટ જો છિનવાઈ ગઈ અધનંગા ચીંથરેહાલની
શંકા કરે છે લોક કે આ કામ છે સુલતાનનું

ઈશ્વર ભલે ને એક હો, ફાલી રહ્યાં બબ્બે જગત
જુદું જગત કંગાલનું, નોખું જગત ધનવાનનું

પહેલાય નહોતું છાપરું, આજેય માથે માત્ર નભ
બેઘરની સામે શું ગજું તાંડવ અને તોફાનનું?

લોકો જ ઝઘડાળુ હતા, જાતે જુઓ ઝઘડી મર્યા
નેતાજીએ બસ કામ કીધું બંધના એલાનનું

મરતી વખત મલક્યો એ પહેલી વાર, છેલ્લી ઊંઘમાં
શાયરને ખ્વાબ આવ્યું હશે મૃત્યુ પછી સન્માનનું

*
૨. તૈયારી હતી……!
BE PREPARED and PREPARATION is the KEY Plan Perform Business Co Stock Image - Image of idea, preparation: 100557227

એ જ જહેમત ઉમ્રભર જારી હતી
ડૂબતી નૈયાને શણગારી હતી

ખાલીપો અંદરનો છૂપો રાખવા
જામની ઉપર મીનાકારી હતી

કૈંક વેળા ખુદને છાનો રાખવા
મેં જ મારી પીઠ પસવારી હતી.

વેદના તો ભીંસ થઈ વળગી ગઈ,
રહી ખુશી અળગી, કે સન્નારી હતી!

યશના ભાગીદાર પણ હું ને પ્રભુ
થઈ ફજેતી એ ય સહિયારી હતી

કોઈ તૈયારી જ કરવાની ન’તી
અંત માટે એવી તૈયારી હતી
*

3. જવું છે……!

891 Man Walking Long Road Stock Photos - Free & Royalty-Free Stock Photos from Dreamstime

અમસ્તાં અમસ્તાં અમસ્તાં જવું છે
હવે જ્યાં લઈ જાય રસ્તા જવું છે.

હવે જળ કે મૃગજળ, ન ઝંઝટ પરખની
તરસનું હો ગૌરવ, તરસતાં જવું છે

નથી ચાહ ગઈ ફ્રેમમાં શોભવાની
છતાં મધ્યમાંથી તો ખસતાં જવું છે

કહે, એકવેળા જ ચઢશે ચિતા પર?
કે તારે જીવનભર ઝુલસતાં જવું છે?

સફળતા ‘રઈશ’ કાચની પૂતળી છે
છતાં ભેટવા સૌને ધસતાં જવું છે
*

૪.  સમજી લીધી……!
(મરીઝસાહેબની પંક્તિ પરથી લખાયેલી ગઝલ)
QC Read and Understood for Confluence | Atlassian Marketplace

આપની વાતો, અમસ્તી, મેં ખરી સમજી લીધી
આપની વાતો, મેં જો ને! આપણી સમજી લીધી!

એક બળતી મીણબત્તી સામે બેસી રાતભર
વર્ષગાંઠો સામટી ઉજવાયેલી સમજી લીધી

આપે મારા જખ્મને કારી કદી માન્યા નહીં
આપે મારી શાયરી કારીગરી સમજી લીધી

ફૂલથી ભરચક હતી આ જિંદગી, એ વાત મેં
આખરે તો છાબડી ખાલી કરી સમજી લીધી

આ ગલીકૂચી જગતની અટપટી એવી હતી
જીવીને સમજાઇ નહીં, અંતે લખી, સમજી લીધી

કંઇ સ્થિતિ એવી હતી, વસ્તુ બની રહી જાત હું
સત્વરે, સારું થયું , વસ્તુસ્થિતિ સમજી લીધી

છોડશે, પણ રાતપૂરતી, આ દિવસ એની ગિરફ્ત
પોઢનારા! જાત બાઇજ્જ્ત બરી સમજી લીધી?

સાંભળી.., સમજી ખુદાએ જેમ તારી બંદગી
એમ એણે મારી પણ નારાજગી સમજી લીધી

~ રઈશ મનીઆર  

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. વાહ….મજા આવી ગઈ…રઈશભાઈની રચનાઓ હોય જ છે તાજગીભરી…