કટાસરાજનાં મંદિરો ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 35) ~ પૂર્વી મોદી મલકાણ

હિન્દી ફિલ્મ સંગીત કમ્પોઝર શ્રી રવિન્દ્ર જૈને એક ઈંટરવ્યૂમાં કહેલું કે; આપણે બધાં હિન્દુઓ મંદિરપૂજક છીએ. તેથી જ્યાં જે નવી જગ્યામાં જઈએ ત્યાં કોઈ ને કોઈ મંદિર શોધી કાઢીએ અથવા મંદિર બનાવી લઈએ.

મને શ્રી રવિન્દ્રજીની વાત બહુ સાચી લાગે છે. તેથી જ જુઓને ભારતથી લઈ વિદેશે વસતાં તમામ ભારતીયોએ પોતપોતાની આસ્થા પ્રમાણે વિવિધ મંદિરોના પડાવ એવા એવા દેશોમાં બાંધી દીધાં છે કે જ્યાં નામના જ ભારતીયો રહેતાં હોય. દા.ત. અમેરિકાની લેન્ડ સાઈડ ઉપર એટલે કે ધરતી ઉપર જ્યાં ઘણી માત્રામાં ઇંડિયન્સ રહે છે તેમણે પોતપોતાની શક્તિ, આસ્થા અને સમાજ આધારિત વિવિધ મંદિરો તો બાંધ્યાં જ છે પણ અમેરિકાનાં હવાઈનાં ટાપુઓ જ્યાં ગણ્યાંગાંઠયાં ભારતીયો  રહે છે ત્યાંયે મંદિરોનો પાર નથી.

આ હવાઈયન ટાપુઓની જેમ મને ડોમેનિકલ રિપબ્લિકનાં ટાપુઓ યાદ આવે છે. આ ટાપુઓમાં રખડતી વેળાએ જાણવા મળેલું કે અહીં એલિફન્ટ હેડ ગુણીના નામના હિન્દુ દેવતાનું મંદિર છે.

હિન્દુ દેવતાનું નામ સાંભળી અમે એ મંદિર શોધવા ગયાં ત્યારે ખબર પડી કે; આ તો આપણાં ગણપતિ દાદાનું મંદિર છે. ચોક્કસ આ ગણપતિનાં મુખથી લઈ આકારમાં ઘણી જ ભિન્નતા હતી પણ પૂજાય છે હિન્દુ દેવતાને નામે જ.

હવે જ્યાં ગણ્યાંગાંઠયાં ભારતીય રહેતાં હોય ત્યાં આ સ્થિતિ હોય તો; એક સમયે જે ભૂમિ અખંડ ભારતની કહેવાતી હતી, જ્યાં ઘણા બધાં હિન્દુઓ રહેતાં હતાં તો એ ભૂમિનું કહેવું જ શું? આ જ કારણે અમને આ ભૂમિ પર ઠેર ઠેર જૈન મંદિરો, રામ મંદિર, સૂર્ય મંદિર, નૃસિંહ મંદિર, ગુરુદ્વારા, બૌદ્ધ સ્તૂપા વગેરે જોવા મળ્યાં. પણ મારી ત્રણ-ત્રણ સફર દરમ્યાન સમ ખાવા પૂરતું એકપણ ન મંદિર સાજું જોયું, ન શિવાલય સાજું જોયું, ન સ્તૂપા સાજો જોયો કે ન જૈન મંદિરો સાજા જોયાં.

પાક કહેવાતી આ ભૂમિ પર હિન્દુઓ સાથે સંકળાયેલ જે જોયું, જેટલું જોયું, જ્યાં પણ જોયું… બસ ખંડિત જ જોયું. જે જોઈ મને વિચાર એ આવ્યો કે; આપણાં દેશમાં એક મસ્જિદ તૂટે છે ત્યારે લઘુમતી કોમને નામે ભારતીય મુસ્લિમો અને પાકિસ્તાની લોકો કાગારોળ મચાવી દે છે પણ ક્યારેય આપણાં દેશનાં કે એમનાં દેશનાં મુસ્લિમોએ કે અન્ય સનાતની લોકોએ પાકિસ્તાનમાં રહેલ આપણી સંસ્કૃતિનાં ચિન્હોને બચાવવા માટે કેમ અવાજ ઉપાડ્યો નથી?

પણ, મારા પ્રશ્નો અને મારા વિચારોથી પરે રહીને અત્યારેય હું જોઈ રહી છું ફરી ખંડહરો. કટાસરાજ મંદિરોનાં ખંડહરો. ઇસ્લામાબાદ અને લાહોર વચ્ચે રહેલ એકમાત્ર હિન્દુ મંદિરોનો સમૂહ એટલે કે કટાસરાજ મંદિરો.

આ મંદિરોનું નિર્માણ ખટાના રાજવંશે ૬ઠ્ઠી સદીમાં પાકિસ્તાન -પંજાબનાં ઉત્તરી ભાગમાં નમક કોહ નામની પર્વત શૃંખલામાં કરાવેલું. નવમી-દસમી સદીમાં આ મંદિરનો જીર્ણોધ્ધાર સમ્રાટ મિહિરભોજે કરાવેલો અને અત્યારે પાક સરકાર કરી રહી છે. આ પર્વતમાળાની એક કથાનો હિસ્સો મહાભારત યુગ સાથે સંકળાયેલ છે તો બીજો હિસ્સો શિવ અને સતીની પ્રણયકથાને ય જોડે છે.

ઇતિહાસનાં બે અલગ યુગને જોડતાં આ સ્થળ પર પહોંચ્યાં ત્યારે શિવનાં નેત્ર કહેવાતું બિંદુ સરોવરનું સ્થિર ગ્રીન બ્લૂ પાણી સુંદર રીતે શોભી રહ્યું હતું, પણ પાકનાં અન્ય સ્થળોની જેમ અહીં સન્નાટો છવાયેલો હતો. ગામનાં જ અમુક લોકોને બાદ કરતાં ત્યાં કોઈ જ ન હતું.

અમને ત્યાં આવેલાં જોઈ કોઈ ત્યાં દોડી આવ્યું, અને પૂછ્યું .. શું હિન્દુ છો તમે? પ્રવાસમાં આવ્યાં છો? અમારી હા અને તેની સાથેની થોડી વાતચીત પછી તે અમારો તે સમય પૂરતો ગાઈડ બની ગયો.

તેની સાથે ફરતાં અમે જોયું કે; કટાસરાજનું આ મંદિર અને આ સ્થળનો ઇતિહાસ પીડા,  દુઃખ,  ચતુરાઇ, દક્ષતા, કલા, સંગીત, શિક્ષા, ધર્મ, વિધ્વંસ; આક્રમણ, ધૃણા અને પ્રેમનું સુંદર મિશ્રણ છે.

… પણ પાકનાં અન્ય હિન્દુ મંદિરોની જેમ અહીં પણ મોટાભાગનાં મંદિરો પર તાળાં લાગેલાં છે. આથી અમે તે ગાઈડને પૂછ્યું કે; શું અહીં કોઈ હિન્દુઓ આવે છે? ફરવા કે પૂજા કરવા? તેણે કહ્યું કે; અહીં હિન્દુઓ આવતાં નથી, પણ ઘણાં હિન્દુઓ પૂજા નોંધાવે છે. આ સાંભળી અમે તેને પૂછ્યું કે; આપ અહીં શું કરો છો? જવાબમાં તે કહે સરકાર તરફથી તો હું અહીંનો ચોકીદાર છું અને તમારા હિન્દુઓની વફાને તમારા શિવને પહોંચાડવાનું કામ કરું છું કહી તે અમને કટાસરાજનાં ખંડેરો તરફ દોરી ગયો.

કટાસરાજ ખંડેરોનો ઇતિહાસ બૌદ્ધ, શીખ, રોમન, હિન્દુ અને જૈન લોકો સાથે જેમ જોડાયેલો હતો, તેમ તે તક્ષશિલા વિદ્યાપીઠ જોડાયેલો હતો. અહીં રહેલી પર્વતમાળા અને સુંદર સરોવરોને કારણે આ જગ્યાએ તક્ષશીલા વિદ્યાપીઠની વિશિષ્ટ શિક્ષાનો અભ્યાસ અહીં થતો હતો. આ જ્ઞાનશિક્ષાનો અભ્યાસ કરવા માટે અહીં ઘણાં રોમન વિદ્યાર્થીઓ આવતાં જતાં. પણ પાંચમી સદીનાં ઉત્તરાર્ધમાં સતત થતાં આક્રમણોને કારણે રોમન વિદ્યાર્થીઓ અહીં આવતાં ઓછા થયાં.

પાંચમી સદી પછી અખંડ ભારતની પશ્ચિમી સીમા ઉપરથી લગાતાર આ પ્રાંત ઉપર આક્રમણો થતાં રહ્યા જેને કારણે સદીઓથી વિકસિત રહેલી તક્ષશિલા વિદ્યાપીઠ સહિતનાં આ સ્થળમાં રહેલ મંદિરો, જ્ઞાન મંદિરો, કલા, ધર્મ, ગુરુકુલ અને તેની પરંપરાનો નાશ થયો. પણ પછી ખટાના ગુર્જર વંશનાં રાજાઓનું સામ્રાજ્ય અહીં આવ્યું જેઓ વેદોને માનતાં હતાં. આ તો થયું આ સ્થળનાં ઇતિહાસનું એક ચિત્ર, પણ આ સ્થળનાં ઇતિહાસનાં મૂળ તો શિવ અને સતીની ખંડિત પ્રણયગાથાનાં પાનાંમાં સમાયેલાં છે.

પિતા દક્ષના  યજ્ઞમાં  પોતાના  પતિ  શિવનું  અપમાન  થયેલું  જોઈ  સતીએ  દેહત્યાગ કર્યો  એ મૂળ કથા જાણીતી છે. વિરક્ત અવસ્થામાં સતીનાં મૃતદેહને લઈને ફરતા શિવને જોઈ ભગવાન વિષ્ણુએ ચક્ર છોડ્યું જેને કારણે જ્યાં જ્યાં સતીનાં નિર્જીવ દેહના ટુકડાઓ અત્રેતત્રે પડી ગયાં.

સતીનો મૃતદેહ નીકળી જતાં ભગવાન શિવ રૂદન કરવા લાગ્યાં. ભગવાન શિવનું જો નૃત્ય જો તાંડવ અને તાંડવ પ્રલયની નિશાની ગણાતું કહેવાતું હોય તો આ તો શિવનાં આંસુ છે. જેનાથી પૃથ્વી રસાતળમાં વહી જશે તેવા ભયથી  દેવરાજ  ઇન્દ્રની  આજ્ઞાથી  સતીની  એક  સેવિકા  ભગવાન  શિવની સાથે હાથમાં કટાસ એટલે કે કટોરો લઈને ફરવા લાગી, જેથી આ આંસુ પૃથ્વી પર પડીને પ્રલયકારક ન બને.

બહુ ધ્યાનપૂર્વક ઉપાડેલા કટોરામાંથી યે બે અશ્રુબિંદુઓ પૃથ્વી પર પડી ગયાં. આમાંનું એક બિંદુ તે રાજસ્થાનના અજમેર પાસે આવેલા પુષ્કરમાં પડ્યું, તે પહેલું બિંદુ સરોવર બન્યું અને  બીજું  બિંદુ પડ્યું આ કટાસક્ષેત્રમાં જે બીજું બિંદુ સરોવર બન્યું.

આ સ્થળ સાથે જોડાયેલો બીજો ઇતિહાસ મહાભારતનાં સમય સાથે જોડે છે. સ્થાનિક લોકોને મતે ઇન્દ્રપ્રસ્થ હાર્યા પછી વનવાસમાં નીકળેલાં પાંડવોએ થોડો સમય અહીં વિતાવ્યો હતો. યુધિષ્ઠિરને યક્ષપ્રશ્નનો સામનો પણ અહીં જ કરવો પડ્યો હતો. આ સ્થળની આસપાસ નાના મોટા અનેક ડુંગરો છે અને તેમાં ઘણી જ ગુફાઓ બનેલી છે. પાંડવો કદાચ એમાં જ ક્યાંક રહ્યા હશે.

અમે તે સમયનાં ગાઈડ સાથે ફરતાં હતાં ત્યારે અમને આ મંદિરોની સામેનાં સામેના ભાગમાં સરકાર સંચાલિત બોયઝ હોસ્ટેલ દેખાઈ, આ અંગે પૂછતાં જાણ થઈ કે; ઇતિહાસનાં એક ભાગ રૂપે આ હોસ્ટેલ બનાવી છે, જેમાં ગરીબ છોકરાઓને ગૃહઉદ્યોગ શીખવવામાં આવે છે.

ગાઈડ અમને ફેરવી રહ્યો હતો ત્યારે તે હોસ્ટેલનાં ચોકીદારને અમારા આવવાની ખબર પડી એટલે એ અતિઉત્સાહિત થઈ ગયો. તે ચોકીદારનાં કહેવા મુજબ બ્રિટિશરાજ દરમ્યાન અહીં એક લાઈબ્રેરી પણ હતી જેને હાલમાં પોસ્ટ ઓફિસમાં કન્વર્ટ કરી દેવામાં આવી છે અને આ સિવાય અહીં રહેલ અન્ય ઇમારતોનો પણ પાક સરકાર જીર્ણોધ્ધર કરવાની છે જેથી કરી હિન્દુઓ સહિત અન્ય પર્યટકો આ સ્થળમાં આવી શકે.

તે ચોકીદાર અમારી વાતચીત દરમ્યાન તેની પાસે રહેલ આ સ્થળનાં જૂના ફોટાનું આલ્બમ લઈ આવ્યો. જેમાં અમને બ્રિટિશ સમયમાં આ સ્થળ કેવું હતું તે દ્રશ્ય દેખાડતો એક ફોટો જોવા મળ્યો.

જેનો અમે ફોટો લઈ બોયઝ હોસ્ટેલ માટે ડોનેશન આપી, મુખ્ય મંદિર તરફ આગળ વધી ગયાં ત્યારે અમને જાણ હતી કે; અમે કેવળ બ્રિટિશ સમયનાં ફોટામાંથી તો બહાર નીકળ્યાં હતાં પણ ઇતિહાસનાં પાનાંમાંથી નહીં, તેથી ગાઈડ સાથે અમે જ્યારે મુખ્ય મંદિરો તરફ ગયાં ત્યારે તેની દીવાલ પર રહેલ ભીંતચિત્રોની અનેક કથાઓ જોવા મળી.

ગાઈડે મુખ્ય મંદિરનું તાળું ખોલીને તેણે અમને મંદિરનું ગર્ભગૃહ બતાવ્યું. ગર્ભગૃહની અંદર એક ગુફા હતી, જેની અંદર જતાં ગોળાકારે બનેલા પગથિયાં નજરે પડ્યાં. અંધારાને કારણે અમે અંદર જવાનું માંડી વાળ્યું પણ મંદિરનો ખૂણેખૂણો અમે ફરી અમે બીજા મંદિર તરફ નીકળી ગયાં.

બીજા મંદિર ઉપર અમે ગયાં ત્યાં પણ અમને તાળું જ જોવા મળ્યું. આ તાળું ખોલવા અંગે પૂછ્યું ત્યારે ગાઈડ કહે અહીં થોડીવાર ઊભા રહો, હું આ મંદિરની ચાવી બીજા પાસે છે તે લઈને આવું. તે ગાઈડનાં કહેવાથી અમે ત્યાં થોડીવાર ઊભા રહી આજુબાજુનાં વાતાવરણને અને ભીંતચિત્રોને જોતાં હતાં ત્યારે ખ્યાલ આવ્યો કે; અહીં રહેલ મંદિરોમાં રામ દરબાર મંદિર, ગણેશ મંદિર, હનુમાન મંદિર, સૂર્ય મંદિર, નૃસિંહ મંદિર, શિવ મંદિર રહેલ છે. દૂરનાં વાતાવરણમાં અમને બૌદ્ધ સ્તૂપા અને બિંદુ સરોવર પણ નજરમાં આવતું હતું.

ટૂંકમાં કહું તો આ સ્થળ અમને શિવસતી કાળથી લઈ ૫૦૦૦થી ૨૫૦૦ અને ૨૫૦૦થી લઈ ૩૦૦ વર્ષ પહેલાનાં સમયની ઝાંખી થતી હતી.

અમારી આજુબાજુનાં સમયને અમે જ્યારે સૂંઘી રહ્યાં હતાં ત્યારે ગાઈડ ચાવી લઈને આવી ગયો અને નૃસિંહ મંદિરનાં દ્વાર ખોલી મંદિર બતાવ્યું. આ નૃસિંહ મંદિર અંદરથી આખું પથ્થર અને પથ્થરની કોતરણીથી બનેલું હતું. આ કોતરણીમાં મુખ્યત્ત્વે નૃસિંહ ભગવાન અને હિરણ્યકશિપુનાં સમયમાં કેવા લોકો હતાં, તેની વેશભૂષા, આભૂષણો, તેમનો વ્યવહાર વર્તન, હાવભાવ કેવા હતાં તેની ઝાંખી જે રીતે કરાઇ હતી તે જોતાં મને પ્રાચીન યક્ષમંદિરોની યાદ આવી ગઈ.

આ મંદિર બાદ અમે બૌદ્ધ સ્તૂપા પણ જોયો. જોવાની વાત છે કે; તક્ષશિલા વિદ્યાપીઠનો ભાગ ગણાતાં આ ક્ષેત્રમાંથી કેવળ એક જ બૌદ્ધ સ્તૂપા મળેલો છે.

આ અંગે ગાઈડને પૂછતાં જાણવા મળ્યું કે; તક્ષશિલા વિદ્યાપીઠ જ્યારે પોતાનાં ઉચ્ચકાળમાં હતી ત્યારે પૂર્વ ભારતમાંથી આવતાં વિદ્યાર્થીઓ અહીં આવતાં જેઓ વેદોનો અભ્યાસ કરતાં હતાં. પણ કેટલાક બૌદ્ધ વિદ્યાર્થીઓને માટે એક સ્તૂપા પણ હતો.

ત્યારબાદ પાછળનાં કેટલાક વર્ષો આક્રમણકારીઓ સાથે લડવામાં ગયાં ત્યારે બૌદ્ધ સ્તૂપાનો નાશ કરવામાં આવ્યો. જ્યારે ગુર્જર વંશનાં રાજાઓ આવ્યાં ત્યારે તેમણે અહીં વૈદિક અભ્યાસ હેતુ મંદિરોની સ્થાપના કરી. આ મંદિર પરંપરાની ભાવના દેશ વિભાજન સુધી રહી અને ત્યારપછી આજુબાજુના લોકોએ જ કાફિર નિશાનીઓ ગણી તેનો નાશ કર્યો.

કાફિર, કાફિર લોકો, કાફિર નિશાની… આ શબ્દ સાંભળી સાંભળી મારો ગુસ્સો ચરમસીમાએ પહોંચતો હતો. મારે કહેવું હતું કે; ભારતમાં તમે લોકો આવ્યાં ત્યારે તમે પણ અમારે માટે કાફિર જ હતાં. પણ ભારતનાં એ દુર્ભાગ્ય કે; તમે લોકોએ અમારી ભૂમિ પર તમારું ઘર શોધ્યું ત્યારે તમને અમે સપ્રેમ સમાવી લીધાં, પણ આજે આ ૨૧મી સદીમાં પણ તમારે માટે અમે કાફિર જ છીએ? અત્યાર સુધી પાકમાં હિન્દુઓ માટે સાંભળેલાં આ શબ્દથી હું પરેશાન હતી, પણ સમય અને સંજોગોથી મારા હાથ અને મગજ પણ બંધાયેલ હતાં તેથી તેનાં તે શબ્દ પર વધુ ધ્યાન દીધાં વગર હું તે ગાઈડની પાછળ પાછળ શિવમંદિરમાં પ્રવેશી ગઈ.

કટાસરાજનું આ શિવ મંદિર તે સ્વયંભૂ મંદિર ગણાય છે. પણ મંદિરની સ્થિતિ જોતાં મને ક્યાંયથીયે આ મંદિર સ્વયંભૂ હોવાની લાગણી થતી ન હતી. તેમ છતાંયે પ્રાચીન એવા આ સ્થળનું માહાત્મ્ય ઓછું થઈ જતું નથી. તેથી આપણે ત્યાં જેમ ફોનથી પૂજા અર્ચના કરાવવાનો રિવાજ છે તે રિવાજ ત્યાંનાં હિન્દુઓએ જાળવી રાખ્યો છે.

અમે કટાસરાજ શિવનાં દર્શન કરી સૂર્ય મંદિર, હનુમાન મંદિર અને રામ દરબાર મંદિર તરફ અછડતી નજર નાખી હરિસિંહ કે હઠીસિંહ નામનાં ઠાકુરની હવેલી તરફ વળી ગયાં.

ગાઈડનું કહેવું હતું કે આ હવેલી બની રહી હતી ત્યારે આ હવેલીનાં ખંડની દીવાલ બનાવવા માટે અશ્મિના પથ્થરોનો અને જયપુર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને ભરવા માટે સિમેન્ટ નહીં, બલ્કે રેતી અને ભાતની લાઇનો ઉપયોગ થયો હતો.

વિભાજન પછી ઠાકુર પરિવાર ભારતમાં સ્થાયી થઈ ગયો અને હવેલી ઉજ્જડ થઈ ગઇ. જો કે, અશ્મિના પથ્થરોની બનેલી દિવાલ આજે પણ ભૂતકાળના સાક્ષી સમી અડીખમ ઊભી છે.

ભગ્ન થયેલા આ ખંડની દિવાલો પર હાથ ફેરવતાં ફેરવતાં અમે ભૂતકાળમાં અહીં થયેલા અનેક હાથોના સ્પર્શને ઓળખવા માટે પ્રયત્ન કરી જોયો, જેમાં અમને નિષ્ફળતા મળી જ તેમ છતાં કોઈક અતીત ટકોરા દઈ જાય તે આશાએ અમે જ્યારે હવેલીનાં ખૂણેખૂણાને તલાશી રહ્યાં હતાં. ત્યારે અચાનક બહારની બાજુથી શોરગુલ વધી ગયો. પહેલી દૃષ્ટિએ અમને લાગ્યું કે; કોઈ યાત્રીઓ આવ્યાં હશે, પણ પળભરમાં શોરની ઉગ્રતાને નકારી અમે જૈન મંદિરોની દિશા પકડી જ હતી ત્યાં જ અમારો ડ્રાઈવર આવી ગયો અને તેણે માઝ્દજી અને અમને અહીંથી તાત્કાલિક નીકળી જવા કહ્યું.

અમે પાકિસ્તાનમાં છીએ તે વાતને અમે નકારી શકતાં ન હતાં. પણ હજુ સુધી અમારા માન્યામાં આવતું ન હતું કે; એક બાજુ પાક સરકાર પુનઃ નવનિર્માણ દ્વારા અહીં હિન્દુઓ અને પર્યટકોને પાછા લાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે અન્ય લોકોની સોચ આ સકારાત્મકતાને નકારી વિભાજનકાળમાં જ જીવી રહી છે. એમાંયે આ પ્રજા તો નવી પ્રજા છે તેમ છતાંયે તેમને શું હિન્દુઓ અને હિંદુસ્તાન વિરુધ્ધ શું ઝેરનાં બિંદુઓ પાઈને જ મોટા કરવામાં આવે છે?

અત્યારે આ સમયમાં મારા વિચારોને કોઈ બ્રેક મળવાની ન હતી. બીજી બાજુ અમારા ડ્રાઈવરનો આગ્રહ વધી રહ્યો હતો. અમારી આજુબાજુ તે ગાઈડ સિવાયનાં લોકલ લોકો એક-બે, એક-બે કરીને ભેગા થઈ રહ્યાં હતાં તે જોઈ અમારા મનમાં ડર અને સંદેહ થઈ રહ્યો હતો જેથી અમે આ સ્થળનેય પૂર્ણ રીતે માણ્યાં વગર કારમાં જઈને બેસી ગયા.

કારમાં બેસતાં જ અમારા ડ્રાઇવરે અમને પૂછ્યું કે; તમારો ગાઈડ એક મંદિર બતાવવા માટે કોઈક પાસેથી ચાવી લઈને આવેલો? જેના જવાબમાં અમે હા કહી. આ સાંભળી ડ્રાઈવર કહે; આપનો ગાઈડ જ્યારે ચાવી લેવા તે માણસ પાસે ગયેલો ત્યારે તે માણસને લાગ્યું કે સાફસફાઈ માટે તેણે ચાવી માગી હશે, પણ તેને જાણ થઈ કે; ઈંડિયાથી યાત્રીઓ આવ્યા છે ત્યારે તેને ગુસ્સો આવ્યો કે; આ કાફિરો માટે મંદિરો શા માટે ખોલ્યાં? હવે કાફિર આવવાથી તેમની આ ભૂમિ નાપાક એટલે  કે અપવિત્ર થઈ છે તેથી કરી તે ગામલોકોને એકત્રિત કરવા લાગ્યો.

આજ દરમ્યાન તે ગુસ્સામાં મંદિર બહાર આવ્યો ત્યારે તેને ડ્રાઈવર સામે મળ્યો. તે અમારો જ ડ્રાઈવર છે તેની જાણ વગર તેણે તેની સામે ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું કે; હું અન્ય ગામલોકોને લઈ આવું અને આ કાફિરોને અલ્લાહ પાસે મોકલું.

આ સાંભળી શરૂઆતમાં તે ડ્રાઇવરેય અમારે માટે ખોટો ગુસ્સો દર્શાવ્યો, પણ જેવો તે માણસ ગામ તરફ ગયો કે તરત અમને આવીને જાણ કરી. અમારા પર રહેલ ખતરાને માઝદજી ભાંપી ગયાં અને તેઓ અમને લઈને નીકળી ગયાં.

અમે જ્યારે આ સ્થળ છોડી રહ્યાં હતાં ત્યારે તે વ્યક્તિને જાણ થઈ કે તે જે માણસ સાથે વાત કરી રહ્યો હતો તે અમારી સાથે જ હતો તે વાતની જાણ થતાં તે વ્યક્તિને વધુ ગુસ્સો આવ્યો અને અમારી કાર ઉપર પથ્થરોનો ઘા કરતાં ગામ તરફ દોડી ગયો.

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
 purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પૂર્વીબહેન, આ વાંચીને મને ગ્લાનિ પણ ઉપજી અને વેદના થઈ રહી છે! હું સર્વધર્મ સમભાવની હિમાયતી છું. પણ, મને હિન્દુઓ માટે “કાફિર” શબ્દનો પ્રયોગ હંમેશા તકલીફ આપે છે. વિશ્વના ત્રણ મુખ્ય ધર્મોના લોકો (હિન્દુ, મુસ્લિમ અને ઈસાઈ) ૨૧ મી સદીમાં પણ “અન્ડર કરંટ” નફરતને અતિક્રમવા કોઈ ઉપાય શોધી શક્યાં નથી. વિજ્ઞાનીઓ – એટલે કે વિશિષ્ટ જ્ઞાનીઓ – પાસે પણ કોઈ “ટેકનોસાવી” સોલ્યુશન નથી!
    હવે જો “સંભવામિ યુગે યુગે”નું વચન પાળવા માટે કૃષ્ણ આવશે કે કોઈ મસીહા આવશે તો એણે આ તમામ ધર્મોનાં લોકો વચ્ચે ધર્મોને નામે થતી લડાઈઓ અને વૈમનસ્યનો કાયમી ઉપાય કરાવવા આવવું પડશે!
    આપનું લખાણ વાંચતાં મને એકેએક દ્રશ્ય જાણે મારી નજર સામે ભજવાઈ રહ્યાં હોય એવું લાગતું હતું. ખૂબ સુંદર આલેખન.