ચૂંટેલા શેર ~ નજીક જાવ તો (ગઝલસંગ્રહ) ~ ભરત વિંઝુડા
ચૂંટેલા શેર
આપે છે એક સાથ હંમેશાં બધાયને
સૂરજ કહે નહીં કે હું કોને સવાર દઉં
***
તું આવ તો હું આવું તને આવકારવા
બદલ્યો નથી સ્વાભાવ હજી એનો એ જ છે
***
બસ તને જોઉં ને જોયા જ કરું છું સામે
આ ઈબાદત છે, ઈબાદતથી વધારે પણ છે
***
એને કેમેરાની સામે બેસવાનું ના કહો
જેમ છે એમ જ રહે ત્યારે ખરો ફોટો પડે
***
ક્યાંક તો ઈચ્છા જવાની દિલમાં હોવી જોઈએ
એટલે બેઠા છે ઘરમાં, નીકળી શકતા નથી
***
તમે ક્યાંક બેઠાં હતાં બારમાં
અમે ત્યારે ગંગાકિનારે હતાં
***
ટેકરીઓ આડે આવી જાય છે
એટલે કેડીઓ અટવાતી હતી
***
કોઈ સારસ સારસીની વારતા
આપણો ઇતિહાસ લાગે છે મને
***
તને યાદ કરતો હતો એ ક્ષણે
મને બંદગીનો અનુભવ થયો
***
જાણવા જેવું કશું હોતું નથી
એમ જે જાણે એ જાણી જાય છે
***
જો મળું તો લાગે પહેલીવારનું
ને છૂટા પડવાનું લાગે આખરી
***
તું કહે છે એ બધું દેખાય છે
હું મને પણ તારી આંખે જોઉં છું
***
રમતમાં આમ તો જીતી જવાય એવું છે
પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં
***
તમે ટ્રેનમાં ઊંઘતા હો છો ત્યારે
કોઈ સ્ટેશન ઉતરી જાય સ્ત્રીઓ
***
નગરને વન એટલા માટે જ રાખ્યાં છે
બહુ સહેલું પડે સંસાર ને સંન્યાસ રમવાનું
***
બધા ભેગા મળીને માત્ર કરવાના અહીં ચોવટ
અટુલો એકલો જણ કોઈ સારું કામ કરવાનો
***
કશુંય કહેતા નથી એ, પરંતુ આંખોમાં
મળે છે ત્યારે શિકાયતની ગંધ આવે છે
***
હું નથી ઘરમાં ને એમ જ બહાર પણ
ક્યાંય ના હોવાનું આવ્યું છે મને
***
નથી એકલું કોઈ હોતું ખરેખર
કિનારા હતા બે સરિતાની સાથે
***
અહીંથી જવું છે પરંતુ જવું ક્યાં એ બાબત વિચાર્યા કરું
મારા વિચારોનો ઉત્તર ન મળતા કશે નીકળાતું નથી
***
એકઠાં થાય છે મહેફિલમાં બધા એ લોકો
પોતપોતાને બતાવીને છૂટાં પડવાનાં
***
કોઈને કંઈ કહી શકું નહીં માર્ગ વચ્ચે
બાવલાની જેમ હું જાણે ઊભો છું
***
ફિલ્મનો અંત ખૂબ છે સારો
વચ્ચે વચ્ચે બધું ભયાનક છે
~ ભરત વિંઝુડા
~ ગઝલસંગ્રહ: નજીક જાવ તો
પ્રકાશક: પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.
લાભ ચેમ્બર્સ, મ્યુ. કોર્પોરેશન સામે
ઢેબર રોડ, રાજકોટ
ફોન: 0281- 2232460 / 2234602
Whatsapp: +91 92650 44262
બધાજ શેર ગમી જાય તેવાં.
અભિનંદન. 🌹