આપણે પ્રેમધર્મી છીએ કે ધર્મપ્રેમી? ~ કટાર: અલકનંદા (10) ~ અનિલ ચાવડા

માનવજાત પર વર્ષોથી ધર્મ શાસન કરતો આવ્યો છે. રાજસત્તા તો વ્યવસ્થાનો એક ભાગ છે. જે સત્તા પર હોય તેનો પણ એક ધર્મ હોય છે. આપણે તેને પ્રાધાન્ય આપીએ છીએ. ધર્મ માણસ માટે બન્યો હતો, પણ હવે માણસ ધર્મ માટે બન્યો હોય તેવી સ્થિતિ છે.

Outline of religion - Wikipedia

જન્મતાવેંત નક્કી થઈ જાય છે કે તે કયા જન્મનો છે. ધર્મ વિનાનો માણસ હોઈ જ ન શકે એવી સ્થિતિ ઊભી થઈ છે. જ્યારે ધરતી પર કોઈ ધર્મ જ નહોતા ત્યારે શું જીવન નહોતું? ધર્મ તો માણસને નેક અને અહિંસક બનાવવા માટે, તેના હૃદયમાં પ્રેમની જ્યોતિ પ્રગતી રહે, તે અન્ય માણસ પ્રત્યે અમાનવીય ન થાય તેની જાળવણી માટે છે. પણ ધર્મના લીધે જ અમાનવીયતા વધી રહી છે.

હિન્દુ-મુસ્લિમના ઝઘડા વર્ષોથી થતા આવ્યા છે. માત્ર આપણે ત્યાં જ નહીં, પશ્ચિમમાં પણ ખ્રિશ્ચિયાનિટીમાં આવા જ ધાર્મિક યુદ્ધો છે. કેથોલિક અને પ્રોટેસ્ટન્ટના બે ખ્રિસ્તિ ફાંટાઓ પોતપોતાને જ શ્રેષ્ઠ ગણ્યા કરે છે. યહુદીઓ અને નાઝીઓ વચ્ચેની કત્લેઆમ તો જગજાહેર છે. હિટલરને યહુદીઓ દીઠા ગમતાં નહીં, લાખો યહુદીઓની તેણે કતલ કરાવી નાખી.

Night of the Long Knives | Date, Victims, Summary, & Facts | Britannica

ભારત પાકિસ્તાનના ભાગલામાં પણ મૂળ કારણ શું હતું? ધાર્મિક ભેદભાવ જ ને? ધાર્મિક કત્લેઆમથી ઇતિહાસનાં પાનાંનાં પાનાં છલકાય છે. આપણે એ બધું જાણીએ છીએ, છતાં આપણા મનમાંથી વિધર્મ પ્રત્યેની ઘૃણાની ગાંઠ છૂટતી નથી. આમાં કંઈ ધર્મનો દોષ નથી. ધર્મને સમજવાની આપણી માનસિકતા એમાં જવાબદાર છે.

જરૂરિયાત એ દરેક શોધની જનની છે. એ સત્યને સ્વીકારીએ તો ધર્મ એ જરૂરિયાતમાંથી જ ઉદભવ્યો હશે. જ્યારે અધાર્મિકતા પુષ્કળ પ્રમાણમાં વધી ગઈ હશે, માણસ માણસ પ્રત્યે સદભાવ નહીં રાખતો હોય, પ્રાણીઓ પ્રત્યે પણ વધારે પડતો અહિંસક થયો હશે, નૈતિકતાનો છાંટો સુદ્ધાં નહીં બચ્યો હોય ત્યારે કોઈ સમજુ માણસોએ વિચાર્યું હશે કે જો આમ ને આમ જ ચાલશે તો માનવજાતનો ખાતમો બોલી જશે. આથી તેણે બધાને પરસ્પર જોડવા પ્રેમનો સંદેશ વહેંચવાનું કામ કર્યું હશે. અને આ પ્રેમસંદેશ લાંબા ગાળે ધર્મ બની ગયો હશે.

ઈસુએ શું કર્યું? લોકભલાઈનાં કાર્યો કર્યાં. સેવાર્થે પોતાનું જીવન ખર્ચી નાખ્યું. પ્રેમનો સંદેશો બધાને વહેંચતા રહ્યા. લોકોએ એમને જ સુળીએ ચડાવી દીધા. પ્રેમ આપણને પચતો નથી. આજે ઈસુનો સંદેશ સ્વયં એક ધર્મ બની ગયો છે.

Christian cross with Jesus Christ - Sunsets & Nature Background Wallpapers on Desktop Nexus (Image 1099572)

સિદ્ધાર્થે રાજકાજ છોડ્યા, તપસ્યા કરી. સત્યને પામવા જીવન ખર્ચી નાખ્યું. અંતે બોધિવૃક્ષ નીચે એક દિવસ તેમને જીવન સમજાયું અને તે બુદ્ધ બન્યા. માનવજીનના ઉત્થાન માટે ઠેર ઠેર યાત્રાઓ કરીને સેંકડો પ્રવચનો આપ્યાં, લોકોના ઉદ્ધાર્થ અર્થે જીવન ખર્ચી નાખ્યું. પ્રેમનો સંદેશો સતત વહાવ્યો. આજે એમનો સંદેશો પણ બૌદ્ધ ધર્મ બની ચૂક્યો છે.

Buddha Purnima 2018: Legend behind this special day | Spirituality News | Zee News

મહંમદ પયગંબરની પણ આ જ વાર્તા છે. મહાવીરની કથાના સત્યમાં જાઓ તો તેનું અંતિમ સત્ય પણ આ જ પ્રકારનું છે. શીખ ધર્મનું સત્ય પણ કંઈ આનાથી અલગ નથી. એક મનુષ્ય અન્ય મનુષ્યને ઉત્તમ બનાવવા માટે જીવન ખર્ચી નાખે છે. તેમનાથી પ્રેરાઈનો લોકો તેમના નામનો એક ધર્મ રચી નાખે છે. પછી એને ફોલો કર્યા કરે છે.

ગાંધીજીએ સત્ય અને અહિંસા પાછળ જીવન ખર્ચી નાખ્યું. લાંબા ગાળે ગાંધીના વિચારો પણ એક ધર્મ થઈ જાય તો નવાઈ નહીં. જેમ સિદ્ધાર્થ નામનો રાજકુમાર સમય જતાં ભગવાન બુદ્ધ બની ગયો, એમ મોહનદાન નામનો એક વકીલ સમય જતા ભગવાન બની જાય તો નવાઈ નહીં.

In Remembrance: Rare Photographs Of Mahatma Gandhi

આ બધા જ મહાન મનુષ્યોએ કશું નવું શોધ્યું નથી. જે આપણી અંદર નાશ પામ્યું હતું તેને જ ફરી જીવંત કરવાના પ્રયત્નો કર્યા છે. આપણામાં રહેલી અનૈતિકતાને દૂર કરવા માટે જીવન ખર્ચ્યું છે. તેમણે એ જ શોધ્યું છે જે આપણી અંદર પહેલેથી હતું. પણ આપણામાં ઢંકાયેલું હતું.

ઘોર અંધારી રાતે સૂરજ નથી આવી શકતો, પણ એક નાનો દીવો સૂરજની ગરજ સારે છે. આ મહાત્માઓએ સમયે સમયે દીવડા બનીને આપણી જિંદગીના અંધકારને દૂર કરવાનું કામ કર્યું છે. પણ આપણે તેમણે ફેલાવેલી સુવાસને ફોલો નથી કરતાં.

એ સુવાસને આપણે પોતપોતાની શીશીઓમાં ભરી લીધી છે. અને હવે સ્થિતિ એ છે કે સુવાસની મહાનતાને બાજુએ મૂકીને આપણે મારી શીશી વધારે સારી છે, મારી શીશી ઉત્તમ કાચમાંથી બની છે. મારી શીશી બહુ ટકાઉ છે એવા ઝઘડામાં પડી ગયા છીએ. ધર્મ એ સુગંધમાં છે, શીશીમાં નથી એ વાત આપણે ભૂલી ગયા છીએ.

મહામાનવોએ જે પ્રેમનો સંદેશો આપ્યો હતો એ આપણે ઘોળીને પી ગયા છીએ અને અમે ક્યારેય નહીં સુધરીએ એવી કસમ ખાઈને બેઠા છીએ.

જો ભગવાનના ખુદ આવવાથી બધા કાયમ માટે સુધરી જતા હોત તો હિન્દુ ધર્મમાં અવતારકથાઓ આટલી બધી ના હોત, એક જ કથા હોત કે એકવાર ભગવાન ધરતી પર રામ કે કૃષ્ણ કે અન્ય કોઈ અવતાર લઈને આવ્યા અને અધર્મનો નાશ કરી ધર્મ સ્થાપિત કર્યો. પણ ના, આપણે એમ કંઈ એકવારમાં થોડા સુધરી જઈએ? આટઆટલાં વર્ષો પછી પણ આપણે હતાં ત્યાંના ત્યાં જ છીએ. દર વખતે આપણને મહાત્મા સુવાસ આપી જાય છે અને દર વખતે આપણે શીશીના પ્રેમમાં અંધ થઈ જઈએ છીએ.

રાજકારણીઓ સત્તા માટે મતનું રાજકારણ કરશે. ધર્મને આગળ ધરશે. લઘુમતી-બહુમતિનાં ગાણાં ગાશે. તમારી સાથે અન્યાય થયો છે અમે તમારી પડખે છીએનાં બણગાં ફૂંકશે. ધર્મને સાચવવાની જાણે બધી જવાબદારી એમની પર જ આવી ગઈ હોય એટલી વ્યથાઓ ઠાલવશે.

Rahul Gandhi shares fake news related to Lord Ram, twice in two days. This is what it shows

સમાજના મોભીઓ પણ છેવટે એ જ કરશે, પોતાનું મોભીપણું સાચવી રાખવા માટે અન્ય ધર્મથી આપણા ધર્મનું પોતે કેટલું રક્ષણ કરી રહ્યા છે તે વારેવારે બતાવ્યા કરશે. ધંધાદારીઓ પણ આપણા કરતા બીજા ધર્મના વધારે કમાઈ રહ્યા છે.

આપણા લોકોમાં બુદ્ધિ હોત તો તેમની વસ્તુઓનો બહિષ્કાર કરીને આપણા લોકોને આગળ લાવત. નોકરીઓમાં પણ આ જ થશે. ફલાણા ધર્મના લોકો વધારે ઊંચી સત્તા પર છે. આ બધું જ એક સાથે નહીં થાય, દિવસે દિવસે મહિને મહિને વર્ષો જાય છે આ બધું કાનમાં રેડાતા. જે જે રેડાયું છે એનાં થર બાઝી જાય છે આપણી સમજણ ઉપર.

આપણે ધર્મપ્રેમમાં ગળાડૂબ થઈ જઈએ છીએ અને પ્રેમધર્મને ભૂલી જઈએ છીએ. બધા ધર્મોનો એક જ સાર છે પ્રેમ.

There are six styles of love. Which one best describes you?

કોઈ ધર્મ એવું નથી શીખવતો કે તમે અન્યને પ્રેમ ન કરો. અત્યાર સુધી અનેક મહાત્માઓ આવ્યા, અનેક ભક્તો થઈ ગયા, અનેક કવિઓ કવિતા રચીરચીને થાકી ગયા. પ્રેમના પંથને ચીંધી ચીંધીને બધાના હાથ દુઃખી ગયા પણ આપણે તો પાટા બાંધીને બેઠા છીએ. ક્યાંથી દેખાય આપણને પ્રેમધર્મ? આપણી આંખે તો ધર્મપ્રેમનો પાટો બાંધ્યો છે.

મોરબી પુલ દુર્ઘટનામાં એક મુસ્લિમ યુવકે અનેક લોકોના જીવ બચાવ્યા તેમાં પણ ઘણા લોકોને તેનો ધર્મ દેખાયો, તેની જાત દેખાઈ. એ ન દેખાયું કે તે એક મનુષ્ય છે, તેનામાં પણ બીજા મનુષ્ય પ્રત્યે ભરપૂર પ્રેમ છે, આદર છે. એટલા માટે તેણે જીવ જોખમમાં મૂકીને બચાવવા માટે ઝંપલાવ્યું.

Gujarat Morbi Bridge Collapse: Meet This Young Man Who Saved More Than 60 Lives

આપણે ધર્મપ્રેમી બનવાને બદલે પ્રેમધર્મી બનવાની જરૂર છે.

***

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. પરથીભાઈ ચૌધરી,'રાજ '(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    ખૂબ સરસ.

  2. એટલો સંયમિત અને તટસ્થતાથી આ લેખ લખ્યો છે એ બદલ ભાઈ અનિલને અભિનંદન. સત્તા, પૈસા અને મદના મોહમાં પ્રેમધર્મને ધર્મદુષણ બનાવીને મૂકવાવાળા આપણે જ છીએ. એકમેક પર સરસાઈ સાબિત કરવાની હોડમાં માનવી પરિવારોના યુદ્ધથી માંડી, મહાભારત અને બે બે વિશ્વયુદ્ધો લડ્યા પછી પણ આજ સુધી કંઈ શીખ્યો નથી. આ માણસાઈ પર દ્વેષ અને ધિક્કારે મેળવેલી સરસાઈ છે. એટલું જ નહીં, પણ આ આજના કહેવાતા “પ્રોગ્રેસિવ” સમાજનું સૌથી મોટું કમભાગ્ય છે.

  3. ” ધર્મ માણસ માટે બન્યો હતો, પણ હવે માણસ ધર્મ માટે બન્યો હોય તેવી સ્થિતિ છે.”

    “મહામાનવોએ જે પ્રેમનો સંદેશો આપ્યો હતો એ આપણે ઘોળીને પી ગયા છીએ અને અમે ક્યારેય નહીં સુધરીએ એવી કસમ ખાઈને બેઠા છીએ.✅✅✅

  4. અનિલભાઈ ખૂબ સરસ કતાર આપણે ધર્મપ્રેમીને બદલે પ્રેમધર્મી બનીએ