જૂના લાહોરની ગલીઓમાં સૈર સપાટા (1) ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 33) ~ પૂર્વી મોદી મલકાણ

લાહોરની જે હોટેલે અમને પણ સ્પાય સમજી લીધેલાં તે હોટેલને અમે થોડા ઘણાં નાસ્તા પછી છોડી દીધી અને માઝદજીનાં પરિવાર સાથે જૂના લાહોરમાં સૈર સપાટા ચાલુ કર્યા. ત્યારે જાણવા મળ્યું કે; આગ્રા, ફતેહપુર સિક્રી પછી દિલ્હી અને લાહોર આ બંને સિટી મુઘલ બાદશાહોના હૃદયની વધુ નજીક હતાં. તેથી તેમણે આ બંને શહેરનો મહત્તમ વિકાસ કર્યો. આ બંને શહેરમાંથી લાહોરનાં વિકાસની શરૂઆત બાબર દ્વારા થયેલી.

Babur: The founder of the empire which ruled India for over 300 years - India Today
બાબર

દિલ્હી અને સિક્રીનો વિકાસ બાદશાહ અકબર દ્વારા સૌથી વધુ થયેલો. જ્યારે આગ્રાનાં વિકાસનાં વિકાસમાં શાહજહાંનો હાથ હતો.

પણ કેવળ લાહોરની જ વાત કરીએ તો બાબરની હિન્દુસ્તાનની યાત્રામાં લાહોર એક પ્રવેશદ્વાર રૂપ હોઈ મુગલોમાં લાહોરનું એક અલગ જ મહત્ત્વ રહેલું. જેને કારણે બાબરથી લઈ ઔરંગઝેબ સુધીનાં બધાં જ મુઘલ બાદશાહો લાહોર વિકાસમાં અગ્ર રહ્યાં. જો’કે એ વાત અલગ છે કે; લાહોરનું અલગ મહત્ત્વ હોવા છતાં, મુગલ બાદશાહોએ દિલ્હી ક્યારેય છોડ્યું નહીં.

આ કારણે થયું એવું કે; બાદશાહ ઔરંગઝેબ સુધીનાં તમામ બાદશાહોએ દિલ્હી અને લાહોરને ધ્યાનમાં રાખીને આ બંને શહેરમાં અમુક વિસ્તારો, ગેટ, દરવાજાઓ અને સરાઈઓ એવા ઊભા કર્યા જેના નામ કાં તો એકસરખા હતાં અથવા તો એકબીજાની યાદમાં હતાં. દા.ત. દિલ્હીમાં ચાંદની ચોક આવેલો છે તેમ એક ચાંદની ચોક જૂના લાહોરમાં પણ બનેલો છે, લાહોર અને દિલ્હીનાં ચાંદની ચોક વચ્ચેની કડીને જોડીને એક અન્ય ચાંદની ચોકનું નિર્માણ પછીથી નવા ઇસ્લામાબાદમાં પણ કરવામાં આવ્યું.

આ જ રીતે દિલ્હીમાં એક લાહોરી ગેટ આવેલો છે તો લાહોરમાં એક દિલ્હી ગેટ આવેલો છે.

Lahori Gate, Delhi - Wikipedia
લાહોરી ગેટ – દિલ્હી

જો’કે ગેટની વાત કરવામાં આવે તો અમને લાહોરમાં હાથી ગેટ, યાક્કી ગેટ, ઊંટ ગેટ, રોશનાઈ ગેટ, બુર્જ ગેટ, અકબરી ગેટ, છોટે ઔર બડે કાશ્મીરી ગેટ એમ અનેક ગેટ દેખાયાં. તો સાથે દરવાજા પણ ઘણાં જ દેખાયાં દા.ત. બુલંદ દરવાજા, અમરોહી દરવાજા, રાજપૂતી દરવાજા, ઈરાની દરવાજા, ચાંદ દરવાજા વગેરે.

ચાંદ દરવાજા

લોકલ લોકો સાથે વાતચીત કરતાં જાણવા મળેલું કે; નવા લાહોરમાંથી જૂના લાહોરનાં વિસ્તારમાં પ્રવેશવાનાં લગભગ ૧૩ દરવાજા છે. આ સર્વે ગેટ અને દરવાજાઓને પાર કરી આડાઅવળા રસ્તાઓ અને ગલીઓમાંથી પસાર થતાં અમે જ્યારે જૂના લાહોર તરફ પગ માંડ્યાં ત્યારે સમય અનુસાર મુગલ બાદશાહોએ બનાવેલ અનેક ઇમારતો પણ અમારી નજરમાં આવી.

મુગલ બાદશાહો દ્વારા બનેલ આ ઇમારતો એ આજનાં લાહોરનાં ઐતિહાસિક ચિન્હ રૂપ છે. ઇતિહાસ કહે છે કે; લાહોરનાં વિકાસની શરૂઆત બાબરે કરેલી, જ્યારે હુમાયુનો મોટા સમય લડવામાં ગયો હોઈ તે લાહોર માટે સમય કાઢી શક્યો નહીં, ઉપરાંત તેનું ધ્યાન કેવળ દિલ્હીની ગાદી સુધી સીમિત હતું.

હુમાયુ પછી અકબર ગાદી પર આવ્યો ત્યારે તેણે લાહોરમાં ફરી ઇમારતો બનાવવાની શરૂઆત કરી.  દા.ત. આ લાહોર ફોર્ટને જોઈએ. મૂળ લાહોર ફોર્ટનાં પાયા તો ૧૧મી સદીમાં મૂકાયાં હતાં અને તે ય બનેલો હતો માટીનો. પણ બાદશાહ અકબરનો સમય આવતાં આવતાં તે ખંડિત થયો હોઈ તેનાં જીર્ણોધ્ધારનું કાર્ય અકબરે ઉપાડ્યું ત્યારે તેણે હિન્દુ રાજાઓ સાથેનાં સંબંધોને ધ્યાનમાં રાખીને હિન્દુ અને પર્શિયન શૈલીને નજરમાં રાખી કરાવ્યું.

આ ફોર્ટનાં મિનારાની નીચેની ડિઝાઇન એ કમળનાં ફૂલોની છે. હિન્દુઓમાં કમળનું ફૂલ એ દેવી લક્ષ્મીને, સૌંદર્ય શૃંગારની દેવી મદનિકા અને અપ્સરાઓને સમર્પિત છે. જ્યારે ઉપરની ગુબંજ છતરીઓ રાજસ્થાની શૈલીને પ્રસ્તુત કરે છે. (Ancient Hindu city of Lahore ને આધારિત)

આ જ પ્રમાણે અકબર બાદશાહે બનાવેલી બીજી ડિઝાઇન જેમાં તોરણનું અને તોરણમાં રહેલ ફૂલ, કળશનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ત્રીજા ફોટામાં રહેલ છે ચાંદ દરવાજા, જેની ડિઝાઇન પર્શીયન આર્ટને પ્રસ્તુત કરે છે પણ દીવાલ પર રહેલી ડિઝાઇનમાં રાજસ્થાન આર્ટનો અંશ રહેલો છે.

કમળનાં ફૂલોની વચ્ચે શોભતા લાહોર ફોર્ટનાં મિનારાઓ

અકબર બાદશાહ પછી થોડીઘણી ઇમારતોનું નિર્માણ જહાંગીરે લાહોર અને પેશાવરમાં કર્યું જેમાં ફુવારે-ખાસ વધુ હતાં. આ ફુવારે-ખાસનો ઉપયોગ ગરમીથી બચવા માટે કરાતો.

જહાંગીર પછી શાહજહાંએ સૌથી વધુ ઈમારતો લાહોરમાં બનાવી જેમાં સરાઈનું (કૂવાઓવાળા સરકારી ભવન) પ્રમાણ વધુ હતું. શાહજહાં પછી ઔરંગઝેબે પણ અમુક ઇમારતો બનાવી. તેમાં મસ્જિદોનું પ્રમાણ વધુ હતું જેમાં ઈરાની, અરબી કળાનું મિશ્રણ કરવા આવ્યું હતું.

ભારતીય તોરણ આર્ટ -બાદશાહી મસ્જિદ

લાહોર પર અંગ્રેજોનું રાજ્ય થયું, ત્યારે તેમણે આજ ઇમારતો ઉપર પોતાની અસર જમાવવાનો પણ પ્રયત્ન કરતાં તેમાં વિક્ટોરિયન શૈલીનું પણ મિશ્રણ કર્યું. જેને કારણે આ ઈમારતોને ઇન્ડો -ગોથિક સ્ટ્રક્ચર તરીકે માન્યતા મળી.

ઇતિહાસકાર ડો. આર. જે. શેઠીનાં મત મુજબ ૧૭૫૨ સુધી લાહોર મુગલ બાદશાહો માટે અગત્યનું રહ્યું હોઈ મુગલ બાદશાહોએ કિલ્લેબંધીની ઇમારતો સાથે બગીચાઓ અને દીવાન-એ-આમ બેઠકો બનાવી. તેમણે  લાહોરનો સાર્વભૌમ વિકાસ કર્યો તે જોઈ ખ્યાલ આવે છે કે; મુગલોનાં સમયમાં લાહોર ભવ્યતાની ટોચ ઉપર પહોંચ્યું હશે.

એક સમયે ભવ્યતાની ટોચ પર રહેલ જૂના લાહોરમાં અમે તો ગઇકાલની રાતથી જ ફરી રહ્યાં હતાં, પણ આજનો વિસ્તાર એ ગઇકાલનાં જૂના લાહોર કરતાંયે વધુ જૂનો હોઈ અહીંનો પ્રવેશમાર્ગ પણ નાની અને સાંકડી ગલીઓ વચ્ચે ફેલાયેલો હતો.

આ સાંકડી ગલીમાં જ્યાં જ્યાં અમારી નજર જતી ત્યાં ત્યાં અમને મુગલ બાદશાહો અને તેમનાં વજીરો, હાકેમ અને સુબાઓ દ્વારા બનાવાયેલ ઇમારતો નજરમાં આવતી હતી. તો સાથે સાથે જૂનામાં જૂની બાંધણીવાળા મકાનો, દુકાનોની એટલી સરીઓ (હારબંધ) નજરમાં આવતી હતી કે; તેને જોઈ અરેબિયન નાઇટ્સની અનેક વાર્તાઓ મન ઉપર ટકોરા મારી રહી હતી.

અરેબિયન નાઇટ્સની ખાતૂનનાં મોં પર જેમ પડદો હોય તે રીતે અહીં રહેતી બાનુઓ પણ આખા ચહેરા અને આંખોને કવર કરતાં આબાયા પહેરી ફરતી દેખાઈ. આબાયા પણ માત્ર પહેરવું એમ નહીં પરંતુ આબાયામાં આંખ પાસે જાળીવાળો ભાગ રાખેલ હોય તેમાંથી જોવાનું અથવા બે આંખોની વચ્ચે નાક પાસેથી પણ એ રીતે સિવેલું હોય કે આંખોની બે કીકી સિવાય કંઇ ન દેખાય.

આ વિસ્તારની અન્ય સ્ત્રીઓ, અને બાળાઓ સલવાર કમીઝ પહેરેલ હતી અને તેઓના ચહેરા  દુપટ્ટાથી ઢાંકેલ હતાં. મોટાભાગના પુરુષો પઠાણી પહેરેલા હતાં. તેમના માથા પર સાફો અથવા મિયાં ટોપી શોભતી હતી.

ખુલ્લા માથાવાળા મિયાં અને બાનુઓ તો જવલ્લે જ જોવા મળી રહ્યાં હતાં. તેઓને જોતાં ખ્યાલ આવ્યો કે અહીં રહેનાર લોકો ખૂબ રૂઢિચુસ્ત હોવા જોઈએ. એમાંયે મારા ભારતીય પહેરવેશ અને ભારતીય ચહેરા સાથે આ રૂઢિચુસ્ત લોકોની વચ્ચે ફરવાનું મારે માટે પણ ઘણું જ અજુગતું હતું.

અહીં આ વિસ્તારના ફોટાઓ લેવાની મેં ઘણી કોશિશ કરી પરંતુ મારો ફોટો લેવો તેઓને ગમ્યું નહોતું તેથી તેઓ ક્યારેક દેકારો બોલાવી દેતાં અથવા ટોળે મળી જતાં હતાં. તેઓનો આ દેકારો એક પ્રવાસી તરીકે અમારે માટે સારો ન હતો તેથી અહીં ફોટો લેવાનું માંડી વાળી અમે વઝીરેખાન મસ્જિદ તરફ વળી ગયાં.

પાકિસ્તાન સરકારે જે ઇમારતોને હેરિટેજ સ્થળ તરીકે વિકસાવેલ છે તેમાં આ મસ્જિદ પણ છે. આ મસ્જિદ ૧૬૩૪માં શાહજહાઁના વજીર અલ-ઉદ-દ્દિન-અન્સારીએ જેઓ એક તબીબ પણ હતાં અને એ સમયમાં લાહોરના વઝીર-એ-આલા (ગવર્નર) હતાં તેમણે સાત વર્ષના સમયગાળામાં બનાવેલી.

બાદશાહના વજીરે આ મસ્જિદ બનાવેલી હોવાથી આ મસ્જિદને વઝીરેખાન મસ્જિદ નામ અપાયું. મુગલ બાદશાહો જ્યારે પણ કોઈ ઇમારત બંધાવતાં ત્યારે તેઓ આરસ પથ્થરનો ઉપયોગ વધુ કરતાં. પરંતુ ક્યારેક એવું પણ બનતું કે આરસ પથ્થર મેળવવો મુશ્કેલ થઈ જાય અથવા તો પથ્થર મોંઘો થઈ જાય ત્યારે તેઓ લાલ ઈંટનો ઉપયોગ કરતાં.

આ જ વાત બની હતી આ મસ્જિદના બાંધકામ વખતે, જ્યારે વજીર અલ-ઉદ-દ્દિન-અન્સારી લાહોરની વઝીરશાહ મસ્જિદ બનાવી રહ્યા હતાં ત્યારે. તે સમયમાં પથ્થરનો ભાવ વધુ થયો હશે અથવા તો પથ્થર મળ્યાં નહીં હોય તેથી આ મસ્જિદના બાંધકામમાં મોટાભાગના પ્રમાણ માટે કંકર લાઈમ સ્ટોન, sprinkling લાલ ઈંટ, ટેરાકોટા અને બહુ થોડા પ્રમાણમાં પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ઉપરાંત થોડા ઘણા અંશે ટાઇલ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તદ્પરાંત જ્યારે આ મસ્જિદ બની રહી હતી તે સમયમાં ભારતીય રંગો ઘણા જ પ્રખ્યાત હતાં તેથી આ મસ્જિદમાં રહેલી ઈંટો પર રંગ કરવા માટે ભારતથી લાલ રંગ મંગાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ મસ્જિદમાં રહેલી ફૂલપાનની ગૂંથણીવાળી ડિઝાઇન, અબ્રાસ્ક અને ગ્રાફિક ડિઝાઇન એટલી સુંદર રીતે કરવામાં આવી છે કે બસ તેને જ જોયા કરવાનું મન થાય.

મસ્જિદની જમણી અને ડાબી તરફ ૧૦૦ ફૂટ-૧૦૦ ફૂટનાં બે ઊંચા મિનારા છે. આ મિનારાની ડિઝાઇન અને તેમાં પુરવામાં આવેલા રંગને કારણે આ મિનારાની શોભા દિવસ દરમ્યાન અત્યંત સુંદર અને મનમોહક થઈ જાય છે.

આ મસ્જિદની દીવાલો પર અરબી ભાષામાં કુરાનની આયાત લખવામાં આવી છે. ઉપરાંત આ ચારે દિશાની વિવિધ બાજુએ સંત મોહમદ પયગંબરનો પણ સંદેશો લખવામાં આવ્યો છે. આ મસ્જિદની અંદરની બાજુના બેઝમેન્ટમાં ૧૪મી સદીના ઈરાનના સંત બાદશાહ મીરાન શાહની કબર આવેલી છે. કહેવાય છે કે જે આ મસ્જિદ બની તે પહેલાની આ કબર છે. જ્યારે વઝીરશાહે આ મસ્જિદ બનાવવાની શરૂઆત કરી ત્યારે તેણે આ કબરને યથાવત્ રાખીને તેની આજુબાજુ મસ્જિદ ચણી લીધી. આજે પણ આ કબરની મુલાકાત લેવા માટે પણ ઘણા લોકો આવે છે.

(ક્રમશ:)

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
 purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. Lahore ni vastvik mulakat
    Very nice combination of
    Words description fully justified.

    Many Many congratulations 🎊

  2. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    ખૂબ સરસ અલભ્ય માહિતી.