લીધાં છે…! (ગઝલ) ~ તાજા કલામને સલામ (૧૭) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: મેઘા જોશી ~ આસ્વાદઃ સપના વિજાપુરા
‘લીધાં છે……!’ ~ ગઝલ ~ મેઘા જોષી
દુ:ખોની ય પાસે દિલાસા લીઘાં છે,
અમે જીવવાના બહાનાં લીઘાં છે.
હજી ડૂબવાનો સતત ભય છે તેથી,
નદી પાર કરવા તરાપા લીઘાં છે.
સતત અંઘકારે ન જીવી શકાયું,
મેં એથી ઉછીના સિતારા લીઘાં છે.
ભલે ના કહો છો એ યાદોને મારી,
નયનમાં તમારાં ઉતારા લીઘાં છે.
તમે જો ન આપી શકયા સાથ અમને,
અમે અક્ષરોના સહારા લીઘાં છે.
~ મેઘા જોશી
~ આસ્વાદઃ સપના વિજાપુરા
પાલનપુર નિવાસી યુવા કવયિત્રી મેઘા જોષી વ્યવસાયે મામલતદાર છે. ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં લખે છે. હાઈકુ અછાંદસ અને ગઝલ લખવામાં માહિર છે. એમની એક સુંદર ગઝલનો આસ્વાદ કરીએ.
દુ:ખોની ય પાસે દિલાસા લીઘા છે,
અમે જીવવાના બહાનાં લીઘા છે.
દુનિયામાં કોઈ એવો માણસ નહિ હોય કે જેના ઉપર કોઈ દુઃખ નહીં પડ્યું હોય! કારણકે ધન. સંતાન, સંપત્તિ જો માણસના નસીબમાં હોય, સર્વ સુખ હોય તો મૃત્યુ તો આવવાનું જ છે.
કુટુંબમાં કોઈનું મૃત્યુ તમને શોકમગ્ન કરી દે છે. પણ માણસને જીવવું પડે છે. ગમે તે થાય ” life goes on” જિંદગી તો ચાલતી જ રહેવાની. માણસને જીવવા માટે સો બહાના મળી જાય છે.
કોઈ માણસને સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરીને આવો કે કબ્રસ્તાનમાં દફન કરીને આવો, ઘરે આવીને વિચારવાના કે, “ઓહ, કાલે છોકરાને સ્કૂલે મોકલવાના છે. ઓહ જોબ પર જણાવવું પડશે, ફેમિલીમાં મૃત્યુ થયું છે.” તમે જીવવા માટેના બહાના શોધી કાઢશો. દુઃખની પાસેથી પણ દિલાસા મળી જાય છે. બધા દિવસો સરખા નથી રહેતા! હરેક રાતની સવાર થવાની છે.
હજી ડૂબવાનો સતત ભય છે તેથી,
નદી પાર કરવા તરાપા લીઘાં છે.
‘નહીં રેહનેવાલી યેહ મુશ્કિલેં, કે હૈ અગલે મોડ પે મંઝિલે.” દુઃખનો અંત આવી જાય તો પણ ડૂબવાનો સતત ભય રહે છે. તેથી તરાપા લીધા છે. દુઃખની નદી તો વહેતી જ રહેવાની.
જીવનની સફર પૂરી કરવા માટે જીવનસાથી, કોઈ દોસ્ત, કોઈ પોતાનાની જરૂર પડે છે. દુઃખરૂપી આ નદી પાર કરવા માટે પોતાનાના સહારા લેવા પડે છે. જિંદગીનો સમંદર ભવસાગર તરીકે ઓળખાય છે. જેને જીવન મળ્યું છે તેને આ ભવસાગર પાર કરવો રહ્યો. એના માટે ઈશ્વરે આપણને સાથી આપેલા છે. જે તરાપા બની ને પાર ઉતારે છે.
સતત અંઘકારે ન જીવી શકાયું,
મેં એથી ઉછીના સિતારા લીઘાં છે.
કવયિત્રીના દરેક શેરમાં એને શા માટે સહારાની જરૂર છે એ દર્શાવ્યું છે. મેઘાબેન કહે છે કે સતત અંધકારે ન જીવી શકાયું એથી ઉછીના સિતારા લીધા છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા! આ પરમ તેજ માટે ઇન્સાન રૂપી સિતારા લીધા છે. એ પણ ઉછીના સિતારા લીધા છે. સમય આવે એ ઉછીના સિતારા પાછાં પણ આપવા પડે છે.
જીવનમાં એક એક ઇન્સાન આવે છે, તે પોતાનું પાત્ર ભજવી આપણા જીવનમાંથી નીકળી જાય છે. પણ એક તેજ જે પરમ છે. એ આપણા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે એ ઈશ્વરનો સાથ. અને જેને ઈશ્વરનો સાથે મળે છે એને અંધકારથી ડરવાની શું જરૂર છે?
ભલે ના કહો છો એ યાદોને મારી,
નયનમાં તમારાં ઉતારા લીઘાં છે.
પ્રિયપાત્ર જીવનમાંથી ચાલ્યું જાય, પણ શું એ હંમેશ માટે વિદાય લઇ લે છે? ના કદી નહિ. યાદોને કોઈ છોડી શકતું નથી. એ તો તમારી સાથે ઉઠે છે અને તમારી સાથે સુવે છે. ભલે દુનિયા નામક્કર જાય પણ યાદ તો ધીરેથી હૃદયમાંથી ડોકિયું કરી જ લે છે.
કારણ શું છે? કારણકે નયનમાં એમના ઉતારા હોય છે. જ્યારે હૃદયમાં જગ્યા આપી છે તો નયનમાં પણ એ બિરાજમાન થઇ જાય છે. સારું છે,કે આંખોમાં એની તસ્વીર છપાઈ નથી જતી નહીંતર દુનિયાને શું જવા આપત? “દુનિયા કરે સવાલ તો હમ ક્યા જવાબ દે, તુમ કૌન હો ખ્યાલ તો હમ ક્યા જવાબ દે?”
તમે જો ન આપી શકયા સાથ અમને,
અમે અક્ષરોના સહારા લીઘાં છે.
અને જ્યારે પ્રિયપાત્ર જીવનમાં સાથ ના આપી શકે તો કવયિત્રી શું કરે? દુનિયાથી છૂપાવી લે છે પણ અંતરમાં ઊછળતી લાગણીઓને શી રીતે વાચા આપવી? એ અક્ષરોના સહારા લે છે.
આ ગઝલ શું છે? મારી વાત તારા સુધી પહોંચાડવાનું માધ્યમ છે.
મહેફિલમાં ગઝલ બોલાતી હોય ત્યારે કવિને મહેફિલની નથી પડી હોતી! કવિની નજર તો ટોળામાં બસ એક વ્યકતિ પર હોય છે. વાત જેના સુધી પહોંચાડવી છે એને પહોંચી કે નહિ! પંકજ ઉધાસની ગાયેલી જાં નિસાર અખ્તરની ગઝલ યાદ આવી ગઈ. “અશઆર મેરે યું તો જમાને કે લિયે હૈ, કુછ શેર મગર ઉનકો સુનાને કે લિયે હૈ!
***
હૃદયસ્પર્શી.
Thank you
ખૂબ સરસ ગઝલ… મેઘા જોશીને અભિનંદન…
Thank You Bhai
વાહ
સરસ ગઝલ અને
આસ્વાદ
ખૂબ ખૂબ શુભેચ્છાઓ
મેઘા જોશી
Thank You Parbatbhai
ખૂબ સરસ લેખન શૈલી
રજૂઆત ખૂબ અર્થસભર છે
લખતા રહો
All the best
Thank You
મારી આ પ્રથમ ગઝલ છે. ગઝલના ભાવને ઘણી જ સુંદર રીતે શબ્દોમાં આલેખવા બદલ ખૂબ ખૂબ આભાર..