મજા છે…! (ગઝલ) ~ તાજા કલામને સલામ (૧૬) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: મેઘા જોષી ~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ

વિકટ મારગે ચાલવાની મજા છે.
અને પાછું ત્યાં થાકવાની મજા છે.

કદમને નવી મંજિલોનું છે વળગણ,
અજાણી ડગર ૫ર જવાની મજા છે.

નદીઓ, તળાવો, સમંદર ઘણા છે,
છતાં ઝાંઝવાને પીવાની મજા છે.

ક્ષણોની એ રેતી ઝડ૫થી સરકતી,
સરકતી ક્ષણો ઝીલવાની મજા છે.

ખબર છે કે રણમાં ન ઉગે કશું ૫ણ,
એ રણમાં ય જળ વાવવાની મજા છે.

~ મેઘા જોશી 
~ આસ્વાદઃ દેવિકા ધ્રુવ

સરકારી અમલદાર તરીકે કામ કરતાં અને પાલનપુરના વતની મેઘા જોશીની ઉપરોક્ત ગઝલમાં અઘરાં નિશાનો તાકવાની ખુમારીભરી કેફિયત છે. કલમ નવી છે પણ શેરિયત ધ્યાનપાત્ર છે.

ટૂંકી બહેરની માત્ર પાંચ જ શેરોની ગઝલમાં કશુંક નવું અને વિકટ કરવાની નેમ વર્તાય છે. સામાન્ય રીતે ગુલાબના ફૂલો વચ્ચે સરળતાથી, સીધે સીધું જીવન  જીવવાનું તો બધાને ગમે. કોઈ તકલીફ નહિ, કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિ નહિ. બસ, ખાવું, પીવું ને જલસા કરવાનું કોને ન ગમે? પણ ના, અહીં તો ગઝલની નાયિકા એક પડકારની વાત લઈને આવે છે.

એને તો વિકટ માર્ગે ચાલવું છે. પૂરેપૂરી સમજણ છે કે, એમાં મુશ્કેલીઓ આવવાની છે, ખાડા ટેકરા, ઢાળના ચઢાણ -ઉતરાણ પણ વેઠવાનાં છે અને એમ કરતાં કરતાં થાક પણ ઘણો લાગવાનો છે. તેમ છતાં મનથી તૈયારી છે. એટલે એ થાકને પણ મઝા ગણવી છે. ગઝલના મત્લાથી જ એ વાત સ્પષ્ટ કરી દે છે કે,
વિકટ મારગે ચાલવાની મજા છે
અને પાછું ત્યાં થાકવાની મજા છે.

World's most challenging hikes and treks | Times of India Travel

આ ‘મજા છે’ નો રદીફ જ જાણે કે, વિકટતાને રદિયો આપી દે છે. કદમ સ્થિર છે, ડગમગ નથી. તેથી જ તો એને અજાણી ડગર પર ચાલવું છે અને નવી મંઝિલો ખેડવી છે અને તે પણ મઝા સાથે. અહીં મને શૂન્ય પાલનપુરીનો એક સુંદર શેર સાંભરે છે.
“કદમ અસ્થિર હો એને કશો રસ્તો નથી જડતો.
અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો.”

કેટલી સાચી વાત છે! અને એવો જ એક બીજો શેર પણ આજ વાતને સમર્થિત કરે છે કે,
અમને નાંખો જીવનની આગમાં,
આગને પણ ફેરવીશું અમે બાગમાં.

કેટલી પ્રેરણાદાયી હિંમત મળે છે આ શેરમાં પણ!

અહીં બીજા શેરમાં એ જ વાત પ્રગટ થાય છે; અને આ ભાવને અલગ અલગ પ્રતીકો દ્વારા સુપેરે ગૂંથ્યા છે. આગળના શેરોમાં એ કહે છે કે, નદી, તળાવ કે સાગરમાંથી તો પાણી મળી જ શકે, સૌને મળે છે જ. પણ ખરી મજા તો ઝાંઝવાના જળને પામવામાં અને પીવામાં છે.

What Is A Mirage | Desert Mirage | DK Find Out

દૂરથી દેખાય, તમે દોડતાં જ રહો, દોડતાં જ રહો, આ રહ્યું, સાવ પાસે છે એમ લાગે ને વળી એ અદૃશ્ય થઈ જાય! આ પકડદોડની રમત છે, હાર -જીતનો ખેલ છે. છતાં ગઝલની નાયિકામાં એને મઝાથી સ્વીકારવાની ખેલદિલી છે, સાહસ છે અને શક્તિ પણ ખરી જ.

સૌથી મઝાનો ચોથો શેર છે. વાત તો ક્ષણોની છે પણ એનો મર્મ યુગોના પર્વત જેટલો ઊંચો છે. ઘડિયાળની શોધ થઈ તે પહેલાં ક્ષણોને સરકતી રેતીમાં મપાતો હતો. એ સરતી રેતીને જોવાની જે મઝા હતી તે આ સરકતી જતી ક્ષણો અંગે પણ માણવાની હોય છે.

No, It's Not Just You: Why time "speeds up" as we get older - Science in the News

પળપળ કિંમતી છે. વર્તમાનમાં પળને ઝીલતાં રહેવાની અને એ ભૂતકાળની ગર્તામાં સરી જાય ત્યારે તે ક્ષણોને ફરી ફરી માણવાનો પણ આનંદ ઑર હોય છે જ. ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી વાગોળવાની પણ એક અનોખી કલા છે. જેને એ આવડી જાય તેનો બેડો પાર. બાકી તો સંજોગવશાત આવી ગયેલી અસુખ વાતો, પ્રસંગોને, ઘટનાઓને યાદ કરીને રડનારાઓની તો ક્યાં ખોટ જ છે?! એવી ક્ષુલ્લકતાઓને અતિક્રમીને આ ગઝલ મજાની રીતે છતાં અડગપણે વ્યક્ત થાય છે કે,

ક્ષણોની એ રેતી ઝડ૫થી સરકતી,
સરકતી ક્ષણો ઝીલવાની મજા છે.

Can't stop passing time. Hands full of sand , #Ad, #time, #passing, #stop, #sand, #full #ad | Canning, Personal and professional development, Stock photos

અને મક્તામાં ફરી પાછા એ જ મૂળ વાત લઈને કવયિત્રી કહે છે કે, રણમાં તો રેતી સિવાય કંઈ ન મળે અને એટલે જ કશું ન ઊગે એ વાત જગજાણીતી છે. પણ એવાં બળબળતા રણમાં પાણી વાવવાની અસંભવિત વાતને દોહરાવે છે. અહીં શું થઈ શકે તેના કરતાંયે વધુ શું કરવું છે એ મહત્વાકાંક્ષાનું અને એ હિંમતનું મહત્ત્વ છે. આવી મનેચ્છા જ માણસને ચેતનવંતો રાખી શકે.

લગાગાના ચાર આવર્તનોનાં પાંચ શેરની આ ગઝલમાં પસાર થવાની પણ એક મઝા આવી.

મેઘા જોશીને અભિનંદન અને તેમની કલમ વધુ ને વધુ વિકસતી રહે એ જ શુભેચ્છા.

***

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. મારી ગઝલના આટલા સચોટ અને સુંદર આસ્વાદ્ય બદલ ખૂબ ખૂબ આભાર દેવિકાબેન..

  2. “ખબર છે કે રણમાં ન ઉગે કશું ૫ણ,
    એ રણમાં ય જળ વાવવાની મજા છે.”

    “અમને નાંખો જીવનની આગમાં,
    આગને પણ ફેરવીશું અમે બાગમાં.”

    સુંદર પ્રેરણાત્મક પંક્તિઓ ને યથાયોગ્ય રસદાયક આસ્વાદ