આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૧૦ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ

પત્ર નં. ૧૦

પ્રિય દેવી,

પત્ર વાંચી કાંઈ કેટલીય યાદો, યુ.કે.ની વસંત ઋતુમાં ફૂટી નીકળતાં ડૅફોડીલ્સ અને ટ્યુલીપ્સની જેમ સ્મૃતિના પડ ફાડી, ફૂટી નીકળી.  હાલ હું ભારતમાં છું. થોડા દિવસો પહેલાં અમે હૈદરાબાદ તરફ જ્યોતિર્લીંગના દર્શને ગયા હતાં. લાંબી મુસાફરીમાં મેં વગડા વચ્ચે જોયા કેસુડાના ઝાડ. અહીં વસંતનું આગમન કેસુડાથી થાય; અમારા યુ.કે.માં ડેફોડીલ્સથી થાય. રંગોની આ મહેફિલ પાનખર પછી એટલી તો રળિયામણી લાગે કે, એને મન ભરીને માણતા જ રહીએ; બસ, માણતા જ રહીએ એમ થાય. કુદરતમાં કેટલું સૌંદર્ય ભર્યું પડ્યું છે!?

Top 10 beautiful flowering trees of India

તારા પત્રમાં વૉશિંગ્ટન ડી.સી.ની વીઝીટ દરમ્યાન, બાએ ઉભી કરેલી રમુજ અને તે પાછળની તારી વિચારધારા સાચે જ ઘણાં મુદ્દા ઊભા કરે છે. મા-બાપની આંગળી ઝાલીને જતા બાળકની અને પટ્ટાથી સાચવતાં પશ્ચિમી બાળકોનાં માનસનું વિશ્લેષણ કરવા જેવું ખરું જ. સ્પર્શની એક ભાષા છે. મને લાગે છે કે મા કે બાપની આંગળીમાં જે સલામતી બાળક અનુભવે તે પટ્ટામાં ન અનુભવે.

33,725 Mother And Child Holding Hands Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

વળી ત્રણ જુદી જુદી કોમના હળીમળીને રમતા બાળકોનું ચિત્ર પણ કેટલું મનનીય છે! અને હા, લાઈનમાં વ્યવસ્થિત ઊભા રહેવાની યુકે અને અમેરિકાની શિસ્તને તો સલામ ખરી જ.

‘સ્પર્શની એક ભાષા છે’ એ લખતાં લખતાં મને યાદ આવી એક એવી જ બીજી વાત- તને ખબર છે તેમ હું અહીં ઈન્ટર્પ્રીટરનો જોબ કરું છું. તેના ભાગ રૂપે મારે ઘણીવાર હેલ્થવિઝિટર સાથે ન્યુ બોર્ન બેબી અને તેની માતાની વિઝિટ કરવાની હોય.

Newborn care: A guide for first-time parents | Parenting News,The Indian Express

ભારતથી નવા નવા લગ્ન થયા હોય એવી ઘણી બધી નિર્દોષ છોકરીઓ સાવ અજાણ્યા દેશમાં બાળકને જન્મ આપે ત્યારે ભાષાનો પ્રોબ્લેમ તો ખરો જ. સાથે સાથે વિભિન્ન બાળઉછેરની પધ્ધતિ. વળી આવા સમયે પોતાની મા પડખે ઊભી હોય અને હૂંફ આપે એવી અશક્ય ઝંખના! ક્યારેક અહીંની આ સાવ જુદી જ બાળઉછેરની પધ્ધતિ વિષે વાત કરીશ, પણ હમણા તો યાદ આવી ગઈ આ દેશમાં આવી ત્યારે મારી પહેલી ડિલિવરીની ક્ષણો..

તું માનીશ દેવી, છ ભાઈઓની વચ્ચે લાડકોડમાં ઉછરેલી હું યુ.કે.ની હોસ્પિટલના એક રૂમમાં સાવ એકલી સૂતી હતી. આજુબાજુ કોઈ જ નહી. કેડમાં એવું તો અસહ્ય દર્દ થતું હતું ને તે વખતે અનાયાસે જ બોલાઈ જતું ‘ઓ મા’! પણ મા તો જોજનો દૂર હતી!

ત્યાં અચાનક કોઈનો સુંવાળો પ્રેમસભર હાથ મને અડક્યો. આંખ ખોલીને જોયું તો એક અંગ્રેજ નર્સ ખૂબ જ નાજૂકાઈથી મારી કેડ પર હાથ ફેરવવા લાગી.

અત્યાર સુધી આંખની ધાર પર અટકી ગયેલુ આંસુ ધોધ બનીને વહી નીકળ્યું. અંતરની કંદરામાંથી આંસુના ઝરણા સાથેસાથે વચ્ચે આભાર પણ વહાવતી રહી. પ્રેમનો સંસ્પર્શ દેશ, કાળ કે ભાષાથી પર છે એનો આ મારો પહેલો અનુભવ.

વર્ષો જૂની ઘેરી સંવેદનાની આવી વાતો ઉલેચાય છે ત્યારે આખો મૂડ એકદમ જ બદલાઈ જાય છે. લખવાની શરૂઆત કરી ત્યારે તો મનમાં હતું કે, મારી પાસેથી તને સાંભળવી ગમતી, થોડી રમુજી વાતો લખીશ. પણ યાર, સૉરી, હવે હસવાનો મૂડ તો ઊડી ગયો! એટલે આ  પ્રસુતિ સમયના પીડાજનક અનુભવ દ્વારા પરદેશમાં વસવાની જે કિંમત ત્યારે ચૂકવવી પડી હતી તે શૅર કરી લીધી.

Anyway, Good times become good memories and bad times become good lessons.

પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના વિવિધ પાસાં ફરી કોઈવાર ચર્ચીશું. આજે તો બસ અહીં જ વિરમું. ભારતમાં સવારના ૪ વાગ્યા છે, ઊંઘ ન્હોતી આવતી એટલે લેપટોપ સામે બેસી ગઈ અને…. બાપ રે, છ પણ વાગી ગયાં… હમણાં થોડીવારમાં જ બારણે દૂધવાળા, છાપાવાળા, કામવાળા, લારીવાળા વગેરેની ચહલપહલ  શરૂ થશે!

ચલ, આવતે અઠવાડીયે ફરી…તારા પત્રની રાહ જોઈશ.

નીનાની સ્નેહ યાદ.

માર્ચ ૫,’ ૨૦૧૬

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    સુંદર પત્ર. વાંચીને આહ્લાદક અનુભૂતિ થઈ.