નવ્વાણું પૂછડી વગરના અને એક પૂંછડીવાળો વાંદરો ~ કટાર: અલકનંદા ~ અનિલ ચાવડા

જે વર્તમાનધારાથી આગળનું વિચારે તે મોટે ભાગે ટીકાનો ભોગ બને છે. સમાજ તેને સ્વીકારતો નથી. તેની વાત સાથે સંમત નથી થતો. સમાજ તો વર્ષોથી ચાલી આવતી માન્યતાના માળખામાં બંધાઈ ગયો હોય છે. તેણે જાતે માન્યતાની સાંકળ વીંટી લીધી હોય છે.

વર્ષો પછી કોઈ માણસ આવે અને કહે કે આ તો સાંકળ છે, ત્યારે લોકો તેની પર હસવા લાગે છે, તેને ગાંડો ગણવા લાગે છે. કહેવાતા મોભીઓ તેને નાત બહાર મૂકે છે. તેને માનવતાનું હનન કરનારો ગણાવે છે. તેનાથી સમગ્ર માનવજાતને ખતરો હોવાની વાતો કરવા માંડે છે. તેના વિચારને ઘોર અનર્થકારી ગણી લેવામાં આવે છે.

ઇતિહાસ સાક્ષી છે કે જેણે જેણે કંઈક વિશેષ કરવાના પ્રયત્નો કર્યા છે તેને સૂળીએ ચડાવવામાં આવ્યા, ઝેર અપાયું, ગોળીએ દેવાયા, જીવતા સળગાવાયા.

Good Friday – The First Homily | CROSSROADS-Right Choices

ચૌદમી પંદરમી સદી સુધીમાં લોકો માનતા હતા કે પૃથ્વી સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર છે અને સૂર્ય-ચંદ્ર વગેરે ગ્રહો તેની આસપાસ ફરે છે. કોપરનિક્સે સાબિત કર્યું કે સૂર્ય પૃથ્વીની આસપાસ નથી ફરતો. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. તેને ગાંડો ગણી કાઢવામાં આવ્યો.

Nicolaus Copernicus - Wikipedia
Nicolaus Copernicus

ગેલેલિયોએ જ્યારે આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો તો તેને જેલમાં નાખવામાં આવ્યો. પણ આનાથી સત્યને હાની નથી થઈ. પૃથ્વી તો ગોળની ગોળ જ રહી. સૂર્યની ફરતે જ ચક્કરો મારતી રહી.

સત્ય શિંગડાં જેવું છે, સમય આવ્યે માથા પર ફૂટી નીકળશે. પૂછડીની જેમ લટકી જશે તમારી પાછળ. હકીકત ઘાસ જેવી હોય છે. એ ઊગી નીકળશે. તેને કાપવા ગમે તેટલા પ્રયત્નો કરો, તે ફરી ફરી ઊગી નીકળશે. પંજાબી ક્રાંતિકારી કવિ પાશે આ વાત બહુ અદભુત રીતે કહી છે-

मैं घास हूँ
मैं आपके हर किए-धरे पर उग आऊँगा
बम फेंक दो चाहे विश्‍वविद्यालय पर
बना दो होस्‍टल को मलबे का ढेर
सुहागा फिरा दो भले ही हमारी झोपड़ियों पर
मेरा क्‍या करोगे
मैं तो घास हूँ हर चीज़ पर उग आऊँगा

ઈસુને સૂળીએ ચડાવ્યા પછી પણ તેમણે તો એમ જ કહ્યું હતું કે હે ઈશ્વર આ બધાને તું માફ કરજે, કેમ કે એ લોકોને ખબર નથી એ શું કરી રહ્યા છે. ગાંધીને ગોળી વાગી ત્યારે તેમના અંતિમ શબ્દો પણ ‘હે રામ’ હતા.

गांधी ने गोली लगने के बाद 'हे राम' कहा था या नहीं? - Religion AajTak

કદાચ આ શબ્દોમાં પણ આવો જ કંઈક ભાવ હતો. સુકરાતને ઝેર આપવામાં આવ્યું. ઈસુ મરે છે, પણ બાઇબલ જીવે છે. ગાંધી મરે છે, સત્ય જીવે છે. વાનગોગ મરે છે, પણ ચિત્ર જીવે છે, વાલ્મિકી મરે છે, રામાયણ જીવે છે. વ્યાસ મરે છે મહાભારત જીવે છે. રવીન્દ્રનાથ મરે છે, ગીતાંજલિ જીવે છે.

ઓશોના જીવનનો એક પ્રસંગ મેં વાંચેલો. અમેરિકામાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા.

Rajneesh - Wikipedia

તે વિમાનમાં હતા અને ગેસ ભરવા નીચે ઉતરવું પડે તેમ હતું, તેમને વિશ્વના અનેક દેશોએ ખતરનાક ગણાવ્યા હતા અને પોતાના દેશમાં ઉતરવા માટે મંજૂરી આપી નહોતી. બીજો કોઈ દેશ ઉતરવા દે તો એક રીતે તે અમેરિકાની અવગણના જેવું પણ ગણાય.

ઓશોએ ઘણા દેશોને વિનંતી કરી, પણ કોઈ તૈયાર ન થયું. છેવટે બ્રિટને ગેસ ભરવાની મંજૂરી આપી. વિમાન એરપોર્ટ પર ઊતર્યું, ગેસ ભરવામાં સમય લાગે તેમ હતો આથી તેમણે પૂછાવ્યું કે આટલો સમય હું વિમાનમાં બેસી રહું એની કરતા લંડનની બજારોમાં ફરવા માગું છું. ત્યારે કોઈકે કહ્યું, ના, એ માણસને ન જવા દેશો. એ પગ પણ મૂકશે તો આપણી આખી સંસ્કૃતિ નષ્ટ થઈ જશે. ત્યારે ઓશોએ એટલું જ કહ્યું કે જો માત્ર કોઈના પગ મૂકવાથી જ સંસ્કૃતિ નષ્ટ થઈ જતી હોય તો એવી સંસ્કૃતિને નષ્ટ જ થઈ જવું જોઈએ, જે સંસ્કૃતિ કોઈ પણ વિચારો સામે અડગ ન રહી શકે તેણે રહીને કરવાનું શું?

તમને પણ બધા ધિક્કારતા હોય, તમારા સત્યને નકારતા લોકો બહુમતીમાં હોય તો ગભરાવું નહીં. બહુમતી હંમેશાં સાચી જ હોય તેવું નથી હોતું. નવ્વાણું પૂછડી વગરના વાંદરાઓ એક પૂંછડીવાળા વાંદરાને જુએ તો એની પર હસે છે. તેને ધિક્કારે છે. તેની સામે ઘૂરકિયા કરે છે. આ કેવો વાંદરો કે એને પૂંછડી છે! એ સમજતા જ નથી કે પૂંછડી વાંદરાની મુખ્ય ઓળખ છે, તેની શક્તિ છે, તેનાથી જ લાંબો અને બેલેન્સિંગ કૂદકો મારવામાં સરળતા રહે છે. પણ આ વાત તે નથી સમજતા.

તમને પણ આવી વિચારોની એક પૂંછડી હોય તો ગભરાતા નહીં. લોકો એ પૂંછડીની મજાક ઉડાવશે. આવું ના હોય, કહીને તમારી ઉપર હસશે. તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ પૂંછડી ખોટી નથી.

29,911 Monkey Tail Tree Images, Stock Photos & Vectors | Shutterstock

ઘણી વાર આપણે પોતે પણ આપણું અસત્ય જાણતા હોઈએ છીએ, છતાં તેને સત્ય પૂરવાર કરવા હવાતિયાં મારીએ છીએ. કેમ કે આપણને ખોટું પડવું ગમતું નથી.

કહેવાતા ઢાંચાથી ઉફરા ચાલવામાં બહુ મોટી હિંમત જોઈએ. આપણે ત્યાં હજી દીકરા-દીકરીને રમકડું આપવાની બાબતે પણ અવઢવ થતી હોય છે. સમાજપરિવર્તનની વાત ક્યાંથી કરી શકવાના?

દીકરી તો પારકી થાપણ, એ કહેવત પણ ઊંડે ઊંડે તો દીકરી પ્રત્યેના એક પ્રકારના ભેદભાવને જ વ્યક્ત કરે છે. દીકરી બીજાને આપી દેવાની છે, એવી ભાવના મનમાં ઘર કરી જાય છે, તેની પર ધ્યાન નથી અપાતું.

Discrimination Against the Girl Child | Youth Advocate Program International

– પણ જો ક્યાંક ઓટલે બેઠા હોઈશું તો સમાજના ઉત્થાનની, દેશમાં શું કરીએ તો પ્રગતિ થાય, વિરાટ કોહલીએ કેવી રીતે બેટ પકડવું જોઈએ, અભિતાભને એક્ટિંગમાં શું તકલીફ પડી રહી છે, સમાજમાં કેટલા ખરાબ રિવાજો ચાલી રહ્યા છે, શું કરે તો સમાજ સુધરે જેવી ચર્ચા કરતા થાકતા નથી. પણ એ જ ક્ષણે એ મહાશયનો દીકરો જો કોઈ અન્ય ધર્મની યુવતી સાથે પ્રેમલગ્ન કરીને આવી પહોંચે તો તે ગુસ્સાથી લાલઘૂમ થઈ જાય છે, સમાજમાં નાક કપાઈ ગયું હોય તેવું તેને લાગે છે. એ પણ પેલી નવ્વાણું પૂંછડી વગરના વાંદરાની ગેંગમાં સામેલ થઈ જાય છે.

આપણા મુક્ત વિચારોની પૂંછડી આપણી ઓળખ છે. આપણો રંગ, આકાર, વિચારસરણી એ આપણું પોતાનું જ છે. વિશ્વમાં એક જેવો બીજો માણસ હોતો જ નથી.

એક રીસર્ચ મુજબ કહેવાયું છે કે એક જેવો દેખાવ ધરાવતા છ માણસો વિશ્વમાં હોય છે. પણ એ દેખાવ પૂરતું હોઈ શકે, અનુભવોનું સામ્ય ક્યાંથી લાવશો?

Doppelgängers don't just look alike - they have similar DNA and even behaviour, study finds | Euronews

ખલીલ ધનતેજવીએ કહ્યું છે તેમ,

સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો
તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો.

***

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    સરસ.

  2. આપણા મુક્ત વિચારોની પૂંછડી આપણી ઓળખ છે. આપણો રંગ, આકાર, વિચારસરણી એ આપણું પોતાનું જ છે✅

  3. બહુજ સરસ રીતે સમજવા જેવી વાત છે

    અભિનંદન