ચૂંટેલા શેર ~ એની તૈયારી નથી (ગઝલસંગ્રહ) ~ ગુણવંત ઠક્કર ‘ધીરજ’ (સુરત)
ચૂંટેલા શેર
ના તો તલવાર ના તો ઢાલ હવે
એ જ કરવી છે બસ કમાલ હવે
*
જિંદગી દરિયો નથી કે રણ નથી
તોય એને પાર કરવાનો જ છું
*
વાતેવાતે ઈશ્વરનો વાંક કાઢતા પહેલાં
એય જો, કે તારી પણ પાત્રતા અધૂરી છે
*
કોઈ કેળવણીથી જેને કેળવી હું ના શક્યો
એ સમજને ઠોકરોથી મારે કેળવવી પડી
*
એક પછી એક દલીલોના હાથે ચડી
સાવ નાની હતી વાત, ચોળાઈ ગઈ
*
પરપોટા વિના કંઈ જ નીકળતું નથી બીજું
કંઈકેટલાં જન્મોથી વલોવાઈ રહ્યો છું
*
જે રીતે ચાલે છે એ રીતે બધું ચાલ્યું તો
માણસાઈ સમું બચવાનું શું છે માણસમાં?
*
પ્રવેશીએ; અને જો ફાવે નહીં તો નીકળી જઈએ
સંબંધોને બજારો સમજી વ્યાપારી નથી કરવી
*
વિચારવું ન હતું પણ વિચારવું જ પડ્યું
‘કોઈ શું ધારશે’ એ મારે ધારવું જ પડ્યું
*
અહીં તો પડતાં આખડતાં બધું જાતે જ શીખવાનું
અનુભવની નિશાળોમાં કોઈ માસ્તર નથી હોતા
*
વગર વિચાર્યે અમલમાં મૂક્યા તો સમજાયું
ઘણા વિચાર મગજમાં વગર વિચાર્યા છે
*
આ ધર્મ શું? અધર્મ શું? આ સત્ય શું? અસત્ય શું?
ફરીફરી રચાય છે નવાંનવાં આ તથ્ય શું?
*
રોજ લાફિંગ ક્લબમાં એને એટલે જવું પડે
હસતાં હસતાં જીવવાની એની તૈયારી નથી
*
મૌન રહી શબ્દોનો હું માલિક થયો છું જ્યારથી
કંઠમાં એના ફૂંફાડા રોજ વધતા જાય છે
*
આ જન્મમાં મનપ્રદેશે જે અજાણ્યા રહી ગયા
એ સંબંધો પાછલા જન્મોથી ઓળખવા પડ્યા
*
મેં જ ઈચ્છાને મારી નાખી છે
તોય ખૂનીમાં મારું નામ નથી
*
માત્ર વળતર પર હતી દ્રષ્ટિ અમારી એટલે
ના અમે પહોંચી શક્યા અહીં આપણા કલ્ચર સુધી
~ ગુણવંત ઠક્કર ‘ધીરજ’
+91 98255 67575
~ ગઝલસંગ્રહ: એની તૈયારી નથી
“કોઈ કેળવણીથી જેને કેળવી હું ના શક્યો
એ સમજને ઠોકરોથી મારે કેળવવી પડી” વાર્યા ન રહે, તે હાર્યા રહે.
મૌન રહી શબ્દોનો હું માલિક થયો છું જ્યારથી
કંઠમાં એના ફૂંફાડા રોજ વધતા જાય છે…સરસ.
સરયૂ પરીખ
ચોટદાર ગઝલ.
ખૂબ આભાર કવિ ????રાજીપો સંગ્રહની પ્રસ્તાવનાઓમાં નથી એવા ઘણાં શેર તમે ક્વોટ કર્યા છે. એનો વિશેષ આનંદ છે.???