લાહોરમાં ચટકારા લો, પણ સરળ હપ્તે ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 32) ~ પૂર્વી મોદી મલકાણ

સાંજ પડતાં, એક શો પૂરો થતાં અને બીજો શો શરૂ થઈ રહ્યો હતો. દેશપ્રેમનાં ઝનૂને એકઠો થયેલો માનવમહેરામણ ધીરે ધીરે લાહોર તરફ જવા સરકી રહ્યો હતો.

વાઘા બોર્ડર પર પાકિસ્તાની સૈનિકોના ચહેરા પરની હલચલ ન સમજાય તેવી રહસ્યમય થતી જતી હતી. આ સમયના સાક્ષી બનીને, અમારા હૃદયને ભારતીય સીમામાં મૂકી લાહોર તરફ જતાં માનવ મહેરામણની ભીડમાં અમે પણ ઓગળી રહ્યા હતાં… ત્યારે ખબર નહોતી કે; લાહોર શહેરની જેમ અનેક લાહોરી વાર્તાઓ હજુ પણ સામે આવવાની બાકી છે.

આમ તો મારે લાહોર સૌથી વધુ આવવાનું થયેલું, તેથી લાહોરની ગલીઓની જેમ લાહોરી ફૂડનોય મેં ઘણો જ આનંદ ઉપાડેલો.

પણ લાહોરી ફૂડની વાત કરું તો, આ ફૂડ સાથે મારે જૂનો નાતો. એનું કારણ પેન્સિલ્વેનિયાનાં કિંગ ઓફ પ્રશિયામાં રહેતાં મારા પરમ મિત્ર અનવર અંકલ અને હુસૈના આન્ટી.

અનવર અંકલને ખાવાપીવાનો શોખ ઘણો જ તેથી મારે ત્યાં એ આવે ત્યારે ગુજરાતી-ભારતીય ફૂડનો આનંદ માણે અને હું એમને ત્યાં જાઉં ત્યારે આનંદ લઉં લાહોરી ફૂડનો. તેથી આજે તેમની યાદ સાથે તેમનાં શહેર લાહોરમાં આવીને લાહોરી ફૂડનો ચટકારો લેવો એ મારે માટે અદ્ભુત બાબત હતી.

વાઘા બોર્ડરથી બહાર નીકળતાં જ અમે રાતનાં અંધકારમાં રોશનીથી ઝળહળતા લાહોરમાં ખોવાઈ ગયાં ત્યારે લાહોરનાં વિશાળ રસ્તાઓ લોકોનાં કોલાહલ, સાઇકલની રિંગ અને સ્કૂટરની બીપ-બીપથી ગુંજી રહ્યાં હતાં.

અતિકોલાહલ અને ગ્રૂપોનાં ગ્રૂપો જોઈ મને આશ્ચર્ય થતું હતું, ત્યારે માઝદજી બોલ્યાં કે; આ શહેરની એક અન્ય ખાસિયત એ છે કે; મોટાભાગનાં લોકો લગભગ આખું અઠવાડિયું બહાર જ જમે છે અને જો કોઈ ઘરમાં જમે તો તેઓ જૂનવાણી ગણાય છે. આ જૂનવાણીની પ્રથામાંથી બહાર નીકળવા માટેની માન્યતા એટલી પ્રબળ છે કે’ જમવા માટે દેવું કરવું પડે તો એ પણ કરીને, ઉધારી લોન લઈને રેસ્ટોરાંમાં જમે છે.

માઝદજીની વાત સાંભળી મને થયું વાહ! આવા પ્રકારનાં દેવા ને આવા પ્રકારની લોન વિષે તો પહેલીવાર જ સાંભળ્યું. પણ લાહોરમાં ફરીએ ને નવી વાર્તા ન મળે તે કેમ ચાલે?

અમારા આજનાં રાતનાં જમણ માટે માઝદજી સાથે તેમનો પોતાનો પરિવાર અને તેમનાં ભાઇનો પરિવાર જોઇન્ટ થવાનો હતો તેથી તેઓ અમને આવીને મળે ત્યાં સુધી અમે લાહોરની વિવિધ ગલીઓમાં વિન્ડો શોપિંગ કરતાં રહ્યાં અને આડું અવળું ખાઈ લાહોરી ચટકારાનો આનંદ લેતાં રહ્યાં.

પ્રથમ લાહોરી ચટકારાની વાત કરું તો, લાહોરમાં સાઉથ ઇંડિયન વાનગીઓ ઢોસા, ઇડલી, દહીં ભાત, દહીં ઇડલી, ફ્રાઈડ ઇડલી વગેરેનો બહુ પ્રભાવ દેખાયો; તો સાથે ગુજરાતી પૂરી અને રાજકોટી પેઉદાનોય એક તડાકો જોવા મળ્યો. પણ સાઉથ ઇંડિયન વાનગીઓ ઓર્ડર કરી તો તે સાઉથ ઇંડિયન જ હતી, પણ ગુજરાતી પૂરી ઓર્ડર કરી તો તે સેવ દહીં બટેટા પૂરી નીકળી. (સેવપુરી ઉપર ભલ્લાનું દહીં અને કોથમરી છાંટીને) અને રાજકોટી પેઉદા એટલે કે; રાજકોટ પેંડા.

સ્વાદ, આકાર, દેખાવ, સાઇઝ બધી રીતે જુદા દેખાતાં આ પેંડાને ખરેખર ‘રાજકોટી પેઉદા’ નામ મળેલું તે જાણીનેય ખૂબ આશ્ચર્ય થયું. થોડા ઘણા ચટકારા પછી આમતેમ ફરતા અમને લાહોરની અતિશય જૂની એવી ‘પાપડ સ્ટ્રીટ’ પણ જોવા મળી.

અહીં લખાયેલ ઇતિહાસ મુજબ આ પાપડ સ્ટ્રીટની શરૂઆત ૧૬૫૦માં મુઘલ બાદશાહ શહેનશાહે પોતાની હિન્દુ દાદીની સ્મૃતિમાં કરેલી હોઈ શરૂઆતમાં તે સ્ટ્રીટમાં હિન્દુ- વેજ- રાજસ્થાની સ્વાદનો પ્રભાવ વધુ હતો; પણ આ સ્ટ્રીટ અંગ્રેજોને કારણે વધુ પ્રખ્યાત થઈ. સમયાંતરે આ પાપડ સ્ટ્રીટમાં ભારત-પાકનાં અન્ય પ્રાંતોનાં સ્વાદ પણ ઉમેરાવા લાગ્યાં. પણ આજે અમને ત્યાં ચાઇનીઝ પાપડનીયે ઘણી જ વેરાયટી જોવા મળી. આ જોઈ મને ખ્યાલ આવ્યો કે; ચાઈના સાથે સંબંધો શરૂ થયાં પછીની જ આ ફેરફાર આવ્યો હશે.

ત્રીજી વાર્તા એ જાણવા મળી કે; અહીંની માર્કેટ અને જનજીવનમાં રોજે સવારે હલવા -પૂરી અને બટેટાનાં શાકનો રિવાજ છે. તો ડ્રિંક્સમાં રૂહ -અફઝા, જીરા, જલજીરા, ફૂદીના- ધનિયા- નીંબૂ ઝીરલ, ચા, ગ્રીન ટી, કોફી, બ્લેક કોફી અને કાહવો, ચા-કોફીનાં મિક્સથી બનેલ કાવા વગેરેનોય ખૂબ લુફત ઉઠાવવામાં આવે છે. ચા-કોફીની જ વાત કરીએ તો કોફી-ચામાં ખાંડને બદલે ગોળ મેળવીને પીવામાં આવે છે.

આમ વિવિધ વાર્તાઓ જાણતાં જાણતાં અમે મોડી સાંજથી રાતનાં નવ વાગ્યા સુધીનો સમય અમે લાહોરની ગલીઓને ખૂંદતાં રહ્યાં, જે દરમ્યાન અમને ‘હવેલી’ નામની રેસ્ટોરન્ટનીયે વાર્તા જાણવા મળી.

હવેલી રેસ્ટોરાંની આજ અને કાલ

અંગ્રેજોના સમયમાં બનેલી આ હવેલીમાં એક સમયે એક હિન્દુ પરિવાર રહેતો હતો. આ હિન્દુ પરિવારમાં હત્યાનો દોર જમાવીને તેમને અહીંથી કાઢી મૂકવામાં આવેલાં. આ હિંદુ પરિવારે કોર્ટમાં કેસ કરેલો, પણ તેઓ હારી ગયાં. જેમણે હવેલી પચાવી પાડેલી તેઓ આ હવેલીમાં ન રહી શકે એમ કહી કોર્ટે સ્ટે મૂકી દીધેલો.

જેમણે હવેલી પર કબ્જો જમાવી દીધો હતો તેમણે કોર્ટની વાતને ધ્યાનમાં ન લેતાં ત્યાં રેસ્ટોરાં ખોલી દીધી જે આજ દિન સુધી ચાલે છે અને લાહોરની સૌથી વધુ પ્રખ્યાત રેસ્ટોરાંમાંની એક છે.

Inline image

Inline image

વાત અહીં કેવળ એક હવેલી કે એક હિંદુ પરિવાર પૂરતી નથી, બલ્કે કેવળ લાહોરમાં જ અમે એવી કેટલીયે વાર્તાઓ જાણી જેમાં હિન્દુઓની મિલકતો પચાવી પાડવામાં આવી હોય અને ત્યાં મુસ્લિમોએ કબ્જો જમાવી દીધો હોય.

જોવાની વાત એ છે કે; આ બધી જ વાર્તાઓ જાણતાં જાણતાં એ વાતનો ખ્યાલ આવી ગયો કે; મિલકત તો ઠીક છે પણ હિંદુ પરિવારોની મુખ્ય મિલકત તેમની બહેન બેટીઓ હોય છે અને આખા પાકિસ્તાનમાં ક્યાંય હિન્દુ પરિવારોની આ મૂડીની કોઈ જ કિંમત નથી. તેથી તેમને લૂંટવાનું કાર્ય ચાલ્યાં કરે છે અને પોલીસેય આ હિન્દુ પરિવારોને સાથ આપતી નથી.

Hindu women in Pakistan exploited due to absence of Marriage Act - India Today

હિન્દુઓને લગતી બીજી વાર્તા એ જાણવા મળી કે; લાહોર તો શું પણ આખા પાક -પંજાબમાં હિન્દુઓ માટે એક પણ સ્મશાન નથી. આથી હિન્દુઓ પોતાનાં પ્રિયજનોનાં અંતિમ સંસ્કાર પણ મુસ્લિમોની જેમ જ કરવા પડે છે. એનું એક કારણ હિન્દુઓની પોતાની સેફ્ટી પણ ગણી શકાય છે.

રહી હવેલી રેસ્ટોરાંની વાત તો, અમને ત્યાંયે ડિનર લેવાનો ચાન્સ મળ્યો હતો, પણ વેજિટેરિયન ફૂડમાં કેવળ નાન, રોટી, લસ્સી અને આચાર ઉપલબ્ધ હતા.

આમ લાહોરની ગલીઓમાં આમતેમ ભટકતાં અમને અવનવી કેટલીયે વાર્તાઓ જાણ્યાં પછી જ્યારે અમને માઝદજીનો આખો પરિવાર મળ્યો ત્યારે તેમની સાથે અમે લાહોરની અતિપ્રખ્યાત એવી ‘સોલ્ટ એન્ડ પેપર વિલેજ’ નામની રેસ્ટોરાંમાં ગયાં.

Inline image
સોલ્ટ એન્ડ પેપર વિલેજ – લાહોર

Inline image

ગાર-માટીથી બનેલી જૂનવાણી ઢબની દેખાતી આ રેસ્ટોરાંની ખાસિયત એ છે કે; તે કેવળ સાંજનાં સમયે જ ખૂલે છે અને જેનાં ફક્ત બે ટાઈમ સ્લોટ હતાં – (સમય ૬થી ૯. અને ૯થી ૧૨). આ ટાઈમ સ્લોટ પ્રમાણે ખૂલતી આ રેસ્ટોરાંમાં બેસવા માટે ત્રણ દિવસ અગાઉ બુકિંગ કરવી લેવું પડે છે.

આ સ્લોટમાં ચાહે પરિવાર હોય કે પાર્ટી તેમણે પોતાને મળેલાં સમય સ્લોટમાં જમવાનું પૂરું કરી લેવાનું રહે છે અને આ સમય જો મિસ થઈ જાય તો તે વ્યક્તિનો તે સમય ગયો. પછી જે તે વ્યક્તિએ પોતાનાં ટેબલ માટે નવું બુકિંગ કરાવવાનું રહે છે. થિયેટર ટાઈમ પ્રમાણે ચાલતી આ બીજી રેસ્ટોરન્ટ અમે આ પ્રવાસમાં જોઈ.

આ રેસ્ટોરન્ટમાં પહોંચવું એ અમારું નક્કી ન હતું, પણ માઝદજી પાસેથી મેનેજરે સાંભળ્યું કે કોઈ ભારતીય દંપતી પાકિસ્તાન જાણવા માટે આવ્યું છે ત્યારે પાકિસ્તાનીઓ પણ મહેમાં નવાઝીમાં ભારતથી પાછળ નથી તેવું દર્શાવવા ૧૦-૧૨ માણસો બેસી શકે એવી એક કોર્નર તૈયાર કરી આપેલી.

અહીં અમે પંજાબ પ્રાંતની વિવિધ ચાટ સાથે ભોંયચૂલ્હામાં રંધાયેલી પ્યોર પાક-પંજાબી વેજનો ઘણો જ લુત્ફ ઉઠાવ્યો, પણ સૌથી વધુ મને મજા આવી લૌકૂટની વાનગીઓ ખાવાનો. નાની લીલી સોપારીનાં સાઇઝનું આ પીળા રંગનું ફળ જાપાનીઝ પ્લમ તરીકે ઓળખાય છે.

આ ફળ વિષે વધુ માહિતી કઢાવતાં ખબર પડી કે; તૂરી છાલ, ખટમીઠો ગર અને કથ્થાઇ રંગની ગોટલી ધરાવતું આ ફળ જાપાનથી ચાઈના થઈ પાકિસ્તાનમાં પહોંચેલું અને આજે પાક સંસ્કૃતિમાં સમાઈને બેસેલું છે. બીજી ખાસ બાબત એ છે કે; આ ફળનાં વૃક્ષનાં દરેક હિસ્સાને ઔષધિ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

Inline imageInline image

સોલ્ટ એન્ડ પેપર વિલેજમાં ડિનર પૂરું કર્યા પછી અમે બહાર રેસ્ટોરન્ટની બહાર નીકળ્યાં ત્યારે લાહોર શહેર સૂવાની તૈયારી કરી રહ્યું હતું. બીજે દિવસે જૂના લાહોરની સૈર પર સાથે નીકળીશું એમ તય કરી માઝદ પરિવાર અમારાથી છૂટો પડ્યો અને અમારી હોટેલ તરફ નીકળી પડ્યાં.

અમે હોટેલ પર પહોંચ્યાં ત્યારે મધરાત થઈ ગઈ હતી. થોડીવાર પહેલાં જ મિનિટનાં કાંટાએ બાર વાગ્યાની બારી છોડી હતી. અમારા આગમન સાથે ડેસ્ક પર બેસેલાં માણસે એક વિચિત્ર નજરે અમારી તરફ જોયું, પણ તેની તે નજર અવગણીને અમે અમારી રૂમ પર પહોંચી ગયાં.

બારણું ખોલતાં જ અમને અહીં એક અલગ નજારો જોવા મળ્યો. જે બેગને તાળું મારી અમે ગયાં હતાં તે બેગનું તાળું એકબાજુ પડેલું હતું, અમારા ઈસ્ત્રીબંધ કપડાં અસ્તવ્યસ્ત હતાં. રૂમ અપાયેલી  ત્યારે જે ક્લીન હતી તેની જગ્યાએ બૂટનાં અનેક આછા નિશાનો પડેલા હતાં. તે જોઈ અમને ખ્યાલ આવી ગયો કે; અમારા ગયાં પછી અહીં તલાશી થઈ છે. જો’કે બેગમાં કપડાં સિવાય કશું ન હતું, તેથી તે રીતે ડર ન લાગ્યો.

તલાશીનો અર્થ એ છે  કે; તેમને અમારા પર વિશ્વાસ નહોતો એ વાતને પ્રમાણ મળી ગયું. હોટેલવાળાની આ હરકત ગમે તેવી નહોતી પણ કદાચ અમે ભારતીય અમેરિકન હતાં કે અમેરિકન ભારતીય હતાં તેને કારણે તેઓએ અમને સ્પાય માની જ લીધેલા.

ચાર્લ્સ અને વિનાયકજીનાં પ્રસંગ પછી અમનેય આ પાકિસ્તાનીઓ પર વિશ્વાસ નહોતો તેથી જ અમે જબરદસ્તી અમેરિકન કોન્સ્યુલેટનો ભય બતાવી અમારા પાસપોર્ટ અને અગત્યનાં કાગળો પાછા લઈ લીધેલા તે સારું જ કર્યું હતું.

અમારી ગેરહાજરીમાં થયેલી તલાશીએ અમને સચેત કરી દીધા હતાં તે વાતેય સત્ય જ હતી. તેથી સૂવા પડ્યાં પછીયે અમારા મનને શાંતિ નહોતી. રૂમનાં બારણાં બહાર થતાં પગલાં વારંવાર મને બેચેન બનાવી રહ્યા હોઈ વારંવાર હું આઈ વિન્ડોમાંથી બહાર શું થાય છે, કોણ આવ્યું તે જોવા જતી ત્યારે દેખાતું કે; અવારનવાર પગલાંઓ અમારી રૂમ પાસે આવતાં, ઘડીભર રૂમનાં બારણાં પર કાન માંડતાં અને પછી પાછા ફરી જતાં.

અમારી રૂમ પર આવતાંજતાં પગલાને હું રાત્રિના ત્રણ વાગ્યા સુધી સાંભળતી રહી અને પછી થાકીને સૂઈ ગઈ. સવારે જ્યારે આંખ ખૂલી ત્યારે મી. મલકાણ બેગ પેક કરી રહ્યા હતા.

મને જાગેલી જોઈને કહે; અહીં ફરી ડ્યૂટી ચેન્જ થાય તે પહેલાં હોટેલ છોડી દઈએ. હમણાં જ માઝદનો સંદેશો મળ્યો છે કે; બને તેટલી વહેલી ઝડપે ત્યાંથી નીકળો પણ નાસ્તો કર્યા વગર ન નીકળતાં નહીં તો તેમની શંકાને ખોટું બળ મળશે.

મી. મલકાણની વાત સમજી અમે સમય બગાડ્યા વગર રેડી થયાં અને ઝડપથી કાહવો, બ્રેડ,  બટરનો નાસ્તો કરી અમારા સામાન સાથે હોટેલ છોડી દીધી ત્યારે ખબર નહોતી કે; કેવળ આ જ હોટેલવાળા નહીં બલ્કે આગળ પણ એવા કેટલાયે લોકો છે જેઓ અમને તેમના અલ્લાહ પાસે મોકલવા તૈયાર થઈને બેઠા છે.

© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
 purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોક સાહિત્યકાર, ભજનિક) says:

    અગત્યની માહિતી જાણવા મળી. આવું સદૈવ પીરસતાં રહો.