હું તને કરું છું, તું મને વિશ કર: હેપ્પી ન્યૂ યર! ~ કટાર: અલકનંદા ~ અનિલ ચાવડા

હિન્દુ સંસ્કૃતિ તહેવારોના તોરણથી શોભી રહી છે. અનેક તહેવારો, સાંસ્કૃતિક ઉત્સવો, રીતરિવાજોથી લોકો પોતાને ઉજવતા રહે છે. તહેવારો માત્ર માધ્યમ છે. ખરેખર તો લોકોએ પોતાની અંદરના ઉમંગને ઉલેચવો હોય છે. નિરાશાને નાથીને આશાનો દીવો પેટાવવો હોય છે.

શિકાગોની હાર્પર કૉલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર Kathleen Reynoldsને હું મળ્યો, અંગ્રેજી શીખવા માટે. ક્લાસમાં અમને વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવતી. જુદા જુદા દેશના લોકો અંગ્રેજી શીખવા આવ્યા હતા. બે મેક્સિકો, બે ભારત, એક મોંગોલિયન, બે જાપાન, બે આફ્રિકાના, એક ફ્રાન્સ, એક પેરુ, એક યુક્રેનિયન એમ લગભગ સત્તરેક વિદ્યાર્થીઓ હતા. અમારે પોતપોતાના દેશમાં ઉજવાતા તહેવારો વિશે વાત કરવાની હતી. બધા પોતપોતાના કલ્ચર વિશે સુંદર રજૂઆત કરતા હતા.

મેક્સિકોમાં ઉજવાતો ટ્રેડિશનલ ફેસ્ટિવલ Dia de los Muertos (Day of the Dead) ખૂબ રસપ્રદ હતો. ઠેરઠેર લોકો ભૂતના પોશાક પહેરીને ફરે, ભૂતનો મેકઅપ પણ કરે. એ દિવસે પોતાના મૃત સ્વજનો પાછા આવીને તેમને મળે છે અને તેમની સાથે વાત કરે છે એવી મેક્સિકન લોકોની માન્યતા અનુસાર આ પારંપરિક તહેવાર ઉજવાય છે.

Day of the Dead

યુક્રેનની એક મહિલા પોતાની દીકરીને પોતે એબ્રોડરી કરેલાં કપડાં પહેરાવીને લાવી હતી, જેથી તે પોતાના પારંપરિક ઉત્સવ વિશે વધારે સારી રીતે સમજાવી શકે. યુક્રેનમાં એમ્બ્રોડરીનું પારંપરિક રીતે ખૂબ મહત્ત્વ છે.

Take a good look at these Ukrainian embroidered shirts | Hindustan Times

પેરુની એક છોકરીએ પેરુમાં ઉજવાતા એક તહેવારની વાત કરી હતી, તેનું નામ અત્યારે યાદ નથી, પણ તે ભારતીય ધૂળેટી જેવો તહેવાર હતો. જેમાં લોકો એકબીજા પર રંગ છાંટતા હતા. જોકે એ રંગ નહીં પણ એશિયન પેઈન્ટનો કલર હતો. અને એકબીજા પર કલર છાંટવામાં લોકો એટલા બધા ગાંડાઘેલા હતા કે વાત જવા દો. પોલીસની ગાડી આવી તો એની પર પણ કલરની ડોલો ભરીભરીને છાંટી રહ્યા હતા લોકો. કોઈ પણ બાકી ન રહેવો જોઈએ.

HOLI FESTIVAL PERU (@HoliFestPeru) / Twitter

એક ભારતીય છોકરીએ દિવાળી વિશે પ્રેઝન્ટેશન આપેલું. મેં વાત કરી હતી નવરાત્રી વિશે. આપણે ત્યાં નવ દિવસ સુધી એક જ તહેવાર ઉજવાય છે અને લોકો નવનવ દિવસ સુધી સતત નૃત્ય કરે છે એ વાત પ્રોફેસરને હજમ ન થઈ, તો એ કહે are you kidding? મેં તેમને અમુક ફોટોગ્રાફ અને વીડિયો બતાવ્યા જેમાં એક સાથે ચાલીસ-પચાસ હજાર લોકો ગરબે રમી રહ્યા હતા તો એ આંખો ફાડીને જોઈ જ રહ્યા.

Navratri 2018: Best pictures of garba from Surat and Vadodara

વાત વધારે આગળ વધી તો મેં ભારતમાં કેટલા કેટલા તહેવારો ઊજવાય છે, કેટલી ભાષાઓ બોલાય છે, કેટલી પરંપરાઓ છે, તેના વિશે મને ખબર હતી તેટલી વાત કરી તો તેમની નવાઈનો પાર ન રહ્યો. મેં તેમને દિવાળી, હોળી, ધૂળેટી, દશેરા, ઉત્તરાયણ, જન્માષ્ટમી, બળેવ, રક્ષાબંધન, પંદરમી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, નવરાત્રી, ગણેશોત્સવ, ઈદ, મહોરમ, નાતાલ વગેરે જે જે તહેવારો યાદ આવ્યા તે જણાવ્યા.

તેમણે પૂછ્યું ભારતમાં લોકો તહેવાર જ ઊજવે છે કે કંઈ કામ પણ કરે છે? મેં કહ્યું ભારતીય લોકો દરેક કામને ઉત્સવપૂર્વક કરે છે.

જવાબ સાંભળીને તેમના ચહેરા પર સ્માઇલ આવ્યું. મેં કહ્યું, એટલું જ નહીં, ભારતમાં અનેક ભાષાઓ બોલાય છે.

Where to learn Indian languages: Courses, institutes and job roles - Telegraph India

ઇન્ડિયન એક્સપ્રેસ નામના ભારતના ખૂબ પોપ્યુલર ડેઈલી ન્યૂઝપેપરમાં ભારતીય ભાષાઓ વિશે રીસર્ચ આવ્યું હતું, તે મેં તેમને જણાવ્યું અને કહ્યું કે ભારતમાં લગભગ 270 જેટલી ભાષાઓ બોલાય છે. અને જો તેની પેટા બોલીઓ વિશે વાત કરીએ તો તેની સંખ્યા લગભગ 1300-1400ની આસપાસ કે તેનાથી પણ વધારે છે. મારી આ વાત સાંભળીને તેમનો ચહેરો ફરીથી ‘આર યુ કિડિંગ?’ ટાઇપનો થયો, પણ તે કશું પૂછે તે પહેલાં મેં કહ્યું કે આ હું નથી કહેતો, આ ઇન્ડિયન એક્સપ્રેસ કહે છે. તમે ઓનલાઇન પણ આ વિગતો ચેક કરી શકશો. ભારતની સાંસ્કૃતિક તહેવારો, પરંપરાઓ અને ભાષાઓ વિશે જાણીને તે ખૂબ પ્રભાવિત થયા.

Blogs | PML Holidays

ભારત વિવિધતાથી છલકાતો એક વિશાળ સમુદ્ર છે. સવા અબજની તોતીંગ વસ્તી ધરાવતો આ દેશ પોતે એક અજાયબી જેવો છે.

સેંકડો ભાષાઓ, લોકો, પરંપરાઓ, રિવાજો, ધર્મો, તહેવારોથી છલકાતો દેશ પોતાનામાં કેટકટેલું વૈવિધ્ય સાચવીને બેઠો છે. આ વૈવિધ્યને લીધે જ કદાચ હજારો વર્ષોથી ટકી રહ્યો છે. ભારતીયો વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા છે. તેમાંય ગુજરાતીઓ તો વેપાર-ધંધા અર્થે જ્યાં જ્યાં સૂર્યપ્રકાશ અને પાણી પહોંચે છે ત્યાં ત્યાં પહોંચ્યા છે.

Are Indians in every country on Earth? - Quora

ખેર, વાત ઉત્સવોની છે, તહેવારોની છે. બધા જ દેશમાં એક તહેવાર મને કોમન દેખાયો — નવા વર્ષની ઉજવણી. જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે નવું વર્ષ ઉજવાય છે. પણ નવા વર્ષનું સ્વાગત દરેક દેશમાં પોતાની પરંપરા અને સાંસ્કૃતિક રીતરિવાજ મુજબ થાય છે.

દિવાળી આપણો અજવાળાનો ઉત્સવ છે. આપણને નવા વર્ષને અજવાળાથી આવકારીએ છીએ. જૂની કડવાશને ભૂલીને નવી મીઠાશ જીવનમાં ઘોળવાનો પ્રયત્ન કરીએ છીએ. દિવાળીકાર્ડની પરંપરા તો હવે ઝાંખી થઈ ગઈ છે. લોકો વોટ્સએપમાં મેસેજિસ મોકલીને શુભકામનાઓ પાઠવે છે. તેમાંય નાના નાના સુવિચારો અને કવિતાઓના તો જાણે રીતસર ઝરણાં ફૂટી નીકળે છે.

આજે આવા જ કેટલાક ચૂંટેલાં કાવ્યો આપની સમક્ષ વહેંચીને દિવાળીની શુભકામનાઓ પાઠવવી છે. આ કાવ્યો વાંચીને તમને પણ અન્ય કવિતાઓ યાદ આવે તો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો.

કંઇક યાદો લઈ અને વીત્યું વરસ
જોત જોતામાં નવું આવ્યું વરસ
હાસ્ય આપ્યું, તો ભીંજાઈ આંખ પણ,
ને ફરીથી સ્વપ્ન કંઈ લાવ્યું વરસ.
~ નયન દેસાઈ

શુભેચ્છા તમને નવા વરસની
દરેક પળની હરેક દિવસની
આ લાગણી છે અરસપરસની
શુભેચ્છા તમને નવા વરસની.
~ રઇશ મનીઆર

ટેસથી જીવી લે ને મોજથી ફરી લે
વર્ષ એક આખું આ શ્વાસમાં ભરી લે
ભૂલી જા બધુ બસ રાખ આટલી ખબર
જીવવામાં કોઈ બાકી રહે ના કસર
હું તને કરુ છું, તું મને વિશ કર
હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર.
~ મુકુલ ચોકસી

નવી ખુશી હો નવી હો આશા
નવાં હો સપનાં નવા વરસમાં
રહે ના મનમાં જરા કટુતા
હો ગાઢ મૈત્રી અરસપરસમાં.
~ ડૉ. વિવેક ટેલર

છુટ આપું જાવ તાળાં જેમ ખુલી જાઓ
લાગણી ભીના હૃદયથી કંઈ કબૂલી જાઓ
હા, પ્રસંગોપાત હળવાફુલ થાઓ ફરી
આ જ અવસર છે, નવા વર્ષની સાથે ઝુલી જાઓ.
~ હર્ષવી પટેલ

‘આમ તો જગમાં બધુ કેવું સરસ બદલાય છે
આ નદી બદલાય છે પણ ક્યાં તરસ બદલાય છે
જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ
વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે.
~ કિરણસિંહ ચૌહાણ

વધારે જેમ પીવાતી વધારાની તરસ લાગે
મદિરા જિંદગીની હો પુરાણી તો સરસ લાગે
જણસ જેવા સ્મરણ દઇને વરસ વીતી ગયુ જુનું
નવી નક્કોર લગડી આવનારું આ વરસ લાગે.
~ ડૉ. હરીશ ઠક્કર

લ્યો આવી ગઈ દિવાળી દર વર્ષે આવે તેમ,
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

ઉદાસીઓના ફટાકડાઓ ઝટપટ ફોડી દઈને,
ચહેરા ઉપર ફૂલઝડી સમ ઝરતું સ્મિત લઈને;
કોઈ પણ કારણ વિના જ કરીએ એકમેકને પ્રેમ…
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.

સૌની ભીતર પડ્યો હોય છે એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.
~ અનિલ ચાવડા

જ્યારે મળીએ, જે દિ’ મળીએ ત્યારે તે દિ’ નવું વરસ
મતલબ કે કો’ મનથી મળવા ધારે તે દિ’ નવું વરસ

ખાસ્સા ત્રણસો પાંસઠ દિ’નો વાર્ષિક ગાળો ધરા ઉપર
હું તો માનું : ક્ષણ જ્યારે પડકારે તે દિ’ નવું વરસ

ઈશ્વરનું આપેલું હૈયું ફળિયું શાને બને નહિં?
આ જ પ્રશ્ન પર લોકો સ્હેજ વિચારે તે દિ’ નવું વરસ
~ અજ્ઞાત

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.
એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં!
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં?
~ અનિલ ચાવડા

How to download and send Happy New Year 2022 stickers on WhatsApp

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ભારતીય લોકો દરેક કામને ઉત્સવપૂર્વક કરે છે❤✅.

  2. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોક સાહિત્યકાર, ભજનિક) says:

    નવા વર્ષના પ્રતિભાવો ખૂબ સરસ લાગ્યા. માણવા લાયક…