તમારાં કરતાં અમે વધારે દિવાળી જોઈ છે! ~ કટાર: અલકનંદા ~ અનિલ ચાવડા
ઘણી વાર મોટી ઉંમરનો માણસ નાની ઉંમરનાને ઠપકાભર્યા સૂરે કહેતો હોય છે કે તમારી કરતાં અમે વધારે દિવાળી જોઈ છે. નાની ઉંમરનો જો હાજરજવાબી હોય તો તરત કહે પણ ખરો કે, દિવાળી કોણે વધારે જોઈ એ અગત્યનું નથી, ફટાકડા કોણે સારી રીતે ફોડ્યા એ મહત્ત્વનું છે. કિરણસિંહ ચૌહાણનો એક શેર છે-
ઘણું જીવે, છતાં પણ કોઈ નક્કર કામ ના આપે,
ઘણાં આવીને ચાલ્યા જાય છે ફોટા પડાવીને.
સો-સો દિવાળી જોયા પછી પણ પોતાનું ચપટીક અજવાળું પણ બીજાને ન આપી શકનાર માણસ આખી જિંદગી કાળી ચૌદશ જેવો હોય છે. ચોવીસે કલાક એ અમાસના અંધારાને આંખે આંજીને ફરતો હોય છે. એવા માણસને પોતાનું અજવાળું પણ પ્રકાશિત કરી શકતું નથી. એણે વધારે દીવાળી જોઈ હોય તોય અજવાળાના કામમાં તો દેવાળું જ ફૂંક્યું હોય છે.
એ ન ભૂલવું જોઈએ કે વધારે દીવાળી જોનારને હોળી પણ વધારે જોવી પડે છે. બંનેનો સંબંધ પ્રકાશ સાથે છે, બંનેમાં અગ્નિ છે, બંનેમાં અજવાળું પણ થાય છે. પણ એકમાં બળવાની ઘટના છે અને બીજામાં પ્રકાશિત થવાની. અગ્નિ તો એક જ છે, છતાં બંનેમાં પ્રક્રિયા જુદી છે.
જિંદગી પોતે એક તહેવાર છે, તેની ઉજવણીમાં ક્યારેક હોળી આવે તો ક્યારેક દીવાળી. ક્યારેક દાઝવાનું થાય તો ક્યારેક પ્રગટવાનું.
પ્રત્યેક માણસ એક દીવો છે. એની અંદર પણ એક શગ છે. એ શગને અંદરના તેલથી પ્રગટાવવાની હોય છે. ઘણા માણસોની શગ સ્વચ્છ રૂની હોય, ઘણાની ફાટેલા ચીંથરાની. ઘણાની અંદરનું તેલ એકદમ ચોખ્ખું હોય, ઘણાનું વાસી, ઘણાનું હૃદય તો શુદ્ધ ઘીથી પ્રગટેલા દીવા જેવું હોય. તમારી અંદર તેલ કેવું છે, કેટલું છે તેની પર નિર્ભર છે કે તમે ક્યાં સુધી અજવાળું પાથરશો.
દિવાળી પહેલાં દશેરા પણ આવે છે. દશેરામાં આપણે રાવણના પૂતળાને બાળીએ છીએ, રાવણ એ દસ માથાના અહંકારનું પ્રતિક છે. અંદરના અહંકારને બાળ્યા પછી જ દિવાળી આવે છે.
દરેક પેઢીની એક શાશ્વત ફરિયાદ હોય છે કે હવેની પેઢીમાં અમારા જેવું જોમ નથી. અમે જે કર્યું છે એના દસમા ભાગનું પણ તમે કરી શકો તોય બહુ છે. આમ કહીકહીને પોતાના સંઘર્ષની સાચીખોટી કહાણીના કટકાઓ વહેંચ્યા કરે છે.
તેમની દરેક વાતમાં એક સૂર સતત વહ્યા કરે છે કે હવેનો જમાનો ખરાબ છે. અમારા જમાના જેટલો સારો નથી. આ ફરિયાદ હજારો વર્ષોથી સાંભળવામાં આવી રહી છે. એ દૃષ્ટિએ જોવા જઈએ તો આજનો જમાનો કેટલો બધો ખરાબ થઈ ગયો ગણાય?
હજારો વર્ષો પહેલાં જેની કલ્પના પણ નહોતી થઈ શકતી એ આજે આપણે સાચેસાચ ભોગવી રહ્યા છીએ.
કોણે વિચાર્યું હતું કે એક સાથે સેંકડો માણસો એક વિમાનમાં બેસીને દેશ-વિદેશમાં સફર ખેડી શકશે? એક જ સમયે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલો માણસ એકબીજાને જોઈ શકશે અને વાતો કરી શકશે? પોતે પણ પંખીની જેમ હવામાં ઊડી શકશે? એક માણસનું હૃદય બીજામાં નાખીને એને જીવતો રાખી શકાશે? અવકાશમાં બીજા ગ્રહ પર પણ જઈને રહી શકાય?
આ બધી વાતો એક સમયે માત્ર કાલ્પનિક કથાઓ જ હતી, આજે એ સાકાર સ્વરૂપે આપણી સામે છે. માણસનો આઈક્યૂ અને ઉંમરનો ગ્રાફ પણ વધ્યો છે, છતાં ફરિયાદ ઘટી નથી કે અમારા જેવો જમાનો આજે નથી. સો વર્ષ જીવેલો માણસ પણ આ વાત એકદમ ગર્વપૂર્વક કહેશે, અને અત્યારના સમયને વગોવશે.
સો વર્ષ પહેલાં આજે હતું એવું શિક્ષણ હતું? સો વર્ષ પહેલાં સ્ત્રીઓને આટલી આઝાદી હતી? ના, આજે જેટલું વિચારસ્વાતંત્ર્ય છે, સ્ત્રીને જેટલી આઝાદી છે એટલી અગાઉ ક્યારેય નહોતી. જાતિભેદ, વર્ણભેદ, રંગભેદ, રીતરિવાજ, અંધશ્રદ્ધા અગાઉ જેટલા હતા, તેટલા આજે નથી. માણસ વૈજ્ઞાનિક દૃષ્ટિથી જીવતો થયો છે. વધારે ઉન્નત થયો છે.
કોઈ પણ બાપ પોતાનો દીકરો અધોગતિમાં જાય એવું નહીં ઇચ્છે. આપણી અગાઉની પેઢીના બુદ્ધિશાળી માણસોએ પણ પોતાની પછીની પેઢી ખાડે ન જાય એનું પૂરું ધ્યાન રાખ્યું હતું. માત્ર વર્તમાનમાં સેટ ન થઈ શકતા અમુક અધુરિયા જીવો પોતાના ભૂતકાળને પરાણે ભવ્ય બનાવીને વર્તમાનને ભાંડ્યા કરે છે.
યુગોથી માણસ પોતાની આવતી કાલ સારી થાય એ માટે મથી રહ્યો છે. જો આજ થોડી ઘણી પણ સારી છે તો એમાં ગઈ કાલે પૂર્વજોએ કરેલી મહેનત છે એમાં કોઈ બેમત નથી. આજની પેઢી પણ એટલી જ મહેનત કરશે.
આ મહેનતના પરિણામે જ આજે આપણી પાસે આધુનિક સુખ-સગવડો છે. પરસ્પરનું વિચારસ્વાતંત્ર્ય છે. માત્ર ગામ, શહેર કે દેશ નહીં, વિશ્વ સુધી પહોંચી શકવાની શ્રદ્ધા અને શક્તિ છે.
હજારો વર્ષોથી થતી ફરિયાદમાં જો બધું જ સાચું હોત તો આજે પૃથ્વી પર માણસે જે પ્રગતિ કરી છે તે થઈ જ ન હોત. સાચી વાત તો એ છે કે વૃદ્ધ પેઢીએ ભલે ગમે તેટલી ફરિયાદો કરી, વાંધાવચકા ઊઠાવ્યા પણ જે તે સમયની યુવાન પેઢીએ પોતાની પેઢીને વધારે ઉન્નત બનાવવા મહેનત કરી જ છે.
સેંકડો વર્ષો ગયાં, હજારો દિવાળીઓ પસાર થઈ ગઈ. માણસ પોતાને અને જગતને વધારે અજવાળવા મથતો રહ્યો છે. એ ભૌતિક રીતે હોય કે આધ્યાત્મિક રીતે.
***
Khub સાચી ane tatsath vato ….👌👌👌👍
“પોતાની પછીની પેઢી ખાડે ન જાય એનું પૂરું ધ્યાન રાખ્યું હતું. માત્ર વર્તમાનમાં સેટ ન થઈ શકતા અમુક અધુરિયા જીવો પોતાના ભૂતકાળને પરાણે ભવ્ય બનાવીને વર્તમાનને ભાંડ્યા કરે છે.”
આજની પેઢી પણ એટલી જ મહેનત કરશે.✅✅
ખૂબ સરસ માહિતી.
ખૂબ સુંદર