‘ઘણુંયે છૂટે છે…!’ (ગઝલ) ~ તાજા કલામને સલામ (૧૫) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: મનીષા શાહ ‘મોસમ’ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગઝલઃ ‘ઘણુંયે છૂટે છે……!’

એક સાંધો ને તેર તૂટે છે.
આયખું એમ રોજ ખૂટે છે. 

સાવ પાકટ છે એની સમજણ ને,
પ્રેમમાં એકડો એ ઘૂંટે છે. 

કોણ સ્પર્શી ગયું છે ડાળીને,
રોજ કૂંપળ નવી જ ફૂટે છે. 

તું હવે ચાલ સાવધાનીથી,
અવસરે લોકો લાભ લૂંટે છે. 

દોસ્ત,પહોંચી મુકામે સમજાશે,
દોડ પાછળ ઘણુંયે છૂટે છે.

~મનીષા શાહ, ‘મોસમ’
~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

પ્રથમ દૃષ્ટિએ મતલા વાંચતાં એમ થાય કે કવયિત્રી એનાં શબ્દચિત્ર થકી જીવનની નિરાશાજનક સચ્ચાઈની વાત કરવા માગે છે પણ એમાં સહેજ ઊંડા ઊતરીએ તો ‘ઓહો..હો..હો..” થઈ જવાય એટલું ઊંડાણ ભર્યું છે.

માનવીને જીવન જીવવા માટે બે રસ્તામાંથી કોઈ એક પસંદ કરવાનાં છે. એક, જીવનના પ્રવાહને અનુકૂળ થઈને જીવો કે પછી સતત પ્રવાહના સામે તરીને જીવો.  જો કે ત્રીજો રસ્તો કોઈ નકશા વિનાનો પસંદ કરી શકાય અને એ છે સમય-સંજોગને આધીન રહીને, મનપસંદ ગંતવ્ય સુધી પહોંચવા અજાણ્યા ડુંગરા અને કંદરામાંથી સ્વયં કંડારેલો રસ્તો કે જે થોડોક પ્રવાહને અનુકૂળ હોય અને થોડો સામે વહેણે તરતાં તરતાં, વાળી લીધેલાં પ્રવાહનો હોય!

Courtesy of NWM/ Shutterstock

એ માટે ખબર નથી કે કેટલાં ડુંગરા અને કેટલીયે કંદરાઓને ખૂંદવી પડશે! એવું યે બને કે ગંતવ્ય સુધી આ ત્રીજો, જાતે બનાવેલો, “કસ્ટમાઈઝ્ડ”  રસ્તો ન પણ લઈ જાય, તો એનો અફસોસ કર્યા વિના મનની કેડીએ વહેવાનો ઉત્સવ ઉજવતાં પણ આવડવું જોઈએ. એવું પણ બને કે કોઈ એક રસ્તો હજી તો જિંદગીના પ્રવાહ સાથે જોડાય એ સાથે બીજા કેટલાંયે વહેણનાં રસ્તા બંધ થઈ જાય, બિલકુલ એમ જ કે ‘એક સાંધો ને તેર તૂટે!” છતાં પણ, આ ગતિ, આ સતત વહેતાં રહેવાની આરત ન ખૂટવી જોઈએ.

Life should have more mountains and less stress - The Quotes Master

ઉંમરનો તકાજો છે કે જેમજેમ વર્ષો વધે છે, તેમતેમ એ ઘટતી જાય છે. બસ, સતત વહેવું, વહેતાં રહેવું એમાં જ જીવંતતાનો અર્ક છે.  વખત વીતતો જાય છે ને માણસો ઉંમરલાયક થતાં જાય છે પણ ઉંમરને લાયક થાય છે કે નહીં એ એક અલગ વાત છે.

Hypothetically – અનુમાનિત કે પ્રકલ્પિત રીતે, કહેવા માટે તો સમજણ પણ ઉંમર પ્રમાણે પરિપક્વ થતી હોય છે. છતાં પણ જ્યારે પ્રેમના સ્વરૂપને સહજતાથી સમજવાની કે સ્વીકારવાની વાત હોય છે ત્યારે આ જ કહેવાતા પરિપક્વ લોકોને પ્રેમના અંકગણિતને સમજવવા માટે, એકડે-એકથી શરૂઆત કરવી કે કરાવી પડે છે. નહીં તો આ ઉંમરલાયક વ્યક્તિઓ પ્રેમની શૂન્યતા- ઉદાસીનતામાં જ અટવાઈ પડતાં, ન કદી પોતે પ્રેમને પામી શકે છે કે ન તો અન્યના પ્રેમને સમજી પણ શકે છે.

Life without love, is no life at all | Popular inspirational quotes at EmilysQuotes

અહીં માત્ર બે વ્યક્તિ વચ્ચે પાંગરતાં પ્રણયની જ વાત નથી પણ સમાજમાં અન્યોન્ય વચ્ચેના સૌહાર્દની પણ વાત છે.  એકબીજાના ધર્મ અને ન્યાતજાતના ભેદભાવો પણ એકબીજાના પ્રેમનો આદર ન કરી શકવાને કારણે જ તો ઊભાં થતાં હોય છે.

Caste discrimination in India - iPleaders

કુદરત પણ મોસમ પ્રમાણે ઊગવાનો અને ખરવાનો ઉત્સવ અફસોસ વિના, પ્રેમથી જ ઉજવતી હોય છે. વૃક્ષનો ધર્મ છે ધરતીના અમી સિંચાતાં વર્ધન પામવું અને પર્ણોની ભીનીભીની લીલોતરી, ફળો અને ફૂલોમાં, ઋતુચક્ર પ્રમાણે ખીલતાં અને ખરતાં રહેવું.

વસંતનો સ્પર્શ થતાં જ સાવ સૂકી ડાળીઓ પર નવી કૂંપળનાં લાસ્યો ફૂટી નીકળે છે. મનની મોસમનું પણ એવું જ છે. કોઈ ખાસ એવું આવીને મળે, મનને અડીને મનમાં વસી જાય અને પ્રણયની સંજીવની જાણે પામી લીધી હોય તેમ મનની ડાળીડાળી આશા અને નવી ચેતનાની કોમળ કૂંપળોથી લચી પડે છે.

કોણ સ્પર્શી ગયું છે ડાળીને,
રોજ કૂંપળ નવી જ ફૂટે છે 

અહીં સ્વ. કવિશ્રી મનોજ ખંડેરિયાનો શેર યાદ આવે છે,
નથી કેમે કરમાતાં મનમાંથી પુષ્પો,
સતત એ જ છે પાનખરની સમસ્યા.

Get Ready For Fall Season! - The Ambient Mixer Blog

ગઝલનો આ છેલ્લો શેર –
દોસ્ત,પહોંચી મુકામે સમજાશે,
દોડ પાછળ ઘણુંયે છૂટે છે.
સમસ્ત ગઝલને ‘ઈશાવાસ્ય વૃત્તિ’ તરફ અનાયસે લઈ જાય છે. જિંદગીના Flow – વહેણમાં ક્યારેક અવરોધ આવે છે, તો ક્યારેક અસ્ખલિતતા છે, ક્યારેક કંઈ તૂટી શકે છે તો કદીક કશું ખૂટી શકે છે. સમય આવતાં કશુંક ફૂટી શકે છે. જિંદગી સમયાનુસાર નવા ગણિતને ઘૂંટાવી શકે છે, ને જરાક મોકો મળતાં જ પોતાનો લાભ લોકો લૂંટે છે એ હકીકતને સ્વીકારીયે શકે છે. પણ, એક સનાતન ને શાશ્વત સત્ય પણ સફરના અંત પહેલાં, મોડું-વહેલું સમજાય છે કે  જિંદગીનો વહેળો ભલે વહેતો રહે છે, આંખ મીંચીને ભાગતો રહે છે. પણ, આમ કરવામાં ઘણાં ફૂલો, કેટલીયે વસંતો, વર્ષા ઋતુ અને કેટલાયે મોર ને કોયલના ટહુકાઓ પાછળ છૂટી જાય છે.

આ મુસાફરીમાં સાથે ચાલેલાં અને દોડેલાં કેટલાંયે પગલાં, કેટકેટલા મુકામો પાછળ રહી જાય છે. આ સત્ય યાદ અપાવે છે જીવનની નશ્વરતાની. અહીં ગઝલ ઉર્ધ્વગામી બને છે, સહજતાથી કોઈ પણ પ્રયત્નો વિના.

Picture quote by Rumi about life | Quotlr #quote #life | Rumi quotes, Rumi love quotes, Rumi quotes soul

આ મુકામ પર આવીને પછી કંઈ જ આગળ કહેવા-કરવાનું બાકી નથી રહેતું. જીવનની આ આગળ  વહેતા રહેવાની સફરનું સરવૈયું બેલેન્સ- Reconcile થાય છે, ત્યારે સમજાય છે કે પાછળ કેટકેટલું છૂટતું ગયું છે! શું પામ્યાં એ હકીકત નહીં, પણ શું છૂટ્યું, એની સચ્ચાઈ જ માનવીને આત્માની દિવ્યતા સાથે અનુસંધાન કરાવી આપે છે. આ છેલ્લા શેરના સાદા, શબ્દોમાં ગહનતા સહજતાથી વિચરે છે.  બહેન મનીષા શાહ, ‘મોસમ’ને અભિનંદન અને એમની ગઝલનું ફલફ સતત વિકસતું રહે એવી જ શુભકામના.

***

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. વાહ…સરસ ગઝલ અને આસ્વાદ પણ સરસ 👌🏽

  2. “કોણ સ્પર્શી ગયું છે ડાળીને,
    રોજ કૂંપળ નવી જ ફૂટે છે “

  3. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળકવિ, લોક સાહિત્યકાર, ભજનિક) says:

    ગઝલના શબ્દો સરસ.