‘ત્યાગીને જોયું મેં’ (ગઝલ)~ શોભિત દેસાઈ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ
ત્યાગીને જોયું મેં
અફીણી ઊંઘમાં વર્ષો સુધી ભાગીને જોયું મેં
પરંતુ આખરે આવી ગઝલ, જાગીને જોયું મેં
હતી બહુ ધૂંધળી પણ જ્યોત દેખાતી હતી છેડે
વિષમતાનું ગહન ગાઢું, તિમિર તાગીને જોયું મેં
સમય નક્કી અને હિસ્સો નિયત છે ઇંતઝારીનો
વધુ, વહેલું મળે ક્યાં? કેટલું માગીને જોયું મેં!
નથી સહેજેય મારી હેસિયત, જાણી ગયો તરત જ
જરા પૂરતું તમારા જેવું જ્યાં લાગીને જોયું મેં
પરમ ઉપભોગથી ઉત્તમ બીજું કંઈ નથી જગમાં
તમારા સમ! ખરું કહું છું! ઘણું ત્યાગીને જોયું મેં!
~ ગઝલઃ શોભિત દેસાઈ
~ આસ્વાદ : જયશ્રી વિનુ મરચંટ
આમ તો માણસની જાગૃત અવસ્થા અને સુષુપ્ત અવસ્થાની વચ્ચે જીવાતા સમયનું નામ જીવન કે જિંદગી છે. પણ શું જાગૃત અવસ્થામાં માણસ ખરેખર જાગતો હોય છે? અને આ જાગતો માણસ ખરેખર જીવતો હોય છે ખરો? બીજા શબ્દોમાં, શું દરેક જીવતો માણસ ક્યારેય જાગતો હોય છે ખરો?
માણસ સતત ભાગતો રહે છે, ક્યારેક કર્મના નામે, ક્યારેક જવાબદારીઓના નામે, તો ક્યારેક પોતાના Personal & Professional Growth – વ્યક્તિગત કે વ્યવસાયગત વિકાસના નામે! આમાં બધાથી આગળ નીકળી જવાની માણસની દૈહિક કે માનસિક દોટ તો સતત ચાલતી રહે છે.
આજનો માણસ અને કદાચ સમસ્ત સમાજ, એટલો તો Competitive – સ્પર્ધાત્મક બની ગયો છે કે કોઈનેય કોઈની પાછળ નથી રહેવું! આ હાથે ઊભી કરેલી રેસમાં, બધાંથી આગળ નીકળી જવાની અદમ્ય ઈચ્છાનું- ઝનુનનું અફીણ માણસને એક ઘેનની અવસ્થામાં રાખે છે.
આ નશાભરી નિદ્રામાં ભાગતાં રહીને શરીર કદાચ ન થાકે પણ શરીરની અંદર જે ચેતના બનીને ધબકે છે, એ પ્રાણતત્વ જ્યારે જાગી ઊઠે છે, ત્યારે સતત દોડતી જિંદગી અટકી જઈને અંતરમાં ડોકિયું કરવાની ફરજ પાડે છે. અને, એ સમયે ઉદય પામે છે સંવેદનાનું કાવ્ય સ્વરૂપ એટલે જ ગઝલ, એટલે કે પ્રેમી સાથે, ખુદા સાથે કરેલી ગુફતેગુ-સરગોશિયાં!
આ જ પ્રેમ પરમેશ્વર બનીને આત્મા રૂપે આપણી અંદર રહે છે. આ ગઝલ, આ સંવેદનાના ઉદગમ સાથે આર્જવતા, પ્રેમ, સુખ અને દુઃખનો અહેસાસ થાય છે. આ અહેસાસ એનું પણ ભાન કરાવે છે કે આ બધી જ લાગણીઓ વિનાની ભાગદોડનું અંતિમ, બોદા કવચ સમું હોય છે. જે માત્ર શરીર પર બોજો બની શકે છે પણ નશ્વર શરીરની અંદર રહેલાં પ્રાણતત્વને રક્ષી નથી શકતો, એ સમજાતાં જ જીવન પ્રત્યેનો અભિગમ બદલાઈ જાય છે.
સાચું પૂછો તો આપણે જ આપણા પ્રકાશ અને અંધકારના જન્મદાતા છીએ. સૂરજ, ચંદ્ર, અને તારા એના નિયત કાળચક્રને આધીન રહીને ઊગતાં ને આથમતાં રહે છે, જેના પ્રકાશને અને અંધકારને ખુલ્લી આંખો દેખી શકે છે. પણ, અંતરના અજવાસને પામવા માટે તો મનની આંખો ખોલીને અંતરમનના સઘન અંધકારની કાળાશની પાર તાકીને જોવું પડે છે.
આ જેવું વાંચતાં સહેલું લાગે છે એવું સહેલું નથી. માણસનું અવળચંડું મન અંધારાના બહાના હેઠળ, એને આ તેજ, આ જ્યોતના અસ્તિત્વને સહેલાઈથી સ્વીકારવા નથી દેતું. એનાં બે કારણો છે – એક, અંધારાની ઓથે “Status Quo” – “જેમ છે એમ ચાલવા દો”ની નિષ્ક્રિયતાનું વલણ રાખવું સહેલું પડે છે. બીજું, માણસને પરિવર્તનની બીક લાગે છે. કોઈ પણ જાતના પરિવર્તન માટે એને સ્વયંની અંદર રહેલાં Limitations & Inhibition – મર્યાદાઓ અને અવરોધો-અંકુશોનો અઢાર કોઠાનો ચક્રવ્યૂહ તોડવો જરૂરી છે. પણ એને તોડવો કઈ રીતે?
આ સવાલનો જવાબ સમજદારીના અને સ્વીકારના પ્રકાશ વિના પ્રાપ્ત થતો નથી. આ સમજણના દીવા તો અંતરમાં પાળી મૂકેલા રાગ, દ્વેષ અને અભિમાનના અંધકારના કાળા ડિબાંગ પડદાની પેલી બાજુ, દૂરદૂર, ઝીણાંઝીણાં પ્રગટતાં હોય છે. એને જોઈ શકવા માટે, બધી જ ભાગદોડ અટકાવીને રજનીશજી કહે છે એમ, “અકંપ ચેતનાનું ધ્યાન” ધરવું પડે છે.
આ એક પરમ સત્ય છે કે જીવનની ડગરમાં આવતા બધાં જ મોડ આંધળા હોય છે અને આ બધાં મોડ માટે આ સફરના મુસાફરો પણ સાવ અજાણ્યાં હોય છે. કોણ ક્યારે, ક્યાં, કેટલીવાર માટે અહીં છે અને કોને, ક્યાં, ક્યારે, કેટલું મળશે, એ બધાનો સમય તો નિશ્વિત છે.
કહેવાય છે ને કે સમયથી આગળ કે સમયથી પાછળ કોઈનેય કંઈ મળતું નથી, તે છતાં પણ આ જલદી મળવાની લાલસાના મૃગજળ માણસને પોતાની પાછળ સતત દોડતાં રાખે છે. આપણે મનને પણ મનાવી લઈએ છીએ કે આમ જ દોડતાં રહીશું તો જલદીથી સ્ફટિક-સા નિર્મળ ગંગાજળને આપણે સૌ પહેલાં પી શકીશું!
કોણ જાણે કેમ પણ આપણે મગજમાં ઠસાવી લીધું છે કે સતત જેને ઝંખ્યા કરીશું, કે માગ્યા કરીશું, તો એ પોતાની મેળે એક દિવસ જાદુગીરીથી મળી જ જશે. પણ હકીકત એ છે કે આપણામાં જેટલું સત્વ છે, જેટલું પામવાની લાયકાત છે અથવા તો પરિશ્રમથી જે લાયકાત કેળવી છે, એના જ પરિમાણમાં અને એટલું જ અંતે મળે છે.
આપણું સ્પર્ધાત્મક મન તો અન્ય કોઈને જે આવી મળ્યું છે, એ પામવા પણ ઝંખે છે અને એ માટે અન્યના જેવાં થવા માટે મથે પણ છે. ઘણીવાર તો આ સાદું સત્ય સમજવામાં આખી જિંદગી નીકળી જાય છે કે માત્ર અન્ય જેવાં થવાથી કે લાગવાથી, એમને મળેલી ઉપલબ્ધિઓ પ્રાપ્ત નથી થતી.
પોતાની અંદરના હીરને સમજવાની કવિ અહીં વાત સરસ રીતે કરે છે કે,
“નથી સહેજેય મારી હેસિયત, જાણી ગયો તરત જ
જરા પૂરતું તમારા જેવું જ્યાં લાગીને જોયું મેં”
ફિલ્મ અદાકારા સ્વ. મીનાકુમારીનો આ શેર યાદ આવે છે…
“સહેમા સહેમા દિન બીતા, ધજ્જી ધજ્જી રાત મિલી
જિતના જિસ કા દામન થા, ઉતની હી સોગાત મિલી”
આપણને બધું જ પામી લેવું છે અને એ પણ પાછું આપણી રીતે, આપણે ઈચ્છીએ એ પ્રમાણે અને એ સમયે જ! પણ, “મને એ જોઈએ જ..” ની જીદ પાછળ શું આપણા કારણો સાચાં છે? શું આ બધી ભૌતિકતા અને પાર્થિવ સગવડોના સામાનો-ઉપકરણો પામવામાં જ જીવનનો આનંદ છે?
“પરમ ઉપભોગથી ઉત્તમ બીજું કંઈ નથી જગમાં
તમારા સમ! ખરું કહું છું! ઘણું ત્યાગીને જોયું મેં!”
ગઝલના આ છેલ્લા શેરમાં ઉપરછલ્લી રીતે જોતાં એમ જ લાગે કે કવિ સહેલો રસ્તો બતાવીને સિફતથી નીકળી જવા માગે છે. સાચું પૂછો તો આ જ શેરમાં સમસ્ત મથામણો સાથે આપણા હિસ્સે આવેલું જીવન જીવી જવાની રીતોનું નવનીત છે.
જિંદગીની સમસ્યાઓનું સમાધાન નહીં, પણ કાયમી નિવારણ શોધવું પડે છે. સમસ્યાઓથી ભાગવું, પલાયન કરી જવું એ સમાધાન હોઈ શકે, પણ કાયમી ઈલાજ કોઈ કાળે ન હોય! જો જીવનની સમસ્યાઓને, મુસીબતોને, સુખોને, દુઃખોને માણ્યાં જ ન હોય અને In Anticipation એટલે કે એવી ધારણામાં રહો કે આ બધી જ પળોજણ છોડીને પલાયન કરવાથી બધી મુસીબતોનો અંત આવી જશે, તો એ ભ્રમણાથી વિશેષ વધુ કંઈ નથી.
અહીં એક યક્ષપ્રશ્ન એ છે કે જે માણ્યું નથી, જે પામ્યાં નથી, એનો ત્યાગ કઈ રીતે થાય? હા, એ પામવાની ઈચ્છાનું દમન જરૂર થઈ શકે, પણ, દમન કે અંકુશ ક્યારેય કોઈ પણ સમસ્યાનું કાયમી નિવારણ નથી. આ ‘પામવું’ અને પછી ‘છોડવું’ બેઉનો અનુભવ એકમેક વિના શક્ય નથી.
ઓશો કહે છે એમ, “અનુભવનું ફળ પાકે અને પછી જ સ્વયં નીચે પડે, એ એક સહજ, કુદરતી બીના છે. કુદરતની સહજતા અને સ્વસ્થતાના આશીર્વાદ તો જ મળે જો કુદરતના નિયમને અનુસરાય. સંસારમાં જ રહીને એનાં ખાટાં-મીઠાં અનુભવોમાં પાકીને પછી જ જે ત્યાગ થાય છે, એમાં જ પાકાં ફળનો સ્વાદ હોય છે.”
અહીં અનાયસે જ ફિલ્મ, “ચિત્રલેખા”નું સાહિર લુધિયાનવીનું આ ગીત યાદ આવે છે.
“સંસાર સે ભાગે ફિરતે હો, ભગવાન કો તુમ ક્યા પાઓગે?
ઈસ લોક કો ભી અપના ન સકે, ઉસ લોક મેં ભી પછતાઓગે!
યે ભોગ ભી એક તપસ્યા હૈ, તુમ ત્યાગ કે મારે ક્યા જાનો
અપમાન રચેતા કા હોગા, રચના કો અગર ઠુકરાઓગે !”
આદરણીય કવિશ્રી શોભિતભાઈની આ ગઝલનું ઊંડાણ ગઝલને અમર બનાવવા માટે પૂરતું છે, એટલું જ નહીં પણ જીવનયાત્રાનું ભાથું બંધાવી આપે છે.
***
જિંદગીની સમસ્યાઓનું સમાધાન નહીં, પણ કાયમી નિવારણ શોધવું પડે છે. સમસ્યાઓથી ભાગવું, પલાયન કરી જવું એ સમાધાન હોઈ શકે, પણ કાયમી ઈલાજ કોઈ કાળે ન હોય! વાહ જયશ્રી ખૂબ સુંદર ગઝલનો સુંદર આસ્વાદ !
ખૂબ સરસ. હૃદયદ્રાવક શબ્દો.