આથમણી કોરનો ઉજાસ ~ (ડાયસ્પોરા સાહિત્ય પત્રશ્રેણી) ~ પત્ર: ૭ ~ લેખિકાઃ દેવિકા ધ્રુવ અને નયના પટેલ
પત્ર નં-૭
પ્રિય નીના,
હાસ્યકારની કલમ અને તેમાં પણ પારસીની બોલી! હસવું તો આવે જ ને યાર! તું નહિ માને, તારો પત્ર વાંચીને મેં તો થોડી, એ રીતે બોલવાની પ્રેક્ટીસ પણ કરી જોઈ! પણ તરત સમજાઈ ગયું કે એ કામ તો તારું જ હોં. આ બંદાને કંઈ ફાવે નહિ.
પત્ર વાંચતા વાંચતા, કોણ જાણે કેમ પણ, જસવંત ઠાકર દિગ્દર્શિત પેલું આપણે કરેલું નાટક “મોટાકાકાની મૈયત’ યાદ આવી ગયું.
એમાં પણ કેટલું હાસ્ય હતું? બે ચોટલીઓવાળી અને ઝુલઝુલવાળું ફ્રોક પહેરેલી નાનકડી છોકરીનો તેં કરેલો રોલ હજી એવો ને એવો યાદ છે. તરત જ જૂનું આલ્બમ ખોલી ફોટાઓ પણ જોઈ લીધા અને ‘યુથ ફેસ્ટીવલ’માં પ્રથમ આવેલ એ નાટકની ઘણી બધી યાદો તાજી કરી લીધી.
આ ફેબ્રુ. મહિનો શરુ થયો ત્યારથી એક બીજું પણ દૃશ્ય આંખ સામે આવે છે. જો કે, આ વાત અહીંની છે.
તે વખતે પહેલવહેલી વાર અમે ન્યૂયોર્કની ‘સબવે’ (ટ્રેઈન)માં બેઠા હતા. ભીડ, ઇન્ડિયાની જેમ જ સખત હતી. તેથી અમને બંનેને સીટ જુદે જુદે ઠેકાણે મળી. જ્યાં જગા દેખાઈ ત્યાં હું તો બેસી ગઈ.
ત્રણ જણની એ બેઠકમાં મારી બાજુમાં એક અમેરિકન કપલ હતું અને એ બંને એકબીજાંને સખત વળગીને પ્રેમ કરતાં હતાં. તાજી જ ભારતથી આવેલી મારે માટે જાહેરમાં આવું જોવાનો પહેલો આઘાતજનક અનુભવ હતો. એકદમ ચોંકી જવાયું. નીના, મને તો સખત આંચકો લાગ્યો!. એ લોકોના બદલે જાણે કે મને શરમ, ભોંઠપ એવુ બધું થવા લાગ્યું.
પછી તો ક્યારે સ્ટેશન આવે ને હું અહીંથી ઊભી થઈને ભાગું એમ થયું! જાહેરમાં આવું? બાપ રે! ધીરે ધીરે વિચારતાં સમજાયું કે આ વાતાવરણ ફેર! આ સંસ્કાર ફેર! આ કુટુંબ અને સમાજ-વ્યવસ્થામાં ફેર!
હજી આજની તારીખમાં પણ આ દેશ અંગે એ વિષય પર મારા અભિપ્રાયમાં કોઈ ફરક નથી પડ્યો. ઘણી બધી બાબતોમાં અમેરિકાને અદબભેર સલામ હોવા છતાં, છડેચોક આવા પ્રદર્શનોનો હું મનથી અસ્વીકાર કરું છું.
ભારતના કોઈ પણ ખૂણે, એકે હિન્દુસ્તાની આ દૃશ્ય ઊભું કરે કે જુએ તેવું મારી જાણમાં નથી. અરે, આપણે તો બેડરૂમની વાત સુધ્ધાં, બહારના રૂમમાં પણ ન કરીએ! જો કે, અહીં સહેજ અટકું…
આજના આપણા યુવાનોએ હવે, ત્યાં પણ કેટલાંક દૂષણોની શરૂઆત કરેલી દેખાય છે. પહેલાં ત્યાં, ક્યાં “વેલેન્ટાઈન ડે” ઉજવાતો હતો? પ્રેમનો અદભૂત અને દિવ્ય અર્થ હવે બધે બદલાવા માંડ્યો છે! રવીન્દ્રનાથ ટાગોર કેવાં સુંદર શબ્દોમાં કેટલું બધું કહી ગયા છે કે, Love is an endless mystery, for it has nothing else to explain.
આ વિષય પર ગઈકાલે ઘણું વિચાર્યા પછી થોડું કંઈક સરસ વાંચ્યું જે આજે અહીં ઉતારું છું.
ફેબ્રુઆરી મહિનો આવે ને જે ઉભરાય તેને પ્રેમ કહેવાય?
‘વેલેન્ટાઈન ડે’ કહી ગુલાબનો ગુચ્છો કોઈ ધરી જાય તેને પ્રેમ કહેવાય?
ના… એને પ્રેમ ન કહેવાય..
એકાદ દિવસે કેન્ડલ-લાઈટ ડીનર થાય કે
ગુલાબી બોકસમાં ભેટ-સોગાદની આપલે થાય તેને પ્રેમ કહેવાય?
ના..ના..
શું સાથે બેસીને કોઈ રોમેન્ટીક મુવી જોવાય તેને પ્રેમ કહેવાય?
ના…ના.. ના..એને પણ પ્રેમ ન કહેવાય.
આ નહિ, તે નહિ… ન ઈતિ.. નેતિ, નેતિ..
તો પછી!! કોને પ્રેમ કહેવાય?
જે હથેળીમાં લઈને જોવાય નહિ પણ, સતત અનુભવાય તેને પ્રેમ કહેવાય.
રાણાએ મોકલેલા ઝેરના પ્યાલાને, અમૃત સમજીને પી શકાય તો તે પ્રેમ કહેવાય.
કોઈને માટે મીઠા બોરને ચૂંટતા, કાંટાના ઉઝરડા હાથમાં દેખાય તો તે પ્રેમ કહેવાય.
ને અગ્નિની દાહક જ્વાળાઓમાંથી, હેમખેમ આરપાર નીકળી શકાય તો તે પ્રેમ કહેવાય.
પણ એ તો થઈ અલૌકિક પ્રેમની વાતો… પરમ ઇશ્વરની વાતો.
કોઈએ ક્યાં જોયો છે એને? કોઈએ શું સાંભળ્યો છે એને?
એ તો મનની શ્રદ્ધા કહેવાય, એ કંઈ પ્રેમ કહેવાય?
તો પછી આ પ્રેમ ક્યાં છે? માનવીમાં, જીવનમાં, વિશ્વમાં શું પ્રેમ નથી?
ક્યાંક… ક્યાંક… તો જરૂર છે. પણ ક્યાં? ક્યારે? શેને પ્રેમ કહેવાય?
ભૂખથી રડતા ગરીબ બાળકની લાચાર માની આંખમાં આંસુ ઉભરાય,
ને પેટે પાટા બાંધી કોળિયો ખવડાવતી માનું હૈયું ખોલાય તો ત્યાં પ્રેમ દેખાય.
દિવસભરની સખત મજૂરી પછી, રાત્રે શિયાળાની કડકડતી ઠંડીમાં,
ટૂંટિયું વાળીને, રસ્તાની સડક પર ખૂણામાં સૂતેલા મજૂરને,
ગરમ ધાબળો ઓઢાડનાર મધર ટેરેસાના સ્પર્શમાં પ્રેમ અનુભવાય,
સરહદ પર દેશને માટે રુધિર રેડનાર જુવાનની શહીદીમાં પ્રેમ વર્તાય.
પ્રેમને શબ્દોના વસ્ત્રોમાં ન વીંટળાય,એને અક્ષરોના ઓશીકામાં ન બંધાય.
કેવળ શ્રદ્ધા અને શાંતિભર્યા હૂંફાળા મૌનમાં છલકાય તે પ્રેમ કહેવાય.
અને હા, માનવી છીએ ને એટલે જ તો છેલ્લે….
જીવનની ઢળતી સંધ્યાએ જેને માટે ‘તારા વગર નહિ જીવાય’
એવો અહેસાસ થાય તેને જ સાચો પ્રેમ કહેવાય.
અને તે પછી… તે પછી પણ..
માયાના એ આવરણમાંથી ને સગપણના વળગણમાંથી વિરક્ત થઈ,
મુક્તિનો શ્વાસ લેવાય તો તે ચિર શાંતિને પરમ પ્રેમ કહેવાય.
પરમ પ્રેમ…
ઓહ..my God.. ક્યાંથી ક્યાં પહોંચી જવાયું? ફેબ્રુઆરીની અસર? શું કરું? વિષય જ એવો હતો કે ઘણું લખાઈ ગયું. તું કોઈ નવી, જુદી વાત લઈને આવજે, હોં ને!
દેવીની સ્નેહ યાદ.
ફેબ્રુ.૧૩.
આ સાતમો ભાગ આજે વાંચ્યો અને બહુ સરસ લાગ્યો લાગણી વેલ એવી ચડી કે બીજા કાર્યો અંધ વચ્ચે જ રહી ગયા હૈયાનો ઉમળકો અને જીની યાદો કોઇ પણ તો તે અનેરી જ લાગે સહેવાય બહુ સરસ રહ્યું ધન્યવાદ
પ્રેમને સમજવો અઘરો છે. સાચો પ્રેમ ઈશ્વર તરફ લઈ જાય છે.