હે દયાળી શારદા! ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે
ચૂંટણીઓ નજીક આવતાં બફાટોનું વિશ્વ વધુ વિસ્તરશે. વાણીસ્વાતંત્ર્યનો અધિકાર બધાને છે, પણ તાણી જાય એવું સ્વાતંત્ર્ય પતનનો પંથ છે. પોતાની લીટી મોટી કરવા બીજાની લીટી ભૂંસવાની શું જરૂર?
રાષ્ટ્રવાદી પક્ષના નેતા છગન ભુજબળ ઉવાચઃ ‘સાવિત્રીબાઈ ફુલે, મહાત્મા જ્યોતિબા ફુલે, બાબાસાહેબ આંબેડકર, છત્રપતિ શાહુ મહારાજ, કર્મવીર ભાઉરાવ પાટીલની તસવીરો શાળામાં મુકાવી જોઈએ. આ તમારા દેવ હોવા જોઈએ નહીં કે સરસ્વતી માતા. જેને આપણે જોયા નથી, જેણે ખાલી ત્રણ ટકા લોકોને શીખવ્યું તેમની પૂજા શા માટે કરવાની?’
આને ઉવાચ કહેવાય કે ઊલટી? જે લોકો મૂળ વિસ્તારવાને બદલે મૂળ કાપવા બેઠા છે તેમને સંજય રાવની આ વાત ક્યારેય નહીં સમજાય…
શિષ્ટ પુસ્તક ને કલાનો સાથ હોવો જોઈએ
શારદા માતાનો માથે હાથ હોવો જોઈએ
ધન ને વૈભવ, સંપદા થોડાંક હો તો ચાલે, પણ
જ્ઞાન ને સંગીતનો સંગાથ હોવો જોઈએ
રાજકારણીઓ માટે ધન અને વૈભવ અગ્રસ્થાને હોય છે. તેમના નમનમાં પણ ગણતરી હોય. ચૂંટણીઓ નજીક આવતાં બફાટોનું વિશ્વ વધુ વિસ્તરશે. વાણીસ્વાતંત્ર્યનો અધિકાર બધાને છે, પણ તાણી જાય એવું સ્વાતંત્ર્ય પતનનો પંથ છે. પોતાની લીટી મોટી કરવા બીજાની લીટી ભૂંસવાની શું જરૂર? રશ્મિ જાગીરદારની પંક્તિઓની આસ્થા અજવાળવા જેવી છે…
જ્ઞાન જ્યાં દેવાય માતા શારદા ત્યાં
સૂર જ્યાં રેલાય માતા શારદા ત્યાં
કાપે અંધારું ઉજાળે માર્ગ સૌનો
જોઉં જ્યાં સેવાય માતા શારદા ત્યાં
મા શારદાની કૃપા પર આઘાત થતા જ જાય છે. અખબારો, સામયિકો, પુસ્તકો શિષ્ટ રહી શક્યાં છે એનો આનંદ છે; પણ કેટલીયે વેબ-સિરીઝમાં વપરાતી ભાષા કાનમાં ઉઝરડા પાડી રહી છે. સરસ કથાવસ્તુ હોય, ઉત્તમ કલાકારો હોય; પણ ચોંટાડેલા નિમ્ન શબ્દો આખો સ્વાદ બગાડી નાખે.
પૃથા મહેતા સોનીની પારંપરિક અભિવ્યક્તિ સાથે ગ્લાનિ લૂછવાનો પ્રયાસ કરીએ…
ગતિ તવ દિશા પ્રતિ વાચિની!
અતિ મોદકર મતિ-સાધના
અનુનય ગ્રહો, પ્રતિબોધ બસ
પરિપૂર્ણ હો તમ શારદા
કુદરતનાં તત્ત્વોને અને કુદરતે આપેલી શક્તિને આપણે દેવી-દેવતાઓ સાથે જોડીએ છીએ. ભાષા એક વાહન છે જેનું કામ છે આપણી લાગણીઓને વહન કરવાનું. બીબાઢાળ જિંદગીમાં કલાનો સથવારો હોય તો બળતી વેદનાઓ પર ટાઢો લેપ થતો રહે. ધાર્મિક પરમાર ભાષાનું સામર્થ્ય ઊજવે છે…
મા શારદાની વીણા સર્જે નવી વસંતો
શબ્દો સિવાય બીજી ના આગવી વસંતો
એવી ગયા છે ઊજવી, આજેય મ્હેકે ભાષા
ગઝલે મરીઝ-આદિલ-ટંકારવી વસંતો
પ્રત્યેક ભાષાની પોતાની ખુશ્બૂ હોય, વિશેષ શબ્દો અને અર્થછાયા હોય. એટલું જ નહીં, એક જ ભાષામાં પણ કેટલું વૈવિધ્ય હોય. આપણે ત્યાં ગ્રામ્યવિસ્તારોમાં અનેક બોલી બોલાય છે. બધાનું માધુર્ય અને રણકાર જુદાં લાગે. વિદ્યાની દેવીને વંદન કરીને સુધીર પટેલ લખે છે…
આપશે એ તને વગર માગ્યે
એના હાથે સુકાન આપી દે
એક દૃષ્ટિ જ એની કાફી છે
શાસ્ત્રભરનું એ જ્ઞાન આપી દે
સમાજની પ્રગતિમાં અને વિદ્યાના વિકાસમાં યોગદાન આપનાર મહાપુરુષોની છબિ શાળાઓમાં મુકાય એ સારી જ વાત છે, પણ એના માટે વિદ્યાદેવીની પ્રતિમાને હડદોલા મારવાની જરૂર નથી. ઉતારી પાડવાની માનસિકતા અસલામતીની નિશાની છે. કૉન્ગ્રેસના નેતા ડૉ. ઉદિત રાજે કરેલી ટિપ્પણી સાંભળીને તેમની કલુષિત જીભ ટીપવાનું મન થઈ આવશે. ઉદિત ઉવાચઃ ‘દ્રૌપદી મુર્મૂ જેવાં રાષ્ટ્રપતિ કોઈને ન મળે. ચમચાગીરીની પણ હદ છે.’
આવા અહંકારી લોકોમાં સમતા આવી નહીં શકે એટલે આપણે એમના પર છેકો મારીને મમતા શર્માની પંક્તિઓ મમળાવીએ…
હોય માથે હસ્ત તારો એ જ તો માગ્યું સદા
ભાગ્ય મારું તું જ ઘડજે હે દયાળી! શારદા
તેજ તારું પામવાની પાત્રતા આપી મને
અંતરે અજવાસ ભરજે હે દયાળી! શારદા
લાસ્ટ લાઇન
કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના
વીજળિયું વેડી લેખણ કીધી,
સરસવતી માતા!
કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી,
સરસવતી માતા!
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;
કળતર કાંતીને વીંટા વાળ્યા,
સરસવતી માતા!
અટકળ ઓળંગી ઓરા આવજો,
અરથું નરથુંને બેવડ ચાળ્યા,
સરસવતી માતા!
અખશરનાં અજવાળાં ઉપડાવજો;
પરપોટા ચીરી દરિયા બોટ્યા,
સરસવતી માતા!
ટાંકાટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં
સરસવતી માતા!
લેખીજોખીને વળતર વાળજો;
એંઠાં પતરાળાં દૂધે ધોયાં,
સરસવતી માતા!
પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં,
સરસવતી માતા!
પીળી પાંદડિયે અભરક ટાંકજો;
પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં,
સરસવતી માતા!
અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઓછાયે અમને લૂંટ્યા,
સરસવતી માતા!
પરથમ પૂજ્યાની લાજું રાખજો
~ વિનોદ જોશી
બાહોશ સત્યકથનથી શરૂ થતો સુંદર લેખ!
સમાજમાં હવનમાં હાડકાં નાખનારા ગણ્યા ન ગણાય એટલા છે… મા સરસ્વતી એમને સદ્બુદ્ધિ આપે.
BHADRAM BHADRA CHUTNI TIME. SANATAN DHRAM -POTANA SWARTH MATE GADI SAMPAN DHARAM BANAVYO. SANT THAKI GADI SANSTAPAN 1001 ACHRYA DEV BANAYA. SANT KAYARE PAN GADO SANSTAPAN NOTI KARI. SANT KABIR-SANT NARSIH- BAI MIRA ETC. POTANA SWARTH MATE SANATAN DHARAM NA TUKDA- TEVI J RITE POLITICIAN POTANA SWARTH MATE MATA SHARDA SHREE SARASWATI MATAJI NU VIBHAJAN SHARU.
ખૂબ સુંદર લેખ…
શિષ્ટ પુસ્તક ને કલાનો સાથ હોવો જોઈએ
શારદા માતાનો માથે હાથ હોવો જોઈએ..