તું સકલ જગધારિણી ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે

કાકાસાહેબે કાલેલકરે લખ્યું હતું: `તહેવારો અને ઉત્સવો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ, વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ, ઋતુ ફેરફારનો ખ્યાલ પણ જાણી શકીએ છીએ. તહેવારો આપણા ભેરુ છે.’

Festivals of Introspection- The New Indian Express

આ લખાણમાં આજની ભાષામાં ઉમેરો કરવો હોય તો કહી શકાય કે તહેવારો આપણું ટોનિક છે. રૂમઝૂમ કરતી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ફાલ્ગુની ભટ્ટની પંક્તિઓ સાથે મા જગદંબાની વંદના કરીએ.

હે દયાળી માત! તારા
હાથ માથે રાખજે
આ જગતના તાપ ને
સંતાપને તું ટાળજે
હે ભવાની! તું સઘળે
વ્યાપ્ત છે ચોકમાં
ગર્ભનો દીવો બની
આ સૃષ્ટિને અજવાળજે

File:Navratri garbo.jpg - Wikimedia Commons

ગરબામાં કવિ વલ્લભ ભટ્ટ મેવાડાનું નામ અગ્રિમ સ્થાને છે. તેમણે પારાવાર સુંદર ગરબાઓની ભેટ આપણને આપી. એની પાછળ એક વાયકા છે.

Vallabh Bhatt - Alchetron, The Free Social Encyclopedia
વલ્લભ ભટ્ટ

ગીત-રાસ લખતા આ કવિ એક વાર શ્રીનાથજીનાં દર્શને ગયા. પૂજારીએ કહ્યું કે દર્શન બંધ થઈ ગયા છે. નામ વલ્લભ હોવા છતાં કવિ પાસે પાછા ફરવા સિવાય છૂટકો નહોતો. તેમણે ખિન્ન હૃદયે નક્કી કર્યું કે જે બાપ પોતાના સંતાનોને દર્શન ન આપે તેની સ્તુતિ કરવાની બદલે સદાય સુલભ એવી માની સ્તુતિ લખવી. મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે, રંગતાળી રંગતાળી રંગતાળી કે રંગમાં રંગતાળી જેવા પ્રસિદ્ધ ગરબા એમની કલમથી આપણને મળ્યા.

Maa pavate gadh thi utarya-માં પાવા તે ગઢથી ઉતર્યા-old garba

અમદાવાદ નજીક સીતાપુરમાં વલ્લભ ભટ્ટની વાવ આવેલી છે.

આનંદના ગરબા પાછળની ગાથા સાંભળી છે તમે?

તેમની પ્રસિદ્ધ કૃતિ `આનંદનો ગરબો’માં ૧૧૮ કડી અને ૨૩૬ પંક્તિ છે. આ અમર રચના સંવત ૧૭૦૯  ફાગણ સુદ બીજના દિવસે રચાઈ હતી. તેમાંથી બે કડી માણીએ…

સ્વર્ગ મૃત્યુ પાતાળ,
વાસ સકળ ત્હારો મા
બાળ કરી સંભાળ,
કર ઝાલો મ્હારો મા
ભૂત ભવિષ્ય વર્તમાન,
ભગવતી તું ભવની મા
આદ્ય મધ્ય અવસાન,
આકાશે અવની મા

ગરબી સાથે દયારામનું નામ જોડાઈ ગયું છે. તેમની ગરબીઓ અત્યંત લોકપ્રિય થઈ.

DAYARAM | Gujarat Sahitya Academy | સર્જક અને સર્જન - YouTube

ગરબીમાં સામાન્ય રીતે રાધાકૃષ્ણની કે કૃષ્ણલીલાની વાત હોય છે જ્યારે ગરબામાં માતાજીની પ્રાર્થના-સ્તુતિ હોય છે. ગરબીનો સંબંધ વૈષ્ણવ પંથ સાથે અને ગરબાનો સંબંધ શક્તિપૂજા સાથે છે. કેદાર વશી આ પૂજામાં જોડાય છે ને સાથે-સાથે એક સવાલ પણ ઊભો કરે છે…

હર ચોરે ને ચૌટે માતા
જગદંબા વર્તાય છે
તો ઘરમાં નારીશક્તિની
અવહેલના કાં થાય છે?
મા, બહેન, બેટી, ભાર્યામાં
જગદંબાનો વાસ છે
દેવો આવી ત્યાં રમે છે
જ્યાં નારી પૂજાય છે

Jagdamba - Wikipedia

નવરાત્રિની ઉજવણી દેશના વિવિધ ભાગોમાં રંગેચંગે કરવામાં આવે છે. `ઈંધણા વીણવા ગઈ’તી મોરી સૈયર’ કે `આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો’ જેવાં ગીતો હવે બિનગુજરાતીઓને પણ અજાણ્યા લાગતા નથી.

તૃપ્તિ ભાટકર નોરતામાં ઓરતા જોડે છે…

નવ રૂપ આદ્યાશક્તિનાં
ઘર ઘર દિપાવે નોરતા
આનંદ ને ઉલ્લાસ, ભકિત
સંગ લાવે નોરતા
રક્ષા કરે મા ભકતની,
સુખ શાંતિની વર્ષા કરે
સહુને ભુલાવી રંજ, ગરબે
મન મળાવે નોરતા

City Gears Up To Organize Garbas This Navratri | Vadodara News - Times of  India
વડોદરા નવરાત્રિ

નવરાત્રિ એટલે આસ્થા અને આરતીનું પર્વ, ગરબા અને ગરવાપણાનું પર્વ, થનગનાટ અને રણકારનું પર્વ, દેવીશક્તિની અર્ચના અને ઉપાસનાનું પર્વ. પારંપરિક પહેરવેશમાં કોઈ આઈટી એન્જિનિયર યુવતી ઝૂમતી હોય કે સ્ટાર્ટ અપનો યુવાન સીઈઓ ગરબે ઘૂમતો જોવા મળે ત્યારે પરંપરા અને આધુનિકતાનો અનોખો સમન્વય રચાય. ડૉ. સેજલ દેસાઈ ઉલ્લાસને વણી લે છે…

માટલીમાં જયોત થઇને શોભતાં
દીવડામાં ઝળહળે છે ઓરતા
કેડિયું ને ચૂંદડી હરખાય બહુ
રાસ ગરબાથી છલોછલ નોરતાં

Navratri Special: Eight interesting facts about Garba dance

ઓણ સાલ નવરાત્રિમાં ખેલૈયાઓ ઝૂમે એ જરૂરી છે. કલાકારો આર્થિક રીતે પ્રવાહમાં વહેતા થાય એ આવશ્યક છે. અર્થતંત્ર અને આસ્થાતંત્ર બંનેનો સમન્વય આવકાર્ય છે. જો કે એ માટે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ભારતી ગડા આ વાતનો નિર્દેશ કરે છે…

તાળિયોના તાલે રમવા
સૌ સાથે થનગનવું થોડું
જગદંબાની પૂજા કરવા
મન ભીતર ઝળહળવું થોડું

લાસ્ટ લાઈન:

108 Names Of Durga | Wrytin

શ્રી મહારાજ્ઞી, શ્રી માતા, તું સકલ જગધારિણી
મમ હદયમાં તેજ રૂપે વસજો ચેતનદાયિની

તું જ સર્જક, તું જ રક્ષક, પુષ્ટિદાતા, અન્નદા
તું ગતિભર્તા, વિધાતા, તું જ પાલનહારિણી

મા કૃપા તારી જો વરસે, મૂઢ પણ વેદો વદે
દોષ, શંકા, દુઃખ નિવારણ કરજો મા વાગ્વાદિની

શુભ નિશુંભને મારનારી, પાપનાશિની, કાલિકા
અંબિકા, કલ્યાણી, આદ્યા, તું અભયપદદાયિની

તવ ચરણમાં વંદીને ભાવે ઉતારું આરતી
ઝળહળે તારાથી જીવન, તું છે આનંદદાયિની

~ મીતા ગોર મેવાડા

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. પરથીભાઈ ચૌધરી,"રાજ"(બાળ કવિ, લોકસાહિત્યકાર, ભજનિક) says:

    મનભરીને જાણે કે ગરબામાં ઝૂમતા હોઈએ એવું સુંદર લખાણ છે. ચાલો નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરતા રહીએ અને મા જગદંબાના ગરબા ગાઈ એને હરખની હેલી લાવી રીઝવતા રહીએ…

  2. આસ્વાદ માણવાનું મન થયા જ કરે એવું લખેછે અમારો હિતેન !